મારી માટીનું મને ગૌરવ .
- આજકાલ-પ્રીતિ શાહ
- પોતાની નદીઓ, જંગલો, ભૂમિ, ભાષા અને પોતાના આત્માને સંરક્ષિત કરવાના સંઘર્ષ રૂપે આ સંબંધને સમજવો મુશ્કેલ છે
કવ યિત્રી, લેખક અને પત્રકાર જસિંતા કેરકેટ્ટાનો જન્મ ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના ખુદાપોશમાં થયો. માતા પુષ્પા અનિમા કેરકેટ્ટા અને પિતા જયપ્રકાશ કેરકેટ્ટાને ત્યાં ૧૯૮૩ની ૨૯ નવેમ્બરે જન્મેલી જસિંતા ઓરાંવ આદિવાસી સમુદાયમાંથી આવે છે અને હિન્દી ભાષામાં લખે છે. તેમનું ગામ સારંડા જંગલની પાસે આવેલું છે જે એશિયાનું સૌથી મોટું સાલ વન ગણાય છે. તેના પિતા મેરેથોન દોડવીર હતા, તેથી એમને પોલીસ વિભાગમાં નોકરી મળી હતી. પિતા પોલીસમાં હોવાથી તેણે સ્કૂલનું શિક્ષણ સંથાલ પરગણા, બિહારના બેતિયા શહેર, ચાઈબાસા પાસે ચક્રધરપુર - એમ જુદા જુદા શહેરમાંથી મેળવ્યું. સ્કૂલના દિવસો દરમિયાન જસિંતાએ અનુભવ્યું કે મુખ્યધારાના લોકો આદિવાસીઓ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. ચક્રધરપુરમાં કાર્મેલ હાઈસ્કૂલમાં કોલ્હાન ક્ષેત્રની ઘણી આદિવાસી છોકરીઓ અભ્યાસ કરતી હતી, પરંતુ સ્કૂલના શિક્ષક તો તેમને માટીના ઢગલાની જેવી નિષ્ક્રિય સમજતા હતા. આ બધી વાતનો ગુસ્સો ભૂલીને એણે અભ્યાસમાં મન પરોવ્યું અને ક્લાસમાં બીજા નંબરે પાસ થવાથી આત્મવિશ્વાસ વધ્યો.
જસિંતા હાઈસ્કૂલમાં હતી ત્યારથી 'રાહી' નામની પત્રિકામાં લખતી હતી જે રાંચીથી પ્રકાશિત થતી હતી અને મિશન સ્કૂલોમાં વિતરિત થતી. એ દિવસોમાં એણે પેનફ્રેન્ડ બનાવ્યા, જે એકબીજાને પોતાની રચેલી કૃતિઓ મોકલતા હતા અને તેમના પ્રતિભાવથી પ્રોત્સાહન મળતું હતું. 'બચપન' નામની કવિતાથી લખવાની શરૂઆત કરી અને ત્યારબાદ યુવાનોની સ્થિતિ, પરિવારની પરિસ્થિતિ જેવા વિષયોને આવરી લઈને લઘુકથાઓ લખતી હતી. જસિંતાની માતા એમના સમુદાયની મેટ્રિક પાસ થનારી પ્રથમ મહિલા હતી, તેથી માતાની ઇચ્છા હતી કે તેમની પુત્રી અભ્યાસ કરે. તેનામાં પત્રકાર બનવાના બીજ તો ત્યારે રોપાયા કે એક આદિવાસી પુરુષ અને વૃદ્ધ મહિલા ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો હથિયાર લઈને આવ્યા અને તે પુરુષને મુખ્ય માર્ગ સુધી ઘસડીને લઈ ગયા અને એની હત્યા કરી નાખી તથા વૃદ્ધ મહિલાને જેલમાં લઈ ગયા. તેમના પર એવો આરોપ હતો કે સારો પાક મેળવવા માટે તેમણે એક બાળકીનો બલિ ચડાવ્યો છે. એ પુરુષ તે બીજા કોઈ નહીં, પણ જસિંતાના કાકા હતા અને વૃદ્ધ મહિલા તેના દાદી હતા. માતા પાસેથી આ વાત સાંભળી ત્યારે વિચાર્યું કે સત્તા એમની છે અને અખબાર પણ એમનું છે. તો આદિવાસીઓની દ્રષ્ટિથી કોણ લખશે ? આથી નિર્ધાર કર્યો કે પત્રકારત્વનો અભ્યાસ કરવો. તેણે ૨૦૦૬માં રાંચીની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી માસ કમ્યુનિકેશન અને વીડિયો પ્રોડક્શનમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ રાંચી યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. એ પછી તે ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરી રહી છે. તેની સાથે સાથે તે સામાજિક કાર્ય કરે છે. કાલકાતાના કચ્છિના ફાઉન્ડેશનના સહયોગથી સિમડેગા અને ખૂંટી જિલ્લાના આદિવાસી ગામોમાં કન્યાશિક્ષણનું કામ કરે છે.
બાળકો માટે કવિતા લખે છે, જે ભોપાલના ઈકતારા ટ્રસ્ટ દ્વારા 'સાઈકલ' પત્રિકામાં પ્રકાશિત થાય છે. જસિંતા કહે છે કે તે આદિવાસીઓ વિશે એટલા માટે લખે છે કે એનાં બાળકો જલદી મોટા થાય છે અને દેશના નાગરિક બની જાય છે. જે વાત તેમણે જોઈ કે સાંભળી નથી હોતી, તે મોટા થઈને સમજી શકતા નથી. યુવાનોને તે આદિવાસી ઇતિહાસ, તેની સંસ્કૃતિ, મહિલાઓના જીવન અને સંઘર્ષ વિશે શીખવવાનું કામ કરે છે. તે કવિતાના માધ્યમથી આદિવાસી વસ્તીના વિભિન્ન પ્રશ્નો અને દ્રષ્ટિકોણને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. મુખ્યધારાના માધ્યમોમાં લોકોના દ્રષ્ટિકોણને બદલવાની શક્તિ છે, પરંતુ તેઓ આદિવાસીઓને વિકાસના વિરોધી અને અસભ્ય માને છે. વિકાસના નામે મૂળનિવાસી સમુદાયોનું વિસ્થાપન, એના પ્રાકૃતિક સંસાધનોનો નિરંતર ઉપયોગ તેમજ જળ, જમીન અને જંગલને બચાવવાનો સંઘર્ષ એ જસિંતા કેરકેટ્ટાના મૂળ મુદ્દા છે. એમના જીવનનું દર્શન એ તેની કવિતાનું સાર્વભૌમિક મૂલ્યની અવધારણાથી પ્રેરિત છે, જે કુદરત સાથે રહેતા લોકો વચ્ચે હજી જીવિત છે.
દસથી વધુ પુરસ્કાર અને સન્માન મેળવનાર જસિંતાએ આજતક સાહિત્ય જાગૃતિ ઉદ્યમ પ્રતિભા સન્માન સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. તે કહે છે કે,' જ્યારે આદિવાસી લોકો અને બાળકોના જીવનની ગરિમા નથી રહી. તેમના પર લગાતાર હુમલાઓ થઈ રહ્યા છે. મણિપુરના હેવાલોને મુખ્યધારામાં યોગ્ય રીતે દર્શાવવામાં નથી આવતા ત્યારે કોઈ સર્જકને કોઈ પણ સન્માન કેવી રીતે રોમાંચિત કરી શકે ?'
જસિંતા કેરકેટ્ટાના અત્યાર સુધીમાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. 'દ્રશ્ય અંગકોર' જેનો જર્મન અને ફ્રેંચમાં અનુવાદ થયો છે. 'જડો કી જમીન' જેનો 'લેન્ડ ઑફ ધ રૂટ્સ' નામે અંગ્રેેજીમાં અનુવાદ થયો છે અને ત્રીજો કાવ્યસંગ્રહ છે 'ઈશ્વર ઔર બાઝાર'. 'જડો કી ભૂમિ'ની કવિતાઓ આદિવાસીઓની નિયતિને ભૂમિ, વૃક્ષો અને પ્રાણીઓ સાથે જોડે છે. એને આશ્ચર્ય એ વાતનું છે કે દૂર દૂર સુધી શાકભાજી વેચવા જતી તેની માતા માતૃભૂમિને કેમ છોડતી નથી ? એનું સ્વાભિમાન આ માટીમાં નિહિત છે અને એને જસિંતા વિશાળ આદિવાસી સમાજના સંઘર્ષના સારરૂપે જુએ છે. પોતાની નદીઓ, જંગલો, ભૂમિ, ભાષા અને પોતાના આત્માને સંરક્ષિત કરવાના સંઘર્ષ રૂપે આ સંબંધને સમજવો મુશ્કેલ છે. તેથી તેની કવિતામાં કહે છે, 'આપ હમારે સભ્ય બનને કા ઇંતજાર કરતે હૈ, જૈસે હમ આપકે ઇન્સાન બનને કા ઇંતજાર કરતે હૈ.'
ડૉક્ટરની માનવતાનો ઉજાગરો
ભારતમાં જ બનેલા આ સ્વદેશી રોબોટથી હૈદરાબાદની કોન્ટીનેન્ટલ હોસ્પિટલમાં પ્રથમ સફળ સર્જરી થઈ
પ્ર સિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. સુધીર શ્રીવાસ્તવ એમની રોબોટિક સર્જરી માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે, પરંતુ દરેક દર્દીને પોષાય તેવી કિંમતે સારવાર મળે તેવા હેતુથી તેમણે દિલ્હીમાં રોબોટિક સર્જીકલ સાધનો બનાવતી એસ.એસ. ઈનોવેશન નામની કંપનીની સ્થાપના કરી છે. રાજસ્થાનમાં જન્મેલા સુધીરના પિતા અંગ્રેજીના પ્રોફેસર હતા. તેમને નાની વયથી જ વિશ્વના મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવા ગમતા અને જીવનમાં તેમણે કરેલો સખત પુરુષાર્થ અને સમર્પણશીલતામાંથી તેમને પ્રેરણા મળતી. નવ ભાઈ-બહેનોમાં સુધીર જયપુરની જે.એલ.એન.મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરીને આગળ અભ્યાસાર્થે ૧૯૭૨માં અમેરિકા ગયા. તેમણે કેનેડાના વેનકુવરમાં યુનિવર્સિટી ઑફ બ્રિટીશ કોલમ્બિયામાંથી કાર્ડિયોથોરેસિક સર્જરીમાં માસ્ટર કર્યું. થોડા વર્ષો ટેક્સાસમાં પ્રૅક્ટીસ કરી. ૧૯૯૬માં મીનીમલી ઈનવેસિવ ડાયરેક્ટ કોરોનરી બાયપાસ સર્જરી કરી. ૧૯૯૭માં હાર્ટ પોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ક્વિટુપલ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટીંગ જેવી જટિલ સર્જરી કરનારા પ્રથમ સર્જન બન્યા.
ડૉ. સુધીર શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે જીવન સુખરૂપ ચાલી રહ્યું હતું, પરંતુ રોબોટ-સહાયક સર્જરી ટૅક્નૉલૉજી શીખવાનું જીવનનો એક મહત્ત્વનો વળાંક સાબિત થયો. તેમને લાગ્યું કે રોબોટિક સર્જરી પાસે સમગ્ર મેડિકલ વિશ્વને બદલી શકે તેવી ક્ષમતા છે અને તેનાથી વૈશ્વિક સ્તરે લાખો દર્દીઓનું જીવન બચાવી શકાશે. પરંપરાગત સર્જરી કરતા મિનિમલી ઈનવેસિવ સર્જરી ઘણી ફાયદાકારક છે. એ અંગે ૧૯૯૮થી ૨૦૦૦ સુધી ડૉ. સુધીર શ્રીવાસ્તવે પાયાનું કામ કર્યું. એમનો સંશોધનનો રસ એમને રોબોટિક સર્જરી સુધી ખેંચી ગયો. જુલાઈ ૨૦૦૨માં ટેક્સાસમાં દસ અન્ય ડાક્ટરો સાથે મળીને એલાયન્સ હોસ્પિટલની સ્થાપના કરી. જેને હૃદયરોગની સારવાર માટે શ્રેષ્ઠ કેન્દ્ર માનવામાં આવે છે. એમણે ત્યાં ચાર વર્ષ ચૅરમૅન તરીકે કામ કર્યું અને દર્દીને શ્રેષ્ઠ સારવાર કઈ રીતે મળે તે અંગે સંશોધન કર્યું. તેમને પહેલેથી જ મિનિમલ ઈનવેસિવ સર્જરીમાં રસ હતો. એમને રોબોટિક સર્જરી કરવાની તક મળી. તેઓ કહે છે કે એમના ત્રીસ ટકા દર્દીઓ તો બે કે ત્રણ દિવસમાં ઘેર જતા રહેતા હતા. તેઓ ભારતના ડાક્ટરોને રોબોટીક સર્જરી શીખવવાના ઉદ્દેશથી ભારત આવ્યા, પરંતુ ભારતમાં એવું કોઈ માળખું તૈયાર થયું નહોતું. ૨૦૦૨માં તેમણે તેમની પ્રથમ રોબોટિક સર્જરી ભારતમાં કરી. તેમની ઇચ્છા ભારત પાછા આવવાની હતી જ એવામાં ૨૦૧૧માં ફોર્ટીસ હોસ્પિટલે રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂ કરવા નિમંત્રણ આપ્યું અને કાયમ માટે તેઓ ભારત આવી ગયા.
ભારત આવીને જોયું કે અહીં તો માત્ર છ કે સાત જ રોબોટિક સિસ્ટમ હતી અને તે પણ આયાત કરેલી, તેથી મોટા ભાગના દર્દીઓ તેનો લાભ લઈ શકે તેમ નહોતા, કારણ કે રોબોટિક સર્જરી માટે બેથી ત્રણ લાખ વધુ ચૂકવવાના હતા. તે સમયે એક બાવીસ વર્ષની યુવતીને હૃદયમાં તકલીફ થઈ અને તેના હૃદયની ઉપરની ચેમ્બરમાં અર્થાત્ કર્ણકમાં કાણું છે એવું નિદાન થયું. તેની સર્જરી માટે ચાર લાખ રૂપિયાની જરૂર હતી જે તેના ભાઈ પાસે નહોતા અને ફંડની વ્યવસ્થા કરે તેટલો સમય નહોતો. ડૉક્ટરે નિ:શુલ્ક ઓપરેશન માટે તૈયારી દર્શાવી, પરંતુ હોસ્પિટલ તૈયાર નહોતી. આ ઘટનાથી તેઓ કેટલીય રાત ઊંઘી શક્યા નહીં. ૨૦૧૩માં તેમણે પોતાની પ્રેક્ટિસ ઓછી કરી નાખી. તેઓ જર્મની ગયા અને ત્યાંના વૈજ્ઞાનિકો સાથે ટૅક્નોલોજીનું આદાનપ્રદાન કરવા માટે વાતચીત કરી, પરંતુ તેમાં સફળતા ન મળી.
ભારત પાછા આવીને એમણે દસ એન્જિનીયરોની ટીમ બનાવી. પોતાની પાસેના પિસ્તાળીસ લાખ ડૉલરની બચત ખુલ્લી મૂકી અને રોબોટ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું, પરંતુ આમાં ઘણી મૂડીની જરૂર હતી તેમણે પોતાની કાર અને ફર્નિચર પણ વેચ્યા અને અમેરિકાના મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા. જો આમાં સફળતા ન મળે તો પોતાની પ્રૅક્ટિસથી પૈસા ચૂકવવાની તેમની તૈયારી હતી, પરંતુ એસ.એસ.આઈ મંત્રા દ્વારા ભારતની પ્રથમ સર્જીકલ રોબોટિક સિસ્ટમ તૈયાર થઈ. ભારતમાં જ બનેલા આ સ્વદેશી રોબોટથી હૈદરાબાદની કોન્ટીનેન્ટલ હોસ્પિટલમાં પ્રથમ સફળ સર્જરી થઈ. રોબોટિક સર્જરી વધુ ઊંડાણથી અને ચોક્સાઈપૂર્વક થાય છે. બત્રીસ ઈંચના હાઈ રેઝોલ્યુશન થ્રીડી મોનીટર પર દસેક ગણું મોટું દેખાતું હોવાથી સલામતીપૂર્વક સર્જરી કરી શકાય છે. એમણે આશરે દોઢ હજાર રોબોટિક કાર્ડિયોથોરોસિક સર્જરી કરી છે તેમાંથી સાડા સાતસો ધબકતા હૃદય (બીટીંગ હાર્ટ) સાથે કરી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ૨૦૨૩ના જૂનમાં તેમણે એસ.એસ. આઈ. મંત્રા વડે ધબકતા હૃદય સાથે રોબોટિક કાડયાક બાયપાસ સર્જરી કરી. આ બીટીંગ હાર્ટ ટોટલી એન્ડોસ્કોપીક કોરોનરી આર્ટરી બાયપાસ એ કાર્ડિયાક સર્જરીમાં મુશ્કેલ અને જટિલ સર્જરીમાંની એક ગણાય છે. એસ.એસ.આઈ. મંત્રા સર્જિકલ રોબોટિક સિસ્ટમ બનાવે છે, તો એસ.એસ.આઈ. મુદ્રા તેને સહાયક સર્જિકલ સાધનો બનાવે છે. જેને ઈન્ડિયન મેડિકલ ડીવાઈસ રેગ્યુલેટરીની માન્યતા મળી ગઈ છે. અનેક એૅવૉર્ડ મેળવનાર ડૉ. સુધીર શ્રીવાસ્તવને આશા છે કે એસ.એસ.આઈ.ને અમેરિકામાં ૨૦૨૪માં અને યુરોપમાં ૨૦૨૫માં માન્યતા મળશે. એમના જીવનનું એક જ લક્ષ્ય છે કે દરેક દર્દીને પોષાય તેવી કિંમતે સારવાર ઉપલબ્ધ થાય.