Get The App

તારણહાર પ્રકરણ - 08 .

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ - 08               . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- 'બેટા, તું અનાથ નથી. આજથી હું જ તારી મમ્મી, પપ્પા અને દાદી છું.  તારે મને 'મેડમ' નહી પણ 'બા' જ કહેવાનું છે. તું અત્યારે એક જ લક્ષ્ય રાખ બેટા..' 

રા હુલના ચહેરા પર અહોભાવના ભાવ જોઇને સ્વપ્નીલ બોલી ઉઠયો હતો  'રાહુલ, એમાં એમાં બહુ ઈમ્પ્રેસ થવા જેવું નથી. મારા દાદાજી  નિવૃત્ત ડોક્ટર છે. દાદાજી ખૂબ જ સિધ્ધાંતવાદી હતા. મફતમાં દર્દીઓની સારવાર કરતાં. પપ્પાએ પણ MBBS થઇને દાદાજીની પરંપરાને આગળ ધપાવવાનું પસંદ કર્યું હતું. ઘરથી નજીક નાનકડું દવાખાનું લઈને બેસી ગયા અને ગરીબ દર્દીઓને આજે પણ તદ્દન સસ્તા ભાવે દવા આપે છે. તેમણે પણ દાદાજીની જેમ જીવનમાં ક્યારેય પૈસાને મહત્વ આપ્યું જ નથી'. 

'સ્વપ્નીલ, એ તો સારું કહેવાય ને ?' રાહુલે ખુશ થઈને કહ્યું હતું.

'શું ધૂળ સારું કહેવાય? આ તો મારો આખા ભાવનગર સેન્ટરમાં ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે મને અહીં સરકારી કોલેજમાં એડમીશન મળી ગયું. બાકી મારા પપ્પાની કેપેસીટી મને પેમેન્ટ સીટમાં એડમીશન અપાવવાની બિલકુલ નથી'. સ્વપ્નીલે મો મચકોડીને કહ્યું હતું. 

રાહુલ વિચારમાં પડી ગયો. થોડી વાર બાદ સ્વપ્નીલ તેની સ્વપ્નીલ આંખો વડે સ્વપ્ન જોતો હોય તેમ બોલ્યો.. 'રાહુલ, હું તો માસ્ટર ડીગ્રી લઈને શ્રેષ્ઠ ડોક્ટર બનીને નામ અને દામ બંને કમાવા માંગું છું. મારે એટલા પૈસા કમાવા છે.. એટલા પૈસા કમાવા છે કે મને ગણવાનો પણ સમય ન રહે...મારો એક સ્વીમીંગપૂલ વાળો સ્વતંત્ર બંગલો હોય, નોકર ચાકર અને રસોઈયાની ફોજ હોય, મારી માલિકીની મોંઘામાં મોંઘી કાર હોય, દુનિયાના નકશામાં જે દેશ પર મારી નજર પડે ત્યાં ફરવા જવા માટેની મારી આર્થિક કેપેસીટી હોય...' રાહુલે સ્વપ્નીલની આંખ આગળ ચપટી વગાડીને કહ્યું 'દોસ્ત, સપના જોવાની તારી હિંમતને દાદ આપું છું.ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે. ફિલહાલ તો આપણો જમવા જવાનો સમય થઇ ગયો છે.તું જલ્દીથી ફ્રેશ થઇ જા એટલે સાથે જ મેસમાં જઈએ'. રાહુલે હસતાં હસતાં કહ્યું હતું.

થોડી વાર બાદ બંને મિત્રો જમી રહ્યા હતા ત્યારે પણ સ્વપ્નીલે ખુદની વાતનો દોર આગળ ધપાવતા કહ્યું હતું 'રાહુલ, એન્જીનીયરનું ભણીને લોકો ચાર વર્ષમાં કમાતા થઇ જાય છે, જયારે આપણે તો સાડા પાંચ વર્ષ ડોક્ટર થવા માટે બગાડીએ અને ત્યાર બાદ માસ્ટર ડીગ્રીના ત્રણ વર્ષ સુધી માત્ર સ્ટાઇપેંડ જ મળે'. રાહુલે જમતાં જમતાં જ સ્વપ્નીલ સામે જોયું.તેના હાથમાં કોળિયો એમનો એમ જ રહી ગયો હતો. 'દોસ્ત, ડોક્ટરનું ભણવા પાછળ વર્ષ બગાડયા તેવું ન કહેવાય'. રાહુલે ધીમેથી કહ્યું હતું.

'ઓકે.. રાહુલ એગ્રી બટ આઈ વોન્ટ ટૂ સે ધેટ આપણે યુવાનીના અમૂલ્ય વર્ષોનો ભોગ આપીને ડીગ્રી મેળવી હોય સાથે સાથે કાબેલિયત પણ કેળવી હોય તો આપણી એ સ્કીલની  કીમત તો વસૂલ કરવાની જ હોય ને?'  

રાહુલ એક પણ શબ્દ બોલી શક્યો નહોતો. તે સ્વપ્નીલની વિચારધારા સાથે બિલકુલ સહમત નહોતો પણ પહેલી જ મુલાકાતમાં રાહુલને  પોતાનો મત વ્યક્ત કરવાનું યોગ્ય નહોતું લાગ્યું. થોડા દિવસોમાં તો બંને એટલા ખાસ મિત્રો બની ગયા કે રાહુલને સ્વપ્નીલ વગર એક મિનીટ પણ ચાલતું નહોતું. રાહુલ એ પણ સારી રીતે સમજતો હતો કે સાચી દોસ્તીમાં દોસ્તના વિચારો સાથે જ તેને સ્વીકારવાનો હોય છે! સમય જતાં સ્વપ્નીલ જયારે વાસ્તવિકતાની ધરતી પર પગ મૂકશે ત્યારે તે તેના પિતા અને દાદાજીના પગલે જરૂર ચાલશે તેવો રાહુલને વિશ્વાસ પણ હતો.અત્યારે નાહકની ચર્ચા કરીને સ્વપ્નીલ જેવો મનગમતો મિત્ર ગુમાવવાની રાહુલની બિલકુલ તૈયારી નહોતી. 

રાહુલને બરોબર યાદ હતો એ દિવસ જયારે પ્રથમ વર્ષમાં જ મૃતદેહ પર ડીસેક્શન કરવાનું હતું. કોલેજમાં એ ખંડ ત્રીજા માળે હતો. ખંડમાં ચાર ટેબલ હતા અને દરેક ટેબલ ફરતે આઠ વિદ્યાર્થી હતા. રાહુલ સ્વપ્નીલની બાજુમાં જ ઉભો હતો. રાહુલ એકદમ ભાવુક થઇ ગયો હતો. મૃતદેહ પર ચીરા મૂકવા માટે તે ખાસ ઉત્સાહી નહોતો. સ્વપ્નીલ રાહુલના કાનમાં ગણગણ્યો હતો... 'રાહુલ, મેડીકલ લાઈનમાં આવ્યો જ છો તો લાગણીશીલ થઈશ તે  કેમ ચાલશે ? આમ પણ આ તો ડેડબોડી છે. તું ધ્યાનથી જો.. હું કેવી રીતે શરૂઆત કરું છું'. સ્વપ્નીલે  મૃતદેહ પર ચીરો મૂકવા માટે સ્કાલપેલ ઊંચક્યું કે તરત જ ડો.જોશીએ તેને ટોક્યો હતો. 'સ્વપ્નીલ, આ શબ ઇન્ફેકટેડ પણ હોઈ શકે છે. યુ મસ્ટ વેર હેન્ડ ગ્લવ્ઝ'.  'ઓહ સોરી સર', સ્વપ્નીલે તરત હેન્ડ ગ્લવ્ઝ પહેરી લીધા હતા. તે દિવસે સ્વપ્નીલનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ જોઇને રાહુલમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો. રાહુલને એ દિવસે ડો.જોશીએ  કહેલી એક વાત ખૂબ જ સ્પર્શી ગઈ હતી ... તેઓ બોલ્યા હતા 'મૃતદેહની હમેશા પૂરેપૂરી અદબ જાળવો. આ એવી વ્યક્તિનો મૃતદેહ છે જેણે નિ:સ્વાર્થ ભાવે તમને દેહ એટલા માટે આપ્યો છે કે જેથી તમે શીખી શકો અને માનવજાતના દર્દોેને મિટાવી શકો'. ડો. જોશીની વાત સાંભળીને રાહુલે કોઈનું ધ્યાન ન પડે તે રીતે મૃતદેહને બંને હાથ જોડીને નમન કર્યું હતું.. જે સ્વપ્નીલના ધ્યાનમાં આવી ગયું હતું. રાત્રે બંને મિત્રો રૂમ પર આવ્યા ત્યારે સ્વપ્નીલે કહ્યું હતું 'રાહુલ, તું ખોટું ન લગાડતો બટ આઈ મસ્ટ સે ધેટ યુ આર નોટ ફીટ ફોર મેડીકલ લાઈન. દાકતરી વ્યવસાયમાં  સફળ થવું હશે તો ફર્સ્ટ યુ શૂડ બી ડોક્ટર,  ધેન હયુમન બીઈંગ.' 

 'સ્વપ્નીલ, મારે મારા સંવેદનશીલ સ્વભાવ પર કાંઇક અંશે કાબુ મેળવવો પડશે એ વાત હું સ્વીકારું છું, બાકી એટલું તો જરૂર કહીશ કે કોઈ પણ ડોક્ટર પહેલાં માણસ હોય છે અને પછી ડોક્ટર ... હૃદયરોગના નિષ્ણાત પાસે જો હૃદય જ ન હોય તો કેમ ચાલે ?'. બોલતી વખતે રાહુલની આંખમાં ચમક આવી ગઈ હતી. નાઈટલેમ્પના અજવાળામાં સ્વપ્નીલ થોડી વાર માટે રાહુલના ચહેરાને તાકી રહ્યો અને ત્યાર બાદ ઉંડો શ્વાસ લઈને ચૂપચાપ મેડીકલના મોટા થોથામાં ખૂંપી ગયો હતો!  

આખરે MBBSની ડીગ્રીના કોન્વોકેશન પ્રોગ્રામનો એ દિવસ આવી પહોંચ્યો હતો. ડીગ્રી લેવા માટે અન્ય યુવાનોની સાથે રાહુલ અને સ્વપ્નીલ પણ આતુર હતા. સ્ક્વેર કેપ અને એકેડેમિક રોબમાં બંને યુવાન મિત્રો સોહામણા લાગતા હતા. 

'રાહુલ. પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી હું રોકાઈ નહી શકું. ડીગ્રી લઈને સીધો ભાવનગર ઘરે જવા માટે નીકળી જઈશ'. રાહુલને ખ્યાલ હતો કે સ્વપ્નીલ પર સવારે જ તેના પપ્પાએ  ફોનમાં તેના દાદાની નાદુરસ્ત તબિયતના સમાચાર આપ્યા હતા. 'હા.. દોસ્ત,  તું તરત નીકળી જ જજે'. રાહુલે ધીમેથી કહ્યું હતું. 

થોડી વાર બાદ બંને મિત્રોના નામ વારાફરતી ઘોષિત થયા હતા.રાહુલ ડીગ્રી લઈને સ્ટેજ પરથી ઉતરીને સીધો જ્યાં સુધા મેડમ બેઠા હતાં તે તરફ દોડયો હતો. સુધા મેડમ ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.રાહુલ તેમના પગમાં પડી ગયો હતો. બંનેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. 'બા, મારી આ સફળતાના સાચા હક્કદાર તમે જ છો'. સુધા મેડમના આગ્રહથી જ છેલ્લાં ઘણા વર્ષોથી રાહુલ સુધા મેડમને 'બા' કહીને જ બોલાવતો હતો. કેટલાંક સબંધો ભલે લોહીના નથી હોતા પણ તેની પાછળ હદ બહારની  ઋણાનુબંધની છાયા હોય છે!  સુધા મેડમના વાળમાં સફેદી આવી ચૂકી હતી.  કારમાં બેઠા બાદ સુધા મેડમને યાદ આવ્યું કે આજે મંગળવાર છે. તેમણે ડ્રાયવરને કહ્યું 'રાસ્તેમેં લાલ દરવાજા કે પાસ ગણપતિ ટેમ્પલ આયેગા પહલે વહાં લે લેના' 

'જી.. મેડમ' ડ્રાયવરે કારને સેલ મારતાં કહ્યું હતું. 

ગણપતિ મંદિર સુધી તો કાર જઈ શકે તેમ નહોતી. ડ્રાયવરે કાર થોડે દૂર ઉભી રાખી. સુધામેડમ અને રાહુલ સાંકડી ગલીમાં ચાલીને જ મંદિરે પહોંચ્યા. બપોરનો સમય હોવાથી દર્શન માટે લાઈન બિલકુલ નહોતી. દર્શન કરીને કારમાં બેસતી વખતે સુધામેડમે કહ્યું 'રાહુલ, યાદ છે ને? વિનાયકને ગણપતિ દાદા પર અતિશય શ્રધ્ધા હતી'. 

'બા,પપ્પા તો ગણપતિદાદાની મૂર્તિઓ બનાવતી વખતે તેમાં જીવ રેડી દેતા હતા તેથી સ્વાભાવિક રીતે જ તેમને વિશેષ શ્રધ્ધા હોય.. મને તો એ પણ યાદ છે કે મમ્મીને પણ એટલી જ શ્રધ્ધા હતી. એક વાર તો મમ્મીને સપનામાં પણ  સિધ્ધીવિનાયકના દર્શન થયા હતા. આ વાત એમણેજ મને કહી હતી'. રાહુલની આંખો ઝીલમીલાઈ. 

'રાહુલ, આજે તું ડોક્ટર થયો તેનો યશ એ બંનેના આશીર્વાદ અને ગણપતિ દાદાની કૃપાને જ આભારી છે. 'બા, એ બધી વાત સાચી પણ તમે મારા તારણહાર ન બન્યા હોત તો હું અહીં સુધી કઈ રીતે પહોંચ્યો હોત?' રાહુલ ગળગળો થઈ ગયો.

'રાહુલ, મારી દ્રષ્ટીએ પરમાત્મા જેવો તારણહાર કોઈ જ નથી'

'બા, એ વાત સાચી પણ પરમાત્મા કોઈકને નિમિત બનાવતો હોય છે'.

'રાહુલ, હવે તો તારે ગરીબ દર્દીઓના તારણહાર બનવાનું છે કારણકે દર્દીઓ માટે તો ડોકટર જ ભગવાન હોય છે.'. 

'બા, તમારી વાત સો ટકા સાચી છે. માનવસેવાનું  ધ્યેય છે તેથી જ તો ડોક્ટર બન્યો છું. બસ હવે માસ્ટર ડીગ્રી મેળવી લઉં તેટલી જ રાહ જોવાની છે. આ એક જ વ્યવસાય એવો છે જ્યાં આજીવન માનવસેવા કરવાની તક મળે છે'.  

રાહુલ પોતાના લક્ષ્ય પ્રત્યે કૃતનિશ્ચયી છે તે જોઇને સુધાની આંખમાં હર્ષના આંસુ ઉમટયા હતા. રાહુલનો સાતમા ધોરણમાં જયારે પહેલો નંબર આવ્યો હતો ત્યારે વિનાયકે કહ્યું હતું 'મેડમ, તમે રાહુલ પાછળ જે ખર્ચ કરો છો તે ચોક્કસ લેખે લાગશે'. સુધાએ ત્યારે તો જવાબ નહોતો આપ્યો પણ એ સારી રીતે સમજતી હતી કે  રાહુલ માટે તે જે કાંઈ કરી રહી હતી તે ખર્ચ નહોતો પણ માત્ર સત્કાર્ય રૂપી ઇન્વેસ્ટમેન્ટ જ હતું!    

કાર ટ્રાફિકમાં લાલ સિગ્નલ પાસે ઉભી રહી. રાહુલ બાળપણના ગરીબીના એ દિવસોમાં ખોવાઈ ગયો. પપ્પાથી દિલાવરખાનનું જાહેર રસ્તા પર ખૂન થઇ ગયું હતું. એ સમયે મમ્મીને બા એ જ સહારો આપ્યો હતો. દિલાવરખાનનું ખૂન સ્વબચાવમાં જ થયું હતું તે હકીકત હતી પણ દેશના કાયદા પ્રમાણે સત્યને પણ કોર્ટમાં સાબિત તો થવું જ પડે છે.....ઈશ્વરકૃપાથી પપ્પાની ફેવરમાં ચૂકાદો આવ્યો હતો. પપ્પા જેલમાં જતાં જતાં બચી ગયા હતા. એકાદ વર્ષ બાદ એક વાર સ્કૂલમાં પેરેન્ટસ ડે હતો. વિનાયક અને કાજલને અંગ્રેજી મીડીયમની મોંઘી સ્કૂલમાં ટીચર સમક્ષ જતાં નાનમ લગતી હતી. બા એ જ તેમને સમજાવ્યા હતા 'આપણો રાહુલ પહેલે નંબરે પાસ થાય છે. તમારે બંનેએ તો લઘુતાગ્રંથીની ભાવનાને છોડીને રાહુલ માટે ગૌરવ અનુભવવું જોઈએ'. 'મેડમ. તમારી એ વાત તો સોળ આના સાચી છે પણ હું અને કાજલ ચાર ચોપડી ભણેલા ... અમને અંગ્રેજીમાં બોલતા તો શું પણ અંગ્રેેજીમાં સાહેબ કાંઇક પૂછે તો પણ સમજ ન પડે'.  આખરે બા સ્કૂલમાં સાથે આવ્યા હતા. ઘરે પરત આવ્યા બાદ વિનાયક અને કાજલે ભીની આંખે મેડમનો આભાર માન્યો હતો.  બે વર્ષ બાદ રાહુલની સ્કૂલમાં ભવ્ય વાર્ષિક પ્રોગ્રામનું આયોજન થયું હતું. તમામ વાલીઓ તેમની પર્સનલ કારમાં તેમના બાળકો સાથે આવ્યા હતા. એક માત્ર વિનાયક અને કાજલ જ એવા પેરેન્ટસ હતાં જેઓ સીટી બસમાં બેસીને રાહુલને લઈને હોલ સુધી આવ્યા હતા ! રાહુલે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. સફેદ એપ્રન અને ગળામાં સ્ટેથોસ્કોપ રાખીને ડોક્ટરના રોલમાં રાહુલે સ્ટેજ પર અદ્ભુત અભિનય કર્યો હતો. પ્રોગ્રામના અંતમાં બેસ્ટ પરફોર્મન્સના પ્રથમ ઇનામ માટે રાહુલનું નામ ઘોષિત થયું ત્યારે સમગ્ર હૉલ તાળીઓથી છલકાઈ ગયો હતો. ઇનામ લેવા માટે રાહુલ જયારે સ્ટેજ પર ગયો ત્યારે કાજલ અને વિનાયકે સીટ પરથી ઉભા થઇને હર્ષના અશ્રુ સાથે તાળીઓ પાડી હતી. સ્કૂલના પ્રિન્સીપાલ પેરેન્ટસ ડે બાદ વિનાયકને ઓળખતા થઇ ગયા હતા. તેમણે વિનાયકને અને કાજલને સ્ટેજ પર બોલાવ્યા હતા.સૌ કોઈએ તાળીઓ પાડીને રાહુલના મમ્મી પપ્પા તરીકે તેમને પણ માન આપ્યું હતું. 

જોકે કમનસીબે વિનાયકને અને કાજલના સુખના એ દિવસો ખાસ ટક્યા નહોતા. 

એકાદ વર્ષ બાદ અચાનક સમગ્ર વિશ્વ પર અણધારી આફત ત્રાટકી હતી.જેમાં ભારત પણ બાકાત નહોતું. હા..તે મહા આફતનું નામ હતું.. કોરોના. વિશ્વના મોટાભાગના દેશ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. માણસો ટપોટપ મરતા જતા હતા. કોરોના મેડીકલ સ્ટાફને અને ડોકટરોને પણ ભરખી રહ્યો હતો. ભારતમાં કોરોનાનો પ્રવેશ થયો કે તરત જ  લોકડાઉન જાહેર થઇ ગયું હતું.ગરીબ અને મધ્યમ વર્ગના માણસોના ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા.વિનાયક અને કાજલના જીવનનો પણ કપરો કાળ ચાલી રહ્યો હતો. કોરોનાની અસર ગુજરાતમાં ઘણી વધારે  થઇ હતી અને તેમાં પણ અમદાવાદ મોખરે હતું. જે વ્યક્તિ કોરોનામાં સપડાય તેને હોસ્પીટલે મળવા માટે ઘરના સભ્યો જઈ શકતા નહોતા.. ઇવન જો તેવા દર્દીનું હોસ્પિટલમાં અવસાન થાય તો મૃતદેહને સીધા સ્મશાને લઇ જઈને તેની અંતિમવિધિ કરી દેવામાં આવતી હતી. ઘરના સભ્યો મૃતક વ્યક્તિના અંતિમદર્શન પણ કરી શકતા નહોતા.. અમદાવાદના ઘણા વિસ્તારોની સાથે સમગ્ર ગુલબાઈ ટેકરા વિસ્તારને પણ માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વિનાયક જ્યાં રહેતો હતો તે ઔડાના મકાનોમાં 

કોરોનાના કેસ વધતા જતા હતા. વિનાયક અને કાજલ રાહુલને સુધા મેડમના બંગલે મૂકી આવ્યા હતા. બાળપણથી જ રાહુલ સુધા મેડમનો હેવાયો તો હતો જ તેથી તે બાબતે કાજલ અને વિનાયક પણ નિશ્ચિંત હતા.વળી વાર્ષિક પરીક્ષા નજીક હોવાથી રાહુલને વિશાળ બંગલામાં ભણવા માટે પણ યોગ્ય વાતાવરણ મળી ગયું હતું.  લોકડાઉન ખુલ્યા પછી પણ સુધા મેડમને ઓફિસે જવાનું નહીવત થઇ ગયું હતું. રાહુલને આખા દિવસની મેડમની કંપની મળી ગઈ હતી. એકાએક કાજલ અને વિનાયક બંનેના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના સમાચાર આવ્યા હતા. રાહુલ અપસેટ થઇ ગયો હતો સુધા મેડમે જ રાહુલને સોડમાં લઈને કહ્યું હતું 'બેટા, તારા મમ્મી પપ્પાને કાંઈ જ નહી થાય'. રાહુલ હવે સાવ નાનો નહોતો. ટીવીમાં ન્યુઝ જોઈને તેને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ રોગની કોઈ જ દવા નથી. જેમની રોગ પ્રતિકાત્મક શક્તિ વધારે હોય તેવા લોકોના બચવાના ચાન્સીસ પણ સો ટકા નથી હોતા.  

એક દિવસ સિવિલ હોસ્પિટલમાંથી ડોકટરે કાજલ અને વિનાયકને રાહુલ સાથે ફોનમાં વાત કરાવી હતી. બંને છેડે અશ્રુઓનું ઘોડાપૂર ઉમટયું હતું. આખરે સુધાએ રીસીવર હાથમાં લીધું હતું.  કાજલે અને વિનાયકે ગળગળા થઇને કહ્યું હતું 'મેડમ, રાહુલનું ધ્યાન રાખજો'. 'વિનાયક,રાહુલ મારો જ દીકરો છે.તમે બંને બીલકુલ ચિંતા ન કરો અને જલ્દીથી સાજા થઇ ને ઘરે પરત આવી જાઓ તેવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું'. આખરે એ જ બન્યું હતું જેનો નાનકડા રાહુલને ડર હતો. માત્ર બે દિવસના અંતરે કાજલે અને વિનાયકે જીવનલીલા સમેટી લીધી હતી. બે માંથી એકેયની મરવાની ઉમર તો નહોતી પરંતુ મૃત્યુ ક્યાં કોઈની ઉમર જોઇને આવે છે? રાહુલે ટીન એઈજમાં જ  માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. એ દિવસે રાહુલે સુધા મેડમના બંગલામાં મમ્મી અને પપ્પાના નામની પાડેલી હૃદયદ્રાવક ચીસોના પડઘા દિવસો નહી પણ  મહિનાઓ સુધી પડઘાતા રહ્યા હતા! 

રાહુલના બાળમાનસ પર વિનાયક અને કાજલના અણધાર્યા અવસાનની ગંભીર અસર પડી હતી. રાહુલને તેનું દુનિયામાં કોઈ નથી અને તે સાવ અનાથ થઇ ગયો છે તેવી ભાવના કોરી ખાતી હતી. થોડા મહિનાઓ બાદ સ્કૂલ ચાલુ થઇ પણ રાહુલનું મન ભણવામાં પણ લાગતું નહોતું. આખરે સુધાએ રાહુલને સાંત્વન આપતા કહ્યું હતું 'બેટા, તું અનાથ નથી. આજથી હું જ તારી મમ્મી, પપ્પા અને દાદી છું.  તારે મને 'મેડમ' નહી પણ 'બા' જ કહેવાનું છે. તું અત્યારે એક જ લક્ષ્ય રાખ બેટા.. માત્ર અને માત્ર ભણવાનું..ભણવામાં તું હોશિયાર તો છે જ..જો સારા માર્કસ લાવીશ તો ડોક્ટર બનીને કેટલાંય લોકોના જીવ બચાવી શકીશ'. 

'ખરેખર ? હું ડોક્ટર બની શકું મેડમ?' નિર્દોષ રાહુલે આંખો પટપટાવીને પૂછયું હતું.

'મેડમ નહી બા કહેવાનું'. સુધાએ રાહુલને વ્હાલ કરતા કહ્યું હતું.

'બા, જો હું ડોકટર બનું ને તો એક પણ છોકરાના મમ્મી પપ્પાને મરવા ના દઉં'. નિર્દોષ રાહુલ બોલી ઉઠયો હતો.

(ક્રમશ:)

Ravi-Purti

Google NewsGoogle News