Get The App

ઈશ્વર ક્યારે દુઃખી થાય છે? .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
ઈશ્વર ક્યારે દુઃખી થાય છે?                                           . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- સમગ્ર જીવન દરમ્યાન એવાં કર્મો કરીએ જેથી ઈશ્વરની અદાલતમાં નિર્દોષ ઠરીએ

ઈ શ્વર અથવા ભગવાન તો માત્ર આંખો જ આપે છે. દ્રષ્ટિ કેળવવાની તાકાત તો મનુષ્યની ઉપર જ નિર્ભર છે. એથી જ બે કાન ધરાવનાર સૌમાં સાંભળવા જેવું સાંભળવાની વૃત્તિ નથી હોતી તેમ જ બે આંખો-વાળા સૌમાં જોવા લાયક નિર્મળ જોવાની દ્રષ્ટિ નથી હોતી.

જીવનની પ્રત્યેક પળને સ્મિત, પ્રીત અને ગીતથી ખુશીનો ખજાનો બનાવી શકાય. જે લોકો ભૂતકાળની નિષ્ફતાની ભભૂત ચોળી બેસી રહે છે તેમના હાથમાંથી ભાવિના અણમોલ વિકાસની શક્યતાઓ સરી જાય છે. કર્મ એ જ સિદ્ધિનું સોપાન છે. કર્મ વિચારની કૂખે જન્મે છે.

એક સુભાષિતમાં કહ્યું છે તેમ દિવસભર એવાં કર્મ કરીએ જેથી રાત્રે નિરાંતની ઊંઘ આવે. યૌવન કાળમાં એવાં કર્મો કરીએ જેથી જે વૃધ્ધાવસ્થામાં સુખચેનથી જીવી શકાય. સમગ્ર જીવન દરમ્યાન એવાં કર્મો કરીએ જેથી ઈશ્વરની અદાલતમાં નિર્દોષ ઠરીએ. સ્થૂળનો આદર અને સૂક્ષ્મનો અનાદર એ માણસની માનસિક કમજોરી છે. માણસ ઝનૂનને ઈશારે નાચે છે પરિણામે વિવેક દ્રષ્ટિ ગુમાવી બેસે છે. એક ખ્રિસ્તી ઉક્તિ મુજબ ઈશ્વર જેનો નાશ કરવા ઈચ્છે છે તેને સૌથી પહેલાં આંધળો એક ઝનૂની બનાવી દે છે. જીવવું એ એક વાત છે અને જીવી ખાવું એ બીજી વાત છે. 

માણસ હંમેશાં જમાનો ખરાબ થઈ ગયો છે એવી ફરિયાદ કરવામાં પોતાની બહાદુરી માનતો હોય છે. થોમસ કાર્લાઈલે સાચી જ વાત કરી છે કે તમને દુનિયા સારી કરવા માટે તો ઈશ્વરે અહીં મોકલ્યા છે. પોતાની જાતને ખરાબ કહેવાની માણસમાં નીયત નથી માટે જમાનાની નિંદા કરે છે.

આપણે ઓસ્કર વાઈલ્ડના એ અભિપ્રાયનો આદર કરીએ કે જિંદગી એએક એવી ઈસ્પિતાલ છે જેમાં દરેક દર્દી પોતાનો ખાટલો બદલવા તલપાપડ રહે છે. 

હે પ્રભુ ! તું ભલે દિવ્યાંગતા પ્રદાન કરે પણ દ્રષ્ટિહીન બનવાનું માણસના ભાગ્યમાં ન લખીશ. કારણ કે દ્રષ્ટિ વગરનું જીવન એટલે સ્વાદ વિનાનું ભોજન. નવા વર્ષે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે હે મારા મન, મને હિંમત ખપે છે પણ માણસને છાજે તેવાં એવાં સઘળાં કર્મો કરવાની. અધમ કાર્યો કરી આ ધરતીને મારાં મલિન પગલાંથી અભડાવવી નથી. હે મારા મન, મહાનતા પ્રત્યેની મારી વિવેકહીન દોડ વધે ત્યારે ત્યારે કીર્તિની પાંખે ઉડવા ઈચ્છતા મારા મનને રોકીને એટલું વિચારવાની ઉદારતા દાખવજે કે સદાચારી બન્યા સિવાય મહાન ગણાવાની કોશિશ કરવી એટલે આત્મા, પરમાત્મા અને જીવનદેવતા તથા વિશ્વ પ્રત્યે પ્રવંચના આચરવી. બુદ્ધિ કહે છે કે પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે એને લાભની દ્રષ્ટિએ નિચોવી લે. પણ બીજી જ ક્ષણે અંતરાત્મામાંથી અવાજ આવે છે કે શુભ અને લાભ બન્નેમાંથી એકને પસંદ કરવાની સ્થિતિ સર્જાય તો હું શુભ અને સત્યને જ મહત્વનું ગણીશ. સમયનો લાભ લેવા સત્યના ગળે ટૂંપો દેવાનું હે મારા મન તું મને શીખવીશ નહીં :

ઈશ્વર ક્યારે દુઃખી થાય છે ?

એ દુઃખી થાય છે માણસના દૂષિત વર્તનને કારણે. એ કારણો છે :

૧ માણસ જીવનને નજરે જુએ ત્યારે. ૨ માણસ જીવનમાં સત્યને નહીં સ્વાર્થને સર્વાધિક મહત્વ આપે ત્યારે. ૩. માણસ માણસના રકતનો તરસ્યો બને ત્યારે. ૪. માણસ ગેરવર્તન કર્યા છતાં પોતાની નિર્દોષિતાનો દાવો કરે ત્યારે.

૫. જિંદગીમાં ઝિંદા દિલી દાખવવાની હોય ત્યારે પલાયનવાદી બને ત્યારે. ૬. ભોગ અને ત્યાગ બન્નેમાંથી એકને મહત્વ આપવાનું હોય ત્યારે માત્ર ભોગને મહત્વ આપે ત્યારે. ૭. સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરી અદાલતમાં સત્યને બદલે 'પોતાનું સત્ય'  બોલે ત્યારે.

૮. મારું કર્મ સત્કર્મ બને તેની સદાય કાળજી રાખવા તત્પર રહેવાને બદલે કર્મ સ્વાર્થી અંધારી ગલીઓમાં ભટકતું રહે ત્યારે. ૯. જીવનમાં અસંતોષની આગ લઈ જીવવાને બદલે સંપૂર્ણ સંતોષ સાથે ન જીવવાનો બળાપો કાઢે ત્યારે. ૧૦. જિંદગીમાં માણસથી ડરવાને બદલે પરમાત્માથી ન ડરીને જીવવાના કોડ જાગે ત્યારે.

૧૧. જીવન ધ્યેયપૂર્ણ બનવાને બદલે નિરુદેશ ભટકવાનું મન થાય એવી ક્ષણોમાંથી જાતને ઉગારી લેવામાં પ્રમાદ કરાય ત્યારે, ચારિત્ર્યની ઉપેક્ષા કરવામાં આવે ત્યારે. ચિંતકો કહે છે કે ઓછાં સાધનોમાંથી વધારેમાં વધારે લાભ ઉઠાવી પ્રસન્નતાપૂર્વક જીવવું એ જીવનની જિંદગીની હાથ વગી કળા છે. દરેક માનવીની જિંદગી એક એવી ડાયરી છે તેમાં જે પ્રકારની વાર્તા લખવા માગતો હોય છે તેનાથી જુદા જ પ્રકારની વાર્તા તેણે લખવી પડે છે. પોતાનાથી લખાઈ ગયેલી વાર્તાની સરખામણી-પોતે જે પ્રકારની વાર્તા લખવા માગતો હતો તેની સાથે તે કરે છે ત્યારે જીવનન બધી જ બાબતોનો કર્તાહર્તા ઈશ્વર છે. તેમ તે અનુભવે છે.


Google NewsGoogle News