અર્થકારણમાં સમગ્ર દુનિયાની સરકારો નિષ્ફળ
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- વળતરની અસમાનતા એ મોટો મુદ્દો નથી અભ્યાસના આધારે પગારમાં વધ-ઘટ રહેવાની જ છે, પરંતુ સોશિયલ જસ્ટિસ અગત્યની બાબત છે
અ ર્થકારણને સ્થિર રાખવામા, બેરોજગારીને નિર્મૂળ કરવામાં ગરીબીને પૂર્ણ રીતે નાબૂદ કરવામાં આર્થિક સમાનતા લાવવાની બાબતમા,બિઝનેસ સાયકલ્સને દૂર કરવામા જગતની તમામ સરકારો નિષ્ફળ ગઇ છે. પરંતુ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઉચે લઇ જવાનુ તેને આવડી ગયું છે. દુનિયાના દેશો આર્થિક પ્રગતિ જે જીડીપીના વાર્ષિક કે ત્રીમાસીક વૃદ્ધિ દર દ્વારા મપાય છે તે બાબતમા સફળ થયા છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર જગત લગભગ ૩ ટકાના દરે આર્થિક વૃદ્ધિદર સાધી રહ્યું છે. અનેક યુદ્ધો અને સંઘર્ષો છતા તે ૨૦૨૩મા ૩ ટકા અને ૨૦૨૪મા ૨.૯ ટકા આર્થિક વૃદ્ધિદર સિધ્ધ કરશે તેવું અનુમાન છે. જગતમા સરાસરી આર્થિક વૃદ્ધિદર છેલ્લા ઘણા વર્ષોથી ૩ ટકાની આજુબાજુ છે જ્યારે વસ્તી વધારાનો દર વર્ષો વર્ષ ઘટીને એક ટકાની લગોલગ પહોંચી ગયો છે તે માનવજાત માટે સારી બાબત છે. વસતી વધારાનો ઓછો દર કે શૂન્ય દર દેશના લોકોની માથાદીઠ વાર્ષિક આવક વધારે છે. જગતમા આર્થિક વૃદ્ધિદરના વધવા છતા જગતમા દેશ-દેશ વચ્ચે અને દેશની અંદર આર્થિક અસમાનતા ઓછી થતી નથી પરંતુ વધતી જાય છે જેનો અર્થ એ કે અર્થકારણના મેનેજમેન્ટમા જગતની સરકારો નિષ્ફળ ગઇ છે. કદાચ જગતનું સત્તા માળખુ રાષ્ટ્રોમા વર્ગીકરણ થઇ ગયું છે તે કારણ હોઈ શકે. બધાં રાષ્ટ્રો સરહદો વધારવામા લડે છે. મૂડીવાદી સરકારો ભલે આર્થિક અસમાનતાને સમર્થન આપે અને એમ કહે કે કામ કરનારા લોકોની ટેલન્ટસ, કુશળતા, જ્ઞાન, શીક્ષણ, મોટીવેશન, ઔદ્યોગીક સાહસવૃત્તી જુદા જુદા હોવાથી આર્થિક અસમાનતા તો રહેવાની જ. આર્થિક અસમાનતાનો ઉપાય તમામ લોકોની આવક તદ્દન એક સરખી કરવાની નથી. તેમ કરો તો હોશિયાર અને ઉદ્યોગ સાહસિકો કામ જ ના કરે અને એમ કહે કે અમારી મહેનત અને જોખમ લેવાની વૃત્તીનું અમને કશુ ખાસ વળતર માપવાનું હોય તો અમે શું કરવા મહેનત કરીએ? જો કુશળ ન્યુરોસર્જન કે ટેકનોક્રેટને પણ મહીને એક લાખ રૂપિયાનો પગાર મળે અને ફેકટરીમા સાફસફાઈ કામદારને પણ મહીને એક લાખ રૂપિયાનો પગાર મળે તો અને શું કરવા જીવનના વીસ-વીસ વર્ષો અભ્યાસ પાછળ ખર્ચી નાખીએ ? ૧૬ વર્ષની ઉંમરથી જ સાફ સફાઈ કામદાર કે પ્યુન કે ખેતમજૂર થઇને મહીને એક લાખ રૂપિયાનો પગાર ના મેળવીએ ? ટૂંકમા માનવજાત માટે તદ્દન એકસરખી નાણાકીય સમાનતા, શક્ય નથી પરંતુ શિક્ષણ અને લાયકાતને આધારે જે પગારની કે વળતરની અસમાનતા ઊભી થાય છે તે લોકોને માન્ય હોય છે. એક સામાન્ય મજૂર કે સાફ સફાઈકામદાર પણ એવો આગ્રહ નહી રાખે કે અમને અને ન્યુરોસર્જન્સને એક સરખો પગાર મળવો જોઇએ. ટૂંકમા આવકનો પ્રશ્ન તદ્દન સમાન આવકનો મુદ્દો નથી પરંતુ તે સોશીયલ જસ્ટીસનો મુદ્દો બની જાય છે. લોકોનુ મોટીવેશન ઘટાડયા વિના એવી ઇકોનોમીક સીસ્ટમની રચના કેવી રીતે કરવી તેની માનવજાતને હજી ખબર નથી. યુરોપના ઘણા દેશો હવે વેલફેર સ્ટેટસ બન્યા છે પરંતુ તેમા પણ આર્થિક અસમાનતા ચાલુ જ રહી છે.
લોરેન્ઝકર્વ : અર્થશાસ્ત્રીઓ આવક અને સંપત્તીની અસમાનતાને લોરેન્ઝ કર્વ દ્વારા માપે છે. દા.ત. જો દેશમા પ્રથમ દસ ટકા પાસે દેશની કુલ આવક અને સંપતીના દસ ટકા હોય, વીસ ટકા પાસે વીસ ટકા સંપત્તી હોય, ૨૫ ટકા પાસે દેશની ૨૫ ટકા આવક અને સંપત્તી હોય, ૫૦ ટકા પાસે ૫૦ ટકા દેશની આવક અને સંપત્તી હોય અને આ વાત ૧૦૦ ટકા સુધી આગળ ચાલે તો દેશમા સંપૂર્ણ આર્થિક સમાનતા (આવક અને સંપત્તીની) ગણી શકાય. જો કે ખરેખર તો એક ટકા પાસે એક ટકો સંપત્તી અને આવક, બે ટકા પાસે દેશની બે ટકા સંપત્તી કે આવક એવી ગણતરી ૧૦૦ ટકા સુધી ચાલવી જોઇએ. જગતનો કોઈ દેશ આર્થિક સમાનતા (આવકની અને સંપત્તીની) સિધ્ધ કર શક્યો નથી.
સામ્યવાદ અને સમાજવાદની નિષ્ફળતા : દાવો કરતા હતા કે અમે સમાનતાવાદી સમાજ ઊભો કરીશું પરંતુ સામ્યવાદના જગતના બે સૌથી મોટા દેશો - ચીન અને રશિયન ફેડરેશન - બન્ને તેમજ અન્ય નાના નાના સામ્યવાદી દેશો - આર્થિક સમાનતા લાવવામા તદ્દન નિષ્ફળ નીવડયા છે. દા.ત. ચીનમા સૌથી ઊંચી આવક ધરાવતા ૧૦ ટકા લોકો પાસે ચીનની ૭૦ ટકા રાષ્ટ્રીય સંપત્તી (ઇકોનોમીક વેલ્થ) છે. ચીનમા સૌથી નીચેની આવક ધરાવનારા ૫૦ ટકાની માથાદીઠ સરાસરી વાર્ષીક આવક ૨૫,૫૨૦ યુઆન છે જ્યારે ચીનમા દસ ટકા ટોપ આવક ધરાવનારાઓની માથાદીઠ સરાસરી વાર્ષિક આવક ૩,૨૭,૨૧૦ યુઆન છે. રશિયાન ફેડરેશનમા તો આર્થિક અસમાનતાની વાત જ કરવાની નથી. ૧૯૯૧મા યુએસએસ.આર.ના પતન બાદ મોટાભાગની રાષ્ટ્રીય માલીકીની કંપનીઓ ફેકટરીઝ, જમીનો, વગેરેને રશિયન માફીયાએ લૂંટી લીધી અને અઢળક સંપત્તીના માલીક બની ગયા છે. રશિયામાં ડેમોક્રસી પણ નથી, ડીક્ટેટરશીપ પણ નથી, નવમૂડીવાદ પણ નથી પરંતુ રશિયામા મોટે ભાગે 'ક્લેપ્ટોક્રસી' (ચોરોનું રાજ્ય કે ચોરીનુ રાજ્ય) ચાલે છે તેવુ ઘણા રાજકીય નિરીક્ષકોનુ માનવુ છે. રશિયા જેટલા બીલીઓનર્સ કોઈ દેશમા નથી. તેમાના મોટાભાગના રશિયાની બહાર રહે છે. કાર્લ માર્ક્સ ફરીથી જીવતા થાય અને સામ્યવાદની કામગીરી જુએ તો પાછા કબરમા દટાઈ જવા ઇચ્છે, મૂડીવાદી દેશોને તો આર્થિક અસમાનતાની હદ જ થઇ ગઈ છે પરંતુ મૂડીવાદી બજારવાદી આઈડીઓલોજી આર્થિક અસમાનતાને ન્યાયી કુદરતી અને રશિયા ઇકોનોમીના મેનેજમેન્ટની બાબતમા મોટે ભાગે નિષ્ફળ ગયું છે. તેની વોર ઇકોનોમી પર ચાલે છે. ચીનનો પણ આર્થિક વૃદ્ધિ દર ઘટતો જાય છે. જંગી આયાત-નિકાસના આધારે ચીને સમૃદ્ધિ પ્રાપ્ત કરી પણ હવે તેની નિકાસ ઘટતી જાય છે. અમેરીકાએ ચીની માલની અમેરીકામા થતી આયાત પર કડક નિયંત્રણો જાહેર કર્યા છે. નિકાસ દ્વારા જંગી કમાણીએ ચીનનો અત્યાર સુધી શ્વાસ અને પ્રાણ હતા હવે આ શ્વાસ અને પ્રાણની માત્રા ઘટી છે. ૧૯૪૯મા સામ્યવાદી બનેલુ ચીન ૧૯૭૮ સુધી લથડીયા ખાતુ રહ્યું. માઓવાદે ત્યાં કાળો કેર સર્જ્યો. માઓ ચીધેલા માર્ગે આગળ વધવામા ચીનનુ અર્થકારણ બેસી પડયું પરંતુ ૧૯૭૮ પછી ચીને ૪૦ વર્ષમા લગભગ દસ ટકાના દરે જે આર્થિક વૃદ્ધિદર સિધ્ધ કર્યો તેને કારણે ચીનની માથાદીઠ આવક ૧૮૧૫૧ ડોલર્સ પર પહોંચી ગઈ છે જ્યારે ૧૯૧૭ની ઓક્ટોબરમા રશિયન ક્રાંતિ થઇ તેના ૧૦૫ વર્ષ પછી પણ રશિયન ફેડરેશનની માથાદીઠ વાર્ષીક આવક ૧૧,૬૧૦ ડોલર્સ છે અને જાપાન જેણે ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધની હાર પછી પણ ઔદ્યોગીકરણને ધમધમતુ રાખીને અત્યારે સરાસરી વાર્ષીક આવક ૪૨,૬૫૦ ડોલર્સ પર પહોંચાડી દીધી છે અને સરાસરી જીવનઆવરદા ૮૪ વર્ષ કે તેથી પણ કાંઈક વધુ સિધ્ધ કર્યો છે જ્યારે અમેરિકાનો સરાસરી જીવન આવરદા માત્ર ૮૦ વર્ષની આજુબાજુ છે અને ભારતમા ૬૯ વર્ષની આજુબાજુ છે. ભારતમા સ્ત્રીઓને જીવનમા પડતી અનેક મુશ્કેલીઓ અને ભેદભાવો છતા ભારતમા પુરૂષોની સરાસરી ૬૮ વર્ષની જીવન આવરદા સ્ત્રીઓનો જીવન આવરદા ૭૧ વર્ષ છે જે પુરૂષો કરતા ૩ વર્ષ વધારે છે તે ઘણી સારી બાબત છે. પરંતુ જગતની તમામ સરકારો લોકશાહી કે સરમુખત્યારશાહીવાળી કે ધર્મપ્રદાન આર્થિક સમાનતા લાવવામા નિષ્ફળ નીવડી છે.
આર્થિક અસમાનતાની બાબતમા દુનિયાનો દરેક દેશ નિષ્ફળ ગયો છે. સામ્યવાદી સરકારોએ આર્થિક સમાનતાની બાબતમા સૌથી મોટો દાવાઓ કર્યા હતા જે નિષ્ફળ સાબીત થયા છે. ભારત પણ આર્થિક અસમાનતાની બાબતમા પાછળ છે.