Get The App

આયના મહેલમાં ભુજનું પ્રતિબિંબ

Updated: Oct 29th, 2022


Google NewsGoogle News
આયના મહેલમાં ભુજનું પ્રતિબિંબ 1 - image


- ભુજના દરબાર ગઢ પરિસરમાં પ્રાગમહેલને અડીને આયના મહેલ

- રસવલ્લરી-સુધા ભટ્ટ

ક લનો જન્મ સૌથી પહેલાં ક્યાં થાય છે, કેવી રીતે એનો વિકાસ થાય છે, કઇ રીતે એનો પ્રસાર પ્રચાર થાય છે અને શા માટે એ લોકો હૈયે વસી જાય છે એ એક કોયડો છે. હકીકત તો એ છે કે કળારાણી સહજ પણે કળાકારના મન-હૃદય અને અંતરમાંથી જન્મી એનાસહવાસે જ કૉળે છે - ખીલે છે અને પછી જેવી એની સુવાસ પ્રગટે છે કે તરત જ એ સર્વની થઇ જાય છે. ભૂગોળના સીમાડા વટાવી એ વાયુવેગે અત્ર-તત્ર-સર્વત્ર પોતાનું પોત પ્રકાશી સૌ રસિકોને પોતીકાં બનાવી લે છે.આજનું  એક વાકય સર્વ સામાન્ય છે કે 'ટેકનોલોજીને કારણે દુનિયા નાની થઇ જઇને એક મેકમાં એકરૂપ થઇ છે' પરંતુ જ્યારે કોઈપણ પ્રકારના સંચાર માધ્યમો હતાં જ નહિ અથવા જૂજ હતા ત્યારે કેવી રીતે કલાપ્રવાસ શક્ય બનતો ? સદીઓ પુરાણી વાતો જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે મનમાં ખરેખર ઉજાસ ફેલાઈ જાય છે. સમગ્ર માનવજાતને પ્રાચીન સમયના સંદર્ભે ઓળખીએ તો એ વખતે આ ધરતી પર જે શાસકો હતા એ અલબત્ત; મનસ્વી તો હતા જ પરંતુ કલાપ્રેમી અને માનવતાવાદી પણ હતા. એથી જ અન્ય દેશો સહિત આપણા દેશમાં પણ સાહિત્ય, સંગીત, નાટય, નૃત્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય આદિ વિષયો ખેડાયા. એનું એક ઉત્કૃષ્ટઉદાહરણ છે ગરવા ગુર્જર દેશના કચ્છમાં શ્વસતી કળાઓ અને એનાં અનોખાં રખોપાં. ભુજના હમીરસર તળાવના ઇશાન ખૂણે છત્તરડી સહિત સ્હેજ જ છેટે રામકુંડ વાવ અને આયના મહેલ તો જોવા જ પડે.

હરતું ફરતું સંચાર માધ્યમ તે માનવી પોતે

હવા મહેલના સ્થાપત્ય અને તેમાં પ્રદર્શિત કલાકૃતિઓનો સંપૂર્ણ શ્રેય કચ્છ રાજ્યના વહાણવટી રામસિંહ માલમને ફાળે જાય છે. ઇસ્ટ આફ્રિકાના દરિયાકાંઠે તેમનું વહાણ ખરાબે ચડી ભાંગી ગયેલું અને એમને કેટલાક ડચલોકોએ બચાવી દીધેલા. તેમને નેધરલેન્ડ (હોલેન્ડ) લઇ જવાયા. રામસિંહ યુરોપમાં સત્તર અઢાર વર્ષ રોકાયા અને વિવિધ સ્થળોએ ફરી તેમણે અનેક કળાઓ હસ્તગત કરી. ટાઈલ્સ અને ઘડિયાળ બનાવતા શીખ્યા. વિવિધ કલાકૃતિઓ અને તેને સોના-ચાંદીનો ઢોળ ચડાવવાની કળા પ્રાપ્ત કરી. સ્થાપત્ય જેવી સંકુલ કળા પણ તેઓ શીખ્યા. 

અઢારમી સદીમાં આશરે ૧૭૫૦માં રાવ લપપતજીએ આયનામહેલ બનાવડાવ્યો ત્યારે રામસિંહ ઘરે આવી પહોંચેલા તેમને મુખ્ય સ્થપતિ તરીકે રોકી રાજાએ એમને પોતાની કળા, આવડત અને કૌશલ્ય સિદ્ધ કરવાનો મોકો આપ્યો અને તેમને મોકળું મેદાન આપ્યું. લગભગ ૨૫૦ વર્ષ જૂના આ મહેલમાં ઇન્ડો યુરોપિયન સાર્સેનિક સ્થાપત્ય શૈલીનો વિનિયોગ થયેલો છે. રાજાએ આ મહેલ રહેણાંક માટે બનાવડાવ્યો તે દરબારગઢની શાન બની ગયો. બે માળના આ મહેલમાં વિવિધ ઓરડાઓ ફુવારા મહેલ (સંગીત કક્ષ અથવા મનોરંજન કક્ષ પણ કહેવાય) દર્પણ ખંડ, રાજ રહેઠાણ, દરબાર હૉલ, ન્યાયાલય, વચગાળાનો ખંડ, દીવાનખાનું, હીરા મહેલ ઇત્યાદિ શોભે છે જેમાં આંશિક રીતે સ્થાનિક સ્થાપત્ય શૈલી છે, તો તેના શૃંગાર અને સજાવટ યુરોપિયન શૈલીના છે. મહેલના બાંધકામનો કુલ ખર્ચ એંશી લાખ કોરિ અથવા વીસ લાખ રૂ. કહેવાય છે. પથ્થરનું બનેલું આ ભવન ભરચક નકશીકામ વડે શણગારાયેલું છે. મહેલની છોમાં જડાયેલી છે 'ડેલ્ફવેર (માટી)'ની ટાઈલ્સ અને આરસ પહાણની દીવાલો ભરચક કલાકૃતિઓ અને અરીસાઓથી શોભે છે.

અનેક જ્યોતવાળી દીપમાળ અને વેનેશિયન ્ગલાસની ઝાંયવાળા ઝુમ્મરો ઝૂમે

આયના મહેલના સ્તંભો અને છત સોનેરી મોલ્ડિંગ-વળિયા વડે, અન્ય શણગાર સહિત શોભે છે. સ્તંભો અને છત વચ્ચેની જગ્યાઓની ખાલીપો ત્રિકોણ કાચની ગોઠવણીથી ભરી દેવાયો છે. બહારની દીવાલે પથ્થરની અને લાકડાની કોતરણીનું સંયોજન મળે. ચાલો, કેટલાક વિભાગોની કલાત્મક સફર કરીે. હીરા મહેલમાં અરીસા વચ્ચે રાજાનો ઢોલિયો છે. શૉખીન રાજા સમયાંતરે તેનું લીલામ કરાવતા જેને શેઠિયાઓ પોતાનો આક્રમક શૉખ પોષવા ખરીદી લેતા. રાજા નવો ઢોલિયોકરાવે અને નવા કારીગરોને નવી કલાપેશ કરવાની તક મળે. છેલ્લો ઢોલિયો સોનાના પાયા સાથે હાલ મોજુદ છે. દર દિવાળીએ આ પલંગની પૂજાનો રિવાજ હજુ બરકરાર છે. આ જ સ્થળે રાજાની લાકડાની ચાખડી પડી છે જેમાં એક બટન છે. ચાલવાથી પેની વડે તે બટન દબાય અને અંગૂઠા પાસેનો દટ્ટો કમળની જેમ ખુલે. ચાલે એટલે અંદરનુંકંકુ અને અત્તર બહાર ઉડે. છે ને કમાલ ! હીરા મહેલમાં શોકેસમાં હીરા જડિત ઢાલ તલવારો છે જેમાં અદ્દલ હીરા, મોતી, પોખરાજ, નીલમ ને માણેક જડેલા છે. મુગલ બાદશાહ આલમગીર બીજાની એ ભેટ છે. અહીં ફિલગિરી આર્ટના ચાંદીના ઝાડ શોકેસમાં દેખાય. ચાંદીના પાતળા તારને ગૂંથી પાંદડાં, પક્ષીઓ, ફળ-ફૂલની રચના છે તેમાં પાછાં પક્ષી અને ફલ-ફૂલ સોનાના અને પક્ષીની આંખમાં બ્લ્યૂ મીનો આંજેલો લાગે. ફુવારા મહેલ એ જ સંગીત મહેલ હોજની વચ્ચોવચ્ચ આરસનું સિંહાસન અને ફરતે રંગીન ગ્લાસમાં દીવાની હાર જે હોજ ફરતે લાકડાની પટ્ટી પરથી પ્રકાશ રેલાવે. ઉપર રામસિંહ માલમે વેનિસથી આણેલી કાચની હાંડીઓ. ચાંદીનો હુક્કો ગડગડે, વીંઝણો, ઢોળાય ને સંગીત રેલાય.

 ચિત્રો, પોટ્રેઇટ, આભૂષણોની રત્નજડિત અજોડ શ્રેણી

આયના મહેલમાં ગ્લાસ પેઇન્ટિંગનું આગવું સ્થાન છે. કાગળ જેવા પાતળા કાચની પાછળ ઉંધું ચિત્ર દોરાય - જે આગલી બાજુએ સીધું દેખાય. સૌથી વધુ વખણાયેલો ગૌરવશાળી સંગ્રહ છે - ભરતકામનો આરી ભરત-મોચી ટાંકો શેડેડ દોરાઓની મદદથી રસળે છે વિવિધ પેનલ્સ ઉપર જરી કસબનાં કામણ પણ ખરાં. રાજા પ્રાગમલજી બીજા નાસમયની જન્મકુંડળીઓનાં સ્કોલ (પટ) અહીં છે જેમાં ૧૨૭ ફિટ લાંબો પટ અનન્ય છે. કમાંગરી શૈલીમાં રાશિફળ અહીં ચિતરાયેલાં છે. અન્ય પટમાં વિવિધ સવારીઓમાં વરઘોડામાં રાજા, લશ્કર, ઘોડા, હાથી સચોટ ભાસે. જૂનો બોક્સ કેમેરો પણ આ દિવ્ય સર્જન જેવા મહેલની શોભા છે. ભારતીય રાજાઓને યુરોપિયન કલાકૃતિઓની ઘેલછા હતી તે મુજબ ઇંગ્લીશ, ડચ, ફ્રેન્ચ, ઘડિયાળો, ગ્લાસવેર, સિરામિક્સ, મિકેનિકલ રમકડાં, શસ્ત્રો, વસ્ત્રો, ફર્નિચર વગેરેનો બહોળો સંગ્રહ અહીં છે. વળી ચિત્રો, પોટ્રેઇટ, આભૂષણોની રત્નજડિત શ્રેણી અજોડ છે. અરીસાની ફેઇમ્સ રોકોકો અને બરાક શૈલીની છે. અહીં મુગલ બાદશાહોના ફરમાન પત્રોનો સંગ્રહ છે, મહેલના મુખ્ય દરવાજે હાથીદાંત અને સોનાની ડિઝાઈન સૌને આવકારે, ૧૯૯૭માં આયના મહેલ 'મદનજી મ્યુઝિયમ'માં તબદીલ થયો છે. સતત બે દાયકાથી વધુ સમય આયના મહેલમાં ક્યુરેટર તરીકે પ્રવૃત્ત રહેલા, બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા શ્રી પ્રમોદભાઈ જેઠી પ્રવાસીઓને ઉલટભેર ઉત્સાહથી આવકારી પોતાના સંશોધનોનો લાભ આપે છે.

લસરકો

પરદેશની કળા અને સ્થાનિક કળા-કસબનું અભૂતપૂર્વ સંયોજન એટલે આયના મહલ


Google NewsGoogle News