Get The App

દેશની એકતા તૂટશે, તો આપણને 'શાશ્વત કલંક' લાગશે!

Updated: Oct 29th, 2022


Google News
Google News
દેશની એકતા તૂટશે, તો આપણને 'શાશ્વત કલંક' લાગશે! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ગાંધીજીએ આ પરિસ્થિતિ જોઇને વલ્લભભાઈને એમ કહ્યું હતું કે, 'રજવાડાંની સમસ્યા એટલી વિકટ છે કે માત્ર તમે જ તેનો ઉકેલ આણી શકશો.'

સ રદાર વલ્લભભાઈ પટેલ હતા ક્રાંતદ્રષ્ટા. ક્રાંત એટલે પેલેપારનું જોનારા. વર્તમાનમાં ઊભા રહીને ભવિષ્યનું દર્શન કરી શકનારા. સરદાર પટેલનો અભિગમ, વિચારધારા કે ચિંતન એ સમયબદ્ધ કે સીમાબદ્ધ નહોતા. આવતીકાલની પરિસ્થિતિ આજે જોઈ શકનારા સમર્થ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું એક જ દ્રષ્ટાંત જોઇએ.

ભારત અને પાકિસ્તાનની રચના સમયે વિશાળ પાયા પર વસ્તીની ફેરબદલી કરવાની સરદારે હિમાયત કરી હતી. સાથીઓએ એમની વાત કાને ધરી નહીં. એ પછી ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં દાવાનળ જાગ્યો. બે લાખ જેટલી હત્યાઓ થઇ. સરદારના સૂચન પછી પૂરા પચીસ દિવસ બાદ અને લાખો માણસોની હત્યા પછી સહુ જાગ્યા. ખ્યાલ આવ્યો કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં વ્યર્થ સમય ગુમાવવાને બદલે પહેલું કામ તો હિંસાના તાંડવમાં ઘેરાયેલા નિરાશ્રિતોની ફેરબદલી કરવાનું કરવું જોઇએ. સરદારનું એ સૂચન સ્વીકારાયું હોત તો હિન્દુસ્તાનના ભાગલા સમયે લોહિયાળ હત્યાકાંડ સર્જાયો ન હોત.

ભારતમાંથી અંગ્રેજોએ પોતાનું શાસન એવી રીતે સમેટવાનો વિચાર કર્યો કે જેથી એમની વિદાય પછી પણ ભારત પારાવાર સમસ્યાઓથી ઘેરાયેલું રહે. ૫૬૫ જેટલા રાજ-રજવાડાંઓને અંગ્રેજોએ એવી મોકળાશ આપી કે તેઓ ઇચ્છે તો ભારતમાં અને ધારે તો પાકિસ્તાન સાથે જોડાઇ શકે. પરંતુ જો આ બેમાંથી એકેય સાથે જોડાણ કરવું ન હોય તો સ્વતંત્ર સાર્વભૌમ રહી શકે તેમ છે.

ગાંધીજીએ આ પરિસ્થિતિ જોઇને વલ્લભભાઈને એમ કહ્યું હતું કે, 'રજવાડાંની સમસ્યા એટલી વિકટ છે કે માત્ર તમે જ તેનો ઉકેલ આણી શકશો.'

એ નોંધવું જોઇએ કે દેશી રજવાડાંનો પ્રશ્ન હલ કરવાનું કામ સરદાર વલ્લભભાઈએ સંભાળવું તેવો નિર્ણય જવાહરલાલ નહેરુ અને સરદારે સાથે મળીને લીધો હતો. નહેરુ અને સરદાર બંનેના અભિગમ, અનુભવ, અભિપ્રાય અને પ્રતિભા ભિન્ન હતા. એમની વચ્ચે મતભેદો પણ હતા, પરંતુ મેનને માઉન્ટબેટનને જણાવ્યું હતું તેમ મૂળભૂત બાબતોમાં નહેરુ અને વલ્લભભાઈ અચૂક એક મત ધરાવે છે.

રજવાડાંઓનું ખાતું વલ્લભભાઈએ સંભાળતા આખો પરિપ્રેક્ષ બદલાઈ ગયો. વલ્લભભાઈએ આ રજવાડાંઓ ભારતમાં જોડાયા અને એ રાજ-રજવાડાંઓની ભૂમિ પર લોકશાહી પાંગરે એવી ભાવના રાખી હતી. બિકાનેર, પતિયાળા અને વડોદરા જેવાં રાજ્યોની આગેવાની હેઠળ કેટલાક રાજ્યોએ બંધારણસભામાં સામેલ થઇને ભારત સાથે સહકાર્ય કરવાની ઇચ્છા પ્રગટ કરી. ૨૮મી એપ્રિલે આ ત્રણ રાજ્યો ઉપરાંત કોચિન, જયપુર, જોધપુર જેવા રાજ્યોએ બંધારણસભામાં બેઠક લીધી. બીજાં રાજ્યો ભારત સાથેના એના સંબંધો અંગે વાટાઘાટ કરવાની ઇચ્છા રાખતા હતા. કેટલાક રાજ્યોએ તો સ્વયં એવું જાહેર કરી દીધુંહતું કે ૧૫મી ઓગસ્ટથી સમ્રાટ સત્તાનો અંત આવે છે અને તેઓ એ દિવસથી સાર્વભૌમ બની જશે. ત્રાવણકોર અને વડોદરા જેવા રાજ્યોએ તો પોતે સ્વતંત્ર રાજ્યસંસ્થાનો છે એવું નિશ્ચિત કરીને પત્રવ્યવહાર પણ શરૂ કરી દીધો હતો.

ત્રાવણકોરના દીવાન સર સી.પી.રામસ્વામી અય્યરે તો જાહેરાત કરી દીધી હતી કે ત્રાવણકોરે સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બનાવવાનો નિર્ણય કરી લીધો છે અને એ પાકિતાનમાં પોતાનો વ્યાપારી પ્રતિનિધિ નીમવા માગે છે. એ પછી ૧૨મી જૂને હૈદ્રાબાદમાં જાહેરાત કરવામાં આવી કે નિઝામ સાર્વભૌમ થવા ઇચ્છે છે.

રાજ્યોના વિલિનીકરણ માટે રાજાઓને. સમજાવવા સરદાર વલ્લભભાઈએ સૌપ્રથમ એમના હૃદયમાં રહેલી દેશભક્તિ જગાડવાનું કામ કર્યું. રાજ્યોને એમ પણ સમજાવ્યું કે જો કોઈ રાજ્ય સ્વતંત્ર રહેવા માગતું હશે તો પણ એણે એની હજારો જરૂરિયાતો અને સગવડો માટે ભારત પર જ આધાર રાખવો પડશે. આ હકીકતની વ્યવહારુ બાજુ એમણે દર્શાવી. કેટલાંક રાજાઓને એ પણ સમજાવ્યું કે જો એમની પ્રજા તેમની સામે થશે તો ભારત સરકાર એ પ્રજાને દબાવવામાં મદદ નહીં કરે.

સરદાર વલ્લભભાઈની એ કેવી કાર્યકુશળતા કે વિલીનીકરણની બાબતમાં એમણે કોઈ અનુચિત પદ્ધતિનો ઉપયોગ કર્યો નહીં. એ રાજાઓએ સરદાર હયાત હતા ત્યારે નહીં, બલ્કે સરદારના અવસાન બાદ પણ કદી કોઈ ફરિયાદ કરી નથી. રાજ્યોના વિલીનીકરણ પછી પણ આ રાજાઓ સરદારના મિત્ર બની રહ્યા અને રાજાઓ સરદારને પોતાના મોટાભાઈ માનતા હતા.

સરદાર સ્પષ્ટપણે માનતા કે જો દેશની એકતા તૂટશે તો આપણા નસીબમાં 'શાશ્વત કલંક' સિવાય બીજું કશું નહીં રહે. સરદારે દેશની સમગ્ર એકતા પર દ્રષ્ટિ ઠેરવી હતી. ભાગલા-પ્રવૃત્તિને પરિણામે દેશ આખો ભાગલીસ્તાન બની રહેશે એમ કહેતા. દેશની ભૌગોલિક એકતા એ સરદારના કાર્યનું અલ્પવિરામ ગણાય. એમનું સ્વપ્ન તો કોમ, ધર્મ, પ્રદેશ કોઈપણ પ્રકારે દેશ વિભાજીત ન થાય એવી અખંડિતતાનું સ્વપ્ન હતું. અને ૧૯૪૭માં પ્રથમ નાયબપ્રધાન નીમાતા સરદારે અઢી-ત્રણ વર્ષમાં અખંડ હિંદનું એ સ્વપ્ન સાકાર કર્યું. જૂનાગઢ, નિઝામ, વડોદરા, ભોપાલ, ત્રાવણકોર અને હૈદ્રાબાદ સંસ્થાનોએ શકય એટલા ઉપાયો અજમાવ્યા.

ભોપાલના નવાબ પાકિસ્તાનમાં જોડાવાનો વિચાર કરતા હતા. જોધપુર, ઉદેપુર, ઇન્દોર, ભોપાળ અને વડોદરાના રાજ્યોને જોડી દઇને પાકિસ્તાનને હિન્દુસ્તાનભરમાં પાથરી દેવાની યોજના પણ ચાલતી હતી. આવે સમયે વલ્લભભાઈએ જામસાહેબ દિગ્વિજયસિંહ સાથે દોઢેક કલાક ચર્ચા કરી અને કાઠિયાવાડના સંખ્યાબંધ રજવાડાઓમાં કાકા તરીકે આદર પામતા જામસાહેબે સરદારને વચન આપ્યું કે તેઓ બીજા બધા રાજાને સમજાવશે.

ભોપાલના નવાબને મોડે મોડે સાચી વાત સમજાઈ ત્યારે એમણે સરદારને લખ્યું કે સંઘર્ષ ચાલતો હતો ત્યારે મારા રાજ્યની આઝાદી ટકાવી રાખવા માટે મેં તમામ સાધનોનો ઉપયોગ કર્યો હતો એ વાતનો ઢાંકપિછોડો કરવાની મારી ઇચ્છા નથી. હવે મેં પરાજય કબૂલ કરી લીધો છે. ત્યારે અગાઉ જેવો જાનનિસાર દુશ્મન હતો તેવો જ વફાદાર મિત્ર છું તેવી આપને ખાતરી થશે. સરદારે પણ ભોપાલના નવાબને લખ્યું કે તમારા રાજ્યનું જોડાણ અમારા માટે વિજય અને આપને માટે પરાજય હોય તેમ હું માનતો નથી. છેવટે સત્યનો અને વાજબીપણાનો વિજય થયો છે અને આ વિજયમાં મેં અને તમે પોતપોતાનો પાઠ ભજવ્યો છે.

પાકિસ્તાનમાં જોડાવા તત્પર બનેલા જોધપુરનરેશે તો સરદારના મંત્રી મેનન સામે રીવોલ્વર ધરી હતી. આ સમયે હૈદ્રાબાદ, કાશ્મીર અને જૂનાગઢે સરદારની કસોટી કરી. સરદારે કાશ્મીર બચાવ્યું. જૂનાગઢ પર આરઝી હકૂમતે કબજો લીધો. હૈદ્રાબાદ પણ નમ્યું, પણ યે સરદાર હારેલા નિઝામને મળવા ગયા ત્યારે જે ખેલદિલીભર્યું વાતાવરણ ઊભું થયું હતું તે ભૂલી શકાય તેવું નથી. સરદારની મહાનતા એ હતી કે વિજયનો ગર્વ એમને સ્પર્શ્યો નહોતો. ભાઈચારો, કરુણા અને ઔદાર્ય જ સતત પ્રગટ થતા રહ્યા.

નાયબ વડાપ્રધાન તરીકે ત્રણ ખંડના નિવાસમાં પડદા વગેરે પોતાના ખર્ચે જ લાવતા હતા. ખાનગી કાગળો લઇ જવા-લાવવામાં સરકારી પટાવાળા કે સરકારી સ્ટેમ્પનો ક્યારેય ઉપયોગ નહોતા કરતા. એમનું ઘડિયાળ ત્રીસ વર્ષ જૂનું હતું. ચશ્માની એક દાંડી હતી અને બીજી દાંડીની જગ્યાએ દોરી હતી. ચશ્માનું ખોખું વીસ વર્ષથી વાપરતા હતા. ભારતના નકશાને આકાર આપનાર અખંડ હિંદના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ એટલે દેશભક્ત નિષ્કામ કર્મયોગી!

મનઝરૂખો

આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઓફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે નોકરી મળી. અહીં એમણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી. ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ.

એ પેટન્ટ ઑફિસમાં નોકરી કરતા હતા, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક 'અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા એમના પાંચ લેખોએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું અને સમય જતાં પેટન્ટ ઓફિસ છોડીને યુનિવર્સિટી-શિક્ષણમાં જોડાયા.

પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને ત્યાર બાદ બર્લિનની વિલ્હેમ કૈઝર ઇન્સ્ટિટયૂટમાં એમણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. પોતાનો મોભો વધતાં આઈન્સ્ટાઈનને પોશાક બદલવો પડે તેમ હતો.

તે હંમેશાં કરચલીવાળો સૂટ પહેરતા અને એમના વાળ એમના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે ?

સંશોધનમાં ડૂબેલા આઈન્સ્ટાઇનને માટે પોશાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનાં ન હતાં. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એમને સહેજે મંજૂર નહોતું.

આઇન્સ્ટાઇને એની સહાધ્યાયિની મિલેવા મેરિક સાથે લગ્ન કર્યા હતાં અને મિલેવા મેરિકે એને કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો, આથી તમારે જૂના-પુરાણા સૂટને તિલાંજલિ આપીને નવો સૂટ સિવડાવવો જોઇએ. મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે આઈન્સ્ટાઇન એક જ ઉત્તર આપતા,

'અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ખોટું કહેવાય ને! મારો પોશાક મારી કામગીરીને કોઈ રીતે બહેતર બનાવશે નહીં.'

ક્ષણનો સાક્ષાત્કાર

જિંદગીનો અર્થ પામવા માટે પ્રયત્ન કરનારને સાહસ સદા લલકારતું હોય છે. ધ્યેયપ્રાપ્તિ હોય કે અર્થપ્રાપ્તિ - પણ બધી બાબતને માટે અદમ્ય સાહસ સાથે મૈત્રી બાંધવી પડે. સિદ્ધિ માટે તમારે હિંમતભરી છલાંગ મારવી પડે છે. સુખ-સગવડના ઘેરામાંથી મુક્ત થઇને સામે ચાલીને મુશ્કેલીઓને નિમંત્રણ આપવું પડે! સફળતા માટે કેટલીક સવલતો છોડવી પડે છે અને કેટલીક સુવિધાઓને તિલાંજલિ આપવી પડે છે.

સાઈના નેહવાલ હૈદરાબાદમાં રહેતી હતી. હૂંફાળું ઘર હતું અને સતત કાળજી રાખતું કુટુંબ હતું. એની પાસે મોટર હતી. સાથે વિખ્યાત કોચ પુપેલા ગોપીચંદ પાસે તાલીમ મળતી હતી, પણ આ સાઈના વિચારમાં પડી. એ માટે કે એને નિષ્ફળતાઓ મળી હતી અને ઇચ્છા એવી હતી કે ગોપીચંદ મહાસમર્થ કોચ હોવાથી માત્ર એના પર અંગત ધ્યાન આપી શક્તા નથી. એને કોઈ એવા કોચની જરૂર હતી કે જે માત્ર એની રમત પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરે અને માર્ગદર્શન આપે.

આથી સાઈનાએ હૈદરાબાદ છોડીને બેંગાલુરુમાં જવાનું નક્કી કર્યું અને પછી બેંગાલુરુના સ્ટેડિયમના પ્રીમાઇસીસમાં જ નાની રૂમમાં રહેવા લાગી. એને રમત પર પોતાનું સઘળું ધ્યાન કેન્દ્રિત કરવું હતું અને નિષ્ફળતાઓને બાજુએ મૂકીને સફળતા હાંસલ કરવી હતી અને બન્યું એવું કે સાઇનાએ હૈદરાબાદની ઘણી કમ્ફર્ટ ગુમાવી, પરંતુ બેંગાલુરુમાં એટલી બધી મહેનત કરી કે અગાઉ નિષ્ફળતાને કારણે રમત છોડી દેવા ચાહતી સાઇના વિશ્વની નંબર ૧ ખેલાડી બની અને ઓલ ઇંગ્લૅન્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ફાઈનલ સુધી પહોંચી, તો ચાઈના અને ઇન્ડિયન ઓપનમાં એણે વિજય મેળવ્યો. સફળતા કાજે સાહસ કરવું પડે અને સુખ-સગવડ ત્યજવા પડે, તો સિદ્ધિ મળે, એ આનું નામ.

Tags :