Get The App

સમયાંતર - લલિત ખંભાયતા

સુંવાળી: સુરતના કાંઠે સમય સાથે ધોવાઈ ગયેલો ભવ્ય ઈતિહાસ

Updated: Jan 13th, 2019


Google NewsGoogle News
સમયાંતર - લલિત ખંભાયતા 1 - image


વાર-તહેવારે અઢળક પ્રવાસીઓ સુંવાળીના સુંવાળા આવતાં રહે છે. આજે સહેલાણીઓને મજા કરાવતો સુંવાળીનો કાંઠો ભારતના ઈતિહાસના મહત્ત્વપૂર્ણ વળાંકનો સાક્ષી રહી ચૂક્યો છે.

બન્ને બાજુ તંબુમાં ઉભી કરેલી કામચલાઉ દુકાનોની હારમાળા વચ્ચેથી પસાર થતો રસ્તો પૂરો થાય ત્યાં બોર્ડ મારેલું છે : 'દરિયો ભયજનક હોવાથી નહાવાની મનાઈ છે.' દરિયાનું પાણી ફરી ન વળે એટલે રસ્તો અને દુકાન વિસ્તાર કાંઠાથી ત્રીસેક ફીટ ઊંચો રખાયા છે. રસ્તો ખતમ થાય ત્યાંથી સમુદ્રનું સામ્રાજ્ય શરૂ થાય છે.

દરિયાકાંઠો સપાટ છે, સ્વચ્છ પણ છે. કાળાશ પડતો કલર ધરાવતી રેતી તેને ઓર નિખારે છે. સુકી રેતી, ભીની રેતી અને પછી દરિયાનું પાણી એમ ત્રણ થરમાં આખો કાંઠો વહેંચાયેલો છે. ભીની થયેલી રેતીમાં વળી પાણીના આવન-જાવનથી જાણે રેતી પર કોઈએ બારીક શિલ્પકામ કર્યું હોય એવી અનોખી ભાત ઉપસી છે.

થોડે અંદર માછીમારી માટેના થાંભલા ખોડેલા છે. વધારે દૂર નજર પહોંચે તો ત્યાં એકાદ-બે મોટાં જહાજો પણ લંગર નાખીને ઉભા છે. કાંઠો લગભગ ખાલી છે. થોડાંક યુવક-યુવતીઓ રેતીમાં રેખાચિત્રો દોરતાં હોય એમ પગલાં પાડી રહ્યાં છે.

એ પગલાં પાડી રહેલા પ્રવાસીઓને ક્યાંથી ખબર હોય કે તેઓ જાણે-અજાણે ભારતના ઈતિહાસના અતી મહત્ત્વના વળાંક પરથી પસાર થઈ રહ્યાં છે. એ દરિયાકાંઠાનું નામ સુંવાળી. 

સુરતથી પચીસેક કિલોમીટર દૂર હજીરા જતાં આવેલો સુંવાળીનો કાંઠો સ્થાનિક પ્રવાસીઓ માટે ફરવાં જવાનું હાથવગું સાધન છે. વાર-તહેવારે સુરતીઓ અહીં ઉમટી પડે છે. વિકાસની દોડમાં આગેકૂચ કરી રહેલું સુરત એક સમયે ધમધમતુ બંદર હતું એ વાત હવે લગભગ ભૂલાઈ ચૂકી છે. બે-ચાર બીચ સુરતથી પંદર-પચીસ કિલોમીટરના અંતરે પથરાયેલા છે.

કેટલોક કાંઠા વિસ્તાર ઉદ્યોગોએ રોકી લીધો છે. સુંવાળી પણ એવો જ એક કાંઠો છે. અહીં કાંઠે મેદાન સાવ મોકળું છે, એટલે પ્રવાસીઓને મજા પડે એમાં નવાઈ નથી. પણ એ સુંવાળીના કાંઠે પથરાયેલો રેતીનો પટ ભારતના ઈતિહાસપટ પર અમરકથા તરીકે નોંધાયેલો છે. એ સમજવા માટે ચારસો વર્ષ પહેલાના યુગમાં પહોંચવુ પડશે.

બ્રિટન-પોર્ટુગલ વચ્ચે સ્પર્ધા
ઘણો સમય મથ્યા પછી પોર્ટુગલના નાવિક વાસ્કો-દ-ગામાને પંદરમી સદીમાં ભારતનો કાંઠો મળ્યો. કેરળના મલબાર કાંઠે ૧૪૯૮માં ચાર જહાજોના કાફલા સાથે વાસ્કો આવી પહોંચ્યો. એ પછી તો એ ઈતિહાસ જાણીતો છે કે બ્રિટન સહિત ઘણા યુરોપિયન દેશોની નજર ભારત તરફ મંડાઈ. 

યુરોપના દેશો વચ્ચે ત્યારે નવાં નવાં પ્રદેશો શોધી સત્તા જમાવવાની હોડ હતી. ભારત સાથે વેપાર કરવા બ્રિટનના કેટલાક આગેવાનોએ મળીને ૧૬૦૦ની ૩૧મી ડિસેમ્બરે 'ઈસ્ટ ઈન્ડિયા કંપની'ની સ્થાપના કરી. એ કંપનીએ કપ્તાન વિલિયમ હૉકિન્સને 'હેક્ટર' નામનું જહાજ સોંપી ભારત રવાના કર્યાં.

ભારત આવેલા હૉકિન્સના જહાજી સંઘને ૧૬૦૮ની ૨૪મી ઑગસ્ટે જહાજને એક કાંઠો દેખાયો. જહાજના લંગર પાણીમાં ઉતર્યાં અને હૉકિન્સ તથા સાથીદારો કાંઠે આવ્યા. એ કાંઠો સુરતનો હતો અને ત્યાં પોર્ટુગિઝોનું વેપાર મથક હતું.

આગંતુક જહાજ પર ફરફરતો બ્લુ-લાલ કલરનો ધ્વજ જોઈને પોર્ટુગિઝોને પેટમાં ફાળ પડી. ભારતથી સામગ્રી લઈ જઈને યુરોપમાં વેચવાની મોનોપોલી પોર્ટુગલ પાસે હતી. બ્રિટિશરો પણ ભારતથી એવો જ વેપાર શરૂ કરે તો પોર્ટુગલની મોનોપોલી તૂટે. માટે બ્રિટિશ જહાજના આગમન સાથે જ પોર્ટુગિઝો સતર્ક થયા. 

બીજી તરફ હેક્ટર નામના એ જહાજના આગમન સાથે ભારતના ઈતિહાસનો નવો આધ્યાય શરૂ થયો. કેમ કે બ્રિટિશરોએ પહેલી વખત ભારતના કાંઠે પગ મૂક્યો એ દરિયાકાંઠો સુરત પાસેના સુંવાળીનો હતો. એટલે જ કહી શકાય કે સુંવાળીનો કાઠો ભારતના ઈતિહાસના અતી મહત્ત્વના પ્રસંગોનો સાક્ષી રહ્યો છે. ઈતિહાસના પાઠયપુસ્તકોમાં પણ એ વાત ભણાવાય છે કે અંગ્રેજો ભારતમાં સૌ પ્રથમ સુરતના રસ્તે પ્રવેશ્યા હતા.

સુંવાળી: અંગ્રેજોએ આપેલું નામ
ત્યારે કદાચ નામ સુંવાળી ન હતું. માછીમારોનું એ સામાન્ય ગામ હતું. કાંઠો સાવ સપાટ નહીં, દરિયામાં જરા ઉપસેલી જમીન અને તેની અંદર ભરાયેલું પાણી. અંગ્રેજીમાં આવા છીછરા જળવિસ્તારને શેલૉ કહેવામાં આવે. માટે અંગ્રજોએ એ સ્થળનેે 'શેલી હૉલ' તરીકે ઓળખવાની શરૂઆત કરી. એટલે અંગ્રેજ દસ્તાવેજોમાં ગામનું નામ  જીુચનનઅ  તરીકે નોંધાયેલું છે. હવે લોકભાષામાં એ નામ સુંવાળી થઈ ગયું. 

સુંવાળીના કાંઠે ભારતનું પ્રથમ નૌકાયુદ્ધ
આધુનિક ભારતીય નૌકાદળની સ્થાપના માટે કોઈ સ્થળ નિમિત બન્યું હોય તો એ સુંવાળી છે. અગાઉના બધા નૌકાયુદ્ધો બે રાજા-રજવાડાં વચ્ચે થતાં હતા, પણ સુંવાળીના કાંઠે અંગ્રેજો-પોર્ટુગિઝો વચ્ચે તણખા ઝરવાના શરૂ થયા.  

પહેલા તો અંગ્રેજ પ્રતિનિધિ હૉકિન્સ જહાંગીરના દરબારમાં આગ્રા સુધી ન પહોંચે એટલા માટે પોર્ટુગિઝોએ તેમને રસ્તો જ ન બતાવ્યો. તો પણ ૧૬૦૯માં હૉકિન્સે મોગલ કચેરી સુધી પહોંચવામાં સફળા મેળવી. એ પછી ૧૬૧૨માં વધુ કેટલાક બ્રિટિશ જહાજો સુંવાળીના કાંઠે આવ્યા. એ કાફલાનો કપ્તાન થોમસ બેસ્ટ હતો.

નવેમ્બર ૨૯-૩૦ દરમિયાન બ્રિટિશ-પોર્ટુગિઝ જહાજી બેડા સાથે સંઘર્ષ થયો હતો. પોર્ટુગિઝો પાસે 'ગેલન' તરીકે ઓળખાતા ૪ તોપસજ્જ જહાજો અને નાની ૨૬ હોડી હતી. અંગ્રેજો (એટલે કે ઈંગ્લિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની)પાસે 'જેમ્સ', 'સોલોમન', 'રેડ ડ્રેગન' અને 'હોશિએન્ડર' નામના ચાર જહાજો હતા.

સામ સામી તોપો ગરજવા લાગી અને તેમાં બ્રિટિશ કેપ્ટને પોર્ટુગલના ૩ ગેલનને ડૂબાડી દીધા. શહેનશાહ જહાંગીરના મનમાં બ્રિટિશરોને વેપારનો પરવાનો આપવો કે નહીં તેની અવઢવ ચાલતી હતી, પણ આ વિજયના સમાચાર જાણ્યા પછી બહાદુર ગણીને બ્રિટિશરોને વેપારની રજા આપવાનું તેમણે વિચાર્યું હતું.

એ રીતે ભારતનું પહેલું નૌકાયુદ્ધ સુંવાળીના કાંઠે ખેલાયું હતુું અને નીલવર્ણો દેખાતો દરિયો યુરોપિયનોના લોહીથી ખરડાયો હતો. આ વિજય પછી બ્રિટિશ કંપનીએ વિચાર આવ્યો કે આપણા વ્યાપારી હિતો જળવાઈ રહે એ માટે અહીં નાનકડું નૌકામથક ઉભું કરવું જોઈએ. પછી તો બ્રિટિશરો જ્યાં જ્યાં કાંઠે મથક સ્થાપતા ગયા ત્યાં નૌકાકાફલો પણ રાખતા હતા.

સમય જતાં આખા ભારતના કાંઠે એકસૂત્રતા ધરાવની નૌસેના ઉભી થઈ. બીજી તરફ સુંવાળીનો જંગ પોર્ટુગિઝોને આકરો પડયો અને સમય જતાં તેમનો વેપાર દીવ જેવા બે-ત્રણ કેન્દ્રો પૂરતો મર્યાદિત થઈ ગયો. જોકે જ્યારે તક મળે ત્યારે બ્રિટન-પોર્ટુગલ ભારત પર સત્તા માટે એકબીજા સાથે બાખડતા રહેતા હતા. 

જેમ કે સુંવાળીના કાંઠે જ ૧૬૧૪ના ડિસેમ્બરની ૨૭થી ૨૯ તારીખ દરમિયાન પોર્ટુગિઝોએ કરેલા હુમલામાં અંગ્રેજોની મોટી સંખ્યામાં જાનહાની પણ થઈ હતી, ઘણા જહાજો બાળી નખાયાં હતાં. પરંતુ બ્રિટિશરોના વેપાર મથકને વાંધો આવ્યો ન, સરવાળે તેમનો હાથ ઉપર રહ્યો.

ભારતથી ઈંગ્લેન્ડ:  ધ ફર્સ્ટ શીપ
૧૬૧૩માં સુરતમાં બ્રિટિશરોનું મથક સ્થપાયું જે કોઠી તરીકે ઓળખાતું થયું. બીજા વર્ષે ૧૬૧૪ના માર્ચમાં 'હોપ' નામનું વહાણ સુંવાળીથી કપાસ-ગળી ભરીને ઈંગ્લેન્ડ જવા રવાના થયું. ભારતના કોઈ પણ છેડેથી ઈંગ્લેન્ડ જનારું એ પ્રથમ જહાજ હતું, ભારતના ઈંગ્લેન્ડ સાથેના દરિયાઈ વેપારની એ શરૂઆત હતી. 

સુંવાળીની જાહોજલાલી
૧૬૧૫માં  બ્રિટનથી એક કાફલો આવ્યો જેમાં પ્રખ્યાત બ્રિટિશ એમ્બેસેડર-અધિકારી ટૉમસ રૉ પણ હતો. ૧૬૧૯ સુધી રોકાઈને ટૉમસે જહાંગીર પાસેથી પરવાના મેળવ્યા અને સુરત ઉપરાંત અમદાવાદ, ભરૂચ, આગ્રામાં કોઠી સ્થાપવાની પણ રજા મેળવી. ઉત્તરમાં આગ્રાથી દક્ષિણમાં મછલીપટ્ટનમ્ સુધી વિસ્તરેલા વેપારનું સંચાલન મુખ્ય મથક સુરતથી થતું હતું.

સુરત શહેર એ જમાનામાં પણ સમૃદ્ધ હતું અને સુંવાળી તેના બંદર તરીકે કામ આપતું હતું. યુરોપ તો ઠીક ચીનનું ચાંદી અને જાપાનનું તાંબુ પણ સુંવાળીના કાંઠે ઉતરતું હતું. ૧૬૧૫થી ૧૬૨૯ સુધીના પંદર વર્ષમાં સુવાંળીના કાંઠેથી સરેરાશ ૫૦૦ ટન વજન ધરાવતા ૨૭ જહાજો ગળી-સુતરાઉ કાપડ જેવો કિંમતી સામાન લઈને ઈંગ્લેન્ડ ગયા હતા. સુરતના સુંવાળી કાઠે ૧૧-૧૨ કિલોમીટર લાંબી અને ૨ કિલોમીટર પહોળી ખાડી હતી. જહાજો લંગારવા માટે એ શ્રેષ્ઠ જગ્યા હતી. 

સુરતની સમૃદ્ધિ
આજે સુરતના હિરા બજારમાં કાચી ચીઠ્ઠી વડે અને કરોડોનો વેપાર ચાલે છે. એ રીતે ચાર સદી પહેલા સુરતના શરાફો યુરોપિયન વેપારીઓને નાણાં ધિરતા હતા. વળી એવી રીતે ધિરાણ કરતાં કે કોઈ પણ બંદર ઉપર અડધી રાતે પણ સુરતના વેપારીઓની હૂંડી સ્વીકારી લેવામાં આવતી હતી. એ બધા સંજોગો વચ્ચે સુંવાળી સોળે-કળાએ ખિલ્યું હતું.

ઈશ્વરલાલ ઈ.દેસાઈએ સુરતના ઈતિહાસ 'સુરત સોનાની મૂરત'માં નોંધ્યા મુજબ સુંવાળીમાં પરદેશીઓની સતત ભીડ વધતી જતી હતી. માટે ૧૬૬૬ પછી એવો નિયમ કરવામાં આવ્યો કે અંગ્રેજ, ફ્રેન્ચ અને વલંદા (ડચ) એ ત્રણ દેશના જ જહાજો ત્યાં લંગારવા. લંગાર્યા પછી એ જહાજો પોતાના દેશનો ધ્વજ ફરફરતો રાખતા હતા.

બીજી તરફ સુંવાળીમાં આવીને રહેનારા પરદેશી નાગરિકોની સંખ્યા એટલી વધી ગઈ કે આખરે પરદેશીઓ માટે અલગ કબ્રસ્તાન પણ બનાવવું પડયું હતું. આજે એ કબ્રસ્તાન આખું તો નથી રહ્યું પણ રાજગરી વિસ્તારમાં અમુક પરદેશી કબરો જોવા મળે છે.

દોઢક સદી પછી સમય બદલાયો.૧૮મી સદીના ઉતરાર્ધમાં દિલ્હીની ગાદી પરથી મોગલ સતા ઢીલી પડતી ગઈ, અંગ્રેજો મજબૂત થતા જતા હતા. અંગ્રેજોએ સુરતથી દક્ષિણે એક નવું બંદર જ વિકસાવી લીધું. એ બંદરનું નામ મુંબઈ! એ પછી સુંવાળી ધીમે ધીમે વિસરાતું ગયું. 

ઈતિહાસમાંથી ભૂંસાયેલું આજનું સુંવાળી 
ચાર સદી પછી સ્થિતિ સાવ બદલાઈ ચૂકી છે. સુંવાળીનો દરિયાકાંઠો બેશક સુંદર છે, ગુજરાતના સર્વોત્તમ સમુદ્રી કાંઠાનું લિસ્ટ તૈયાર થાય તો એમાં અચૂક સ્થાન પામે. પણ ભવ્ય બંદરના કોઈ અવશેષો રહ્યા નથી. હા, ક્યારેક ખોદકામ વખતે જૂના જમાનાની ઈંટો મળી આવે છે. પરંતુ કાંઠે હોય એવા બાંધકામનો કાળક્રમે સાવ નાશ થયો છે.

હવે આ વિસ્તારમાં ઉદ્યોગોનો દબદબો વધી ગયો છે. એ ઔદ્યોગિક બાંધકામ વખતે પણ સ્વાભાવિક રીતે પુરાતન અવશેષો નાશ પામ્યા હશે. કેટલાક અવશેષો કદાચ પાણીમાં અથવા કાંઠાની રેતી નીચે ધરબાયેલા પણ હોઈ શકે. પરંતુ આજનું સુંવાળી જોઈને કલ્પના પણ ન કરી શકાય કે અહીં એક સમયે યુરોપના ધૂરંધર દેશોના જહાજોના વાવટ ફરફરતાં હતાં.

આજે કાંઠે દુકાનો ખડકાયેલી છે એ રીતે ચાર સદી પહેલા સ્થાનિક વેપારીઓ તંબુ બાંધીને મોતીની છીપ, ચિનાઈ વાસણો, અકીક, ચોખા, કેળા વગેરે વેચવા બેસતા હતા. જહાજમાંથી ઉતરતા પરદેશીઓ તેમના મુખ્ય ગ્રાહક રહેતા હતા. આજે ચારેક હજારની વસતી ધરાવતા સુંવાળીમાં એક સમયે પારસીઓની મોટી વસતી હતી. આજે બે-ત્રણ ઘર છે અને જૂનવાણી બાંધકામો પણ છે. શાકભાજીની ખેતી પર આખુ ગામ નિર્ભર છે. 

નામ નથી, બદનામ છે!
ગામનો ઈતિહાસ સમજાવતા ૮૦ વર્ષના રમણભાઈ પટેલ કહે છે કે 'અમારું ગામ બહુ સમૃદ્ધ નથી, બહુ નબળું પણ નથી. પરંતુ વસવસો એ વાતનો છે કે દરિયામાં તણાઈ જવા માટે બદનામ થઈ રહ્યું છે. પાણીથી દૂર રહેવાની સૂચના આપતા બોર્ડ પણ મુક્યા છે. પરંતુ લોકો માનતા નથી, માટે બે-પાંચ વર્ષે તણાઈ જવાના બનાવો બનતાં રહે છે.'  અહીંની રેતી ઝડપથી પગ નીચેથી સરકી જાય એવી છે. માટે છીછરું પાણી ગમે ત્યારે ઊંડું થઈ શકે છે.

તણાવાનું બીજું કારણ પાણીમાં આવેલી ઊંચાણવાળી જમીન છે. પાણી વચ્ચે આવેલો ટેકરીનો ભાગ ઓટ હોય ત્યારે દેખાય છે. માટે પ્રવાસીઓ ત્યાં સુધી જાય છે. પછી અચાનક ભરતી આવે ત્યારે એ ટેકરી બેટમાં ફેરવાઈ જાય, ફરતે પાણી ભરાઈ જાય. ઘણા કિસ્સામાં તો બેટ પણ ડૂબી જાય એ વખતે જો તેના પર કોઈ પ્રવાસી હોય તો તેમને પણ દરિયો તાણી જાય એમાં કોઈ નવાઈ નથી. 

એટલે આજે સ્થિતિ એવી છે કે ભારત-બ્રિટન-પોર્ટુગલ ત્રણેયના ઈતિહાસમાં જેનું નામ અનેક વાર નોંધાયુ છે, એ ગામનું નામ તો નથી રહ્યું પણ કોઈ તણાઈ જાય તો બદનામી જરૂર મળે છે!


Google NewsGoogle News