ડાયાબિટીસની સારવારમાં દવાઓનું મહત્વ
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
- વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા એ સાબિત થયું છે કે જેટલી વહેલી ખોરાક અને કસરત ઉપરાંત દવાઓની પણ સારવાર ચાલુ કરી દેવામાં આવે તો દવાઓ એટલી ઓછી ખાવી પડે
દુ નિયાભરમાં અને આપણા દેશમાં જોવા મળતા ડાયાબિટીસના ૯૦% દર્દીઓને ટાઈપ ૨ ડાયાબિટીસ હોય છે, જે મોટેભાગે વારસાગત કારણો ઉપરાંત આપણી જીવનશૈલી અને વજન વધુ હોવાના કારણે થતો હોય છે. ટાઈપ ૨ ડાયાબિટીસ ઇન્સ્યુલિનની ઉણપ ઉપરાંત, કોષો દ્વારા ઇન્સ્યુલિનના પ્રતિરોધ (INSULIN RESISTANCE)ના લીધે થતો હોવાના કારણે ઇન્સ્યુલિનનો પ્રતિરોધ ઓછો કરનારી અથવા સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિન બનાવનારી ગોળીઓ સારા પ્રમાણમાં કામ કરે છે. તેથી મોટાભાગના કેસમાં આ રોગની સારવારની શરૂઆત ગોળીઓથી જ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કેસમાં જો શરૂઆતમાં શુગર બહુ વધારે હોય અથવા દર્દીને બીજા કોઈ જાતના કોમ્પ્લિકેશન્સ હોય તો ઇન્સ્યુલિનની સારવાર જરૂરી બને છે. તો આજે આપણે ટાઈપ ૨ ડાયાબિટીસની સારવારમાં કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, એની ઉપયોગીતા શું છે અને એનાથી કોઈ આડઅસર થઈ શકે કે કેમ એ વિશે ટૂંકમાં ચર્ચા કરીશું.
સામાન્ય રીતે ડાયાબિટીસનું નિદાન થાય એટલે ડોક્ટર દ્વારા ખોરાક અને કસરતની સલાહ ઉપરાંત દવાઓ પણ ચાલુ કરવાની સલાહ આપવામાં આવે છે. આવા સંજોગોમાં દર્દીને પ્રશ્ન એ થાય છે કે અત્યારથી દવા ચાલુ કરીએ તો બહુ દવાઓ લેવી પડશે અને એની લાંબાગાળે આડઅસરો થશે. આ કારણસર, ઘણા બધા દર્દીઓ દવા લેવાનું ટાળતા હોય છે. પરંતુ અનેક વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા એ સાબિત થયું છે કે જેટલી વહેલી ખોરાક અને કસરત ઉપરાંત દવાઓની પણ સારવાર ચાલુ કરી દેવામાં આવે તો દવાઓ એટલી ઓછી ખાવી પડે અને દર્દીને કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછામાં ઓછી રહે. તેથી જ ટાઈપ ૨ ડાયાબિટીસનું નિદાન થયા બાદ દવાઓ લેવામાં વિલંબ ન કરવો જોઈએ.
ડાયાબિટીસની સારવાર માટે કેટલી જાતની દવાઓ ઉપલબ્ધ છે?
મેટફોરમીન (METFORMIN) : દુનિયાભરમાં ટાઈપ ૨ ડાયાબિટીસની સારવારની શરૂઆત સામાન્ય રીતે આ દવાથી કરવામાં આવે છે. આ દવા આપણા શરીરમાં બનતા ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા સુધારવાનું કામ કરે છે, વજન અને હૃદય રોગ માટે પણ ઉપયોગી છે, પ્રમાણમાં સસ્તી છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે પણ કેટલાક કેસમાં પેટની ગરબડ કે ઝાડા થઈ શકે. કિડની માટે પણ આ દવા સુરક્ષિત છે પરંતુ આ દવાનો નિકાલ શરીરમાંથી કિડની દ્વારા થતો હોવાને કારણે જો કિડની ઓછું કામ કરતી હોય તો દવાનો ડોઝ ઓછો કરવો પડે અથવા કેટલાક કેસમાં બંધ પણ કરવી પડે. કેટલીક વાર આ દવાના કારણે વિટામીન મ્૧૨ની કમી પણ થતી હોય છે.
સલ્ફોનાઇલયુરિયા (SULFONYLUREA): જેમ કે GLIPIZIDE, GLIMEPERIDE, GLICLAZIDE.. વગેરે આ દવાઓ આપણા સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે. આ પ્રકારની દવાઓ અસરકારક અને સુરક્ષિત છે પરંતુ કેટલીક વાર એના કારણે હાઇપોગ્લાયસીમિયા થવાનું જોખમ રહેતું હોય છે.
પાયોગ્લિટેઝોન (PIOGLITAZONE) : આ પણ એક અસરકારક અને સસ્તી દવા છે પરંતુ આ દવાથી કેટલાક કેસમાં વજન વધી શકે અથવા સોજા આવી શકે, અને જો હૃદયનું પંપીંગ ઓછું હોય તો શ્વાસની તકલીફ થઈ શકે, એટલે જો તમે આ પ્રકારની દવા લેતા હો અને વજન વધતું જતું હોય અથવા સોજા આવતા હોય તો ડોક્ટરને જાણ કરવી જરૂરી છે.
ACARBOSE/VOGLIBOS; આ દવાઓ ખોરાકમાં રહેલા કાર્બોદિત પદાર્થોનું પાચન ધીમું કરી કાઢે છે જેથી ખાધા પછી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધતું અટકાવે છે. કેટલાક કેસમાં આ દવાથી ગેસ અથવા ઝાડાની તકલીફ થઈ શકે.
ગ્લીપ્ટીન(GLIPTIN) : જેમ કે SITAGLIPTIN, VILDAGLIPTIN, TENELIGLIPTIN, LINAGLIPTIN વગેરે આ દવાઓ પણ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે આમ તો આ દવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ ચામડી પર કોઈ જાતની તકલીફ થાય તો તમારા ડોક્ટરને જાણ કરવી જોઈએ.
ગ્લીફલોજીન (SGLT-2 INHIBITORS) : જેમ કે DAPAGLIFLOZIN, EMPAGLIFLOZIN વગેરે..આ દવાઓ કિડની દ્વારા પેશાબ વાટે શર્કરાનો પુષ્કળ પ્રમાણમાં નિકાલ કરે છે જેના કારણે ડાયાબિટીસ કાબુમાં આવે છે અને થોડું ઘણું વજન પણ ઉતરી શકે છે. ઘણા બધા સંશોધનો દ્વારા સાબિત થયું છે કે આ દવા દ્વારા કિડની અને હૃદય રોગના દર્દીઓને વિશેષ પ્રમાણમાં ફાયદો થાય છે. પેશાબ માર્ગે પુષ્કળ સુગર જવાના લીધે જો જાતીય ભાગની સંપૂર્ણ સ્વચ્છતા ન રાખવામાં આવે તો કેટલાક કેસમાં પેશાબની જગ્યાએ ખંજવાળ આવવાની આડઅસર આ દવાથી થઈ શકે છે.,
GLP-1 ANALOGUES : subfu LIRAGLUTIDE, SEMAGLUTIDE, DULAGLUTIDE વગેરે..આ દવાઓ પણ સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે આ દવાઓથી પણ વજન ઉતરે છે અને હૃદય રોગના દર્દીઓને ફાયદો થાય છે પરંતુ આ પ્રકારની દવાઓ મોંઘી છે અને પેટમાં ગરબડ થવાની આડ અસરના લીધે ઘણા બધા દર્દીઓ આ દવાનો લાભ લઈ શકતા નથી.
કયા દર્દીને કઈ દવા આપવામાં આવે છે
સામાન્ય રીતે ટાઈપ ૨ ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓનું વજન વધારે હોય છે તેથી શરૂઆતમાં આ દર્દીઓને વજન ઉતરે એવી દવાઓ જેમ કે METFORMIN,SGLT-2 INHIBITORS અને / અથવા GLP-1 ANALOGUES આપવામાં આવે છે. જો દર્દી માટે આ દવાઓ અનુકૂળ ના હોય તો GLP-1 ANALOGUES પ્રકારની દવા આપવામાં આવે છે. પરંતુ કયા દર્દી માટે કઈ દવા યોગ્ય રહેશે એનો નિર્ણય તમારા ડોક્ટર જ કરી શકે.
ડાયાબિટીસની દવાઓ કિડની પર નુકસાન કરી શકે ?
સામાન્ય રીતે બજારમાં મળતી ડાયાબિટીસની કોઈપણ દવા કિડની, હૃદય, લીવર કે બીજા અવયવોને આડ અસર કરતી નથી. ડાયાબિટીસની દવાઓના સંપૂર્ણ પરીક્ષણ થયા બાદ જ આ દવાઓ બજારમાં મૂકવામાં આવતી હોય છે. હા એવું ચોક્કસ બની શકે કે તમારી કિડની બરાબર કામ ન કરતી હોય તો અમુક જાતની દવાઓ ડોક્ટર બંધ કરવાની સલાહ આપે.
ડાયાબિટીસની દવાઓ કેટલો વખત સુધી લેવી જોઈએ?
આ દવાઓ લાંબા સમય સુધી લેવાની જ હોય છે તેનો કોઈ નિયત કોર્સ હોતો નથી. તમને લખી આપવામાં આવેલી કોઈપણ દવા ડોક્ટરને પૂછયા વગર બંધ ન કરવી જોઈએ. તમારા ડાયાબિટીસના રિપોર્ટ મુજબ ડોક્ટર દવાઓની સંખ્યામાં અથવા ડોઝમાં વધઘટ કરતા હોય છે.
ટૂંકમાં ટાઈપ ૨ ડાયાબિટીસની સારવાર માટે ઘણી જાતની દવાઓ ઉપલબ્ધ છે મોટાભાગની દવાઓ અસરકારક અને સુરક્ષિત છે નિદાન થયા પછી ખોરાક અને વ્યાયામ ઉપરાંત બને એટલી વહેલી દવાઓની સારવાર પણ ચાલુ કરી દેવી જોઈએ.
આવતા અંકમાં આપણે ઇન્સ્યુલિનની ઉપયોગીતા વિશે વાત કરીશું.