સરદાર : લાડબાના લાડકવાયા સપૂત .
- સરદાર @150-હસિત મહેતા
- લાડબા સ્વભાવે કશી ગણત્રી કર્યા વિના બીજાને ખાતર શરીરને ઘસી નાખવાની ઉત્કટતા ધરાવતાં હતાં, તો સરદારનું તો આખું જીવનકાર્ય જ આવા સદગુણોથી ભરેલું છે. લાડબા નિ:સ્વાર્થ સેવાવૃત્તિવાળા હતા તો સરદારમાં પણ એ ગુણો ખરાં.
- સરદારના અંતરંગ સ્વભાવ, વિચારો અને પ્રકૃતિના ઘડતરમાં માતા લાડબાના સંસ્કારોનો સીધો પ્રભાવ છે
ઈ તિહાસ ચાહે કોઈપણ હોય, પણ જો તે એકાંગી, પૂર્વગ્રહી કે પક્ષપાતી બને તો એમાં કેવી-કેવી ધૂંધળી બાબતો ભળે, તેનો સચોટ દાખલો આપણને સરદાર પટેલના જીવન વિશે જાણીએ ત્યારે મળે.
ભારતને ઘડનારા આ ઘડવૈયાના ઘડતરની, અરે ખુદ આ ઘડવૈયાના જીવન-ઉછેરની અંતરંગ વાતોથી આપણે કેટલાં ઓછા જાણતલ છીએ. આ કારણ હોય કે તે કારણ, પણ સરદારના જીવનને, સરદારના વ્યક્તિત્વને અને સરદારના અવતાર કાર્યને આપણાં સ્વતંત્રતાના ઈતિહાસે જોઈએ તેવો ન્યાય આપ્યો નથી. આજે તેમના જન્મને ૧૫૦ વર્ષ થઈ ગયા પછી પણ આપણે સરદાર ઈતિહાસની આ ધૂંધળી બાબતોને ઉજાગર કરવી પડે, ભારતના આ ઘડવૈયાના ઘડતરની ઉપેક્ષિત ઘટનાઓને જાણવી પડે, ત્યારે વિતેલાં વર્ષોમાં સમાજે, સરકારે અને શિક્ષણે આવું કેમ કર્યું હશે, તેવા વેધક પ્રશ્નનો નજર સામે કોઈ જવાબ વળતો નથી. સરદારના દેશદાઝી પિતાજી રાજભા પટેલ વિશેની રસપ્રદ વાતોનું અનુસંધાન લાડબાના ચરિત્રમાં રોપાયું છે.
લાડબા, સરદારના મા નડિયાદના એક સુખીસંપન્ન દેસાઈ પરિવારના લાડકા દીકરી હતી, એટલે જ તેમનું નામ લાડબા હતું. તેમના બાપનું નામ જીજીભાઈ વસ્તાભાઈ દેસાઈ. આ કુટુંબ નડિયાદની દેસાઈ-પાટીદાર કોમમાં મોભાદાર ગણાતું. ચરોતરી પાટીદારો પોતાના છ ગામના ગોળને (ભાદરણ, ધર્મ, સોજિત્રા, વસો, નડિયાદ, કરમસદ) જ દીકરીઓની લેતી-દેતી માટે યોગ્ય ગણાતું. તે સમયે આ ગોળ બહાર આવેલાં ગામોના પાટીદારો જોડે લગ્નસંબંધ બાંધવામાં તેઓ કંઈક નીચાપણાંનો તૃચ્છકાર ભાવ અનુભવતા હતા.
ઈ.સ.૧૮૭૫માં માત્ર પચીસસોની વસ્તી ધરાવતાં કરમસદના ઝવેરભાઈ પટેલનું લગ્ન તેમનાથી ઘણાં મોટા ગણાતા શહેર અને તાલુકામથક નડિયાદમાં, મોભાદાર કુટુંબના જીજીભાઈ દેસાઈની પુત્રી લાડબા સાથે થયું, ત્યારે નડિયાદમાં કુલ વસતિના ચોથા ભાગની પ્રજા તો પાટીદાર કોમની જ હતી.
લાડબા સાથેનું ઝવેરભાઈનું લગ્ન બીજીવારનું હતું. નોંધાયું છે કે એ પહેલાં તેમનું લગ્ન સુણાવ ગામે થયું હતું, પરંતુ તેમના પહેલા પત્ની નિ:સંતાન જ અવસાન પામતાં, તેમનું બીજું લગ્ન નડિયાદના લાડબા સાથે થયું હતું. એમ પણ નોંધાયેલું છે કે લાડબા ઝવેરભાઈ કરતાં ૧૮ વર્ષ નાના હતા. જો કે એ બંનેના અવસાન વચ્ચે પણ જોગાનુજોગે ૧૮ વર્ષનું જ અંતર છે.
લાડબા સ્વભાવે વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ કરતાં તદ્દન જુદા હતા. ઝવેરભાઈ જેટલાં કડક, તેટલાં જ લાડબા નરમ. ઝવેરભાઈ જેટલાં ભક્તિપરાયણ, લાડબા તેટલાં જ ઘરપરાયણ. ઝવેરભાઈ જેટલાં આખાબોલા, લાડબા તેટલાં જ મિતભાષી. ઝવેરભાઈ જેટલાં ઘરની બહાર, લાડબા તેટલાં જ ઘરરખ્ખું. ઝવેરભાઈ ગામ આખાના નેતા, લાડબા પરિવારમાં જ પ્રવૃત્ત.
એટલે કે લાડબાને તો પોતાની કૌટુંબિક ફરજો બજાવવામાં જ વધુ રસ હતો. કદાચ એટલે જ ઘર-પરિવારમાં કેટલેક અંશે બેધ્યાન રહેતાં ઝવેરભાઈના બાળકોનો સંસાર લાડબાના સમર્પણને કારણે વધારે સફળ બન્યો હશે. તેમણે એક કુશળ ઘરરખ્ખુ ગૃહિણી બનીને પૂરી આવડતથી ઝવેરભાઈનું ઘર ચલાવ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં લાડબા મહેમાનોની આગતા સ્વાગતા ખૂબ સારી રીતે કરતાં. એટલું જ નહીં, તેઓ એટલા નરમ સ્વભાવના હતા કે ઘરની વહુઓ આગળ પણ ઊંચા અવાજે વાત કરતાં સંભળાયા નથી. તેઓ ઘરની વહુઓને પણ દીકરીની જેમ જ સાચવતા.
આખો દિવસ ઘરકામમાં પ્રવૃત્ત લાડબાને સ્હેજ નવરાશ મળે તો આડોશપાડોશનું કામ પણ કરી જાણતાં. એમનાં આ પરમાર્થી સ્વભાવને કારણે તેઓ ઘરમાં, પરિવારમાં, ફળિયાના પડોશીઓમાં અને સમાજમાં ખૂબ જ આદરપાત્ર અને લોકપ્રિય હતા. તેઓ આવી સેવાભાવી વૃત્તિના હોઈ કદી કોઈની સાથે તકરારમાં ઉતર્યા હોય, એવો એકેય દાખલો તેમના કુટુંબીજનોએ કે ખુદ સરદાર પટેલે કહ્યો-નોંધ્યો નથી.
લાડબા સ્વભાવે કશી ગણત્રી કર્યા વિના બીજાને ખાતર શરીરને ઘસી નાખવાની ઉત્કટતા ધરાવતાં હતાં, તો સરદારનું તો આખું જીવનકાર્ય જ આવા સદગુણોથી ભરેલું છે. લાડબા નિ:સ્વાર્થ સેવાવૃત્તિવાળા હતા તો સરદારમાં પણ એ ગુણો ખરાં. લાડબા પોતાની માંદગી કે મૃત્યુ વિશે સાવ બેપરવાહ અને હિંમતવાન, તો સરદારે પણ કહેલું છે કે 'ઈશ્વર આપણને ઉપાડી લેવા ઈચ્છતો હોય છે, તેમાં માણસ ગમે તેટલા ધમપછાડા કરે, છતાં (તેમાં) મીનમેખ ફેરફાર થઈ શક્તો નથી.' લાડબા પોતાની વહુઓ ઉપર આંખ મીંચીને વિશ્વાસ મુકી દેતાં, તો સરદાર પણ પોતાના નાના-મોટા કોઈપણ સાથીદાર ઉપર પૂરતો વિશ્વાસ રાખી તેના ખોળમાં માથું મૂકી દેવાની તત્પરતા દાખવવા માટે જાણીતા છે.
આ અર્થમાં, એટલે કે સરદારના અંતરંગ સ્વભાવ, વિચારો અને પ્રકૃતિના ઘડતરમાં માતા લાડબાના સંસ્કારોનો સીધો પ્રભાવ છે, એમ આપણે બંધ આંખે પણ જોઈ શકીએ તેમ છીએ.
સરદારના આ માતા લાડબા વિશે એમ પણ નોંધાયું છે કે તેમના નાના દીકરા કાશીભાઈની પત્ની ખૂબ નાની ઉંમરે બાળકોને મૂકીને અવસાન પામ્યાં હતા, ત્યારથી લાડબાએ પુત્ર કાશીભાઈના બાળકો ઉછેરવાનું માથે લઈ લીધું હતું. તેઓ મૃત્યુ પર્યંત નાના દીકરા કાશીભાઈ સાથે જ રહ્યાં અને તેમનાં બાળકોને મોટા કર્યા. તેઓ જીવનના ૮૫ વર્ષે, ઈ.સ.૧૯૩૨માં અવસાન પામ્યાં ત્યાં સુધી કાશીભાઈને ત્યાં જ રહ્યાં. પાછલી અવસ્થાએ તો કાશીભાઈ એમને બધું લાવી-મૂકી આપે અને લાડબા બેઠા-બેઠા રસોઈ કરે, એવું ઘણાં વર્ષો સુધી ચાલ્યુ હતું. ગાંધીજીએ કાંતણનો પ્રચાર શરૂ કર્યો અને રેંટિયો કાઢયો ત્યારે વધતી ઉંમરે પણ તેઓ ખૂબ ઉત્સાહથી રેંટિયો કાંતતા શીખ્યા, અને નવરાશ મળે ત્યારે કાંતણ કરવા બેસી જ જાય. સરદારના અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે આવેલા ઘરે તેઓ રહેવા જાય ત્યારે પણ રેંટિયો કાંતવાનું ચૂક્તા નહીં. તેમની આ વયોવૃદ્ધ જીવનની સક્રીયતા જોઈને પડોશી માવલંકર પરિવાર પણ ઘણો અચંબામાં મૂકાયો હતો.
મહાદેવભાઈ દેસાઈએ લખ્યું છે કે સરદારે તેમના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિભાવ ઘણીવાર વ્યક્ત કર્યો છે, જે બતાવે છે કે સરદાર પટેલ જેવા મહામાનવનું વ્યક્તિત્વ પણ માતૃચરણે તો ઝુકેલું જ હોય છે.