Get The App

દસ વર્ષમાં 30 કરોડ ભારતીયો આફતગ્રસ્ત બન્યા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
દસ વર્ષમાં 30 કરોડ ભારતીયો આફતગ્રસ્ત બન્યા 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ભારતની 60 ટકા ધરતી ભૂકંપશીલ છે,૪ કરોડ હેક્ટર જમીન જળબંબાકાર થવાનું જોખમ છે અને 70 ટકા જમીન પર લીલા દુકાળનું સંકટ તોળાઈ રહ્યું છે.  

મ હાનગર મુંબઈને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાનું બીડું ઝડપનારી  બિનસરકારી સંસ્થા 'બોમ્બે ફર્સ્ટ'ના મુખ્ય  અધિકારી  આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની 'મેકિન્સી'ને  થોડા સમય પૂર્વ  શહેરની ભાવિ વિકાસ યોજનાઓની રૂપરેખા દર્શાવતો 'વિઝન રિપોર્ટ' તૈયાર કરવા જણાવ્યું હતું. પરંતુ વિધિની વિચિત્રતા કેવી કે ગયા ચોમાસે  ત્રાટકેલા મૂશળધાર વરસાદમાં તેઓ  પોતે જ બાંદરા ફ્લાયઓવર પાસે ભરાયેલાં પાણીમાં ફસાઈ ગયા.

પોતાની આ ત્રાસદાયક  ઘડીઓ દરમિયાન મહાજનને આખે રસ્તે એકપણ પોલીસ અધિકારી, અગ્નિશામક દળનો અધિકારી કે પાલિકાનો કર્મચારી નજરે પડયો નહોતો. દેશની આર્થિક રાજધાની ગણાતા શહેરની આ હાલતથી ઉશ્કેરાયેલા મહાજને બળાપો કાઢતાં 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ'ની આ નિષ્ફળતાને હકીકતમાં 'મેનેજમેન્ટનું ડિઝાસ્ટર' ગણાવી  હતી.

૧૯૯૯માં ઓરિસ્સામાં આવેલું ભયંકર વાવાઝોડુંએ અને ૨૦૦૧માં ભુજને ધુ્રજાવનારો ભૂકંપ ભારત સરકા માટે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમને વધુ સુસજ્જ કરવાની સંકેતરૂપ  હતો અને તેને પગલે કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલયે અણધારી આફતની અસર ઘટાડવા, તેનો સામનો  કરવાની તૈયારી કરવા તાકીદે પગલાં ભરવા  વિવિધ યોજનાઓ ઘડી કાઢી હતી.

પરંતુ મુંબઈના મેઘતાંડવે ફરી પુરવાર કરી દીધું છે કે સરકાર પાસે યોજનાઓ સિવાય કશી તૈયારી નહોતી. પોલીસ અધિકારીઓ, અગ્નિશમન દળના અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સલાહકારો કબૂલે છે કે ભારતનાં મહાનગરો વ્યાપક સ્તરની   કુદરતી કે માનવસર્જિત આફતનો સામનો કરવા તૈયાર નથી. તેને માટે સરકારી તંત્રની સુસ્તી સૌથી વધુ જવાબદાર છે, એમ કેન્દ્રીય ગૃહ ખાતાના ભૂકંપ એન્જિનિયર અને ધરતીકંપના આંચકાના નિષ્ણાત સલાહકારે  જણાવ્યું છે.

વિવિધ પ્રદેશોના હવામાન અને તેમની જમીનની ખાસિયત, શહેરોનો આડેધડ વિકાસ અને વસ્તીની ગીચતાને કારણે ભારત, ખાસ કરીને  કુદરતી આફતોનો ભોગ બની શકે તેમ છે. ભારતભરની ૬૦ ટકા ધરતી ભૂકંપશીલ છે, ચાર કરોડ હેક્ટર જેટલી જમીન નદીઓનાં પૂર અને પાણીભરાવાથી જળબંબાકાર થવાનું જોખમ છે. આ ઉપરાંત અતિવૃષ્ટિને કારણે લગભગ  ૭૦ ટકા જમીન પર લીલા દુકાળનું સંકટ સર્જાય તેમ છે અને દરિયાકાંઠે વસતા લાખોે માણસોને વાવાઝોડાથી ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

કુદરતી આફતોને પરિણામે ભારતને ભૂતકાળમાં ભારે મુસીબતો ભોગવવી પડી છે. સરકારી આંકડા મુજબ ૨૦૧૦થી ૨૦૨૦ સુધીના  દાયકા   દરમિયાન નૈસર્ગિંક  આફતોએ  લગભગ ૪૨,૦૦૦  માણસોનો ભોગ  લીધો અને ૩૦ કરોડ નાગરિકો આફતગ્રસ્ત બન્યા હતા. ૨૦-૨૧માં કોરોનાની ચપેટમાં પણ લાખોના મોત નિપજ્યાં હતા. એટલું જ નહીં, ઓક્સિજન અને જરૂરી ઈન્જેક્શનોના અભાવે કેટલાંય લોકોએ હોસ્પિટલમાં દમ તોડયો હતો. 

બંગાળ તથા ઓરિસ્સાના વાવાઝોડામાં લગભગ ૧૦,૦૦૦ બંગાળ અને  ઉત્તર ભારતમાં  ઠેર ઠેર ભૂપ્રપાત તથા ભૂકંપમાં   ૧૩,૮૦૦ જણ મૃત્યુમુખી  બન્યા હતા. ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ  વિભાગના સલાહકારના જણાવ્યા મુજબ આવી આફતો બાદ રાહત અને પુનર્વસનના પ્રયાસોમાં સફળતા મેળવી હોવા છતાં હોનારતોની પૂર્વતૈયારી અથવા તેમની અસર ઘટાડવાની પદ્ધતિ વિકસાવવામાં આપણે પછાત પુરવાર ઠર્યા છીએ. હિમાચલ પ્રદેશ તથા  ઉત્તરાખંડમાં  જે ભૂપ્રપાત થયા તે આ વાતની ગવાહી  પૂરે છે. 

ગૃહ મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટની યંત્રણાને સુસજ્જ કરવા ગયા વરસે એક અહેવાલ તૈયાર કરાવ્યો હતો. આ અહેવાલમાં હોનારતનો ભોગ બની શકે તેવા ૧૬૯ જિલ્લાઓના મેનેજમેન્ટનો અને ધરતીકંપની સંભાવના ઘટાડવાનો એક પ્લાન ઘડવાની ભલામણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 'નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ' નામની તાલીમપ્રાપ્ત નિષ્ણાતોની એક ટુકડી ઊભી કરાઈ છે. તેમણે એક વેબસાઈટ - સંચાલિત વ્યવસ્થા પણ ઊભી  કરી છે, જે આવી કટોકટીના સમયે હવા ભરીને ફુલાવી શકાય તેવી હોડીઓ (બોટ્સ) ક્રેઈનો, હાઈડ્રોલિક કટર્સ, દવાઓ અને રાહતકાર્યો માટેનાં બીજાં અનેક સાધનોની તજવીજ કરી શકે.

પરંતુ અગાઉ કહ્યું તેમ સરકારી અમલની સુસ્તી અને રેઢિયાળ ગતિ શહેરો અને નગરોમાં સમયસર રાહત પહોંચાડવામાં  અવરોધરૂપ  બને છે.  એટલે રાહત માટેનાં સાધન પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં ઝડપથી સામનો કરે તેવા અધિકારીઓની ખોટ છે. દરેક અધિકારીને ભાન હોવું જોઈએ કે આફત ત્રાટકે કેે તરત પોતે તાબડતોબ કયાં પગલાં ભરવાં જોઈએ.

આ યોજનામાં બચાવકાર્યના નિષ્ણાતો, બાંધકામના એન્જિનિયરો, ડોક્ટરો, તબીબી સેવા આપનારા કર્મચારીઓ અને શિકારી કૂતરાઓનો પણ સમાવેશ  કરાયો છે.  કુલ મળીને આવી ૧૪૪ બચાવ ટુકડીઓ તૈયાર  થઈ  છે  અને દરેક ટુકડીમાં ૪૫ સભ્યોને સામેલ કરી   તેમને આફતની સંભાવના ધરાવતા ભારતના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. 

આ ઉપરાંત ભૂકંપનો ભાર ખમી શકે તેવાં 'લાઈફલાઈન' મકાનો, હોસ્પિટલો, સ્કૂલો, સંદેશવ્યવહારનાં કેન્દ્રો, રેલવે સ્ટેશનો, એરપોર્ટો તેમ જ પાણી તથા વીજળી પુરવઠાંના કેન્દ્રો તૈયાર કરવા સરકારે રૂ.૧૧૩૨ કરોડની એક યોજનાની ભલામણ કરી છે. પરંતુ ભૂકંપ - નિષ્ણાત  ડૉ.આનંદ જણાવે છે કે નવાં મકાનો પાછળ જેટલો ખર્ચ થાય તેના કરતાં ભૂકંપગ્રસ્ત મકાનોના રક્ષણ પાછળ દસમા ભાગ જેટલો જ ખર્ચ આવે. એટલે તે સૂચન વધુ વ્યવહારુ છે.

બીજી મુશ્કેલી એ છે કે મુંબઈ સહિત કોલકાતા અને બેંગલોર જેવાં ભારતનાં મોટાં શહેરોમાં પોલીસતંત્ર અને અગ્નિશમન દળ પાસે આફતનો સામનો કરવા માટેની પ્રાથમિક સુવિધાઓની ભારે અછત છે. તેમને ક્યારેક ખાનગી કંપનીઓ પાસે મદદની ભીખ માગવી પડે છે. થોડાક સમય પહેલાં કોલકાતામાં એક થિયેટરનું મકાન તૂટી પડયું ત્યારે કાટમાળ હટાવવા માટે ફાયર બ્રિગેડને ગોદીમાંથી ક્રેઈન મંગાવવી પડી હતી.

ઉપરાંત કોલકોતામાં નીચાણવાળા વિસ્તારો વધી રહ્યા છતાં પાણીના નિકાલ પૂરતી વ્યવસ્થા નથી. પાંચેક વરસ પહેલાં પૂરની પરિસ્થિતિ સર્જાતાં અગ્નિશમન દળના ૨૨ પમ્પ લાવવા પડયા હતા. આ પમ્પ સામાન્ય રીતે પાણીના નિકાલ માટે વપરાતા નહીં હોવાથી તે બગડી ગયા  હતા.  છતાં આજદિન સુધી આ પમ્પો બદલવામાં આવ્યા નથી. મુંબઈ કે ભુજ જેવી આફત કોલકાતા પર આવી પડે તો તેનો સામનો તેઓ  કરી શકે તેમ નથી.

બેંગ્લોરમાં ૧૧ ફાયર સ્ટેશન છે અને ૩૫ વાહનો તેમ જ ૫૦૦ કર્મચારીનો સ્ટાફ છે. પરંતુ આ પૂરતું નથી અને કુદરતી કે માનવસર્જિત આફત ટાણે પહોંચી  વળે તેવા  કોઈ તાલીમી અધિકારીઓ નથી. જો કે બીજાં શહેરોની સરખામણીમાં દિલ્હી વધારે સુસજ્જિત છે. છતાં લોકોને વધુ જાગૃત કરવાની જરૂરત છે એમ અધિકારીઓ માને છે. અને આફતટાણે વર્ગોમાંથી કઈ રીતે ઝડપભેર બહાર આવવું તેની તાલીમ શાળાનાં બાળકોને આપવાનું  શરૂ કર્યું છે.

મુંબઈમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૬૩ પાનાંનો એક દસ્તાવેજ  તૈયાર કરાયો છે, જેમાં શહેરના વિવિધ વોર્ડમાંના જોેખમી વિસ્તારોની  યાદી તૈયાર કરીને વાવાઝોડું, ધરતીકંપ કે ચેપી રોગચાળા જેવી કટોકટીમાં કઈ રીતે પહોંચી વળવું તેના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

'ઈન્ડિયન રેડ ક્રોસ' સંસ્થાના મુંબઈ વિભાગના સેક્રેટરી ડૉ.બાટલીવાલાના જણાવ્યા મુજબ આ વખતની આફત માત્ર કુદરતસર્જિત નહોતી પણ માનવસર્જિત હતી. 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ' પાછળ કરોડોનું આંધણ કર્યા છતાં તેનો અમલ કરાયો નહોતો. બાટલીવાલાએ એવું સૂચન કર્યું હતું કે આવે ટાણે સરકારે પોલીસ કે અગ્નિશમન વિભાગ કરતાં લશ્કરી દળોની મદદ લેવી જોઈતી હતી, જેઓ આવી આફતોમાં તાબડતોબ પગલાં ભરવામાં પાવરધા હોય છે.

મુંબઈના માળખાને હચમચાવી મૂકનારી અને જનજીવનને અસ્તવ્યસ્ત કરનારી ખાનાખરાબીને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ' વિભાગનો એક આદર્શરૂપ નમૂનો મોકલાવ્યો છે. અને દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટ સંશોધન, પૃથક્કરણ અને અધિકારીઓની તાલીમમાં લાગી ગઈ છે.

પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ બધી પ્રક્રિયા એટલી મંદ ગતિએ ચાલી રહી છે કે  તેને વેગ આપવા કદાચ બીજી આફત નહીં ત્રાટકે ત્યાં સુધી આવી આફતનો સામનો કરવા સરકાર સમયસર સજાગ નહીં બને.


Google NewsGoogle News