Get The App

ખૂની .

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ખૂની                                                                       . 1 - image


- આજ પરીમલ હતો જે તેનો કોલેજ કાળનો પ્રેમી હતો. સાથે જીવવા મરવાના કોલ આપેલા હતા. પણ પછી... પરીમલ તેના બનેવીના ખૂનમાં સપડાયો.  

'પરીમલ પંડયા' નામ વાંચીને જ નમિતા ઊભી થઈ ગઈ. આ પરીમલ એક નંબરનો ગુંડો... મવાલી... ખૂની...! તેની આટલી હિંમત કે તે મારી ઓફિસમાં મને મળવા આવી ગયો? નમિતા એટલે કોણ ? ગામની મોટામાં મોટી બેંકની મેનેજર. હમણાં જ તે અમદાવાદથી બદલાઈને અહીં આવી હતી. ગમે તેટલી લોન મંજૂર કરવાની હોય તો પણ તેમાં તે કોઈ આશા રાખતી નહીં. એવી આ નમિતા અને તેને મળવા આવ્યો હતો - પરીમલ પંડયા... એક ખૂની, જેલમાં જઈ આવેલો...!

આજ પરીમલ હતો જે તેનો કોલેજ કાળનો પ્રેમી હતો. સાથે જીવવા મરવાના કોલ આપેલા હતા. પણ પછી... પરીમલ તેના બનેવીના ખૂનમાં સપડાયો. સપડાયો શાનો ? તેણે તેમનો ખેલ ખતમ જ કરી નાખ્યો હતો. ઘરની વચ્ચો છરી ઘાલી દીધી હતી તેના ગળામાં, રેડ હેન્ડેડ પકડાયો હતો. બધા પુરાવા તેની વિરૂદ્ધ હતા એટલે તેને ખૂનની કબૂલાત કર્યા વિના છૂટકો જ નહોતો. તેણે પોતે પોતાનો ગુનો કબૂલી લીધો અને તેને આજીવન કેદની સજા થઈ હતી. કદાચ તેની સારી ચાલચાલગત અને વર્તાવના કારણે તેની સજા માફ થઈ હોય અને તે છૂટીને આવ્યો હોય એવું પણ બને. તે તેને મળવા ખાનપુર ગામથી અહીં સુધી આવ્યો હતો એ તે પણ બેંકમાં...!

તે અને પરીમલ એક જ કોલેજમાં ભણતાં હતાં સાથે જ એક ક્લાસમાં...! બંને ભણવામાં હોંશિયાર હતાં, બંને વચ્ચે કાયમ પ્રથમ નંબર માટે હરીફાઈ થતી, ક્યારેક પરીમલનો પ્રથમ નંબર આવે તો ક્યારેક નમિતાનો...! પણ તેમની વચ્ચેની આ હરીફાઈ તો તંદુરસ્ત હરીફાઈ હતી, અને આ હરીફાઈના કારણે જ બંને એકબીજાની વધારે નજીક આવ્યાં હતાં, બંને વચ્ચે મિત્રતા થઈ હતી પણ એ મિત્રતા પરિણયમાં ક્યારે પરિવર્તિત થઈ ગઈ તેનું બેમાંથી એકેયને ભાન નહોતું...! કોલેજ કેન્ટીનથી શરૂ થયેલો ચાની ચુસ્કીઓનો એ દોર ક્યારે હોટલના દરવાજા સુધી પહોંચી ગયો અને ત્યાંથી આગળ વધી ગાર્ડનમાં ફરતો થઈ ગયો તેની બેમાંથી એકેયને ખબર ના પડી. સાથે જીવવા મરવાના કોલ પણ અપાઈ ગયા...! બંને જણે પોતપોતાના વડીલોની સંમતિથી જીવનસાથી બનવાનું પણ નક્કી કરી લીધું હતું પણ...!

નમિતાના પપ્પા સરકારી નોકરી કરતા હતા... અને અચાનક તેમની બદલી થઈ ગઈ દૂરના શહેરમાં. એ લોકો એક થાય તે પહેલાં છૂટા પડવાનો વારો આવ્યો. એકબીજાથી અલગ થઈ ગયાં. જો કે શરૂઆતમાં તો ફોન કોલ્સ અને પત્ર વહેવાર ચાલુ હતો પણ સમયની થપાટો વાગતાં તેમાં ઓટ આવવા માંડી. પરીમલ ભણી રહ્યા પછી કોઈક કંપનીમાં સામાન્ય ક્લાર્કની નોકરીમાં જોડાઈ ગયો છે એવા સમાચાર નમિતાને મળ્યા હતા. નમિતાએ તો કોમ્પીટીટીવ પરીક્ષાઓ અને બેંકની પરીક્ષાઓ આપવા માંડી. તેને નોકરીની કોઈ તાત્કાલિક જરૂર નહોતી, તેના પપ્પા સરકારી ઓફિસર હતા, અને તે દિકરીની કમાણી ખાવા ઈચ્છતા નહોતા. આથી નમિતા શાંતિથી જ ભણતી હતી. જો કે તેના પપ્પાને તેના હાથ પીળા કરવાની તો ઉતાવળ જ હતી પણ હજુ નમિતા પરીમલમાં જ રમતી હતી. પરીમલ સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો હતો પણ વિસરાઈ ગયો નહોતો. અઠવાડિયે, દસ દિવસે તે અને પરીમલ ભેગાં થતાં હતાં. હોટલો, ક્લબો અને સિનેમામાં મોજમસ્તી કરતાં હતાં, એકબીજાના જીવનસાથી બનવાના સપના જોતાં હતાં... નમિતા પરીમલમય અને પરીમલ નમિતામય બની ગયાં હતાં, અને આથી જ નમિતા તેને જે છોકરો બતાવવામાં આવે તેને રીજેક્ટ કરતી હતી. પરીમલની બહેનના લગ્નમાં તો પરીમલ અને નમિતા બન્ને મન મૂકીને નાચ્યાં હતાં. લોકો પણ સમજી ગયાં હતાં કે આ લોકો જ લગ્ન કરવાનાં છે. પણ... તે વખતે પણ નમિતાને લાગ્યું હતું કે પરીમલના બહેનના સાસરીવાળાં પૈસા અને દહેજમાં લાલચુ જ છે. સાસુની સાડીનો છેડો પકડવાની રસમ વખતે, જેમાં માંડ સો કે પાંચસો રૂપિયા દાપું અપાય તેમાં પણ તેમણે રૂપિયા પાંચ હજારની ડિમાંડ કરી હતી. જો કે ત્યારપછી એ લોકોએ કોઈપણ પ્રકારની આડાઈ કરી હોય તેવું સાંભળવામાં આવ્યું નહોતું. પછી જે સમાચાર મળ્યા હતા તે પ્રમાણે પરીમલની બહેનનો સંસાર સારી રીતે જ ચાલતો હતો...! કોઈ વિઘ્ન નહોતું, સ્મુધ રનીંગ હતું.

પણ એકબીજાથી દૂર ગયા પછી તેમની વચ્ચેનો સંપર્કનો સેતુ તૂટી ગયો હતો. ફોન કોલ્સ અને મેસેજીસ ધીરે ધીરે ઓછા થવા માંડયા હતા. ક્યારેક ક્યારેક નમિતા પાસે પરીમલના કે પરીમલ પાસે નમિતાના સમાચાર આવતા રહેતા હતા એથી વિશેષ કાંઈ નહીં. દિવસો વીતતા રહેતા હતા. એક અઠવાડિયે નમિતા ઉપર પરીમલનો ફોન આવ્યો કે આવતા રવિવારે તેના મમ્મી પપ્પા  તેમના સબંધ વિશે વાત કરવા આવે છે. નમિતાએ તો કહી પણ દીધું હતું કે જો તેમણે લગ્નના બંધનમાં જોડાવું હોય તો આ વખતે ફાઈનલ કરી નાખવાનું. નમિતા હવે વધારે રાહ જોવા તૈયાર નહોતી. પરીમલ પણ તેની વાત સાથે સમંત થઈ ગયો. પછીના રવિવારે પરીમલના મમ્મી પપ્પાની હાજરીમાં જ બાકીની બધી વિધિ પતાવી દેવાનો તેમણે નિર્ધાર કર્યો હતો અને ત્યાં જ વિઘ્ન આવી ગયું. રવિવાર આવે તે પહેલાં તો સમાચાર આવી ગયા કે પરીમલે તેના બનેવીનું ખૂન કરી નાખ્યું છે, નમિતાને પહેલાં તો આ સમાચાર સાચા જ ના લાગ્યા પણ પછી ખબર મળી કે પરીમલે ઉપરા ઉપરી છરીના ઘા મારી નિર્દય રીતે તેના બનેવીને રહેંશી નાખ્યો છે, માત્ર એટલું જ નહીં પણ તેણે પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે, પોલીસ સમક્ષ સરંડર કરી લીધું છે, ત્યારે એ વાત સાચી માનવા સિવાય નમિતા પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આમે ય પરીમલ પહેલેથી જ ઉત્પાતિયો હતો. તેણે એફ.વાય.માં હતો ત્યારે પણ એક લેકચરરને ઉપરાઉપરી ત્રણ તમાચા મારી દીધા હતા. જેના કારણે તેને કોલેજમાંથી રસ્ટીગેટ કરવા સુધીની વાત આવી ગઈ હતી, પણ તેણે જે લેકચરરને તમાચા માર્યા હતા તે લેકચરર ઉપર તેની છાપ સારી હતી, તેમણે જ પરીમલને માફ કરી દીધો હતો... બાકી તેને કોલેજ છોડવાનો જ વારો આવત. આમેય તે ગરમ મિજાજનો હતો અને ગુસ્સાના આવેશમાં તે લાંબો ટૂંકો વિચાર કર્યા વિના જ કોઈપણ પગલું ભરી દેતો હતો. તેના ઘરમાં પણ બધાં તેના ગુસ્સાથી ડરતાં હતાં. તે ગુસ્સામાં હોય તો જે વસ્તુ હાથમાં આવે તે પછાડે, જે વસ્તુ હાથમાં આવે તેનો ઘા કરી દે... એટલે પરીમલે ગુસ્સાના આવેશમાં જ તેના પોતાના બનેવીનું ખૂન કરી નાખ્યું હશે - તેમાં કોઈ બે મત નથી જ...!

પટાવાળો પરીમલ પંડયાના નામની ચિઠ્ઠી આપી નમિતા મેડમ સમક્ષ નતમસ્તકે ઊભો હતો - તેના આદેશની રાહ જોતો...! પરીમલને પોતાની વાત રજૂ કરવાની એક તક તો આપવી જ જોઈએ - નમિતાને લાગતું હતું. તેણે પટાવાળાને પરીમલને મોકલવા કહ્યું. પરીમલ આવ્યો. હાય... હેલો કરી નમિતાની રજા લઈ સામેની ખુરશીમાં ગોઠવાયો. નમિતા તેના તરફ તાકી રહી હતી. ઉંડી ઉતરી ગયેલી આંખો, બેસી ગયેલા ગાલ, વધી ગયેલી દાઢી, પરીમલ એક બાવા જેવો દેખાતો હતો.

જેલમાંથી છૂટીને આવ્યો કે જેલ તોડીને ભાગ્યો ? નમિતાએ હસતાં હસતાં પૂછયું.

તને હું જેલમાંથી ભાગીને આવ્યો હોય એવો લાગું છું ? જેલમાંથી ભાગીને તો અહીં અવાય પણ નહીં. તારી સામે આવું તો તું જ મને પોલીસના હવાલે કરી દે. હસતાં હસતાં પરીમલ બોલ્યો. હવે તો તેના હાસ્યમાં પણ પહેલાં જેવો ચાર્મ રહ્યો નહોતો.

તે તારા બનેવીનું ખૂન કર્યું હતું ? શા માટે ?

એટલા માટે તો તારી પાસે આવ્યો છું. દુનિયાની નજરે, કોર્ટની નજરે હું ભલે ગુનેગાર હોવ... પણ હું તારી નજરે ગુનેગાર રહેવા માગતો નથી. દુનિયા ભલે મને ધુત્કારે પણ મારી નમિતા ભલે મારી ના થાય પણ કમસે કમ મને ધિક્કારવી તો ના જ જોઈએ. તારી સમક્ષ મારી નિર્દોષતા ભલે સાબિત ના થાય પણ મારી રજૂઆત કરવા જ હું આવ્યો છું. દુનિયાએ ભલે મને દોષિત ઠરાવ્યો પણ નમિતા... તમે તારા પ્રેમ ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ. હું તારી નજરે ખૂની ના લાગું એટલે જ અહીં આવ્યો છું. બાકી હું જાણું છું કે તેં મારા પ્રેમને અંતરમાં દફનાવી દીધો છે. તારી સમક્ષ હવે હું એક ત્રાહિત જ છું... અને પછી એણે જે કહાણી કહી તેનાથી નમિતાની નજરમાં પરીમલનું સ્થાન અદકેરું બની ગયું.

પરીમલના બનેવીને સરકારી નોકરી હતી. સારો એવો પગાર હતો અને મોભાદાર નોકરી હતી પણ નફફટ નોકરીના ન્યાયે તેને પણ નોકરી છોડીને ધંધો કરવાની ઈચ્છા થઈ આવી. તેણે કોઈને ય પુછયા વિના જ નોકરી છોડી દીધી. કોઈનીય સલાહ લેવાનું તેને યોગ્ય ના લાગ્યું - ઈવન પોતાની પત્નીની પણ તેણે સલાહ લીધી નહોતી. નોકરી છોડયા પછી તેણે પરીમલની બહેનને કાઢી મૂકી - પિયર મોકલી દીધી રૂપિયા પંદર લાખ લેવા. તેને બોલાવ્યો અને બીજે નોકરી કરવા સમજાવ્યો. પોતાનાથી પૈસાની વ્યવસ્થા તો થાય તેમ નથી તેમ ચોખ્ખું જણાવી દીધું. તેમાંથી એ બે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો. તેનો બનેવી છેલ્લા પાટલે બેસી ગયો - જો તારા ભાઈથી મારી માગણી પૂરી ના થતી હોય તો તું પોતે ધંધો કર... ધંધો કરીને પણ મારી માગણી પૂરી કર... એવું અલ્ટીમેટમ તેણે પરીમલની બહેનને આપી દીધું. ઝગડો વધી પડયો. તુ...તુ...મેં...મેં... થયું. પરીમલનો બનેવી રસોડામાંથી છરી લઈ આવ્યો... એ વાતની ખબર પડે તે પહેલાં જ તેણે એ છરી પરીમલની બહેનના ગળા ઉપર મુકી દીધી, ઝપાઝપી થઈ. તેમાં પરીમલની બહેનના હાથે જ પોતાના પતિનું ખૂન થઈ ગયું. તેના ગળામાં છરીના ઉપરાઉપરી ઘા થયા. અને પરીમલે પોતાની બહેનને બચાવવા છરી પોતાના હાથમાં લઈ લીધી... પુરાવા ઉભા કર્યા અને પોતાની બહેનના બદલે તેણે પોતાની જાતને ખૂની સાબિત કરી દીધી.

પરીમલની વાત પૂરી થઈ ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો અને નમિતા રડતી રડતી પરીમલને બાઝી પડી.

- અર્જુનસિંહ કે. રાઉલજી

killer

Google NewsGoogle News