પ્રેમનો પડછાયો પ્રકરણ - 11 .

Updated: May 11th, 2024


Google NewsGoogle News
પ્રેમનો પડછાયો પ્રકરણ - 11                                    . 1 - image


...નાયક ઇન્વોલ્વ થયો છે, એ બહુ દુષ્ટ છે. મારા કારણે તમને હેરાન કરશે. જિંદગીથી થાકી ગઈ છું. તમે આ ચિઠ્ઠી વાંચતા હશો ત્યારે આ દુનિયામાં નહીં હોઉં...

કા નજી નજીક આવીને કહે છે, 'અમે બંને લગ્નમાં ગયા હતા' 

પણ રાધાએ સાંભળ્યું, 'અમે બંનેએ લગ્ન કરી લીધા છે' 

આપણું મન જે વિચારતું હોય એવું જ આપણને દેખાતું-સંભળાતું હોય છે ! કાનજી ગોપીને એના રૂમમાં મૂકીને આવે છે.રાધા કહે 'ક્યાં હતા ?'

'શેઠ લોકો ક્યાં હોય ? કલબ, પાર્ટી અને પ્રોગ્રામમાં...!' કાનજીની જીભ લથડતી હતી. 

'તમે દારૂ પીધો છે ?'

'દારૂ નહીં ડાલગ, બિયર...જવનું પાણી' કાનજીના પગ લથડયા.. ત્યાં અચાનક ગોપીના રૂમનો દરવાજો ખૂલ્યો. એ કાનજી સામે જોઈ ટહુકી 'ગૂડ નાઈટ, સર'. કાનજીએ ગોપી બાજુ પગ ઉપડયા. રાધાએ એને રોકવા પ્રયાસ કર્યો પણ કાનજી કહે 'ગૂડ નાઈટ કહેવા જાઉં છું...'

'અહીંથી એ સાંભળી શકે એમ છે !.' રાધાએ કહ્યું અને કાનજીનો હાથ પકડી રૂમમાં લઇ જાય છે.લથડતા કાનજીને બેડમાં સૂવડાવે છે.'મારે તમને એક વાત કહેવી છે !'

'એક નહીં દસ વાત કહી શકે છે,રાત લાંબી અને વેશ ટૂંકા છે એટલે નોનસ્ટોપ બોલવાનું ચાલુ રાખ, એક કરતા બે ભલા. ઊભી રે, હું ગોપીને પણ બોલાવી લઉં' કહેતો બેડમાંથી ઊભો થાય છે. રાધા એને બેસાડે છે. રાધાને થયું આ હાલતમાં કાનજી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. અત્યારે કહેલું સવારે એને યાદ પણ નહીં હોય !

સવારે જયારે રાધા જાગે છે ત્યારે કાનજી નથી હોતો. એ ગોપીના રૂમમાં જાય છે પણ ત્યાં ગોપી પણ હોતી નથી. કાનજીને ફોન કરે છે તો એ કાપી નાખે છે મેસેજ આવે છે કે 'અગત્યની મિટિંગમાં છું'. સવાર સવારમાં શેની મિટિંગ ? રાધાને થાય છે કે ચાલ ઓફિસમાં જઈ જોઉં કે કાનજી અને ગોપી શેની રાસલીલા રમે છે !

;;;

એક પ્રેઝેન્ટેશન આપવાનું હોવાથી કાનજી અને ગોપીને ઓફિસમાં વહેલા આવી ગયા હતા. પ્યુન આવીને કહે છે કે 'સવજીભાઈ આવ્યા છે' કાનજી ઊભો થઈને લગભગ દોડીને બહાર જાય છે. સવજીને લઈને આવે છે. ગોપીને પરિચય આપે છે'આ મારો જિગરનો ટૂકડો સવલો...'

'એવો કોઈ દિવસ નહીં હોય કે સર તમને યાદ ન કર્યા હોય' ગોપીએ કહ્યું.

'આ ગોપી છે' કાનજીએ કહ્યું 

'નમસ્તે' સવજી કહે. ગોપી પણ સામે નમસ્તે કરે છે.

'પેલો મેં કહ્યો એ ઈમેઈલ કરી દેજે ને'કાનજી કહે છે. ગોપી જાય છે.

'ઈ મેઈલ બરાબર પણ આ ફિમેઈલનું શું છે...' સવજીએ કહ્યું.

'નવી સેક્રેટરી છે'

'તારા જેવા અણિશુદ્ધચારિત્ર્યવાળા વ્યક્તિની લોકો ગમે તે વાત કરે તે મારાથી સહન થતું નથી'

'લોકો એટલે રાધા.' કાનજીએ કહ્યું. 

'ઓફિસમાં પણ મેં સાંભળ્યું'

'આપણે સાચા હોઈએ તો સાબિતી આપવાની ક્યાં જરૂર છે ? મને એ પણ ખબર છે કે રાધાએ તને મોકલ્યો છે !'

'કોણે મોકલ્યો એ અગત્યનું નથી ! મૂળ વાત ઉડાડી ન દે....' સવજીએ કહ્યું 

'મેં અગાઉ પણ કહ્યું હતું કે તારા વગર હું અધૂરો છું. ...ને ઘરના લોકો બેફામ બની ક્યાં પોગ્યા છે એ જાણે છે ?'

'પણ એનો અર્થ એ નથી કે આપણે પણ બેફામ બની જવું ?'

'વારતા ઘણી લાંબી છે... આજે એક પ્રોજેક્ટનું કામ ચાલે છે એટલે શાંતિથી કહું... તું ક્યારે આવે છે કંપનીમાં પાછો...?' કાનજીએ કહ્યું.

'બહુ જ જલ્દી...' કહી સવજી નીકળે છે.

'મળતો રહેજે..' કાનજી કહે.

;;;

રાધા ઓફિસ જવા નીકળે છે ત્યાં બ્યુટી પાર્લરવાળી બહેન આવે છે. રાધા અવઢવમાં છે કે ઓફિસ જાઉં કે મેનીક્યોર-પેડીક્યોર કરાવું ? આ બહેનને અત્યારે ના પાડીશ તો વાત એક અઠવાડિયા પાછી ઠેલાશે. શહેરની નંબર વન બ્યુટીશિયન હોવાથી એ ખૂબ બિઝી રહે છે. અંતે પત્ની ઉપર પાર્લરનું પ્રલોભન  જીતી જાય છે. રાધાની બ્યુટી ટ્ર્રીટમેંટ પૂરી પાંચ કલાક ચાલે છે. પછી એ ઓફિસ પહોંચે છે, કાનજી અને ગોપી ત્યાં નથી હોતા. કાનજીને ફોન કરે છે પણ એ નથી ઉપાડતો. ફરી કરે છે. કાનજી કટ કરે છે. ત્રીજીવાર કૉલ લાગે છે તો કાનજી ઉપાડીને કહે છે 'ડ્રાઈવ કરું છું'

'પહેલા તો ડ્રાઈવ કરતા હતા ત્યારે ઉપાડતા હતા'

'પહેલા તો તું પણ રોજ ફોન કરતી હતી પણ... તું બદલાઈ છો એમ હું પણ બદલાઈ ગયો છું. કંઈ અરજન્ટ હોય તો બોલ !'

'તમે ફેકટરીમાં નથી, એવા કેવા અરજન્ટ કામમાં છો ?'

'અરજન્ટ કામ હતું પૂરું થયું. આજે શનિવાર હોવાથી હું અને ગોપી ફાર્મ હાઉસ પર જઈએ છીએ.'

'અમને નથી લઇ જવાના ?'

'તમે લોકોને અગાઉ જયારે જયારે કહેલું ત્યારે ના જ આવેલી. પણ છેલ્લા કેટલાય સમયથી તમને સમય નથી મળતો એટલે મેં પૂછવાનું જ બંધ કર્યું. અમથું સોનાની જાળ પરિવારમાં નાખવી !. બાય' કાનજીએ ફોન કાપી નાખ્યો. 

રાધાએ વળી ફોન કર્યો પણ કાનજીએ ઉપાડયો નહીં. ફરી ફોન કર્યો તો સ્વીચ ઓફ આવ્યો. રાધા એની  ફ્રેન્ડ કાનનને ફોન કરી 'અરજન્ટ કામ છે' કહી ઘરે બોલાવે છે. થોડીવારમાં તો કાનન ઘરે આવી જાય છે.

કાનન : 'આજે 'અંગતસંગત' પ્રોગ્રામમાં રાધા તને બહુ મિસ કરી..'

હર્ષ : 'અંગતસંગત' ?

રાધા : 'ગામડામાં ચોરાના ચેરમેન જે પંચાતની પરિષદ ભરે તે.'

કાનન : 'અમે બધી કિટી પાર્ટીની સખીઓ આજે સવારે તારી બહુ ચિંતા કરતી હતી.'

હર્ષ : 'આંટી, ચિંતામાં મીંડું લગાવો..'

કાનન  : 'સોરી ચિંતા કરી...'

હર્ષ : 'હા, ચિંતા કરવા જેવું જ છે. અમને હમણાં પપ્પા નાસ્તાના રૂપિયા  પણ નથી આપતા અને પેલીને મોટી મોટી હોટલમાં જમાડે છે.'

રાધા : 'મેં પણ એમને થીએટરમાં જતા જોયેલા...'

કાનન : 'કયું ફિલ્મ હતું..?'

હર્ષ : 'જિગરવાળો બાયડી લઇ જાહે, મતલબ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગે !'

કાનન : 'હજુ ચાલે છે ?'

હર્ષ  : 'કેમ તમારે કોઈ તમારા ફ્રેન્ડને લઇ જવા છે. પપ્પાએ કલબમાં આ ફિલ્મનો સ્પેશ્યલ શો રખાવેલો.'

રાધા : 'એમણે કલબમાં જવાનું પણ શરુ કરી દીધું.'

કાનન  : 'ધ્યાન રાખજે રાધુડી, બાકી આ છોકરી બધું લઇ જતી રહેશે અને ખબર પણ નહીં પડે. જલસા તો ઠીક પણ તમને ખાવાના ય ફાંફા થશે. રોડ પર આવી જશો. સાચું કહું બેન, કાલ મને બહુ એક ખરાબ સપનું આવ્યું કે તું અને હર્ષ રોડ પર ભીખ માંગતા હોય અને ગોપી કટોરામાં રૂપિયો નાખીને જતી રહે છે. આઈ એમ સોરી પણ સાચે જ આવું સપનું આવેલું.'

હર્ષ : 'આપણે રસ્તા પર ન આવીએ એનો રસ્તો મારી પાસે છે.'

હર્ષ એક વ્યક્તિને બોલાવે છે અને અને કહે છે,'આ નાયક છે ગોપીનો પતિ.'

કાનન : 'વાહ આ રસ્તો નથી આ તો મંઝિલ છે. પણ તમારી અટક નાયક કે નામ નાયક ?'

નાયક  : 'નામમાં શું રાખ્યું છે.. પણ હા, કામ નાયક જેવું જ કરું છું..'

હર્ષ  : 'અમારે તો ખલનાયક જેવું કામ જોઈએ..'

નાયક : 'હું તો એક્ટર છું.. જેવો આપો એવો કરીશ.તમે અમરીશ પૂરીને ય ભૂલી જશો. હાથ અને પગથી કામ કરે તે મજૂર, હાથ, પગ અને બુદ્ધિથી કામ કરે તે વેપારી પણ હાથ, પગ, બુદ્ધિ અને હૃદયથી કામ કરે તે કલાકાર..'

હર્ષ : 'ભાઈ, આપણે હૃદયનાં રામને તો કલોરોફોર્મ આપી સૂવાડી દેવાના છે.'

નાયક : 'દિગ્દર્શક કહે એમ કરવાનું...  દિગ્દર્શક કોણ છે ?'

હર્ષ બે હાથ ઊંચા કરી શોટ લેતો હોય એવો સીન કરે.

નાયક  : 'ઓકે. તમે દિગ્દર્શક છો... નિર્માતા કોણ છે?'

હર્ષ રાધા તરફ આંગળી ચીંધે છે.

નાયક : 'દસ ટકા એડવાન્સ મળી જાય તો...

રાધા દસ હજાર રૂપિયા આપે છે. તો નાયક કહે, 'ઓહ, સો ટકા એડવાન્સ...!'

હર્ષ : 'ના, આ તો દસ ટકા જ છે. કામ જોરદાર થવું જોઈએ...તો...'

નાયક : 'નાયક નહીં, ખલનાયક હું મેં.... ગોલ્ડન જ્યુબીલી ચાલે એવું નાટક કરું, જો જો. શ્રોતાઓ સિંગ ચણા ખાવાનું ભૂલી જાય, પ્રેક્ષકો ઠંડી હવા ભૂલી જાય...'

હર્ષ : 'ઠંડી હવા ?'

નાયક  : 'મતલબ એસી બંધ થાય તો ય ગરમીની ગતાગમ નાપડે...'

હર્ષ : 'જુઓ,અમે ક્યાંય વચ્ચે નહીં. આ ષડયંત્રમાં અમારું નામ ન આવવું જોઈએ.'

નાયક : 'તમે કોણ ? ઓળખાણ ન પડી...(ધાર્મિક સિરિયલના રાક્ષસ જેવું ખડખડાટ હસે) જી હા,મેં હૂં ખલનાયક...' ગાતો ગાતો જાય છે.

;;;

કાનજી અને ગોપી ફાર્મ હાઉસ પર પહોંચે છે. બીજા દિવસે સવારે ગોપીના રૂમમાં કાનજી જાય છે. તો એ રૂમમાં નથી હોતી. કદાચ ગાર્ડનમાં વોકિંગ કરવા ગઈ હશે. પણ ગાર્ડનમાં પણ હોતી નથી. ક્લબ હાઉસમાં પણ નથી. એનો ફોન બંધ આવે છે. કાનજી ફરી ગોપીના રૂમમાં જાય છે. અચાનક તેનું ધ્યાન ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર જાય છે. 

સર, 

આખી વાતમાં નાયક ઇન્વોલ્વ થયો છે, એ બહુ દુષ્ટ છે. મારા કારણે તમને હેરાન કરશે. જિંદગીથી થાકી ગઈ છું. તમે આ ચિઠ્ઠી વાંચતા હશો ત્યારે આ દુનિયામાં નહીં હોઉં...  આવતા જન્મે મળીશું, તળાવની પાળે... સંવેદનના ઢાળે...

લિખિતંગ ગોપી.

કાનજી  : 'ગો...પી  નહીં, આમ અધૂરું નાટક છોડીને ન જા... એ નાયક હોય કે ખલનાયક હોય, સંજુ હોય કે બલ્લુ હોય... હું બધાને પહોંચી વળું એવો છું. મેં જિંદગીના રંગમંચ પર અનેક પાત્રો ભજવ્યાં છે. દર્દ એટલાં સહન કર્યા છે કે હવે પીડા ય થતી જ નથી પણ આજે વર્ષો બાદ પીડા થઇ..'

કાનજી દોડતોક કાર લઈને નીકળે છે. સિક્યુરીટીને ગોપીનું પૂછે છે તો કહે છે કે, 'સાહેબ, બેન કલાક પહેલા નીકળ્યા.' કાનજી તળાવ બાજુ ગાડી મારી મૂકે છે.

કાનજી તળાવ પહોંચે છે. કાનજી ગોપી ..ગોપી...કહી બૂમો પાડે છે, બધે શોધે છે, અચાનક ગોપીનો દુપટ્ટો નીચે પડેલો દેખાય છે. કાનજી તળાવ બાજુ તાકી રહે છે ત્યાં જ સવજીનો ફોન આવે છે.

સવજી : 'તારા ઘરના લોકો તારા પર કેસ કરવાનું વિચારે છે.'

તળાવ કાંઠે સૂત્ર લખેલું હતું. 'આઠમો વાર પરિવાર.' આ વાંચીને કાનજી ખડખડાટ હસે છે. એનું મગજ સુન્ન થઇ ગયું છે. આંખ સામે બધું કડડભૂસ થઈને પડતું દેખાય છે. સામેથી સવજી 'હેલ્લો...હેલ્લો...' બોલે છે. થોડી વાર પછી કાનજી કહે છે કે 'ગોપી પણ મળતી નથી, મને હવે જીવનમાં રસ નથી.' કહી ફોન કટ કરે છે. ફરી સવજીનો ફોન આવે છે. કાનજી ઉપાડે છે. સવજી કહે છે કે, 'તું ક્યાં છે ?' 

કાનજી : 'ફાર્મ હાઉસ પાસેના તળાવે'

સવજી ફોન કાપી નાખે છે. કાનજી તળાવમાં કૂદવા જાય ત્યાં એક સાધુ બોલાવે છે. 

સાધુ : 'બેટા આ કપડા તળાવમાં નાખી આવ ને...'

કાનજી : 'બાપુ આ કપડા તો નવા નક્કોર છે.'

સાધુ : 'તારું શરીર પણ નવું નક્કોર છે, તોય તારે આત્મહત્યા કરવી છે ?'

કાનજી : ગોપી ... (રડવા માંડે) 

સાધુ : 'ઘરે જઈને સૂઈ જા. જાગીશ એટલે બધું સારું થઇ જશે.'

ત્યાં એક કાર આવે છે. એમાંથી સવજી ઉતરે છે અને કાનજીને ભેટી પડે છે. કાનજીને લઈને એ ફાર્મહાઉસ પહોંચે છે. બંનેના આશ્ચર્ય વચ્ચે ગોપી દરવાજે ઊભી હોય છે. 

;;;

રાધા વકીલની ઓફિસમાં બેઠી છે. વકીલ બધા કાગળ જોઈ રહ્યો છે. કંટાળીને રાધા કહે છે કે, 'કાગળ જ જોશો કે પછી આગળ કંઈ કહેશો ?'

વકીલ : 'તમારો કેસ મે સ્ટડી કર્યો. અઘરો કેસ છે પણ અઘરાને આસાન કરે તેનું નામ જોલી ન્ન્મ્., 'જોલી ન્ન્મ્દ રિલીઝ થયું એ પહેલાનું આ નામ છે. સ્વભાવ જોલી હોવાથી લોકોએ આ નામ પાડી દીધું.'

રાધા  : 'ચિંતાવાળો કેસ છે, ખર્ચની ચિંતા ન કરતા... કાનજી કેસ હારી જ જશે, એને કોર્ટનો બહુ ફોબિયા છે.'

વકીલ : 'જગ્ગા જાસૂસ ફોટોગ્રાફરને બોલાવું છું, આમ તો એ ફોટોગ્રાફર છે પણ એમને જાસુસનો વહેમ છે. કામ સારું કરશે. (વકીલ અવાજ કરે છે) જગ્ગાને બોલાવો.'

ચક્મકતા કપડા સાથે એક માણસ બધા સામે જોતો જોતો પ્રવેશે છે, હાથમાં બહિર્ગોળ કાચથી બધું જુએ છે. પછી ટેબલ પર ચશ્માં કાઢી બોલ્યો,'આપણે એક્સ્ટ્રા ખર્ચની વાત કરી લઈએ.'

વકીલ : 'પહેલા મૂળ ખર્ચની વાત કરીએ.'

ફોટોગ્રાફર : 'અમારા ધંધામાં મૂળ ખર્ચ કરતા એક્સ્ટ્રા ખર્ચ વધુ થતો હોય છે. એમાય ય એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં તો એક્સ્ટ્રાનો પણ એક્સ્ટ્રા ખર્ચ થતો હોય છે. કયારેક તો મૂળ ખર્ચ ન આવે તોય વાંધો નથી હોતો. અમે એક્સ્ટ્રામાં બધું ગોઠવી લેતા હોઈએ છીએ.' વકીલ એને દસ હજાર રૂપિયા આપે છે એટલે તે બોલે છે, 'હવે વકતૃત્વ નહીં પણ કર્તૃત્વ...'

વકીલ : 'હવે ક્લાઈન્ટની વિગત વોટ્સએપમાં આપું છું. જરૂરી જ વાત કરીશું. કેમ કે વકીલ તો વાત કરવાના પૈસા લે છે. તમે વધુ વાત કરશો તો તમારા પૈસા કપાશે.' જગ્ગો ઇશારાથી વાત કરે, વકીલ ઇશારાથી કહે સમજી ગયો અને આવજો કહે છે.

;;;

રાધા અને હર્ષ ગાર્ડનમાં કોફી પી રહ્યા હતા.ત્યાં કાનજી અને ગોપી તૈયાર થઇને અને મોટી બેગ લઈને નીકળે છે. આ દ્રશ્ય ફાટી આંખે રાધા અને હર્ષ જોઈ રહે છે. ફટાક દઈને રાધા ઊભી થઈને કાનજી પાસે જાય છે. 

કાનજી : 'હું અને ગોપી બીઝનેસ ટૂર પર જઈએ છીએ.'

રાધા  : 'હર્ષને સાથે લઇ જાવ..'

કાનજી : 'અમે ફેમિલી ટૂર પર નથી જતા.'

રાધા : 'આ ટૂરનું નામ શું છે ?'

'એકવાર તો કહ્યું... કાન છે કે કોડિયાં ? બહેરી છો ?' કહીને કાનજી અને ગોપી નીકળી જાય છે

રાધા  : 'કાન બધિર હોય એ તો સારું પણ હૃદય બધિર હોય એ સારું નહીં.'

હર્ષ : 'એ લોકો ઇલુ ઇલુ ટૂર પર જાય છે.'

રાધા રડવા લાગે છે.'મમ્મી આપણે રડવાનું નથી, રડાવવાના છે...'

હર્ષ વકીલને ફોન કરે છે, વકીલ જગ્ગાને કહે છે કે 'પીછા કરો'... જગ્ગો સૂતો હોય અને તૈયાર થઇ ફટાફટ ભાગે છે. ઉતાવળમાં કેમેરા ભૂલી જાય છે, પાછો લેવા જાય છે, થોડા થોડા ભાગા ભાગા સા...

;;;

મુંબઈની તાજ હોટલમાંથી મિટિંગ પતાવી કાનજી અને ગોપી બહાર નીકળે છે.એક ગાર્ડનમાં જઈ બેસે છે. ફોટોગ્રાફર હોટલથી જ એમનો પીછો કરતો અને ફોટા લેતો ગાર્ડન પહોંચી જાય છે. ત્યાં આઈસક્રીમવાળો બનીને આવે છે. બંનેને આઈસ્ક્રીમ આપે છે. આઇસક્રીમ પૂરો થતા કાનજી બફાટ શરુ કરી દે છે અને ગાંડા કાઢવા લાગે છે. ગોપી હોસ્પિટલ લઇ જાય છે. કલાકમાં કાનજી સ્વસ્થ થઇ જાય છે. ડોક્ટર કહે કે,' એમને કોઈ રીતે ભાંગની ગોળી પીવડાવવામાં આવી હતી.' કાનજીને લઈને ગોપી તાજ હોટલ પહોંચે છે. કાનજીને પકડીને ચાલતી ગોપીના ઘણા ફોટા જગ્ગો કેમેરામાં કેદ કરે છે.

;;;

વકીલની ઓફિસમાં આવીને જગ્ગો મોટી ઘાડ મારી હોય એમ ફોટાટેબલ પર મૂકે છે. વકીલ જોઈને ઘા કરીને કહે,'આટલે બધે દૂરથી ફોટો લીધા ? ક્લોઝ અપ્સ ક્યાં ?'

જગ્ગો : 'આ તો ટ્રાયલ પૂરતા હતા..'

વકીલ : 'તસ્વીર અને તકદીરમાં ટ્રાયલ ન હોય...'

જગ્ગો કાનજીનો ગાંડા કાઢતો વીડિયો બતાવે છે. એ જોઇને વકીલ કહે છે, 'યે હુઈ ન બાત..! ધંધો બદલ.. ફોટોગ્રાફરને બદલે વીડિયોગ્રાફર બની જા..'

જગ્ગો : 'બે ય ન ચાલે તો ગાંજાની ગોળી વેચવાનું તો ચાલશે જ...'

વકીલ : 'વીડિયો વાયરલ કરી દો...'

થોડી જ વારમાં કાનજીનો ગાંડા કાઢતો વીડિયો અનેક લોકો ફોનના સ્ક્રીન પર જોતા થઇ જાય છે. વીડિયો ખૂબ વાઈરલ થાય છે. કાનજી અને ગોપી આ જાણીને દુ:ખી થાય છે. 

;;;

રાધાના ઘરે વકીલ ફોટોગ્રાફ્સ આવે છે, 'હવે કેસ મજબૂત છે અને કાનજી મજબૂર.. રાધા બહેન ૨૫ કરોડ વાપરવાનો પ્લાન કરી દો..'

આ સાંભળીને રાધા જલસા કરવાના દીવાસ્વપ્નમાં રાચે છે. પણ મનમાં તો થાય છે કે જલસા કરવામાં કાનજી વગર તો મજા નહીં આવે. વકીલને કહે કે, 'હવે બીજી વાત ફોનમાં કરીશું, તમે નીકળો કાનજીને આવવાનો સમય થઇ ગયો છે. પેલા ફોટોગ્રાફરને કહેજો કે કામ ચાલુ  રાખે. નાયક પણ કેટલીક સારી માહિતી લાવ્યો છે.'

વકીલ જાય છે. થોડી વારમાં કાનજી અને ગોપી આવે છે. 

રાધા  : 'કેવી રહી 'બિઝનેસ' ટૂર... (કાનજીની ચુપ્પી જોઈને) બહુ વધારે પડતી સારી રહી લાગે છે.'

કાનજી  : 'સારા હોય એનું બધું સારું જ થાય છે અને ખરાબ હોય એનું બધું ખરાબ થાય છે.'

રાધા :૨ 'મિન્સ અમારું સારું થવાનું છે !'

કાનજી : 'મને અત્યારે આવા કોમેડી શોમાં કોઈ રસ નથી..'

રાધા : 'તમે અમને મજાક બનાવી દીધા છે એનું શું ? હવે પાણી નાક સુધી આવી ગયું છે.'

ત્યાં કામવાળી પાણી લઈને આવે છે. કાનજી ગ્લાસ હાથમાં લે છે અને પાછો મૂકી દે છે.રાધાનો બબડાટ ચાલુ છે. 'હવે નાકનો પણ સવાલ છે.'

કાનજી : 'નાક હોય એને સવાલ હોય !...તમને બહુ તકલીફ થતી હોય તો તમે બધું છોડી ચાલ્યા જાવ...'

હર્ષ : 'એટલે તમને મોકળું મેદાન મળે, એમ ને ? અમે કેસ કરીશું.'

કાનજી : 'તમે તમારા સંસ્કાર પ્રમાણે જે કરવું હોય તે કરી શકો છો પણ એ ભૂલતા નહીં કે આ ઘર હજુ મારું જ છે.'

આ સાંભળી રાધા ઢીલી પડે છે, કાનજી રૂમમાં જાય અને વિચારે છે, જીવનમાં હર્ષ શોધું છું...પણ હાથ આવતો નથી. પણ હર્ષ બાપ બનશે ત્યારે એને બાપની વેદના સમજાશે. બાપ ખોટો હોય શકે પણ ખરાબ ક્યારેય ન હોય... આ બધું થયું છતાં હું આજે પણ ફેમિલીને પ્રેમ કરું છું.. પત્નીથી મોટી કોઈ મિત્ર નથી અને દીકરાથી મોટી કોઈ હૂંફ નથી...    

;;;

સવજીના ઘરે કાનજી બેઠો છે. સવજી બધા ન્યૂઝ પેપર્સ બતાવીને કહે'આ શું છે બધું ? (વાંચે છે) જાણીતા ઉદ્યોગપતિ કાનજી કોર્ટના કઠેડામાં.કાનજી વિષે અખબારમાં ઘણું બધું આડુંઅવળું લખ્યું હતું. બ્રેકીંગ ન્યુઝની લ્હાયમાં કંઈ પણ છાપી દેવાનું ? સત્યાસત્યની ખરાખરી કરવાની જ નહીં. ઓ મીડિયાવાલો, જ્યાં તમારા વિચારો પૂરા થાય ને ત્યાંથી આ સવજી વિચારવાનું શરુ કરે છે.'

કાનજી બરાડયો : 'હું બધાને જોઈ લઈશ...' તે છાતી પર હાથ દાબે છે અને અચાનક ગાર્ડનની લોન પર ઢળી પડે છે... 

(ક્રમશ:)


Google NewsGoogle News