Get The App

મનોવિદ્યુતના તરંગો રૂપે ઉત્પન્ન થતા વિચારો અનંતકાળ સુધી આકાશમાં સંગ્રહાયેલા રહે છે!

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
મનોવિદ્યુતના તરંગો રૂપે ઉત્પન્ન થતા વિચારો અનંતકાળ સુધી આકાશમાં સંગ્રહાયેલા રહે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- વ્યક્તિ જેવો વિચાર કરે છે, મગજમાં એ પ્રકારની આકર્ષણ શક્તિ ઉદ્ભવે છે અને તે એ જ પ્રકારના આકાશમાં વહેતા વિચારોને પકડી પોતાની અંદર ખેંચી લે છે

તમારી વાણી એ તમારા વિચારોનો પડઘો છે

તમારું વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે

તમારું કાર્ય એ તમારા વિચારોનો અભિનય છે

તમારી દ્રષ્ટિ એ તમારા વિચારોનું તેજ છે

તમારું હાસ્ય એ તમારા વિચારોની પ્રતિભા છે

તમારો ક્રોધ એ તમારા વિચારોની જ્વાળા છે

તમારો ભય એ તમારા વિચારોનો કંપ છે

તમારી નમ્રતા એ તમારા વિચારોની શોભા છે

તમારી દયા એ તમારા વિચારોની ઉદારતા છે

તમારી શાંતિ એ તમારા વિચારોનો વિરામ છે

અને તમારા વિચાર એ જ તમે પોતે છો !

વિજ્ઞાનીઓને પૂછો કે વિચાર આપણા મસ્તિષ્કમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તો તે કહેશે કે આપણી મનોવિદ્યુતમાં પ્રત્યેક પળે જે તરંગો ઉદ્ભવે છે તેને 'વિચાર' તરીકે ઓળખવામાં આવે છે. વિચાર કોઈ અમૂર્ત ખ્યાલ નથી પણ મૂર્તિમંત પદાર્થ છે. એને વૈજ્ઞાનિક યંત્રોના ઉપયોગથી હવે પ્રત્યક્ષ જોઈ પણ શકાય છે. હવે વિચારોના ફોટા પાડી શકાય એવા કેમેરા પણ બન્યા છે. વ્યક્તિ જે વસ્તુનો વિચાર કરતો હોય તે પ્રમાણે તેના મનમાં એનું ચિત્ર તૈયાર થાય છે. આ કેમેરાની મદદથી સ્થૂળ વસ્તુઓની જેમ માનસિક ચિત્રનો પણ ફોટો લઈ શકાય છે. વ્યક્તિના જેવા વિચાર, ભાવ કે કલ્પના હોય એવી જ એની તસવીર ઉતરી જાય છે.

ફ્રાંસના ભૌતિક વિજ્ઞાની વેરડુકે આવા અતિ સંવેદનશીલ કેમેરા દ્વારા વિચારોના ફોટા પાડીને એવું સાબિત કર્યું કે વિચારોમાં પણ મિશ્રિત આકાર અને રંગ હોય છે. વિચાર આકૃતિ કેવી રીતે ધારણ કરે છે તે બાબતમાં તે જણાવે છે કે વિચાર પણ એક શક્તિ છે એટલે એક પ્રવાહના રૂપમાં એ મગજમાંથી પ્રગટ થાય છે અને એની આજુબાજુના આકાશીય પરમાણુઓમાં હલનચલન પેદા કરી દે છે. એનાથી પરમાણુઓની ગતિ પ્રભાવિત થાય છે. મનમાં જેવો વિચાર કે કલ્પના કરાતા જાય છે એવા જ રૂપનો આકાર ત્યાં નિર્મિત થતો જાય છે. કેમેરા કે યંત્ર એનો ફોટો પાડી લે છે. આને થોટોગ્રાફી કે થોટ ફોટોગ્રાફી કહેવાય છે. ટેડ સિરિઓસ (Ted Serios) નામના ચૈતસિક એના વિચારોને ફોટોગ્રાફિક ફિલ્મ પર પ્રક્ષિપ્ત કરી શક્તો જેને કારણે તેના વિચારોના ફોટોગ્રાફ્સ પડી જતા હતા. ડેનવરના મનોચિકિત્સક જુલ ઇસેનબડે તેના પર 'ધ વર્લ્ડ ઑફ ટેડ સિરિયોસ : થોટોગ્રાફિક સ્ટડિઝ ઑફ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી માઈન્ડ' નામનું પુસ્તક પણ લખ્યું હતું.

વિચાર આકારનું રૂપ કેવી રીતે ધારણ કરે છે તેની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજીએ. પાણીમા તરંગો ઉત્પન્ન થાય છે તે જ રીતે આ તરંગો ઉદ્ભવે છે. આ તરંગ ગમે તે જગ્યાએ ઉદ્ભવ્યો હોય, એ સમાપ્ત ત્યાં જ થશે જ્યાં પાણીનો અંત આવતો હશે. પાણીનો અંતિમ ભાગ ગમે તેટલે દૂર હોય અને તરંગ ગમે તેટલો સૂક્ષ્મ હોય એટલે કે લહેર ગમે તેટલી નાની હોય તો પણ તે વહેતી જ રહેશે. વિચાર પણ મનોવિદ્યુતની લહેર છે અને તે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા આકાશમાં વ્યાપે છે. આકાશ અનંત છે એટલે એ લહેરોનો ક્યાંય અંત આવતો નથી તે નિરંતર વહ્યા કરે છે. વિચાર ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે એના કારણે એના રૂપ-રંગમાં પણ તફાવત આવી જાય છે - એથી કરીને એ બધાં એકમેકમાં ભળીને એક રૂપ થઈ નથી જતા પણ અલગ અલગ બની રહે છે.

એક સમાન વિચાર દૂર-દૂરથી એકઠા થઈને ગાઢ બનતા રહે છે. જેમ કે જૂદી જૂદી જગ્યાએ ઊડેલી વરાળ એક જગ્યાએ એકઠી થતાં થતાં વાદળ બની જાય છે. એવું એક સરખા વિચારોનું પણ થાય છે. વિદ્યુતમાં આકર્ષણ શક્તિ પણ હોય છે. એટલે આ વિચારો એકબીજાને ખેંચતા રહે છે. વ્યક્તિ જેવો વિચાર કરે છે, મગજમાં એ પ્રકારની આકર્ષણ શક્તિ ઉદ્ભવે છે અને તે એ જ પ્રકારના આકાશમાં વહેતા વિચારોને પકડી પોતાની અંદર ખેંચી લે છે. એટલે વ્યક્તિ જે વિચારે છે એ બાબતમાં અનેક નવી વાતો જાણી લે છે. એનું કારણ એ છે કે એ પ્રકારનો વિચાર ક્યારેક ક્યાંક કોઇએ કર્યો હોય છે. એના અનુભવ એ વ્યક્તિના વિચારમાં સંક્રાન્ત થઈ જાય છે.

સુવિચારો, પરોપકાર અને ભલાઈ કરવાના વિચારો કરવાથી એવા જ વિચારો એકત્રિત થાય છે અને એનાથી વ્યક્તિ પ્રસન્નતા, સંતોષ, શાંતિનો અનુભવ કરે છે. એનાથી ઊલટું દુર્વિચારો, નકારાત્મક વિચારો, ક્રોધ, ઇર્ષા, ધૃણા જેવા વિચારો કરે છે ત્યારે એનામાં એવા જ વિચારો વધારે માત્રામાં એકત્રિત થાય છે અને એનાથી અશાંતિ, ઉદ્વેગ, વ્યથા અને દુઃખનો અનુભવ કરે છે.

ઉચ્ચ કોટિના જ્ઞાનીજનોના જ્ઞાન અને અનુભવ તથા સદ્ગુણો અને સદ્ભાવોની અસર આ રીતે અવકાશમાં સચવાયેલા 'જ્ઞાન-ગુણ સંગ્રહ'માંથી અન્ય લોકોને વૈચારિક ફ્રિકવન્સી એકરૂપ થતાં પ્રાપ્ત થાય છે. ખરાબ વિચારોથી હંમેશા બચવું કેમ કે વધારે ખરાબ વિચારોવાળા એના પર સવાર થઈ જવા તત્પર હોય છે અને એનો ભોગ બનનારાનું જીવન નિષ્ફળ બની જાય છે. સારી-નરસી વિચારધારાની માનવી પર અચૂક અસર પડે છે. એનું આ જ કારણ છે. આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. સાધારણ વિચાર હળવા હોય છે અને એમની અસર પણ હળવી હોય છે. પણ જ્યારે એ ગહન અંતરાલમાંથી દ્રઢીભૂત થઈને નીકળે છે ત્યારે પ્રબળ સંકલ્પ, વિશ્વાસ કે શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૭મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : સત્વાનુરૂપ । સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત । શ્રદ્ધામયો।યં પુરુષો યો યચ્છ્દ્ધઃ સ એય સઃ ।। હે અર્જુન ! દરેકના સત્વને અનુરૂપ એની શ્રદ્ધા હોય છે. આ મનુષ્ય શ્રદ્ધાથી યુક્ત હોય છે અને જેની જેવી શ્રદ્ધા હોય છે એવો જ એ હોય છે.

વિજ્ઞાન કહે છે કે જેમ શબ્દો ઊર્જા હોવાથી કદી નાશ પામતા નથી તેમ વિચારો પણ ઊર્જા હોવાથી કદી નાશ પામતા નથી. આપણે જે કંઈ પણ વિચારીએ, કલ્પીએ કે અનુભવીએ છીએ એ બધું વિચાર તરંગોના રૂપમાં અંતરિક્ષમાં ફર્યા કરે છે. વિજ્ઞાનીઓ વિચારોની આ પરિધિને હવે 'આઇડિયોસ્ફીયર' નામથી ઓળખે છે. જો આપણે આપણી ચેતનાની વિચારણાને એ સ્તર સુધી પહોંચાડી શકીએ તો એ 'વિચાર-આવરણમાં' ફર્યા કરતાં ઉચ્ચ વિચાર- ભાવ- જ્ઞાન- અનુભૂતિના તરંગોનો સંપર્ક સાધી શકીએ છીએ તે આપણી ચેતના તરફ આકર્ષિત થઇને આપણા કાર્યમાં સહયોગ આપે છે. સમાનધર્મી વિચાર એકમેકને મળીને વધારે દ્રઢ અને ઘનીભૂત થાય છે. કોઇ ઓછા અધૂરા જ્ઞાનની તે પૂર્તિ કરી દે છે. ૧૯૦૫માં ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમની પ્રથમ 'ધ સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી' રજૂ કરી ત્યારે તેમને અચાનક જ એ વિચારો મસ્તિષ્કમાં ઉદ્ભવ્યા હતા તેવું તે પોતે જણાવે છે. આ વિચારો આઇડિયોસ્ફીયરમાંથી જ તેમના મસ્તષ્કમાં આવ્યા હોવાનું મનાય છે.

સામવેદમાં કહેવાયું છે - 'ત્વામગ્ને પુષ્કરા દવ્યર્થવા નિરમન્થત મૂર્ધ્નો વિશ્વસ્ય બાધતઃ । પરમાત્મા જ્ઞાનીઓના હૃદયમાં પ્રકાશ રૂપે અને મસ્તિષ્કમાં વિચાર રૂપે પ્રગટ થાય છે.'


Google NewsGoogle News