તારણહાર પ્રકરણ - 04 .

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ - 04                                                                . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- 'મારું ચાલે તો અત્યારે જ આવી જાઉં. પણ શું થાય રાત્રે અહીંથી મસૂરી આવવાના રસ્તા બંધ હોય છે'. આલોક રોમેન્ટિક મૂડમાં આવી ગયો હતો...

ક ર્નલ સાહેબ ખુશીથી ઉછળી પડયા હતા. 'ખરેખર? ગુજરાતી અને એરફોર્સ? મારા માનવામાં નથી આવતું'.

સુધા શરમાઈને ધીમેથી બોલી  'પપ્પા એનું નામ આલોક ચોક્સી છે. એના પપ્પાને સુરતમાં જ્વેલરીનો મોટો શો રૂમ છે. દહેરાદૂનમાં નેશનલ ડીફેન્સ એકેડેમીમાં એરફોર્સની ટ્રેનિંગ લઇ રહ્યો છે'. 

'આજે  સાંજે જ તેને બોલાવી લે હું મળવા માંગુ છું'. કર્નલ સાહેબ કોર્ટ માર્શલ કરતા હોય તેમ ઊંચા આવજે બોલી ઉઠયા. સુધા આવેશમાં આવી ગયેલા પપ્પાને જોઇને ગભરાઈ ગઈ. 'પપ્પા, હું મેસેજ કરું છું. કાલે રવિવારે તેને રજા હશે. કાલે  બોલાવી લઈએ'.

'ભલે બેટા'. 

દરરોજ રાત્રે આલોક સાથે મોબાઈલમાં શેર શાયરીઓની આપ લે કરતી સુધાએ આજે પહેલી જ વાર અગત્યનો મેસેજ કર્યો હતો. સુધાને ખબર હતી કે રાત્રે આઠ પહેલાં આલોક આ મેસેજ જોઈ શકવાનો નથી. આલોકે જ એકવાર કહ્યું હતું કે ડીફેન્સ ટ્રેનિંગ સેન્ટરમાં સાથે સેલફોન રાખવાની છૂટ નથી હોતી. હોસ્ટેલના રૂમ પર જ ફોન મૂકીને જવું પડતું હોય છે. આલોકની દહેરાદૂનની ટ્રેનિંગ પૂરી થવાને માત્ર છ દિવસ જ બાકી હતા. આલોક જાણતો હતો કે ફાયટર પાઈલોટની પ્રેક્ટિકલ ટ્રેનિંગમાટે હૈદરાબાદ કે બેંગ્લોર બેમાંથી એક જગ્યાએ તેને એક વર્ષ માટે જવાનું થશે. સુધાનો મેસેજ વાંચીને આલોકે રાત્રે ફોન  કર્યો હતો. 

'હાય ડાર્લિંગ, કાલે સવારે મારે તારા પપ્પાજી પાસે ઈન્ટરવ્યૂ આપવા આવવાનું છે. રાઈટ?'

'હા.. બને એટલો વહેલો આવી જ્જે'

'મારું ચાલે તો અત્યારે જ આવી જાઉં. પણ શું થાય રાત્રે અહીંથી મસૂરી આવવાના રસ્તા બંધ હોય છે'. આલોક રોમેન્ટિક મૂડમાં આવી ગયો હતો. 

બંને યુવાન હૈયાઓનો પ્રેમાલાપ લાંબો ચાલત પણ કર્નલ સાહેબે દવા માટે અંદરના રૂમમાંથી સુધાના નામની બૂમ પાડી. સુધાએ તરત જ 'ઓકે બાય આલોક.. સી યુ  ટુમોરો' કહીને ફોન કટ કરી નાખ્યો હતો. આલોકની ઉંઘ ઉડી ગઈ હતી. આલોકને સુધા સાથેની મસૂરીની  છેલ્લી વરસાદી સાંજ  યાદ આવી ગઈ. એ રોમાંચિત થઈને સુધા સાથે હોટેલના એકાંતમાં માણેલી અંતરંગ ક્ષણોને વાગોળી રહ્યો. મોડી રાત્રે માંડ માંડ આંખ મળી ત્યાં જ રાત્રે સેલફોનમાં મુકેલું છ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠયું હતું.

બીજે દિવસે સવારે આલોક તૈયાર થઇને એ રસ્તે પહોંચી ગયો જ્યાંથી મસૂરી જવા માટે કાયમ જીપ મળી જતી. કર્નલ સાહેબને ઈમ્પ્રેસ કરવા માટે આજે આલોકે જીન્સને બદલે ફોર્મલ કપડાં પહેરવાનું પસંદ કર્યું હતું. ઠંડીને કારણે ચેનવાળું જેકેટ પણ પહેરી લીધું હતું. થોડી વારમાં જ જીપ આવી પહોંચી. આલોકે જીપમાં બેઠા પછી પહેલું કામ સુધાને મેસેજ કરવાનું કર્યું. થોડી વારમાં જ સુધાનો 'વેલ કમ ડીઅર' નો સામો મેસેજ પણ આવી ગયો.

નિયત સ્થળે ઉતરીને સુધાએ લખેલા એડ્રેસ પર પહોંચવા માટે આલોકને ચઢાણવાળો રસ્તો કાપતાં વીસેક મિનીટ લાગી. બંગલાની બહાર કર્નલ સાહેબના નામનું બોર્ડ વાંચીને આલોકે ઉંડો શ્વાસ લીધો. તેણે જેકેટ કાઢીને એકદમ સ્ટાઈલથી ડાબા હાથમાં રાખ્યું અને ડોરબેલ વગાડી. સુધાએ જ દરવાજો ખોલ્યો. બંનેની આંખો મળી એટલે આલોકે ચહેરા પર સ્માઈલ લાવીને એક આંખ મીચકારી. સુધાએ બનાવટી ગુસ્સો કરીને આલોક સામે આંખો કાઢી. આલોક રોમેન્ટિક સ્ટાઈલમાં સુધાની નજીક સરક્યો પરંતુ  સુધાએ એને હળવો ધક્કો મારીને પાછળ ફરીને મોટેથી કહ્યું  'પપ્પા ..મહેમાન આવી ગયા છે'.   

કર્નલ સાહેબે ડ્રોઈંગહોલમાં સોફા પર બેઠા બેઠા જ મોટેથી કહ્યું  'વેલકમ, યંગમેન.. પ્લીઝ વેલકમ' આલોકે  અંદર આવીને કર્નલ સાહેબના ચરણસ્પર્શ કર્યા. કર્નલ સાહેબે આલોકની પીઠ  થપથપાવી. આલોક એકદમ શાલીનતાથી કર્નલ સાહેબની બરોબર સામેના સોફા પર બેઠો. સુધા દોડીને કિચનમાંથી ટ્રેમાં પાણીના બે ગ્લાસ લઇ આવી. કર્નલ સાહેબ આલોકનું બારીક નિરીક્ષણ કરી રહ્યા હતા. યુવાન આલોકની વિવેકી રીતભાત તથા શાલીનતા કર્નલ સાહેબને સ્પર્શી ગયા હતા. 'આલોક, તારા પેરેન્ટ્સે  એરફોર્સમાં જવાની મંજૂરી આપી એ ઘણી સારી વાત કહેવાય  બાકી યુ નો..ગુજ્જુ પેરન્ટસ.. મારે પણ મારા યુવાનીના દિવસોમાં આર્મીમાં જવા માટે મારા પપ્પા પાસે ઘણા ધમપછાડા કરવા પડયા હતા'.

'જી સર, શરૂઆતમાં તો મમ્મી પપ્પા બંને તૈયાર નહોતા. પપ્પાની તો એવી ઈચ્છા હતી કે હું તેમના જવેલરીના બિઝનેસમાં જ જોડાઈ જાઉં, પણ હું મક્કમ રહ્યો હતો. આખરે તેઓ માની ગયા.' આલોકે સસ્મિત ચહેરે સાવ સાચી વાત કરી દીધી. આલોકના પરિવારની  ઔપચારિક વાતો પૂરી થયા બાદ કર્નલ  સાહેબે આલોકને તેની એરફોર્સની ટ્રેનીંગ વિષે પૂછયું. 

'સર, આપ તો જાણો જ છો કે એરફોર્સમાં ત્રણ વિંગ હોય છે. એક  પેસેન્જર્સને મૂવ કરવાની, જેનો ઉપયોગ મોટે ભાગે ઈમરજન્સીમાં જ થતો હોય છે, બીજી કાર્ગો સવસ અને ત્રીજી ફાયટર પાયલોટની. મારી પસંદગી ત્રીજી વિંગમાં થઈ છે'. 

'આલોક, એ ત્રીજી વિંગ જ સૌથી વધારે જોખમ ધરાવે છે' 

'યસ્સ સર'.

સુધા કિચનમાં ચા બનાવી રહી હતી પણ તેના કાન તો ડ્રોઈંગ હોલમાં જ હતા. કર્નલ સાહેબ ઘણા સમય બાદ એરફોર્સના યુવાનને જોઇને એમના આર્મીના દિવસોની જૂની વાતો વાગોળવા લાગ્યા હતા.  સુધા ચા અને નાસ્તાની ટ્રે લઈને ડ્રોઈંગહોલમાં પ્રવેશી ત્યારે પપ્પાજીને ઉત્સાહમાં જોઇને વધારે ખુશ થઇ ગઈ હતી. 

ચા પીતાં પીતાં કર્નલ સાહેબે પૂછયું 'આલોક, અહીં દહેરાદૂનમાં હવે ટ્રેનિંગનો કેટલો સમય બાકી છે?'

'સર, અહીંની ટ્રેનિંગ ઓલમોસ્ટ પૂરી થઇ ગઈ છે. આઈ એમ વેઈટીંગ ફોર એન ઓર્ડર ફોર  પ્રેક્ટીકલ ટ્રેર્નીગ' 

'આલોક, મારા ખ્યાલ પ્રમાણે એ પણ એક વર્ષની તો હશે જ.'

'જી સર, એ વધારે મહત્વની છે. એ ટ્રેનિંગ દહેરાદૂનમાં લેવાની નહી થાય' 

'તો ?'

'સર, અત્યારે ઇન્ડિયામાં પ્રેક્ટિકલ ટ્રેનિંગના બે જ સેન્ટર છે. બેંગ્લોર અને હૈદરાબાદ'.  

'એ લોકો તમને એમાં ઓપ્શન આપે છે?'

'નો સર, ધેર ઇઝ નો ઓપ્શન એટ ઓલ. વી હેવ ટૂ ગો એઝ પર ધ ઓર્ડર'.

'યસ્સ.. આલોક, મારી તો આખી જિંદગી આર્મીમાં ગઈ છે એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ  ધેટ. ઓર્ડર મીન્સ ઓર્ડર.. નો બડી કેન આર્ગ્યુ'. કર્નલ સાહેબે અટ્ટહાસ્ય કર્યું.

ચા નાસ્તો કર્યા બાદ કર્નલ સાહેબે કહ્યું 'સુધા, આપણું ઘર આલોકને બતાવ તો ખરી'.

સુધાએ આલોકને કહ્યું 'ચાલો'.  આલોક યંત્રવત સુધા પાછળ દોરવાયો.

નીચે બે મોટા રૂમ તથા કિચન બતાવીને સુધા આલોકને ઉપરના બે રૂમ બતાવવા લઇ ગઈ. છેલ્લે બંને યુવાન હૈયાં રૂમની બહાર કાઢેલી કલાત્મક ગેલેરીમાં આવીને ઉભા રહ્યા. 'સુધા, અહીંથી તો મસૂરીનો સુંદર નજારો દેખાય છે'. 

'હા..આલોક'.  અચાનક આલોકે સુધાને બાહુપાશમાં જકડી લીધી. 

એ જ ક્ષણે નીચેથી કર્નલ સાહેબનો અવાજ સંભળાયો 'સુધા ..' આલોકે તરત સુધાને છોડી દીધી. 'કેમ ગભરાઈ ગયો?' સુધાએ મજાક કરી. 

'ગભરાવું તો પડે જ ને?  ગમે તેમ તો પણ તારા પપ્પા રીટાયર્ડ કર્નલ છે. કોર્ટ માર્શલ કરે ત્યાં સુધી તો વાંધો નહી પણ ક્યાંક ભડાકે દઈ દે તો મારો તો મસૂરીમાં જ પાળિયો ઉભો  થઇ જાય'.

બંને નીચે ઉતર્યા એટલે કર્નલ સાહેબે કહ્યું 'સુધા, આલોકને બપોરે જમ્યા વગર જવા દેવાનો નથી'. 

'સર , મેં હમણા તો નાસ્તો કર્યો.. પ્લીઝ જમવાનું રહેવા દો તો સારું' આલોકે વિનંતીના સૂરમાં કહ્યું. 

'ઇટ્સ માય ઓર્ડર' કર્નલ સાહેબે ગંભીર મુખમુદ્રા કરીને તેમનો મજબૂત હાથ આલોકના ખભે રાખીને મોટેથી કહ્યું.

આલોકના સોહામણા ચહેરા પર સતત રમતું સ્મિત એકદમ ગાયબ થઇ ગયું. એને ગંભીર થઇ ગયેલો જોઇને કર્નલ સાહેબે અટ્ટહાસ્ય કર્યું.  'સુધા તારી પસંદ મને પસંદ છે'. કર્નલ સાહેબની વાત સાંભળીને આલોકને હાશકારો થયો. સુધાનો રૂપાળો ચહેરો તાજાં ગુલાબની જેમ ખીલી ઉઠયો.  

જમી લીધા બાદ કર્નલ સાહેબે હુકમ કર્યો 'સુધા, તું આલોકને નીચે નર્સરી ગાર્ડન સુધી મૂકી આવ. ત્યાંથી એને દહેરાદૂન જવા માટે જીપ મળી જશે'.  'જી પપ્પા.' 

કર્નલ સાહેબનો બંગલો ઉંચાઈ પર હતો. અડધો કીમી નીચે ઉતરીને જ મુખ્ય રસ્તો ટચ થતો હતો, જ્યાં દહેરાદૂન જતી આવતી જીપ ઉભી રહેતી હતી. સુધા અને આલોક એકબીજાનો હાથ પકડીને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે કર્નલ સાહેબ બંગલાના મુખ્ય દરવાજા પાસે ઉભા રહીને અમી નજરે બંનેને જતાં જોઈ રહ્યા હતા.

'આલોક, તારા પેરેન્ટ્સને આપણા સબંધની જાણ ક્યારે કરીશ?'

'બસ જયારે ઘરે જઈશ ત્યારે.. હવે એક વીક એન્ડમાં સુરત જવાનું પ્લાનિંગ છે જ'. 'આલોક, તું આપણી વાત ફોનમાં ન કરી શકે?'

 'ફોનમાં મજા નહિ આવે. રૂબરૂમાં કહીશ તો મને પપ્પાના પ્રોપર એપ્રોચની પણ ખબર પડશે. કદાચ પપ્પા બાદશાહ અકબરની જેમ કહેશે કે.. સલીમ, યે શાદી નહી હો શકતી, તો મને મારી અનારકલી માટે બગાવત કરવાની ખબર પડે ને?' આલોકે સુધાના ગાલે હળવી કિસ કરતા કહ્યું હતું. ત્યાં જ જીપ આવી પહોંચી. આલોક બેસી ગયો. 

સુધા સજળનેત્રે જીપને જતી જોઈ રહી.

ત્રણ દિવસ બાદ આલોકને હૈદરાબાદ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાટે જવાનું થયું હતું. હૈદરાબાદ ગયા બાદ પણ રોજ રાત્રે ફોનમાં સુધા સાથેનો તેનો પ્રેમાલાપ યથાવત હતો. એક મહિના સુધી આલોકને સુરત જવાનો મેળ પડયો નહોતો. આખરે જે વીક એન્ડમાં આલોકને સુરત જવા માટે પરમીશન મળી તેના આગલા દિવસે જ એક ભયંકર દુર્ઘટના બની. જે ફાયટર પ્લેન ઉડાડવાનું આલોક શીખી રહ્યો હતો તે યાંત્રિક ખામીને કારણે તૂટી પડયું હતું.  

ટીવીમાં પ્રસારિત થઇ રહેલા આલોકના અવસાનના આકસ્મિક અને દુઃખદ સમાચાર જોતાં  જ સુધા બેભાન થઇ ગઈ હતી. કર્નલ સાહેબે ફોન કરીને નજીકમાં જ રહેતા લેડી ડોક્ટરને ઘરે બોલાવ્યા. લેડી ડોકટરે તાત્કાલિક ઇન્જેક્શન આપીને સુધાને ભાનમાં લાવી દીધી હતી. તેમણે સુધાને ચેક કરીને કહ્યું હતું... 'સુધા, યુ આર પ્રેગ્નન્ટ' કર્નલ સાહેબના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. સુધા ફરીથી બેહોશ થઇ ગઈ હતી. સુધાને તાત્કાલિક હોસ્પિટલમાં એડમીટ કરવી પડી હતી. આલોકને ગુમાવવાનું દુઃખ અને લગ્ન પહેલાં સગર્ભાવસ્થાની સ્થિતિ સુધાના જીવનમાં અણધારી આફતના સ્વરૂપમાં આવી પડી હતી. દવાખાનામાં શ્રુતિ સુધાની સાથે ખડે પગે હતી. કર્નલ સાહેબના મનની સ્થિતિ અતિશય પીડાદાયક હતી. આલોકના અણધાર્યા આકસ્મિક અવસાન માટે એકની એક દીકરીને આશ્વસ્ત કરવા માટે એમની પાસે શબ્દો નહોતા.. હોસ્પિટલમાં સુધાની નાજૂક તબિયત જોતાં તેણે ઓળંગેલી લક્ષ્મણરેખા બાબતે ઠપકો આપી શકાય તેમ પણ નહોતું... હવે ઠપકો આપવાનો અર્થ પણ નહોતો. તેમને પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે પિતા તરીકે તેઓ  નિષ્ફળ નીવડયા હતા!  

'અંકલ, તમે ઘરે જઈને આરામ કરો.. હું સુધા સાથે અહીં રહીશ'. શ્રુતિએ કહ્યું હતું. કર્નલ સાહેબ સજળ નેત્રે ધીમે ધીમે ઉભા થઇને લાકડીના સહારે રૂમની બહાર નીકળી ગયા હતા.  હમેશા ટટ્ટાર અને મર્દાના ચાલે ચાલતા કર્નલ સાહેબ આજે કુદરતની થપાટ સામે નીચું જોઇને ચાલી રહ્યા હતા. માણસ કેટલી હદે સંજોગોનો શિકાર હોય છે તેનો અહેસાસ કર્નલ સાહેબને જીવનમાં  આજે  પહેલી વાર થઇ રહ્યો હતો. બીજે દિવસે તબિયત સારી થતાં સુધાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શ્રુતિને વળગીને સુધા રડી પડી.

'મારા પર તો આભ તૂટી પડયું છે... આલોકના અણધાર્યા વિયોગનું દુઃખ અને ખાસ તો પપ્પાનું દુઃખ મારાથી જોવાતું નથી'. 

શ્રુતિએ રડતાં રડતાં સુધાને હિંમત આપી હતી. સુધાને મૂકવા શ્રુતિ ઘરે ગઈ ત્યારે કર્નલ સાહેબ પથારીમાં સૂતા હતા. કર્નલ સાહેબને રાત્રે ઊંઘમાં જ સિવિયર હાર્ટએટેક ભરખી ગયો હતો. ગુજરાતીમાં કહેવત છે કે પડે છે ત્યારે બધું જ પડે છે!

આખા મસૂરીમાં સુધાનો હવે એક માત્ર સહારો શ્રુતિ જ હતી. શ્રુતિ તેના મમ્મી પપ્પાની મંજૂરી લઈને થોડા દિવસ માટે સુધાના બંગલે રહેવા આવી ગઈ હતી. થોડા દિવસ પછી સુધાને સમજાવીને એબોર્શન કરાવવામાં પણ શ્રુતિ તેનો પડછાયો બનીને ઉભી રહી હતી. કહેવાય છે કે દુખનું ઓસડ દહાડા. શ્રુતિ અને સુધાનું એમબીએનું રીઝલ્ટ આવી ગયું હતું. શ્રુતિને પાસીંગ માર્કસ આવ્યા હતા જયારે સુધાને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો.  સુધાને પ્રેમથી ભેટીને દિલથી અભિનંદન આપતા શ્રુતિએ કહ્યું હતું 'તારી સફળતાથી ખૂબ ખુશ થઇ છું'.   સુધાને મુંબઈની કંપનીમાં નોકરી મળી ગઈ હતી. બંને સખીઓ સંજોગોને કારણે અલગ થઇ હતી. કર્નલ સાહેબ તેમની પાછળ મસૂરીનો બંગલો તથા વતનનો વલસાડનો બંગલો મૂકતા ગયા હતા. સુધા નોકરી મળ્યા બાદ આર્થિક રીતે વધારે સધ્ધર થઇ હતી. મુંબઈ ગયા બાદ શ્રુતિ સાથેનો સંપર્ક બિલકુલ રહ્યો નહોતો. 

મુંબઈમાં ખાસ્સાં વર્ષો નોકરી કર્યા બાદ સુધાને અમદાવાદની એક જાયન્ટ કંપનીએ ચીફ એક્ઝીક્યુટીવ  ઓફિસર તરીકે ઓફર આપી હતી. મુંબઈની અતિશય વ્યસ્ત અને દોડધામ ભરેલી જિંદગીથી કંટાળેલી સુધાએ આખરે અમદાવાદમાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે જ તેણે અમદાવાદમાં આ ફર્નિચર સાથેનો બંગલો ખરીદી લીધો હતો. 

સુધાના હાથમાં હજૂ નેકલેસ હતો અને આંખમાં આંસુ હતા.તે વર્તમાનમાં આવી ગઈ હતી. યાદોનો પણ એક ટ્રેક હોય છે.આજે કેટલા વર્ષો બાદ સુધાએ એ ટ્રેક પર માનસિક સફર કરી હતી... જેમાં દર્દ, પીડા, યાતના અને વેદના વધારે હતા. જોકે આલોક સાથે મસૂરીમાં ગાળેલા એ મધુર દિવસોના સંસ્મરણોની સોનેરી સાંકળ એના હૃદયના એક ખૂણાને બાંધીને બેઠી હતી. જે આજે થોડીક ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું હતું. આ એ સંસ્મરણો હતાં જે પહેલી વાર વિનાયકને જોયો ત્યારે અનાયાસે જ  મનમાં સળવળવા લાગ્યા હતા. વિનાયક જયારે કાજલ સાથે પહેલીવાર બંગલે આવ્યો હતો ત્યારે સુધા એની સામેથી નજર હટાવી શકી નહોતી કારણકે એને આલોક યાદ આવી ગયો હતો. વિનાયક પણ આલોકની જેમ છ ફૂટ હાઈટવાળો બાવીસ વર્ષનો દેખાવડો  યુવાન હતો. જોગાનુજોગ આલોકનો નાક નકશો અને પાણીદાર આંખો  આલોક જેવી જ હતી. વિનાયકની આલોક જેવી જ આબેહૂબ પ્રતિકૃતિને કારણે અનાયાસે સુધાથી તેની સરખામણી આલોક સાથે થઇ ગઈ હતી. જોકે બંને વચ્ચે ઉડીને આંખે વળગે તેવો એક તફાવત પણ હતો... આલોક એરફોર્સમાં હોવાને કારણે ટૂંકા વાળ રાખતો હતો જયારે વિનાયકના વાળ લાંબા હતા. બાકી તો વિનાયકનો આલોક જેવો જ લૂક ખરેખર તો કુદરતનો કરિશ્મા જ હતો! બેતાલીસ વર્ષની સુધા પાસે બાવીસ વર્ષનો વિનાયક આમ તો દીકરાની ઉમરનો હતો તેથી મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન આવે તેની સુધાએ પૂરતી કાળજી રાખી હતી. આજે નેકલેસને કારણે આલોકની મીઠી યાદોની વણઝાર એના સ્મૃતિ પટલ પર ઉપસી આવી હતી. જોગાનુજોગ એ જ રાત્રે આલોક સુધાના સ્વપ્નમાં આવ્યો હતો. આલોકે જમણો હાથ સ્ટાઈલથી હલાવીને એક આંખ મિચકારીને કહ્યું હતું 'હાય .. ડાર્લિંગ,'  

'ઓહ, આલોક આટલાં વર્ષે તું પહેલીવાર દેખાયો'. સુધાની આંખમાં આંસુ ઉભરાયા.. 'સુધા, રડીશ નહી..હું જાણું છું કે તારી આંખમાં આંસુનો દરિયો છે, પણ તને નથી ખબર કે એ દરિયામાં મારા પણ આંસુ છે!'. સુધાએ તરત આંસુ લૂછી નાખ્યા. 

'આલોક, તું તો મને એકલીને મધદરિયે છોડીને અનંતની યાત્રાએ ઉપડી ગયો પણ અહીં મારું અંગત કોઈ જ નથી. વર્ષોેથી એકલતાનું આકાશ ઓઢીને જીવી રહી છું.' સુધા ફરીથી રડી પડી.

'સુધા, હમણાંથી તું મને અનહદ યાદ કરે છે ખરું ને?' 

'હા આલોક, અહીં અમદાવાદ આવ્યા બાદ અદ્દલ તારા જેવો જ છોકરો જોયો છે. જોકે આજે તો એ ગરીબ છોકરો મારા દીકરાની ઉમરનો કહેવાય..' 

'ઓહ, આપણને છૂટા પડયાને એક યુગ વીતી ગયો હોય તેવું લાગે છે ..આખી પેઢી બદલાઈ ગઈ...ખરુંને સુધા?  એની વે, જો એ છોકરો ગરીબ જ હોય તો તેનું ધ્યાન રાખજે'. 

અચાનક સુધાની આંખ ખૂલી ગઈ હતી. તેની આંખમાં સુકાઈ ગયેલા આંસુ હતા. સુધા મનમાં જ વિચારી રહી.આટલાં વર્ષે આલોક સ્વપ્નમાં આવ્યો એનો સંકેત શું સમજવો? 

એ જ ક્ષણે સુધાએ મનોમન વિનાયક અને તેના પરિવારનું ધ્યાન રાખવાનું નક્કી કરી લીધું હતું. આમ પણ નોકરીમાં રહ્યાના માત્ર બે જ દિવસમાં સાચા ડાયમંડનો નેકલેસ પરત આપીને કાજલે જડબેસલાક પ્રમાણિકતાનો દાખલો બેસાડી દીધો હતો. રાહુલના જન્મ બાદ કાજલને ફરીથી નોકરીમાં રાખવાનું અને તેના દીકરા રાહુલનું વધારે પડતું ધ્યાન રાખવાનું મૂળ કારણ હકીકતમાં વિનાયક પ્રત્યેની સુધાની અદ્રશ્ય લાગણી જ હતી!

બીજે દિવસે સુધાએ અચાનક કાજલને કહ્યું હતું 'મારે વિનાયકનું એક કામ છે'

 કાજલ ચમકી હતી.     

(ક્રમશઃ)

Ravi-Purti

Google NewsGoogle News