Get The App

અમે ઈડરિયોગઢ જીત્યાં રે... .

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
અમે ઈડરિયોગઢ જીત્યાં રે...                                        . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- અમદાવાદથી ઈડર 115 કિ.મી. 

ગૌરવવંતા ગુજરાતની ગરવી ગાથા ગાતાં ગાતાં આયખું વીતી જાય પણ કદીયે એનો પાર ન આવે એવું નથી લાગતું ? વાતાવરણ, પર્યાવરણ, ઈતિહાસ અને ભૌગોલિક સંયોગોને આધીન કંઈ કેટલીયવાર એની તવારિખો બદલાઈ. રાજા રજવાડાં અદ્રશ્ય થયાં પરંતુ એની છાપ, એની ગરવાઈ ક્યારેય ભૂંસાઈ નહિ. એ સમયના જોમ, જુસ્સા, બહાદુરી, ઉદારતાભર્યું વલણ અને વર્તન, કલાપ્રેમ, સાહિત્ય પરત્વેનો અનુરાગ અને શિક્ષણના અપ્રતીમ મહત્વની વાત જ કાંઈ ઓર હતી. વળી, પ્રજાવત્સલ રાજવીઓએ સદાય પ્રજાના હિતને હૈયે ધર્યું. હા, વારંવારના નાનાં મોટાં યુદ્ધોને કારણે શાસનકર્તાઓ સતત બદલાતા રહ્યા તો પણ ખમીરવંતી આ જાતિએ પોતાનું કૌવત કામે લગાડી પોતાની જાતને સમયસંજોગ અનુસાર અનુકૂલન સાધતી કરી દીધી. હા, એક અગત્યની વાત એ કે બદલાતા જતા સમીકરણો ગમે તેટલું આધિપત્ય જતાવે પણ. ''ભલે લાગતો ભોળો હું છું છેલછબીલો ગુજરાતી''ની ભાવના જીવંત રાખી. જીવનને એક ઉત્સવ તરીકે અપનાવી કુદરતના બદલાતા રંગોને પણ અનુકૂળ થવાની રીતિ-નીતિને કારણે જ ''યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે''નો જીવનમંત્ર ગુજરાત અને ગુજરાતીની જીવાદોરી છે. અરે હા... પ્રવાસ અને સાહસ જેની રગેરગમાં છે તે સ્વયમ્ પોતાની જાતને જીવનરસમાં ઝબોળી, ખભે ઝોળી લઈને કુદરતને ખોળે ગેલ કરવા પહોંચી જાય, વિવિધ કળાઓ જાણે અને પર્વતારોહણમાં પણ મોજ-મસ્તી કરે. ઈડરના વન-ઉપવનમાં મ્હાલે અને પર્વતની ટોચે ખુલ્લા ગગનતળે તેનો મનમોરલો નૃત્ય કરે.

ખડકો વચાળેથી વહેતો વાયુ

ઈડર અને ગઢ બન્ને એકમેકના પર્યાય બની ગયા છે ત્યારે એને જીતવા પ્રયાણ કરતાં કરતાં પ્રત્યેક પગથારે જોવા મળતા અચરજને પણ માણીએ ને ! અને ગામને ય જાણીએ. રાવ રણમલે બંધાવેલ રમાળેશ્વર તળાવના ડાબા કાંઠે ચિત્રાત્મક ઘુમ્મટ અને છત્રીઓ પ્રાચીન કળાને ઉજાગર કરે. પથ્થરની પ્રાચીન ચતુર્ભુજ વાવ, હરિચન્દ્ર-તારામતીની લગ્નચૉરી ઉપરાંત અનેક મંદિરો જૈન અને હિંદુ સ્થાપત્યની છડી પોકારે. દિગંબર જૈન દેરાસર સંભવનાથ (ત્રીજા તીર્થંકર) પ્રભુનું પ્રાચીન સ્થળ છે જે કિલ્લાની અંદર છે. કુદરતી ગુફા, દેવી વ્રજમાતાનું શિલ્પ, ટેકરીઓનાં ભગ્નાવશેષો ધ્યાન ખેંચે. સોળમા તીર્થંકર શાંતિનાથના મંદિર નજીક જળસંચય અને રાણી તળાવ ૯૪ એકરમાં ફેલાયેલું મળે જે સત્તર ફૂટ ઊંડું છે. ચણતરવાળાં પગથિયાં તેની શોભા છે. મહાદેવત્રય- ખોખાનાથ, ધાનેશ્વર, મનકાલેશ્વર ગુફામાં બિરાજિત છે. ઈડરિયા ગઢનો-મહેલોનો અને કિલ્લાનો એક સંપુટ બનાવીને તેને ઓળખવામાં મઝા છે. ઈંટોથી ઘડાયેલી દીવાલોથી ઘેરાયેલું નગર ત્રણ દરવાજામાં સમાઈ જતું. મીરા દરવાજા, ધૂળેટા દરવાજા અને ગાંટીનો દરવાજો. ખડક ચીરીને રસ્તો જાય છેક રાજસ્થાન ! હાલ તો આ કિલ્લાનો પ્રતીકાત્મક હિસ્સો જ બચ્યો છે. ગામના અંતે બીજે છેડે પર્વતોની બરાબર નીચે એક મહેલ છે જે સાદા સ્થાપત્યવાળો મહારાજા દૌલતસિંહજીએ બંધાવેલો. નૈઋત્ય ખૂણેથી પર્વત શ્રેણીનાં દર્શન થાય. જે વિંધ્ય અને અરવલ્લીને જોડે. હા... ત્યાં જ ઈડરિયોગઢ મળી આવે. ખૂબ ઊંચો, આકરાં-સીધાં ચઢાણ, પથરાળ, કિલ્લાબંધી કરી હોય એવો મૂળ લોકોના મતે તો તેથી જ તે પર્વતે પહોંચવું, લાંઘવું અશક્ય હતું. મહેલથી ઊભા-ઊંચા દાદરાવાળી કેડી ઉપર તરફ દોરવી જાય. દીવાલના રક્ષણવાળા કિલ્લાના અંશો આપણને આવકારે અને ત્યાં એક ''ટેબલ લેન્ડ'' ઊભેલો દેખાય. ઊંચાઈની વચ્ચે, ખડકોના ગૅપથી, સપાટ મેદાનમાં તે શોભે. એની નીચે સામા શિખરે પથ્થરના બે આવાસો દેખાય. જેને ગ્રેનાઈટનો ઘુમ્મટ છે.

પર્વત નગર ઈડર - જેના રાજાઓ નીડર

ગુજરાતના જિલ્લા સાબરકાંઠાના નાનકડા, પ્રથમ દ્રષ્ટિએ સાદા-સીધા, સામાન્ય જણાતા ગામ ઈડરને વળોટી પોળોવન, શામળાજી, દેવની મોરી, ખેડબ્રહ્મા આદિ સ્થાપત્ય અને કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ સમૃદ્ધ સ્થળો તરફ જવાય પણ જો અહીં જ ડેરા તંબુ નાખીએ તો ''ટ્રેકિંગ''નું તો થાણું જ છે ઈડરના ડુંગરો. હાથમતી નદીને કાંઠે હિંમતનગરના કિલ્લાની કિંમત આંકીએ તો એણે જ ઈડરને સાચવેલું. અરવલ્લી પર્વત શ્રેણીના છેક દક્ષિણ છેડે ''ઈવાદુર્ગ'' નામનું દ્વાપર યુગનું ગામ જે કાળક્રમે ઈડર કહેવાયું તેનો ઉલ્લેખ પુરાણોમાં અને મહાભારતમાં છે. રાજા વિક્રમ પહેલાના સમયમાં ઈડરના યુગ પ્રવર્તક રાજા હતા વેણી વચ્છરાજ. સુવર્ણકાંતિ ધરાવતા આ રાજાએ પર્વતીય દુર્ગ અને જળસંચયની ભેટ આપી ગામને. વલ્લભી વંશજોમાં સાહસિક, નીડર રાજાઓ થયા. તેમની આઠમી પેઢીએ બાપ્પા રાવલ વતન છોડી મેવાડાના શોધક અને સ્થાપક બન્યા. કદાચ આથી જ ઈડર આજે પણ રાજસ્થાની છાંટ ધરાવે છે. પછી તો કાળક્રમે તે ''પ્રિન્સલી સ્ટેટ'' બન્યું અને છેવટે ૧૯૬૦ માં વિલીનીકરણ કાર્યક્રમમાં તે ગુજરાતનો એક હિસ્સો ! ગુજરાત ગૌરવ લેખકો-પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી તથા સંન્નિષ્ઠ કલાકાર બંધુઓ અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી આ ભૂમિમાંથી જ પ્રગટ થયેલ ! સાહિબ બહાદુર કહેવાતા એક રાજા પ્રતાપસિંહ લેફટનન્ટ જનરલ હતા જેમનાં નામની ''સર પ્રતાપ હાઈસ્કૂલ'' અહીંની પ્રતિષ્ઠિત શાળા છે. ૬૩૯ ફૂટની ઊંચાઈ પર અતિ સુંદર દ્રશ્યો સંકોરીને ગોળાકારે ગોઠવાયેલા પર્વતો જાણે કે ગામને ગોદમાં લઈને બેઠા છે. ગ્રે અને લાલ ગ્રેનાઈટ ખડકોનું આ પિયર છે.

મંઝિલ કરતાંય સફરની મઝા ઝાઝેરી

મહારાજા દૌલતસિંહજીના મહેલના મહાદ્વાર પર ખીલ્લા, ઊંચી દીવાલ, ઊંડી વાવ જેવું બાંધકામ, કમાનો, વિશાળ ઓરડાના બારણાં, બારી, સ્તંભો, પગથિયાં ધ્યાન અચૂક દોરે. આબુ શૈલીના આ સ્થાપત્ય સહિત રૂઠી રાણીનો મહેલ આંબવો અઘરો છે જે પર્વત શિખરે બંધાયેલો છે. વૃક્ષના ઝૂંડમાંથી પેલી ગ્રેનાઈટની પાઘડી ડોકું કાઢે. જાણે કે મહેલ આકાશ જોવા મથતો હોય એવું લાગે. અન્ય ધ્વસ્ત જેવી ઈમારત રણમલ ચોકી છે જેનો માર્ગ પથ્થરોમાંથી કાઢવો પડે. તે મંદિરના સર્વે લક્ષણો ધરાવતું દેવાલય હતું. ૧૬૨૫ ની આસપાસ બંધાયેલ ભગવાન નેમિનાથનું આ દેરાસર સુંદર સ્થાપત્ય ધરાવે છે જે નકશી-કોતરણીથી સજ્જ છે અને શાસ્ત્રોક્ત બાંધકામ ધરાવે છે. ઝળહળતી આ સુંદર રચના જોવા સારુ જવું હોય તો રસ્તો કેવો છે ? અત્યંત સુંદર દર્શનીય પગદંડી શું કહે છે ? આસપાસ વિવિધ રંગછટા ધરાવતા નાના-મોટા મોટાભાગના ગોળ પથરા સભા ભરીને બેઠેલા દેખાય. વચ્ચે વચ્ચે માટી, ઘાસ, ઝાડી ઝાંખરા, નાનાં મોટાં વૃક્ષો, ગુફાઓ એ બે પથ્થરોમાંથી તડપડી હોય એવી પાતળી ખીણ અને વચ્ચે લટકતો અણિયાળો પથરો જોઈ દંગ થઈ જવાય. અસલ આબુના પથરા જેવા લાગે ! કેટલાક ચોરસ પથરા પોરો ખાવા કામ લાગે. દૂરથી ૩૬૦ દ્રશ્ય દેખાય. ગ્રામદર્શન થાય. ડોક પણ એ મુજબ ઘૂમે ત્યારે સઘળો થાક સ્મિત કરે. ક્યાંક શિલાઓની ફાટમાંથી ઝરણાંનો રવ સંભળાય પણ એ ભાગ્યે જ દેખાય. ગ્રે-લાલ છાંટવાળા પથ્થરો ઈડિરિયાગઢ જેટલા જ મહત્વના છે જે રસિકોને ગઢ જીતવા ખભે બેસાડે છે.

લસરકો : લોકસાહિત્ય મુજબ અઘરાં કામમાં સફળ થવું તે ઈડરિયોગઢ જીતવા બરાબર છે. તેથી જ તો 'આનંદ ભયો'નો ઉદ્ગાર નીકળે !


Google NewsGoogle News