Get The App

ઓ આકાશ! શાં તારાં કરતબ! .

Updated: Jun 6th, 2023


Google NewsGoogle News
ઓ આકાશ! શાં તારાં કરતબ!                                 . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- 'આકાશ' શબ્દના ઉદ્ગાર સાથે જ ઘણું બધું પાછળ રહી જતું હોય છે, છૂટી જતું હોય છે

આ આકાશને શું કહું ? કૌતુકાલય કે પછી જિજ્ઞાસાલય ? કદાચ બંને. શૈશવથી તે આજ દિન સુધી હું એના આકર્ષણમાંથી છૂટી શક્યો નથી. હા, અવસ્થાભેદે મારી દ્રષ્ટિમાં તેને જોવામાં ફેર જરૂર પડયો છે. પણ તેના વિશેની સ્પૃહામાં હજી કશે ઓટ આવી નથી. ચૈત્ર-વૈશાખ મહિનાઓમાં તે 'વિરકત' શબ્દનો પૂર્વાભાસ આપી રહે છે તો આષાઢ-શ્રાવણ-ભાદ્રપદ વગેરેમાં તે કંઇક લટકાળું બની રહે છે. જેઠમાં તેની નિર્લિપ્તતા ટોચે પહોંચે છે. કારકત-માગશરમાં તેનું વિનીત રૂપ સ્પર્શી રહે છે. આસોમાં તે કંઇક હરખીલું બની જતું હોય છે. પોષમાં તેની બધું શોષી લેવાની કંજૂસાઇભરી વૃત્તિને તે પ્રગટ કરે છે. ફાગણમાં તે ધરતીની ચાલે નૃત્ય કરવા અધીરુંં હોય છે. મહામાં તેની મૂળ પ્રકૃતિનો રાજસી વૈભવ ખીલી રહેતો હોય છે પણ આ બધી તો ઉપર ટપકે વાત થઇ. ખરું તો એ છે કે તે તેનું આકાશત્વ એવું છૂપાવીને રાખે છે કે કશાનું, ક્યારેય ત્યાં ફોડ પાડીને આપણે નામકરણ ન કરી શકીએ. નામકરણ નથી થતું તો તે પણ ઇશ્વરની જેમ ન ઇતિ, ન ઇતિ જ પછી રહે છે. આ ન ઇતિ જ આકાશ છે. એ 'નઇતિ' છે. તેથી તે ઉસ પાર, ઉસ પાર લઇ જાય છે. ગંતવ્યનો નહીં, ઉસ પારનો જ મહિમા. હજી એ ચૈત્ર-વૈશાખ-જેઠની રાત્રિઓનું બાળપણમાં કરેલું દર્શન તરોતાજા છે. અમારો સ્મરણ બટવો હજુ એ આકાશે જ તેના કોઇક ખુણામાં 'ગુપતરસ'  સાથે સંતાડીને રાખ્યો છે. તારાઓ સાથે કેવી કેવી રમણીય ગોષ્ઠીઓ કરી છે ! કોઇ તારો ખસતો નિહાળ્યો હોય, એક બીજી દિશા તરફ કોઇકને ગતિ કરતો નીરખ્યો હોય, ક્યાંક કોઇકને ખરી પડતો જોયો હોય, અમારું અંદરનું આકાશ પણ ત્યારે એ આકાશ સાથે જોડાઈ આનંદ-શોકની સંવેદના સાથે અનુસંધિત થઇ જતું. વખતે દિવસે સ્લેટમાં કે કોઇ કાગળમાં ભૂરા રંગની પેન્સિલથી કે સાદી પેનથી-પાટી કે કાગળ પર તેનું ચિત્ર દોરતા. બ્લ્યુ-ઝોનનો એક આનંદપ્રદેશ અંકિત કરી દેતા. નીચે વાદળો, એની નીચે થોડાંક પંખીઓ...આકાશ એમ વિસ્તરતું રહ્યું છે-મારામાં !

આજે વિચારીએ છીએ ત્યારે લાગે છે અરે, એ બાળલીલાનું આકાશ હતું, તો આજનું બીજું અવર્ણિત આકાશ પણ ત્યાં જ છે. હા, હવે સમજણ વધી છે  કે આકાશ દોરી શકાય નહીં, આકાશ નિહાળી શકાય. એક ઋતુમાં નહીં, બધી ઋતુમાં, બધા પ્રહરોમાં તેને ટાંકી ટાંકીને જોવું પડે. હવે અહીં કશુ ચિત્રિત નથી કરવાનું પણ નીચે ધરતી પર જે ચિતરામણ કરી રહ્યા છીએ, તેની સાથે એ આકાશ વડે તાળો મેળવતા રહેવાનો છે. ત્યાં આનંત્ય છે, સીમારહિતતા છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા, ગ્રહો-નક્ષત્રો ઘણું છે. ત્યારે બાળમનને ત્યાં ઇશ્વર રહેલો દેખાતો હતો. હવે મોટપણે લાગે છે કે આકાશ જ ઇશ્વર છે. નઇતિ નઇતિ વાળા ઇશ્વરનું જ એક રૂપ-સમૃદ્ધ રૂપ. આપણા ઋષિએ તેથી આકાશમાં પણ શાંતિને ઝંખી છે, સપ્તપદીમાં પણ આકાશનું સ્મરણ કર્યું છે. આમ જોઇએ તો આકાશ પહોંચની બહારનું નથી, ઢૂંકડું લાગે, પણ સત્ય ભિન્ન છે - તે દૂર, દૂર, નિઃસીમનિર્વાક અને નિર્વાટ છે, છતાં સર્વનું તે નિમંત્રક રહ્યું છે. 'આકાશ' શબ્દના ઉદ્ગાર સાથે જ ઘણું બધું પાછળ રહી જતું હોય છે, છૂટી જતું હોય છે. એના આંતરમેળાપ પૂર્વે જ તે વિભિન્ન રીતે પ્રેરી રહે છે, સૌંદર્યના આલોક પ્રતિ દોરી જાય છે. તેની સાથે એકરાગ થતાં જ અનુભવી રહેવાય કે આ એક એવું 'ન ઇતિ' છે જે નિરંતર મારી સાથે જોડાયેલું છે, મારા ધબકારને એ સાંભળે છે, મને પાંછો આપીને તેના સુધી ઉડ્ડયન કરી રહેવા ઇજન આપી રહે છે, મને મારી સીમાઓનું ભાન કરાવી રહે છે, તે મને તો ખરું જ, મારી મુક્તિને પણ ઇચ્છે છે, મારામાં ગુરુત્વનાં બી વાવી રહે છે. આકાશનો ભૂરો-વાદળી રંગ તેથી મને ઉત્સાહિત કરી મૂકે છે., મારો એ સાયકલો બ્લ્યૂ ઝોન બની રહે છે એ મને એનામય કરી રહી, મારા ખંડિતો રૂપોને અખંડ કરી રહે છે, એક અનપેક્ષિત આકાર સર્જી રહે છે. બાળપણમાં દાદી કહેતી - 'તારો ઇશ્વર ત્યાં સંતાયેલો છે, ત્યાંથી બધી તે તેની કરામત કરે છે ? દાદીના એ શબ્દો આજે પૃથકરીતે સાચા લાગે છે. એ ઝળૂંબેલા આકાશમાં કોઇક આશીર્વાદની એવી મુદ્રા રહી છે જે નીચે ધરતી પર રહેલા સૌને એ ગઠિત કરી રહે છે. તેમ, હું, તે, અને અન્યો પણ-આપણે એક જ આકાશ નીચે શ્વાસ ભરી રહ્યા છીએ - એ શું એક વિરલ ઘટના નથી  વારું ? ઓહ ! આપણે પણ પરસ્પર, નહીં મળી શકનારે ય કેવું આશ્વાસન પામી રહીએ છીએ ! આકાશને તાક્યા કરો, અંદરની ગૂંચો ઉકેલાતી જશે. ગુડ બાઇલ્સનો તો ત્યાં મહાગાર છે આખો !

આકાશ ખુદ એક ચિત્રકાર છે. તે નિત્ય અવનવી રંગોળીઓ પૂરતો રહે છે, વિભિન્ન પ્રહરોમાં તેની રૂપશ્રીને અલગ અલગ રીતે પ્રસ્તુત કરે છે. તે નિઃસીમ રહીને પણ પોતાને શોભા સંભૃત કરવાનું ચૂકતું નથી જ. તેથી તો તે તેના ભાલપ્રદેશે દિવસે સૂર્યને સ્થાપે છે, રાત્રે ચંદ્રને કે તેની કળાઓને ધારણ કરે છે. તેના મખમલી વસ્ત્ર પર તારકોની ભાત રચી રહે છે. અને તે પણ સ્થિર તેજ તારકની સાથે ઝબૂકતા તારક પણ ખરા ! અને હા, ક્યારેક સૂર્યના કિરણઓને સજીને તે તેનું લીલામય રૂપ પણ પ્રકટ કરે છે. શાંતરૂપે, અગ્નિરૂપે સુવર્ણરૂપ, રજત રૂપે રતાશ બનીને અને ક્યારેક પેલાં વાદળો પણ તેની એવી સુષમા નિહાળીને નૃત્ય કરવાનું શરૂ કરી દે છે.  આકારો જ આકારો અને છતાં આકારહીનતા ! અને હા, પક્ષીઓના સંગીતગાનથી, પર્જન્યની ધારાથી, ક્યારેક વાદળના ઘર્ષણમાંથી ઊઠતા પ્રચંડ ધ્વનિઓથી - તે જે કંઇ મૂર્ત-અમૂર્ત સૃષ્ટિ રચે છે તેની તો શી કથા ? કવયિત્રી મેલોન્ગો કે કવયિત્રી મેરીલિન લોટ્ટની જેમ કહેવું પડે - 'ઓ, સૌંદર્ય મઢ્યા આકાશ !'

બોદલેર જેવા કવિ પાસેથી ભાગ્યે જ વેદના સિવાય તેની કવિતામાંથી બીજું કશુંક મળે. પણ તેણે ય આકાશને જોઇને વિસ્મય પ્રકટ કરી આકાશને નવાજ્યું હતું તે કંઇક આવા કારણોસર જ. અને હા, ચિત્રકાર વાનગોધ તો આકાશ  જોવાનો આદતી હતો. ક્યારેક રાતભર આકાશ સાથે વાતો કરતો દિવસે પછી એ વાતોને રંગો-રેખાઓમાં ઊતારી દેતો. તેના ચિત્રોમાં તારકો મઢ્યું રાત્રિ આકાશ અનેક રૂપે અવતર્યું છે. 

અત્યારે આ આકાશને જોઉં છું ત્યારે આજે જ લખાયેલા વિસ્તરી રહેલા આનંત્યના  કોઇ મહાકાવ્યને વાંચી રહ્યાની અપૂર્વ લાગણી અનુભવી રહ્યો છું.


Google NewsGoogle News