તારણહાર પ્રકરણ - 05 .

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ - 05                                                   . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- 'વિનાયક, અન્યાય સામે લડવાનો આપણે એકલાએ ઠેકો લેવાની જરૂર નથી. એ ગુંડાઓને કાંઈ ગુમાવવાનું નથી'. કાજલની આંખમાં ભીનાશ ભાળીને વિનાયક પણ ગળગળો થઈ ગયો

સુ ધા મેડમની વાત સાંભળીને કાજલ વિચારમાં પડી ગઈ હતી. મેડમને વિનાયકનું શું કામ હશે? 

'કાજલ, તે દિવસે વિનાયક સાથે વાત થઇ હતી કે તે ગણપતિની મૂર્તિઓ બનાવે છે. મારે ઘરના મંદિર માટે એક નાનકડી મૂર્તિ જોઈએ છે'. બીજે દિવસે સવારે કાજલ તેની સાથે વિનાયકને પણ બંગલે લઇ ગઈ હતી. વિનાયક ત્રણ ચાર નાની મૂર્તિઓ સાથે લઇ આવ્યો હતો. તેમાંથી જ સુધાએ એક પસંદ કરી હતી. વિનાયકે જે ભાવ કહ્યો  એ જ ભાવે સુધાએ  મૂર્તિ ખરીદી લીધી હતી. 

સમય વિતતો ગયો. રાહુલ ત્રણ વર્ષનો થઇ ગયો હતો. રાહુલને નજીકમાં જ આવેલી સરકારી શાળામાં બેસાડવાનું કાજલ અને વિનાયકે નક્કી કરી લીધું હતું. સુધાને ખબર પડી એટલે તેણે કાજલને કહ્યું હતું 'કાજલ, આપણા વિસ્તારમાં આટલી સરસ પ્રાયવેટ સ્કૂલ  છે, તેમાં જ રાહુલને ભણાવોને'.  

'મેડમ, એ પ્રાયવેટ સ્કૂલની ફી અમને થોડી પોષાય?.'

'કાજલ, તું ફી ની ચિંતા ન કર.આમ પણ એ સ્કૂલ અમારી કોર્પોરેટ ઓફીસના પ્રેેસિડેન્ટની જ છે. મારી ભલામણને કારણે ફીમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે. આજે સાંજે ઘરે જઈને વિનાયકને વાત કરજે'. 

'ભલે.. મેડમ' કાજલ રસોડામાં જઈને રસોઈના કામે લાગી ગઈ હતી.  

રાત્રે કાજલે વિનાયકને વિગતે વાત કરી ત્યારે વિનાયક બોલી ઉઠયો હતો 'આ તારા સુધા મેડમનો સ્વભાવ ખરેખર વધારે પડતો ઉદાર કહેવાય. બાકી આ જમાનામાં કોણ કોની પાછળ ઘસાય છે? જોકે  મને લાગે છે કે  પ્રાયવેટ સ્કૂલની તો પચાસ ટકા ફી પણ આપણને નહી પોષાય. વળી ફી સિવાય ચોપડા, દફતર જેવા કેટલાંય વધારાના ખર્ચા પણ હોય ને?' 

'હા, તારી વાત સાચી છે. મેં તો પહેલાં જ ધડાકે મેડમને કહી દીધું હતું કે અમને એવી મોંઘી સ્કૂલ ન પોષાય. પણ મેડમે જ તને કહેવાનો આગ્રહ રાખ્યો હતો'. 

બીજે દિવસે કાજલે બંગલે આવીને સુધાને કહ્યું હતું 'મેડમ, રાહુલના પપ્પા પણ ના પાડે છે.અમને તો એ પચાસ ટકા ફી પણ ના પોષાય'. 

'કાજલ, કાલે વિનાયકને સાથે લેતી આવજે મારે તેની સાથે વાત કરવી છે'. 

બીજે દિવસે કાજલ તેની સાથે વિનાયકને પણ મેડમના બંગેલે લેતી ગઈ હતી. 

'વિનાયક, રાહુલ સારી સ્કૂલમાં ભણે તેમાં તને શું વાંધો છે?' સુધાએ પૂછયું હતું.

'વાંધો તો શું હોય? પણ મૂળ વાત એ છે કે સ્કૂલવાળા પચાસ ટકા ફી લે તો એ પણ અમને ના પોષાય. વળી તમે તો આ વર્ષે ફી ભરી આપો પછી  બાર વર્ષ સુધી રાહુલને એ જ સ્કૂલમાં ભણાવવાનું અમારું ગજું નથી.'

મેડમ હસી પડયા હતા. 'હું જાણું છું. તારે રાહુલના અભ્યાસના ખર્ચની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. બારમા ધોરણ સુધી તમારે એક રૂપિયો પણ આપવાનો નથી. ફી સિવાયનો પણ તમામ ખર્ચ હું જ ભોગવીશ'. 

 વિનાયક બે ડગલાં આગળ આવીને સામે ખુરશીમાં બેઠેલાં સુધા મેડમના પગમાં પડી ગયો હતો. 

'અરે.. અરે.. વિનાયક, આ શું  કરે છે?' 

વિનાયક બે હાથ જોડીને આંખમાં આંસુ સાથે બોલ્યો હતો 'મેડમ, આમ તો હું બહુ જ સ્વમાની છું. કોઈની પણ મદદ લેવામાં માનતો નથી પરંતુ  મેં  ભણ્યા વગર જે જિંદગી કાઢી છે એવી જિંદગી મારા રાહુલે ન જીવવી પડે તેવી બાપ તરીકે સ્વાભાવિક રીતે જ મારી ઈચ્છા છે. મારા દીકરા માટે તમે જે કરવા તૈયાર થયા છો, તે મારા માટે તો ચમત્કાર જ છે. અમારા માથે તમારું આ સૌથી મોટું ઋણ રહેશે'. 

'વિનાયક, આમાં ઉપકાર જેવું કાંઈ જ નથી. તારો દીકરો રાહુલ આમ પણ મારા બંગલામાં જ મોટો થયો છે.અંગત રીતે હું માનુ છું કે વિદ્યાદાન જેવું એક પણ દાન નથી વળી રાહુલને ભણાવવાનો ખર્ચ મારા માટે મોટી રકમ નથી' 

મેડમની રજા લઈને  કાજલ અને વિનાયક રાહુલની સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઝાંપો બંધ કરતી વખતે વિનાયકે સજળ નેત્રે બંગલાના ઓટલા પર ખુરશીમાં બેઠેલાં સુધા મેડમની સામે જોયું હતું. બંનેની આંખો એક થઇ હતી. સુધા વિચારી રહી..જો સમાજના ડરથી એબોર્શન ન કરાવ્યું હોત અને આલોકની નિશાની પેટે પુત્ર અવતર્યો હોત તો આજે તે વિનાયકની ઉમરનો જ હોત! જીવનમાં કેટલાક સબંધો લોહીના ન હોય તો પણ માણસના મનને ગજબની શાતા આપી જતા હોય છે! 

સમય વહેતો ગયો.રાહુલ સાત વર્ષનો થઇ ગયો હતો.

એક વાર રાહુલને સ્કૂલડ્રેસમાં ખભે દફતર ભરાવીને જતો જોઈ રહેલી કાજલને વિનાયકે  કહ્યું હતું 'આ બધું ગણપતિદાદાની કૃપાને કારણે જ બન્યું છે, બાકી આપણી હેસિયત તો તું જાણે જ છે ને?'

'વિનાયક, કહેવાય છે ને કે ભગવાન જાતે કોઈને મદદ કરવા નથી આવતા પણ કોઈકને નિમિત્ત બનાવે છે'. 'હા કાજલ, સુધા મેડમ આપણા માટે તો ભગવાન જ છે'. વિનાયક બોલી ઉઠયો હતો.

કહેવાય છે કે જીવનની ઘટમાળમાં સુખ અને દુ:ખનું ચક્ર ચાલતું જ રહે છે. વિનાયક અને કાજલના જીવનમાં માંડ સુખનો સુરજ ઉગ્યો હતો ત્યાં અચાનક એક ઘટનાએ બધું તહસ નહસ કરી નાખ્યું હતું. 

વર્ષોથી વિનાયક ગણપતિની મૂતઓ લઈને જે જગ્યાએ વેચવા માટે બેસતો હતો, ત્યાં બેસતા તમામ ફેરિયાઓને કોઈને હપ્તો આપવાનો રહેતો નહી. થોડા દિવસોથી એ આખો વિસ્તાર અમૂક લુખ્ખા તત્વોના કબજામાં આવી ગયો હતો. જેનો મુખ્ય લીડર દિલાવરખાન હતો. આમ તો દિલાવરખાનનો મુખ્ય ધંધો દારૂનો હતો. અઢળક આવક હતી પણ દિલાવરને તેનાથી સંતોષ નહોતો. બે નંબરની લાઈનમાં પણ જે માણસની મહત્વકાંક્ષા વધારે હોય તેને ડોન બનવાના અભરખા ઉભા થતાં હોય છે! દિલાવર સારી રીતે જાણતો હતો કે બે નંબરના ધંધામાં ધાક સૌથી અગત્યની મૂડી હોય છે. તેણે ધાક જમાવવાના ભાગ રૂપે તથા આવક વધારવા માટે તેના સાગરીતો મારફતે અલગ અલગ વિસ્તારમાં ફૂટપાથ પર બેસીને ધંધો કરતાં ફેરિયાઓ પાસે નાની રકમનો હપ્તો ઉઘરાવવાનું શરુ કરી દીધું હતું. દિલાવરખાને એ રકમ જાણી જોઇને નજીવી રાખી હતી જેથી કોઈ વિરોધ ન કરે અને સમગ્ર વિસ્તાર તેના કબજામાં આવી જાય. 

દિલાવરની ધાક જ એવી હતી કે તેને જાતે ક્યાંય હપ્તો ઉઘરાવવા જવું પડતું નહી. દિલાવરનો એક હટ્ટો કટ્ટો માણસ આગલા દિવસે બાઈક પર આવીને દરેકે રોકેલી ગેરકાયદેસર જગ્યા પ્રમાણે તેમને હપ્તાની આપવાની થતી રકમ કહી જતો. બીજે દિવસે દિલાવરના માણસો હાથમાં લોખંડની સાંકળ લઈને મહીને એક વાર ઉઘરાણીએ ફૂટપાથ પર બેસીને ધંધો કરતાં નાના વેપારીઓ પાસે પહોંચી જતા.  કદાવર શરીરવાળા ગુંડાઓને જોતાંવ્હેંત ગભરાયેલા વેપારીઓ ગલ્લામાંથી નિયત થયેલી રકમ આપી દેતા. આ ઘટનાક્રમ હવે વિનાયકના વિસ્તારમાં પણ શરુ થયો હતો. પહેલી વાર વિનાયકે આનાકાની કરી હતી પણ બાજુ વાળા ફેરીયાઓ તથા ચાની કીટલીવાળા ગંગારામે વિનાયકને સમજાવીને મામલો થાળે પાડયો હતો. 

'ગંગારામ, મારા તો બાપ દાદા પણ અહીં જ બેસતા હતા, એ રીતે જોવા જઈએ તો આ જગ્યા પર મારો તો હક્ક કહેવાય' વિનાયકે અકળાઈને કહ્યું હતું. 

'વિનાયક, કાયદેસર રીતે જોવા જઈએ તો આ જગ્યા સરકારની છે'. ગંગારામે સાવ સાચી વાત કરી હતી.

'ગંગારામ, એ તો જાણું છું પણ  આપણે આકરી મહેનત  કરીએ છીએ ત્યારે માંડ પૈસા ભાળીએ છીએ. શા માટે એ ગુંડાઓને હપ્તો આપવો જ જોઈએ?' વિનાયકનું યુવાન અને ગરમ લોહી બોલી ઉઠયું હતું. 

'વિનાયક, નજીવી રકમ માટે આ લોકો સાથે દુશ્મની વ્હોરીને આપણે શું કામ આપણો ધંધો બગાડવો જોઈએ?' ગંગારામે વિનાયકને સમજાવવાની કોશિશ કરતાં કહ્યું હતું. તે દિવસે વિનાયક ઘરે આવ્યા બાદ પણ  ધૂંધવાયેલો હતો. વિનાયકને અપસેટ જોઇને રાત્રે કાજલે પૂછયું  હતું 'શું વાત છે? શેની ચિંતા છે?' વિનાયકે આખી વાત માંડીને કરી હતી. 'વિનાયક, એવા ગુંડાતત્વોને ન્હાવા નીચોવવાનું કાંઈ હોતું નથી. એમની સામે પંગો લેતો નહી'. કાજલ તો ઘસઘસાટ ઉંઘી ગઈ પણ વિનાયકને આખી રાત ઉંઘ ન આવી.  જે માણસ સત્યને વરેલો હોય એની ખુમારી અને ખુદ્દારી એને ખોટી વ્યક્તિઓ સમક્ષ ક્યારેય ઝૂકવા દેતી નથી હોતી.  

મહિના બાદ ગણપતિ ઉત્સવના દિવસો નજીક આવી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ આ દિવસોમાં આખા વર્ષની સૌથી વધારે કમાણી થતી હોય. અચાનક બાઈક પર દિલાવરખાનનો માણસ બીજે દિવસે આપવાની થતી રકમ દરેકને જાણ કરતો ગયો. દરેક મૂર્તિ વેચવાવાળાને નવાઈ લાગી કારણકે ગયા મહિને આપેલી હપ્તાની કરતાં તે ડબલ હતી. એ માણસ આવ્યો ત્યારે તો ઘરાકીનો સમય હતો તેથી સૌ પોતાના કામમાં વ્યસ્ત હતા. અંધારું થયા બાદ મોડેથી બધા એકઠા થયા. કરસન, રઘુ, ગંગારામ બધાનું કહેવાનું એમ જ હતું કે હપ્તો આપવામાં વાંધો નથી પણ બે મહિનાથી જેટલો આપીએ છીએ તેટલો જ આપીશું. આમ પણ એ રકમ અગાઉ  દિલાવરખાને જ નક્કી કરેલ હતી. વિનાયક બધાની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. 'એલા વિનાયક, તું કેમ કાંઈ બોલ્યો નહી?' રઘુએ પૂછયું.

'રઘુ, બે મહિના પહેલાં પહેલી વાર જ આપણે એનો વિરોધ કરવાનો હતો. કોઈએ હપ્તો આપવાનો જ નહોતો. મેં તો ત્યારે પણ વિરોધ કર્યો જ હતો પણ ગંગારામે અને બીજા બધાએ મને બેસાડી દીધો હતો'. 

'વિનાયક, મને થોડી ખબર હતી કે આમ મનફાવે તે રીતે આ લોકો હપ્તાની રકમ ડબલ કરી  દેશે?' ગંગારામ બોલી ઉઠયો હતો. ટોળામાં ગણગણાટ શરુ થઇ ગયો. 

'ભાઈઓ , હજુ  પણ મોડું નથી થયું. આપણે બધા ભેગા મળીને એ ગુંડાઓને ભગાડી શકીએ તેમ છીએ. આપણે બાવન છીએ અને એ  સાંકળવાળા મવાલી બે જ છે. એ બે ગુંડાઓને તો હું એકલો જ પહોંચી વળું તેમ છું'. વિનાયકની હિંમત જોઈને ટોળામાં અમુક લોકોએ તાળીઓ પાડી. ગંગારામ બોલ્યો. 'વિનાયક, એ બે જ છે તેવું માનવાની ભૂલ ન કરાય. તેમની પાછળ નાના મોટા ગુનાઓની સજા ભોગવીને જેલમાંથી પરત આવેલો દિલાવરખાન ઉભો છે. એને આપણે ભલે જોયો નથી પણ તેના વિશે  જે કાંઈ વાતો સાંભળી છે તે પ્રમાણે તેની ધાક ધીમે ધીમે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ફેલાઈ રહી છે'

'ગંગારામ, કોઈકે તો પહેલ કરવી જ પડશે ને?' વિનાયકે મોટેથી કહ્યું હતું. બધા વિચારમાં પડી ગયા. ગંગારામની વાત કાઢી નાખવા જેવી નહોતી તો વિનાયકની વાત પણ ક્યાં ખોટી હતી ? ત્યારે તો બધા વિખેરાઈ ગયા.બીજે દિવસે બપોરે દિલાવરખાનના બે હટ્ટા કટ્ટા ગુંડાઓ હાથમાં લોખંડની સાંકળ લઈને રાબેતા મુજબ આવી પહોંચ્યા. બધાએ ભેગા થઇને હપ્તાની વધારાની રકમ આપવાનો ઇન્કાર કર્યો. છેલ્લા બે માસથી જે રકમ નિયત થયેલી હતી તે આપવાની તૈયારી પણ દર્શાવી. બેમાંથી એક મવાલીએ  હાથમાં રહેલી સાંકળને જોરથી ડામરના પાકા રોડ પર પછાડીને  ત્રાડ પાડી 'બોસ કા હુકમ હૈ, જ્યાદા ખીટપીટ નહી કરનેકા ..એક બાર બોલા તો દે દેને કા'. 

ટોળામાં વૃદ્ધ છગનકાકા પણ હતા. તેમણે આગળ આવીને વિનંતીના સૂરમાં કહ્યું 'અરે ભાઈ, અમે ના નથી પાડતા. બે મહિનાથી તમને આપીએ જ છીએ ને? માત્ર વધારાની રકમ અમને પોષાય તેમ નથી. તમે બોસને ફોન કરીને પૂછી જુઓ તો સારું'. 

ખલ્લાસ.. પેલાનું મગજ છટક્યું. 'અબે સાલે, હમે મશવરા દેતા હૈ? હમે કિસકો ફોન કરને કા ઔર કિસકો નહી કરનેકા વો તુ નક્કી કરને વાલા કૌન?' પેલાએ ગુસ્સામાં વૃદ્ધ છગનકાકાને ધક્કો માર્યો. એ ટોળામાં ઉભા રહેલા તમામ માટે છગનકાકા આદરણીય હતા. સૌ કોઈ તેમનું હમેશા માન જાળવતા. છગનકાકા નીચે પડી ગયા. સૌ કોઈ સમસમી ગયા. એકાએક પાછળ ઉભો ઉભો તમાશો જોઈ રહેલો વિનાયક ચિત્તાની ઝડપે પેલા ગુંડા તરફ દોડયો. વિનાયકના અણધાર્યા હુમલાથી એ પાછળ હટયો. વિનાયકે તેના હાથમાંથી લોખંડની સાંકળ છીનવી લીધી. વિનાયકની હિંમત જોઇને બીજા ગુંડા પર બાકીના તમામ લોકો તૂટી પડયા.ટોળામાં અક્કલ ન હોય એ વાત બીજો ગુંડો બરોબર સમજતો હતો. એ  સાંકળ ફેંકીને તે ભાગી ગયો. ટોળું તેની પાછળ પડયું. જોકે થોડે દૂર પાર્ક કરેલા તેના બાઈક પર ભાગી જવામાં તે સફળ રહ્યો. આ બાજુ છગનકાકાને ધક્કો મારનાર મવાલીના હાથમાંથી સાંકળ ખેંચીને વિનાયક તેને એની જ સાંકળ વડે મારી રહ્યો હતો. હટ્ટો કટ્ટો ગુંડો લોહીથી લથબથ થઇ ગયો હતો.વિનાયકે તેને બોચીમાંથી પકડીને છગન કાકાના પગ પાસે જોરથી ફેંક્યો. ટોળું પાછું ફરી ચૂક્યું હતું. વિનાયકે ત્રાડ પાડી 'યે હમારે બુઝુર્ગ હૈ..માફી માંગ' પેલાએ બંને હાથ જોડીને છગનકાકાની માફી માંગી. ઉશ્કેરાયેલું ટોળું પેલાને જીવતો જવા નહી દે તેવું લાગતાં છગનકાકાએ જ સૌને શાંત કરીને તેને જવા દેવા જણાવ્યું. પેલો લંગડાતી ચાલે રવાના થઇ ગયો. તમામે ભેગા થઇને હર્ષની ચિચિયારીઓ પાડીને વિનાયકને ઉંચકી લીધો. 

વિનાયક મૂળ શાંત પ્રકૃત્તિનો હતો. વધુ પડતા શાંત પ્રકૃત્તિના  માણસો જયારે ગુસ્સે થાય  ત્યારે તેનું મગજ તેમના કન્ટ્રોલમાં રહેતું નથી. વિનાયકના કિસ્સામાં પણ આજે એવું જ બન્યું હતું. એક તો પેલા ગુંડાતત્વોની હપ્તાની માંગણી જ ખોટી હતી વળી તેમાં એ લોકોએ છગનકાકા જેવા વડીલને ધક્કો મારીને તેમનું અપમાન કર્યું હતું પરિણામે  શાંત સ્વભાવના વિનાયકનું મગજ છટક્યું હતું. કોઈ પણ જાતનાં પૂર્વ પ્લાનિંગ વગર આવેશમાં જ  તેણે પેલા ગુંડા પર હુમલો કરીને તેને ખોખરો કર્યો હતો.  

'છગનકાકા તમને વાગ્યું તો નથી ને ?' બધાએ વિનાયકને ખભા પરથી નીચે ઉતાર્યો એટલે તેણે સૌથી પહેલું કામ છગનકાકા પાસે જઈને તેમની ખબર પૂછવાનું કર્યું. 

'ના.. ના બિલકુલ નહી. તેં તો ભાઈ આજે રંગ રાખ્યો'. પેલા ગુંડાને મારવામાં વિનાયકનું શર્ટ ફાટી ગયું હતું. તેના હાથે અને પગે થોડું છોલાયું પણ હતું. ત્યાં ટોળામાંથી કોઈક બોલ્યું 'પેલો માર ખાઈને અધમુઓ થયેલો ગુંડો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા તો નહી જાય ને?' 

'જે માણસ ખુદ ગેરકાયદેસર ખંડણી માંગવા આપણી પાસે આવ્યો હતો એ ક્યા આધારે  ફરિયાદ કરવા જશે?' વિનાયક બોલી ઉઠયો હતો. બધાના ગળે વિનાયકની દલીલ શીરાની જેમ ઉતરી ગઈ. ત્યાં જ ગંગારામે આગળ આવીને કહ્યું 'વિનાયક, એ પોલીસ પાસે નહી જાય પણ એના બોસ દિલાવરખાનને વાત કરશે એટલે  આપણા બધાનું આવી બનશે'. ટોળામાં સોપો પડી ગયો. વિનાયકે ગંગારામના ખભે હાથ મૂકીને કહ્યું 'ગંગારામ, આમ ડરીને જીવીશું તો ક્યાંયના નહિ રહીએ'. વિનાયકના આજના જુસ્સા અને વર્તનને કારણે બધા લોકોમાં હિમ્મતનો સંચાર થયો હતો. ટોળામાં સૌ કોઈ બોલી ઉઠયા ..હા..હા. વિનાયકની વાત સાચી છે. જોકે ગંગારામના ચહેરા પરનો ડર યથાવત હતો. 

સાંજે વિનાયક ઘરે આવ્યો તે પહેલાં તો તેના આજના પરાક્રમના સમાચાર કેટલાંક પડોશીઓ મારફતે કાજલને મળી ચૂક્યા હતા. તે મોઢું ચડાવીને બેઠી હતી. વિનાયકે કાજલની એકદમ નજીક આવીને પૂછયું 'શું થયું ?' કાજલ ઉભી થઇને એક પણ અક્ષર બોલ્યા વગર રસોડામાં જતી રહી. કાજલની નારાજગીનું કારણ વિનાયકને સમજાયું નહી. તે વિચારમાં પડી ગયો. થોડી વાર બાદ કાજલે વિનાયકનો ઉધડો લીધો હતો 'નેતા બનવાનો બહુ  શોખ થાય છે?' આટલાં વર્ષોમાં કાજલ પહેલી વાર વિનાયક પર આટલી હદે ગુસ્સે થઇ હતી કારણકે તે વિનાયકને ગુમાવવા માંગતી નહોતી. વિનાયકે કાજલની નજીક આવીને કહ્યું હતું 'કાજલ, તારા સમ.. મારાથી બધું આવેશમાં જ થઇ ગયું હતું, બાકી મને નેતા બનવાનો કોઈ શોખ નથી'. 

'વિનાયક, આપણે શાંતિથી રોટલો રળી ખાવાવાળા ગરીબ માણસ છીએ. આપણને આવા ઝગડા ન પોષાય' 'કાજલ, તારી વાત સાવ સાચી છે, પણ અન્યાય સહન થતો નથી'.  

'વિનાયક, અન્યાય સામે લડવાનો આપણે એકલાએ ઠેકો લેવાની જરૂર નથી. એ ગુંડાઓને કાંઈ ગુમાવવાનું નથી'. કાજલની આંખમાં ભીનાશ ભાળીને વિનાયક પણ ગળગળો થઈ ગયો. અચાનક તે કાજલને પ્રેમથી ભેટીને બોલ્યો 'તું  ચિંતા ન કર. મને કાંઈ જ નહી થાય'. 

ત્યાં જ બહારથી રાહુલ અચાનક ઘરમાં આવી ચડયો. મમ્મી પપ્પાને આ રીતે ઉભેલા જોઇને તે ડઘાઈ ગયો. વિનાયકે તરત કાજલથી અળગા થઇને રાહુલને પ્રેમથી ઊંચકીને વ્હાલ કર્યું. રાત્રે ત્રણેય સાથે જમવા બેઠા ત્યારે વિનાયકને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એના  નાનકડા પરિવાર સાથેનું આ તેનું છેલ્લું ભોજન છે.

(ક્રમશ:)


Google NewsGoogle News