સુખનો સૂરજ .

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
સુખનો સૂરજ                                                       . 1 - image


- 'હા, યસ... હું વિરેનની પત્ની કિન્નરી.' મી. વિરેનને હોટલમાં હાર્ટએટેક આવ્યો છે. અને બાકીના શબ્દો હવામાં વિખેરાઈ ગયા.....

'પ પ્પાજી, આ તમારી સ્પે. ઇલાયચીવાળી ચા અને મમ્મીજી આ તમારી આદુ ને મસાલા વાળી ચા.'

દિનેશભાઈ અને માલાબહેન, વરાળ નીકળતા, આખા ભરેલા ચાના કપ લઇને થનગનતી આવેલી કિન્નરીને જોઈ રહ્યા.

આજે તો જાણે સુખનોસુરજ ઉગ્યો હતો. બન્નેએ એકબીજાની સામે નજર કરી. મનોમન પરમાત્માને વંદી રહ્યા. વિરેનની આવી પસંદગીને પોતે જાકારો આપી રહ્યા હતાં ! ક્યાંક ન બનવાનું બની જાત તો...!

વિરેનના લગ્નપ્રસંગને હજી પંદર દિવસ થયા ન હતા. ચુલબુલી કિન્નરીએ આખા ય ઘર ને પોતાનું બનાવી દીધું હતું. ખોબેખોબા ભરીને સુંદરતા એને પરમાત્માએ આપી હતી.

ગોરો વાન, સુદ્રઢ શરીર, ચહેરાની સુંદરતા તો એવી કે જોનારની નજર બે ઘડી તેના ચહેરા ઉપરથી ખસી ન શકે. તો વિરેનનો બિચારાનો શો વાંક...! અને કમી તો ક્યાંય હતી જ નહીં, ન્યાતજાત પણ ઉતરતી ન હતી. મધ્યમવર્ગીય પરિવાર, એ જ લગ્નની ના પાડવા માટેનું કારણ હતું.

ધનકુબેર દિનેશભાઈ ઇમીટેશન જ્વેલરીનો બિઝનેસ કરતાં હતાં. જો કે તેમનું મન સાક્ષી હતું કે માર્કેટમાં તેમણે પોતાની શાખ ઉભી કરી હતી. પરંતુ માથા પર લોનનું ભારણ પણ એટલું હતું. જો કે દિનેશભાઈની નીતિ સારી હતી. અને બિઝનેસની કુનેહ હતી.

તેમના બે દીકરા, તેમાં મોટો દીકરો સુનીલ, તેની પત્ની જયા ્ને દીકરી પિયા, સુનીલ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો. અને વિરેન કોલેજમાં પ્રોફેસર હતો. ત્યાંથી કિન્નરી જેવું ફૂલ તેણે પોતાનું કરી લીધું.

આ જગતમાં પરમાત્માએ દરેક માનવીને બે આંખો આપી છે. એક આંખ સારું જુએ છે અને બીજી આંખ... તે સારી વસ્તુ ઉપર કુદ્રષ્ટિ કરે છે.

દિનેશભાઈના પરિવારમાં પણ એવું જ બન્યું. લગ્નના મર્યાદિત સમયમાં કિન્નરીએ સાસુ સસરા નો એવો પ્રેમ જીતી લીધો કે જ્યાંની બીજી આંખમાં તે કણાની જેમ ખૂંચવા લાગી. પોતાના પતિ ને તે કિન્નરીની નાની નાની વાતોમાંથી ખોડખાંપણ કાઢીને કહેતી. એટલે સુનીલને પણ કિન્નરી માટે માન ન હતું.

પરંતુ કિન્નરી તો નિ:સ્વાર્થ ભાવે કામ કરતી. મોટાભાઈ ભાભી અને સાસુ સસરા દરેકનું માન સાચવતી અને પતિ વિરેનને માટે તો હૈયાનો હાર બની ચમકારા મારતી.

'લાવો પપ્પા... તમારા આ દાગીનાની ડિઝાઈન કરવામાં હું તમારી મદદ કરું...!' એક દિવસ કિન્નરીએ કહ્યું

'બેટા.., તું આ દાગીનાની ડિઝાઈન બનાવીશ...!'

'હા પપ્પા, મને તો બહુ શોખ છે.'

દિનેશભાઈ કિન્નરીની સામે જોઈ મનમાં વિચારી રહ્યા. બન્ને દીકરાઓને તો એજ્યુકેશન એટલું આપ્યું છે કે પોતાની આ ઇમીટેશન જ્વેલરી શોપનું ઉત્તરાધિકારી તો કોઈ થવાનું જ નથી. તો પછી કિન્નરીની આતુરતાને આગળ વધારવી...!

અને તેમણે મોબાઈલ ઉપર કંઇક વાત કરી અને !

કિન્નરી બેટા...! આવતી કાલથી તમારે એક મહિનો જ્વેલરી મેકિંગના ક્લાસ કરવા જવાનું છે.

'શું વાત છે પપ્પાજી. તમે તો મારા મનની વાત છિનવી લીધી.'

આવી મહત્ત્વાકાંક્ષી દીકરાની વહુ હોય તો બિઝનેસમાં પારકાની શી જરૂર...!

અને બીજા દિવસથી ઘરનું દરેક કામ આટોપતા, કિન્નરી એ ક્લાસમાં જવાનું શરૂ કરી દીધું. કંઇક નવું નવું શીખવાની, જાણવાની ધગશ તેને આગળને આગળ લઇ ગઈ. અને ખૂબ ઓછા સમયમાં તેણે આખો કોર્સ કરી, દિનેશભાઈના બિઝનેસમાં સહકાર આપવા માંડયો.

જીવનમાં સારા દિવસોને આવતા વાર લાગતી નથી.

'વિરેન...! તમે અને હું મમ્મી પપ્પા બનીશું.'

તે દિવસે વિરેને કિન્નરીને પોતાના બાહુપાશમાં સમાવી દીધી. કિન્નરી એ આંખો બંધ કરી દીધી. ક્યાંક આંખોના માધ્યમથી ખુશી છલકાઈ ન જાય.

પૂરા સમયે લક્ષ્મીજીનો  જન્મ થયો. આખા ય ઘરમાં રોનક છવાઇ ગઈ.

સાસુ સસરા તો કિન્નરીને આંખો ઉપર રાખતા.

'કિન્નરી બેટા... ઘરનું કામ ન થાય તો કાંઈ નહીં. આપણી પરી' ને સાચવજો.

સાસુજી તો પોતાના ખોળામાંથી પરી'ને મૂક્તાં જ ન હતાં. મોભાદાર પરિવારમાં પિયા અને પરી' મોટા થવા લાગ્યા.

વળી બે વર્ષ વીત્યા ન વીત્યા કે કિન્નરીએ દીકરા... પ્રશાંતને જન્મ આપ્યો. અને સુખની સેજ ઉપર હીંચકોલા ખાવા લાગી.

જ્યાં.., પોતાના કચવાતા મને કિન્નરીની સાથે રહેતી. વધારે બોલતી નહીં પરંતુ કિન્નરીનું સુખ તેનાથી જીરવાતું ન હતું.

'પપ્પાજી... હવે આ ઘર નાનું પડે છે. બાળકોને ભણવા માટે પણ રૂમ જોઇએ.' એક દિવસ જયાએ કહી જ દીધું.

દિનેશભાઈ જયાને સાંભળી રહ્યા. સમજી રહ્યા. તેમની અનુભવી આંખો દિવસોથી કંઇ ક જોઈ રહી હતી.

'જયા' બેટા...અહીં નવા વીઆઈપી' રોડ ઉપર પેનોરમા બિલ્ડીંગ બની રહ્યું છે. તેના બિલ્ડર મારા ખાસ મિત્ર છે. તેમાં તમારા માટે ત્રણ બેડરૂમનો ફ્લેટ બુક કરાવી દેશું...!'

અને જયા અને સુનીલની ખુશીઓને તો જાણે ચાર ચાંદ લાગી ગયા. એક વર્ષમાં પઝેશન પણ મળી ગયું. સારા દિવસે...સારા ચોઘડિયામાં, મોટા દીકરાવહુએ નવા ઘરમાં પ્રવેશ કર્યો. હવે તો કિન્નરી અને બિઝનેસ ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

હંમેશા સિક્કાની બે બાજુ હોય છે અને કહેવાય છે ને કે, 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ?'

એક ટૂંકી માંદગીમાં દિનેશભાઈનું આ દુનિયામાંથી વિદાય લેવું માલાબહેન અને કિન્નરીને હચમચાવી ગયું. પોતાના પતિના અવસાનનો આઘાત ન જીરવાતા, એક વર્ષમાં જ માલાબહેને પણ, કિન્નરી સામે જોઈ, સંતોષથી આ દુનિયામાંથી વિદાય લીધી.

પરી, પ્રશાંત તથા વીરેનની જવાબદારી સાંભળવાની સાથે સાથે જ્વેલરી બિઝનેસની તમામ જવાબદારી કિન્નરીએ ખુબ કુનેહપૂર્વક સંભાળી લીધી. દિનેશભાઈએ પોતાની શાખ જાળવી રાખવા માટે લીધેલી લોનના બોજાઓથી તે અજાણ હતી. પરંતુ હવે તેને બધી સમજ પડવા માંડી હતી. અને બંધ મુઠ્ઠી રાખી તે સસરાનું માન સાચવતી હતી.

સુનીલ અને જયા સાથેનો સંબંધ તો નહીવત જ હતો. પરંતુ ઘરમાં અને બિઝનેસમાં ભાગ માંગવાનું તેઓ ચૂક્યા નહીં.

કિન્નરીએ હસતાં ચહેરે ભાઈ-ભાભીને ભાગ તો આપ્યો. પરંતુ અંદરથી પોતે ભાંગી ગઈ હતી. જો કે જીવનમાં ઉતાર-ચડાવ તો આવવાના જ અને કિન્નરી તેનો હિંમતભેર સામનો કરતી.

'કિન્નરી મારા ખાસ મિત્રના લગ્ન છે પુનામાં'

'તો.. તમે શું કહો છો...?'

'તું કહે તો બધાં સાથે જવાનો પ્રોગ્રામ ગોઠવીએ. આઉટીંગ પણ થઇ જશે.'

વાત કરતાં કરતાં વિરેને કિન્નરીના કપાળ ઉપર રમી રહેલી વાળની લટ ને વ્હાલથી સ્પર્શ કર્યો.

જો કે... કિન્નરી, સાત વર્ષનો દીકરો પ્રશાંત અને દશ વર્ષની દીકરી પરીને ઘડીક જોઈ રહી.

'વિરેન..સ્કુલ, ટયુશન ચાલુ છે અને બાળકોને લઇને જવાનું કપરું થઇ જશે. વળી શોપ ઉપર પણ ! હમણાં તમે જઈ આવો. પછી આપણે ફરવા જઈશું.'

બીજે દિવસે સવારમાં વિરેન બાયરોડ પુના જવા નીકળી ગયો. મોબાઈલ માધ્યમથી સમયાન્તરે વાતચીત થતી રહેતી.

બીજે દિવસે વહેલી સવારે હોટલમાંથી ફોન આવ્યો.

'મી. વિરેન શાહના ઘરેથી બોલો છો.'

'હા, યસ... હું વિરેનની પત્ની કિન્નરી.'

મી. વિરેનને હોટલમાં હાર્ટએટેક આવ્યો છે.

અને બાકીના શબ્દો હવામાં વિખેરાઈ ગયા. કિન્નરીના હાથમાંથી ફોન સરકી ગયો. આંખો સામે અંધારા છવાઈ ગયા.

હસતાં ખેલતાં પરિવારમાં અચાનક અજુગતું શું બની ગયું. કિન્નરીના માથા ઉપર તો જાણે આભ તૂટી પડયું હતું. કોઇને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી પરિસ્થિતિમાં પણ ભાંગી પડવાનું તો હતું જ નહીં.

રડવાનો સમય ન હતો. કામ કરવાનું હતું. બન્ને બાળકો મમ્મીના પગ સાથે વીંટળાઈને તેની પાસે ઉત્તર માંગી રહ્યા હતા. મમ્મી ... શું થાય છે... મમ્મી શું થયું છે.

અને કિન્નરી એ પોતાની જાત ને હિમ્મતભેર સંભાળી લીધી. કિન્નરી હિંમત ન હારી.

બંને બાળકોને સ્નેહપૂર્વક છાતી સાથે લગાડયા. અને ત્રણે જણા થોડા જ સમયમાં પુના જવા નીકળી ગયા. મક્કમતાપૂર્વક તે બાળકોને લઇ પુના પહોંચી. હિંમતભેર પતિની ડેડ બોડી લઈ હૃદય ઉપર પથ્થર રાખી વિરેનના અંતિમ સંસ્કાર કર્યા.

સાસુ સસરા તો રહ્યા નહી. જેઠ-જેઠાણીએ તો મુખ ફેરવી લીધું હતું.

સંસાર સમા આ અફાટ મહાસાગરમાં ગડથોલાં ખાતાં ખાતાં તેની નાવ હચમચી ગઇ હતી. છતાં સુકાન તેના હાથમાં હતું. હજી તો ઘણું કામ કરવાનું હતું. નાના નાનાં બાળકોને આ દુનિયામાં તેમનું સ્થાન અપાવવાનું હતું. પતિ અને સસરાની કિર્તીને આગળ વધારવાની હતી.

સમય અને સંજોગો તો આવે અને જાય. પરંતુ કપરા સમયમાં એક મક્કમતા અને હિંમત કિન્નરી એ જાળવી રાખી હતી.

જન્મ સમયે એકલાં જ આવવાનું છે. અને એકલાં જ જવાનું છે. એકલપંડે આગળ વધવામાં ડર શેનો...?

હવે સસરાના રૂપિયા પૈસા હતાં નહીં. પરંતુ તેમની શાખ હતી. અને જ્વેલરીના શૉપ હતા. બિઝનેસ ટકાવી રાખવા તેણે મરણિયા પ્રયત્નો કર્યા, જેમાં તે સફળ બની રહી.

જીવનના બીજાં ૧૫ વર્ષ ક્યાં વીતી ગયા તે ખબર જ ન પડી. એક દિવસ યુવાન પરીન, કુશને સાથે લઇને આવી.

વૈભવશાળી ઘરનો સંસ્કારી પરિવારનો દીકરો હતો અને કિન્નરીએ વિરેનના ફોટા પાસે ઉભા રહી મસ્તક નમાવી દીધું.

'વિરેન... આપણા પરિવારની જવાબદારીઓ હું નિભાવી રહી છું. આપણી દીકરીને આશિર્વાદ આપજો.'

પરીનૂના લગ્નના બે ત્રણ વર્ષમાં જ ઘરમાં ચુલબુલી કિન્નરીની જેમ જ ચહકતી પ્રશાંતની વહુ પણ આવી જ ગઈ.

ફરી એકવાર પરિવારમાં સુખનો સુરજ ઉગી ગયો હતો. કિન્નરીએ સંતોષથી આંખો બંધ કરી, મનોમન પરમાત્માને વંદી રહી. 'આ સુખને મારી મુઠ્ઠીમાંથી રેતીની જેમ સરકી જવા ન દેતા. મારા બાળકો ખુશ રહે એવા આશિષ આપજો.'

- ભાવના હેમંત વકીલના

Ravi-Purti

Google NewsGoogle News