ઉચ્છિષ્ટ ગણપતિ : પ્રથમ પૂજ્ય દેવતાનું પ્રચંડ તાંત્રિક સ્વરૂપ!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
- આજની તારીખે ભારતમાં બગલામુખી મહાવિદ્યાની તંત્ર-ઉપાસના ઉપરાંત ગણપતિના ઉચ્છિષ્ટ તંત્ર-સ્વરૂપની સાધના સૌથી વધુ કરવામાં આવે છે...
કા લાંતરે તંત્રની કુલ પાંચ શાખાઓ અસ્તિત્વમાં આવી : (૧) ગાણપત્ય તંત્ર (૨) શૈવ તંત્ર (૩) શાક્ત તંત્ર (૪) વૈષ્ણવ તંત્ર અને (૫) સૌર તંત્ર. તંત્રશાસ્ત્રના જનક સમા અથર્વવેદ થકી પ્રાપ્ત થયેલાં પ્રયોગો તેમજ પ્રત્યેક દેવી-દેવતાના તાંત્રિક મંત્રોને આ પાંચ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. ભગવાન ગણપતિના જુદા જુદા સ્વરૂપોની તાંત્રિક સાધનાનું ગાણપત્ય તંત્ર, મહાદેવ તથા એમના અવતારો-સ્વરૂપોની તાંત્રિક અને અઘોર સાધનાનું શૈવ તંત્ર, આદિ પરાશક્તિના તમામ સ્વરૂપો (૧૦ મહાવિદ્યા અને ૯ દુર્ગાસહિત)ની તાંત્રિક સાધના સમાવતું શાક્ત તંત્ર, ભગવાન વિષ્ણુના તમામ ૨૪ અવતારોની તંત્રસાધનાનું વૈષ્ણવ તંત્ર અને હાજરાહજૂર દેવ એવા ભગવાન સૂર્યની તંત્રોપાસનાને વર્ણવતું સૌર તંત્ર અસ્તિત્વમાં આવ્યું.
આજની તારીખે ભારતમાં બગલામુખી મહાવિદ્યાની તંત્ર-ઉપાસના ઉપરાંત ગણપતિના જે તંત્ર-સ્વરૂપની સાધના સૌથી વધુ કરવામાં આવે છે, એ છે ભગવાન શ્રી ઉચ્છિષ્ટ ગણપતિ. 'ઉચ્છિષ્ટ' શબ્દને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય એમ છે : (૧) સંસ્કૃતમાં ઉચ્છિષ્ટનો અર્થ થાય છે, એંઠું - અંગ્રેજીમાં જેને 'લેફ્ટ-ઓવર' કહી શકાય એવું. (૨) માર્મિક અર્થ - ઉચ્ચ+શિષ્ટ - એવો પણ કરવામાં આવે છે. એક એવું સ્વરૂપ, જે આધ્યાત્મિક શિષ્ટાચાર અર્થાત્ પરમ ચૈતન્યની પરાકાષ્ઠા સુધી પહોંચવામાં સાધકની સહાયતા કરે એ!
મૂળ કથા એ છે કે વિદ્યાવાન નામના એક અસુરે ભગવાન બ્રહ્માનું કઠોર તપ કર્યુ અને વરદાનમાં એમની પાસે અમરત્વ માગ્યું. રાબેતા મુજબ, ભગવાન બ્રહ્માએ એને આવું વરદાન આપવાની ના પાડી દીધી અને કંઈક એવું માગવા જણાવ્યું જેમાં અમરત્વ સિવાયની વાત હોય! જેવી રીતે પ્રત્યેક અસુરો પોતાની જાતને મહાન બનાવવા માટે વરદાન માગતી વેળા છીંડા શોધી કાઢતાં હોય છે, એ જ રીતે વિદ્યાવાને પણ બ્રહ્મા પાસે માગ્યું કે, 'મારું મૃત્યુ એમના હાથે થાય, જે પોતાની પત્ની સાથે રતિકર્મ (સંભોગ) કરતી વેળા મારો વધ કરવા આવે!' બ્રહ્મા તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા.
આ બાજુ, વિદ્યાવાન અસુરે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો અને ઈન્દ્રાદિ દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા. કોઈ પાસે ઉપાય નહોતો. આખરે સૌ ભગવાન ગણપતિ પાસે આવ્યા. એમની સમસ્યાની જાણ થયા પશ્ચાત્ ભગવાન ગણેશે 'ઉચ્છિષ્ટ' સ્વરૂપ ધારણ કર્યુ, જેમાં એમના અર્ધાંગિની દેવી વિઘ્નેશ્વરી (જેને શાસ્ત્રોમાં 'નીલ સરસ્વતી' તરીકે પણ ઓળખવામાં આવે છે એ) ભગવાનની જાંઘ ઉપર બિરાજમાન થયાં. ત્યારબાદ, શ્રી ઉચ્છિષ્ટ ગણપતિએ વિદ્યાવાનનો વધ કરીને ત્રિલોકમાં શાંતિની પુનર્સ્થાપના કરી.
ચિત્રમાં જ્યારે તમે ભગવાન શ્રી ઉચ્છિષ્ટ ગણપતિનું સ્વરૂપ ધ્યાનપૂર્વક નિહાળશો, ત્યારે ખ્યાલ આવશે કે એમની સૂંઢ દેવી વિઘ્નેશ્વરીની યોનિને સ્પર્શવા માટે પ્રયાસ કરી રહી છે. તેમનો વર્ણ ભૂરો (બ્લ્યુ) છે (કેટલાક સ્થાનો પર એમના સ્વરૂપને લાલ રંગનું પણ દર્શાવવામાં આવે છે.)
તંત્રશાસ્ત્ર (મંત્રમહાર્ણવ અને મંત્રમહોદધિ)ના મત મુજબ, વિઘ્નેશ્વરી દેવીની યોનિ એ વાસ્તવમાં કામાખ્યા શક્તિપીઠ છે. ગણપતિ એ મૂલાધાર ચક્રના દેવતા છે, જે જનનાંગોની પાછળના ભાગે બિરાજમાન છે. મનુષ્યનો ધ્યેય તમામ પ્રકારના ભોગવિલાસ ભોગવ્યા પશ્ચાત્ આખરે પરમતત્ત્વની પ્રાપ્તિનો હોવો જોઈએ એનું સાંકેતિક નિરૂપણ એટલે ઉચ્છિષ્ટ ગણપતિ. આ સ્વરૂપની સૌથી વધુ પૂજા-અર્ચના થવાનું પ્રમુખ કારણ એ છે કે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના સાધકને અપાર સમૃદ્ધિ-ઐશ્ચર્ય આપવા સક્ષમ છે. સાથોસાથ, શત્રુનાશ તથા વશીકરણ જેવા કામ્ય પ્રયોગો માટે પણ એમને પૂજવામાં આવે છે, જેના માટે પ્રયોગની જરૂરિયાત અનુસાર મોંમાં ગોળ, લવિંગ, એલચી વગેરે દ્રવ્યો રાખીને જપવિધિ પૂર્ણ કરવામાં આવે છે. 'ઉચ્છિષ્ટ' એટલા માટે કેમકે ગણપતિના આ સ્વરૂપની સાધના વામાચાર માર્ગથી વધુ થાય છે, જેમાં સ્વચ્છ થયા વિના અર્થાત્ સ્નાનાદિ કર્મ પૂર્ણ કર્યા વગર) અપવિત્ર-અશુદ્ધ રહીને એંઠા મોંએ ઉચ્છિષ્ટ ગણપતિના મંત્રનું અનુાન કરવાનું હોય છે, જેમાં નૈવેદ્ય/ભોગ તરીકે પણ એંઠો પ્રસાદ જ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. દક્ષિણાચાર તંત્રમાર્ગ પર ચાલીને પણ આ સાધના થઈ જ શકે, જેમાં સંપૂર્ણ વેદોક્ત વિધિ-વિધાન સાથે પવિત્રીકરણ/શુદ્ધિકરણ, આચમન ક્રિયા અને સ્વસ્તિ વાચન સાથે ભગવાન ઉચ્છિષ્ટ ગણપતિને સાત્ત્વિક રીતે જાગૃત કરવામાં આવે છે.
શ્રીવિદ્યા સાધના (ત્રીજી મહાવિદ્યા - લલિતા મહાત્રિપુરસુંદરીની સર્વોચ્ચ તંત્રસાધના)ના પથ પર આગળ વધવા માટેની એક આવશ્યકતા છે, ભગવાન ઉચ્છિષ્ટ ગણપતિની સાધના. શ્રીસૂક્તમ્ અને ઉચ્છિષ્ટ તંત્રસાધના એ શ્રીવિદ્યા સાધનામાર્ગના પ્રારંભિક પગથિયાં છે. શ્રીવિદ્યા સાધના અંગે મૂળ તંત્રશાસ્ત્ર 'તંત્રરાજ તંત્રમ્' એવું જણાવે છે કે,
અર્થાત્ સંસારમાં ભોગની ઈચ્છા રાખનાર વ્યક્તિ મોક્ષ નથી પ્રાપ્ત કરી શકતી અને મોક્ષની કામના રાખનાર મનુષ્ય ભોગવિલાસ નથી કરી શકતો, પરંતુ શ્રી લલિતા મહાત્રિપુરસુંદરીની સાધના કરનાર મનુષ્યને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. આ જ વાત ભગવાન શ્રી ઉચ્છિષ્ટ ગણપતિની પૂજા-આરાધના કરનાર સાધકને પણ લાગુ પડે છે.