અગાશીનું અલંકૃત ભવાની શંકર મંદિર
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- ભગવાન પરશુરામ સ્થાપિત 108 તીર્થકુંડ (પુષ્કરિણી)
પ્રાચીન મંદિર સ્થાપત્યનો સંદર્ભ આવે ત્યારે એમાં સહજ રીતે જ ઈતિહાસ અને પુરાણોનો પાશ લાગે. આપણા દેશનો પિંડ જ એનાથી ઘડાયેલો છે અને વળી એમાં ભળે કલાના વિવિધ વિભાગો. સ્વાભાવિક છે કે પૌરાણિક સમયના બાંધકામની વિગતો તપાસીએ ત્યારે એ કયા રણનું હશે એ જાણવાની ઉત્કંઠા થાય. અન્ય હકીકત એ છે કે પૌરાણિક પ્રસંગો અંગે જે તે સ્થળ પોતાની દાવેદારી નોંધાવે છે. શબરી-પંપા સરોવર અનેક રાજ્યોમાં જોવા મળે ત્યારે થાય કે ખરેખર આ પાત્ર ક્યાંનું ? સીતાની રસોઈ, ભીમના પરાક્રમ, દેવી-દેવતાનો અને રાક્ષસોના જીવનપ્રસંગો વિધવિધ જગ્યાઓએ પોતાની હાજરી નોંધાવે ત્યારે વિચારોમાં ગરકાવ થઈ જવાય. ખેર; કળા, સાહિત્ય તથા લોકમાન્યતાઓને આધારે ઉત્સુક માનવીઓ હકીકતોનો તાળો મેળવી સંતુષ્ટ થાય અને રસિકોના મનમાં ઉઠતા પ્રશ્નોના ઉત્તર પણ આપે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વસઈ તાલુકાના અગાશી (અગાશી) ગામે લટાર મારીએ તો ત્યાં અનેક પ્રાચીન સ્થાપત્યોનો સાક્ષાત્કાર થાય. બહુવિધ ધર્મો અને પંથોનાં આસ્થાસ્થાનોથી રળિયાત આ ગામનો સંદર્ભ છે...ક ત્રેતાયુગ સુધી પહોંચે. આ ગામ અને તેનો તાલુકો વસઈ એટલે એક ''બેઝિન'' અર્થાત્ પાણીના આવા ગમન માટેની દરવાજાવાળી ગોદી એટલે કે જમીનથી ઘેરાયેલું બંદર. તેનાં અન્ય નામો છે શોરપરાગ, શુરપારક ઈત્યાદિ. ભગવાન પરશુરામે અહીં નિર્મલ નામની ટેકરી ઉપર નિર્મલેશ્વર (વિમલેશ્વર) મંદિર વિમલા સરોવર કને બંધાયેલું તેવું કહેવાય છે.
દુર્ગ ભરારી કિલ્લો થયો અદ્રશ્ય''
વસઈની આસપાસ ચોંસઠ યોગિનીઓનાં શ્રી સ્થળનો ખાસ ઉલ્લેખ સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં થયેલો છે. આ આખોય વિસ્તાર સમાધિઓ અને મંદિરોથી ખીચોખીચ ભરેલો છે. એમાંય અગાશી ગામે ચાર શતક પુર્વે બંધાયેલું કલાત્મક ભવાની શંકર મંદિર રાજા બિંબના શાસનમાં પ્રસ્તુત કિલ્લાની આસપાસ જ હોઈ શકે કારણ કે અહીંના ભવાની તળાવ ઉર્ફે અગાશી તળાવના બાંધકામ દરમ્યાન અહીંથી મોટા મોટા પ્રસ્તર-બેલા (પથ્થરો) મળી આવેલા. પ્રાચીન મૂર્તિઓ પણ જડી આવેલી. તે સાબિત કરે છે કે ત્યાં કિલ્લા જેવી કોઈ પ્રાચીન ઈમારત હશે જ. કુદરતી સૌંદર્ય, વનરાજી, વરસાદ અને સંસ્કૃતિ આધારિત જીવનચર્યા જોઈ આ શક્યતાને નકારી શકાય નહિ. ચિમાજી નામના વિજયી નગરશ્રેષ્ઠીના કમાન્ડર શંકરજીએ ૧૭૩૯ થી ૧૭૫૦ દરમ્યાન આ મંદિરની સંરચનાને આખરી ઓપ અપાયેલો. નવયુગના જાગૃત નાગરિકો અને સુસજ્જ સત્તાધારીઓના સંયુક્ત પ્રયાસોથી શિવના અનેક સ્વરૂપોયુક્ત આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. એક સુંદર, સુસજ્જ નવીન મંદિર ઉભરી આવ્યું. નવનિર્માણ કરતાં કરતાં સમાંતરે સમય સૂચક્તા વાપરી, શિવાલયની ગરિમા સાચવી કલાકર્મીઓએ મૂળ મંદિરના પથ્થરો (દગડી)ના ભગ્ન અવશેષો અને વિભાગોને યથાવત રાખી તેનાં માન, પાન, સ્થાન જાળવી રાખ્યાં છે. એક મુખ્ય બદલાવ એ લવાયો કે એ પ્રાચીન મંદિર મરાઠા પદ્ધતિની ''કૌલારુ શૈલી''નું હતું તેને આધુનિક તંત્રજ્ઞાનની મદદથી આગવો ઓપ અપાયો. તળાવ કાંઠે નૂતન શિવાલય ચોમેર નળિયાવાળા છાપરા સાથે એય...ને શોભે છે.
દીપમાળ ફુલ્લ કુસુમિત શ્વેત, મરૂન કિનાર યુક્ત
મંદિર અંદર ઠેર ઠેર સિરામિક ટાઈલ્સ અને મોઝેક ટાઈલ્સની છો. સભામંડપમાં ''શાહબાદ'' પથ્થરની અલગ જ લાગતી છો અને છાપરે કાષ્ઠના પાટડા તથા છજા ઉપર પ્લાસ્ટરવાળી છત સાગના લાકડાંની ત્રાંસી પટ્ટી ધાતુની જાળી સુધી પહોંચે. ભવાની શંકર મંદિરમાં અદ્વિતીય બાસ રિલીફ (ઉપસેલાં) શિલ્પો ભવ્યતામાં ઉમેરો કરે. બાહરી દીવાલો પર કામધેનુ અને કલ્પવૃક્ષનાં શિલ્પોનાં જાણે કે જડતર કામ ! જરા હટકે યોજનાથી બનેલ આ મંદિરનાં ઘરેણાં જ છે પ્રાચીન શિલ્પો ! ઠેર ઠેર લાલ, સફેદ, પીળા, ગુલાબી, મરૂન રંગોની લકીરોની રંગછાયા પંખુડી ભાત સહ સ્મિત કરે. પ્રવેશે પૂર્ણ ગોળાકાર કમાન કાંગરીને લીધે અને
રંગસજ્જાને લીધે જાજરમાન લાગે. મંડપ, ગર્ભગૃહના સ્તંભો પણ રંગદાર અને નાની મોટી આકૃતિઓથી આકર્ષક લાગે. મંદિરમાં શિવ દરબારનો દબદબો ભારે. ભવાની એટલે પાર્વતી પતિ સંગ અને પુત્ર ગણેશ પ્રકાશપુંજથી ઝળહળતા ભાસે. અમ્મા આશિર્વાદ મુદ્રામાં પ્રસન્ન લાગે. નંદી જેમની સન્મુખ બેઠા હોય એવા પવિત્ર પારંપરિક લંબગોળ શિવલિંગ થાળાને ટેકે ઉભેલા મળે. થાળામાં કમળભાત, અનેરી પાંખડીઓ શ્વેત રંગે રંગાયેલા સુંદરતમ ભાસે ! અરે ! પ્રાચીન સચવાયેલા પ્રસ્તર મંદિરની છતમાં કેન્દ્રે કમળભાત અને કિનારીએ ફૂલ અને ટોડલાની રચના મોહક લાગે. પહોળા મજબૂત પથ્થરના સ્તંભો ગોળ છે અને હજુ મૂળ રંગ ટકાવીને ઊભા છે. ગણેશ ગોખમાં પુષ્પ, ચક્ર વલયભાત કોતરણીવાળા પ્રસ્તર પર પ્રભાવી લાગે છે. તળાવ, મંદિર અને નારિયેળીનું ઝુંડ અનોખો ત્રિકોણ સર્જે છે ભવાની શંકર પરિસરમાં !
લસરકો :
મજબૂત ઐતિહાસિક પૂર્વભૂમિકા ધરાવતા ભવાની શંકર મંદિરને શ્રદ્ધાળુઓ માન-પાન-સ્થાન સહ જ્યોતિર્લિંગની કક્ષામાં મુકે છે.
પ્રાચીન અને નૂતન કલાનું હસ્તધૂનન
જૂના ભવાની શંકર મહાદેવમાં સભાગૃહ ઉપર એક નાનકડી ''માડીચી'' (ઓટલી જેવું)ની સોઈ પણ હતી જેની ઉપર મોટે ભાગે મહિલાઓ બેસીને પ્રવચન વગેરેનાં રસપાન કરતી. હવેના નવા બાંધકામમાં આ સુવિધા નથી. બદલેલા મુખ્ય ભાગમાં બાર જ્યોતિર્લિંગની ઝાંખી કરાવતાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. સભામંડપ, પ્રદક્ષિણા માર્ગ અને શિખરો સુદ્ધાં બદલવામાં આવ્યાં છે. આ સમારકામ શ્રી દત્તરાઉત અને મંડળીની નિશ્રામાં થયું જેમાં ભવ્ય ભૂતકાળની ઝાંખીને સાચવવાના ભારે પ્રયત્નો કરવામાં આવ્યા. ''હીરોસ્ટોન'' નામનું ખાસ સ્થળ અને સમાધિ અપવાદરૂપે ઉકરડાને હવાલે થયાં. પરદેશી આક્રમણ સામે ઝીંક ઝીલી છતાં પ્રાચીન 'લેમ્પ પોસ્ટ' અને કેટલીક સમાધિઓ ઉવેખાઈ. અત્યંત રમણીય-જોવાલાયક આ મંદિર ભાગ્યે જ જોવા મળતા સ્થાપત્યોની શ્રેણીમાં આવે છે. અષ્ટકોણીય ધવલ મંદિરનું લિંગાકાર સફેદ શિખર શિર્ષ ઉપર રજોટિયું અને કુંભ કળશ ધરાવે છે. શિખરની સોડમાં અન્ય નાના શિખરો વચ્ચે વર્તુળાકાર ભાત જણાય છે જેની શૈલી મુખ્ય શિખર સમકક્ષ છે. સાથે બે નાનાં છજાદાર મંડપ પર પણ કળશ શોભે અને નળિયાં તો ખરાં જ. મુખ્ય મંદિરના દ્વાર કમાનદાર અને લંબચોરસ બેઠી દડીની ઈમારત જવલ્લે જ જોવા મળતું અચરજ છે. આ મંદિર સ્પષ્ટપણે ત્રણ વિભાગોમાં વહેંચાયેલું જોવા મળે. આંતરિક ગર્ભગૃહ, એની ફરતે સ્તંભદાર પ્રદક્ષિણા પથ અને સન્મુખ સભામંડપ, ગર્ભગૃહ પણ અષ્ટકોણીય જેને સ્તંભદાર મંડપે દોર્યુ છે. કાષ્ઠ સ્તંભો અત્યંત ગીચ નકશી-કોતરણીવાળા સોહે. મોટા વિશાળ કાષ્ઠ મદલને ટેકો કરે. અહીં નગાર ખાના પણ છે. મુખ્ય પ્રવેશદ્વારની પૂર્વ દિશાએ દીપમાળનો સ્તંભ અદ્વિતીય લાગે ! અત્યંત શૃંગારિત.