એક અનુભવ, અનેક કાર્ય .
- આજકાલ-પ્રીતિ શાહ
- મિનલનો આ વ્યવસાય ૩૩ લાખની આવક ધરાવે છે, પરંતુ એને વિશેષ આનંદ તો દરેક કુકીઝ સાથે પાંચ ગ્રામ કાર્બન ઓછો થાય છે એનો છે. એના આ ઈકો-ફ્રેન્ડલી સ્ટાર્ટ-અપમાં એક જ અવરોધ છે અને તે છે ચોમાસાનો
મ હારાષ્ટ્રના જાલના શહેરમાં રહેતી મિનલ કાબરા ડેન્ટિસ્ટ છે. મિનલ મેડિકલનો અભ્યાસ કરતી હતી એ સમયે અને ત્યારબાદ ડૉક્ટર બન્યા પછી બાળકોના દાંતની સારવાર કરતાં એણે જોયું કે બાળકો ચોકલેટ કે કોઈ પણ પ્રકારની મીઠાઈ ખાધા પછી દાંત બરાબર સાફ કરતાં ન હોવાથી નાનપણમાં જ તેમના દાંતને ખૂબ નુકસાન થાય છે. એમાંય શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં આ સમસ્યા વિશેષ જોવા મળી. દાંતની સમસ્યા ધરાવતાં બાળકોને લઈને આવતી તેમની મમ્મીઓ ડૉ. મિનલ સાથે પોતાની આર્થિક સમસ્યા અને બેરોજગારીની વાતો કરતી હતી. આ બધી વાતોએ એને બે બાબત પ્રત્યે વિચારતી કરી મૂકી. એક તો બાળકો માટે ચોકલેટ કે ખાંડમિશ્રિત વાનગીને બદલે કોઈ બાળકોને પસંદ પડે તેવા સારા વિકલ્પ વિશે વિચારવા લાગી અને બીજું ગ્રામીણ મહિલાઓને આજીવિકા મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
કહેવત છે કે એક કાંકરે બે પક્ષી માર્યા. બરાબર એ જ રીતે એણે પોતાની આ તીવ્ર ઇચ્છાને આકાર મળ્યો ૨૦૧૯ના ડિસેમ્બર માસમાં એણે શરૂ કરેલા સ્ટાર્ટ અપથી. મિનલ લગ્ન કરીને સાસરે આવી ત્યારે એણે જોયું કે એના સાસુ રસોઈ માટે ૧૯૮૯થી સૂર્યકૂકરનો ઉપયોગ કરતા હતા. એણે વિચાર્યું કે જાલનામાં આશરે ત્રણસો દિવસ સૂર્યનો તડકો મળે છે, તો તેનો ઉપયોગ કરવો જોઈએ. મિનલના પતિ વિવેકે આઈ.આઈ.ટી.માં અભ્યાસ કર્યો હતો. તેણે સોલર કૂકરમાં થોડા ફેરફાર કરીને ૨૦૧૬માં સોલર ઑવન બનાવ્યું. સોલર કૂકરને સૂર્યની દિશામાં થોડા થોડા વખતે ફેરવવું પડે, તેને બદલે એમણે એમાં રીફ્લેક્ટર લગાવ્યાં, જે સૂર્યકિરણોને કેન્દ્રિત કરીને આશરે ૨૩૦થી ૨૫૦ ડિગ્રી સેલ્શીયસ જેટલું તાપમાન રાખે છે. એમાં ગ્લાસ ટયૂબ અને કૂકીંગ ટ્રે પણ બનાવી. એની થર્મલ સ્ટોરેજ બેટરી ત્રીસ મિનિટ સૂર્યતાપમાં રાખવાની હોય છે. ડૉ. મિનલ કાબરા ૨૦૧૬થી આ ઑવનમાં જુદી જુદી વાનગી બનાવતી હતી. એણે ખાંડ વગરની વેગન કૂકીઝ બનાવી અને 'કિવુ' નામે સ્ટાર્ટ અપ શરૂ કર્યું. કિવુએ જાપાનીઝ 'કિ' અને ફ્રેન્ચ 'વુ'નું ફ્યુઝન કરીને એને 'કિવુ' નામ આપ્યું. જેનો અર્થ છે - 'ચેનલાઇઝિંગ યોર ઇનર એનર્જી ફોર ગ્રેટર ગુડ'.
સૌ પ્રથમ એણે નજીકના ગામની બે મહિલાઓને નોકરી આપી અને બંનેને સોલર ઑવન આપ્યું. એને કુકીઝ બનાવતા શીખવ્યું. આ સોલર ઑવનની ક્ષમતા રોજના ત્રીસ કિલો કુકીઝ બનાવવાની હોય છે. આજે તે રાજગરો, જુવાર, કોપરું, ઘઉં, ઓટ, ફ્લેક્સસીડ, સરગવો, આદુ, લીંબુની સામગ્રીમાંથી કુકીઝ બનાવે છે અને એમાં ગોળનો ઉપયોગ કરે છે. તે આ બધી સામગ્રી સીધી ખેડૂતો પાસેથી ખરીદે છે. અત્યારે તેના ચોકલેટ-કોકોનટ, ઓટ-ચોકલેટ, રાજગરા-કોકો, તજ-ઘઉં, આદુ-લીંબુ-જુવારના કુકીઝ સૌથી વધારે વેચાય છે. ડૉ. મિનલ કાબરા સ્ત્રીઓને એને ત્યાં કર્મચારી તરીકે રાખવા માગતી નથી, પરંતુ તે સ્ત્રીઓને આ જરૂરી કૌશલ શીખવીને તેઓ સ્વતંત્ર રીતે તેમનો વ્યવસાય કરે એવું ઇચ્છે છે. તેના માટે તે એને સાધનો ખરીદવામાં સહાય કરે છે અને તેમના કુકીઝ ખરીદીને બજારમાં વેચે છે. આજે કિવુ-કિંગડમ ઑફ ગુડ ફૂડના નામથી તેના કુકીઝ વેચાય છે. તે વિગન અને ગ્લુટન ફ્રી કુકીઝ પણ બનાવે છે. આજે સત્તર શહેરોમાં બોંતેર સ્ટોરમાં તો વેચાણ થાય છે જ, તે ઉપરાંત ઑનલાઇન પણ વેચાણ કરે છે.
આજે મિનલ કાબરા સાથે કામ કરતી મહિલાઓ કહે છે કે મિનલ કાબરાએ એમને ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને વ્યવસાય કરતાં શીખવ્યું. તેનાથી એમના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. આજે ઘણી મહિલાઓ રોજના આશરે ચારસો રૂપિયા કમાય છે. તેમનાં બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. આજે ડૉ. મિનલ કાબરાનો આ વ્યવસાય ૩૩ લાખની આવક ધરાવે છે, પરંતુ એને વિશેષ આનંદ તો દરેક કુકીઝ સાથે પાંચ ગ્રામ કાર્બન ઓછો થાય છે એનો છે. એના આ ઈકો-ફ્રેન્ડલી સ્ટાર્ટ-અપમાં એક જ અવરોધ છે અને તે છે ચોમાસાનો. વાદળછાયા વાતાવરણમાં કુકીઝનું ઉત્પાદન થઈ શકતું નથી, પરંતુ એ સમસ્યાનો ઉકેલ મળી જશે એવી એને આશા છે. ૩૫ વર્ષની ડૉ. મિનલ કાબરાની ઇચ્છા વધુ ને વધુ મહિલાઓ આમાં જોડાય એવી છે. ભવિષ્યમાં સમગ્ર દેશમાં આવા એક સો કલસ્ટર કામ કરતા હોય, તેવું એનું સ્વપ્ન છે.
મૈત્રી ભાવનું ઝરણું વહે !
મધર ટેરેસાએ એને બહુ પ્રેમથી કહ્યું, 'શરમાવાની કે નિરાશ થવાની જરૂર નથી. પૈસા ન હોય તો શું થઈ ગયું ? તારી મદદ કરવાની ભાવના છે, તે જ મહત્ત્વનું છે.' અને આ વાત રવિનના હૃદય પર કોતરાઈ ગઈ
અ ત્યંત ગરીબાઈ અને પારાવાર મુશ્કેલીઓ વચ્ચે ઉછરેલા રવિન અરોરા આજે અમેરિકામાં એક રેસ્ટોરન્ટ અને માર્કેટ પ્લેસના માલિક છે. ભારતના ભાગલા સમયે રવિનનો પરિવાર હિંસાના દાવાનળ વચ્ચે સહીસલામત કૉલકાતા પહોંચ્યો અને શરણાર્થી શિબિરમાં આશરો મળ્યો. આ શિબિરમાં જ રવિનનો જન્મ થયો. તે સમયે કુટુંબનું ગુજરાન ચલાવવા માટે તેના પિતા કોઈના ઘરે નોકર તરીકે કામ કરતા હતા. માતા દૂધમાં પાણી ઉમેરીને બાળકોને આપતી, જેથી બાળકોને દૂધ પીધાનો સંતોષ રહે અને પોતાના તથા પિતાના ઘસાઈ કે ફાટી ગયેલાં કપડાંમાંથી બાળકોના કપડાં સીવતી હતી. આવા કપરા સંજોગો હોવા છતાં રવિનના માતા-પિતાએ એમનાં બાળકોને અભ્યાસ માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા.
રવિન અરોરા જ્યારે આઠ-દસ વર્ષના હતા, ત્યારે એમની સ્કૂલમાં એક દિવસ મધર ટેરેસા આવ્યા હતા અને એમણે બાળકોને પૂછયું, 'તમારામાંથી કેટલાં બાળકો તમારાથી નબળાં બાળકોને મદદ કરી શકશો ?' ઘણા બાળકોએ પોતાના ખિસ્સામાં જે કંઈ હતું, તેમાંથી કંઈક આપ્યું. રવિન જાણતો હતો કે તેની પાસે કંઈ નથી, છતાં ખિસ્સામાં હાથ નાખ્યો અને શરમ તથા સંકોચ સાથે ખાલી હાથ બહાર કાઢયો. એના ચહેરા પરના ભાવો જોઈને મધર ટેરેસાએ એને બહુ પ્રેમથી કહ્યું, 'શરમાવાની કે નિરાશ થવાની જરૂર નથી. પૈસા ન હોય તો શું થઈ ગયું? તારી મદદ કરવાની ભાવના છે, તે જ મહત્ત્વનું છે.' અને આ વાત રવિનના હૃદય પર કોતરાઈ ગઈ.
સત્તર વર્ષ શરણાર્થી તરીકે જીવન જીવનાર રવિન અરોરાએ કૉલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી એમ.કોમ. કરીને ૧૯૭૧માં સી.એ.ની ડિગ્રી મેળવી. આઠ વર્ષ એમણે 'મિશનરીઝ ઑફ ચેરિટી' માટે કામ કર્યું. મધર ટેરેસા એમના મેન્ટોર બની ગયા હતા. દાર્જિલિંગની હિમાલયન માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટિટયૂટમાં પ્રથમ વાર એવરેસ્ટ સર કરનાર તેનસિંગ નોરગેને મળવાનું બન્યું, ત્યારે એણે રવિનને સમજાવ્યું, 'લક્ષ્ય ઊંચું રાખીને મહેનત કરો. જે હું કરી શક્યો તે તું પણ કરી શકે.' આવા પ્રોત્સાહન સાથે ૧૯૮૧માં તેઓ પીએચ.ડી. કરવા માટે અમેરિકા ગયા, પરંતુ ત્યાં જઈને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં વધુ ઉજ્જ્વળ ભવિષ્ય હોય, તેમ લાગ્યું. ઈ. સ. ૨૦૦૨માં પોતાની પુત્રીને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો, ત્યારે તેઓ એમના પત્ની ક્લારા સાથે ફીનિક્સ રહેવા આવ્યા. થોડા મહિનામાં જ તેમણે ત્યાંથી વીસ કિમી. દૂર ટેમ્પેમાં એક મકાન ખરીદ્યું.
આવા વિસ્તારમાં એમણે ૨૦૦૩માં 'ધાબા ઇન્ડિયા પ્લાઝા'ની શરૂઆત કરી. એરિઝોનામાં સખત ગરમી પડે છે તેથી એમણે સપ્તાહના પાંચ દિવસ બપોરથી સાંજ સુધી લોકો માટે ઠંડા પાણીની બોટલો મફતમાં આપવાની શરૂઆત કરી. તેની સાથે એવી વ્યવસ્થા કરી કે લોકો થોડો સમય આરામ કરી શકે. એક દિવસ રવિન અરોરાએ જોયું કે એક વ્યક્તિ કચરાપેટીમાંથી કશુંક લઈને ખાતો હતો. અહીં એમણે બોર્ડ લગાવ્યું, 'ઇન્ડિયા પ્લાઝામાં ગરમ ખાવાનું મળશે.' તેઓ કહે છે કે 'લોકોને દયાથી નહીં, પરંતુ માનપૂર્વક ખવડાવો.' મધર ટેરેસા સાથે કામ કરતાં અને તિબેટીયન અને બાંગ્લાદેશના શરણાર્થીઓ માટે કામ કરતા જે અનુભવ અને સંસ્કાર મળ્યા હતા, તે અહીં ઉપયોગમાં આવ્યા.
ટેમ્પેમાં ઇન્ડિયા પ્લાઝાની લોકપ્રિયતા વધતી ગઈ. એમના ધાબામાં ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી મૂળના તેમજ સ્થાનિક લોકો પણ આવવા લાગ્યા. ત્યાં એમણે ભારતીય સંસ્કૃતિને જીવંત કરી દીધી. ઇન્ડિયા પ્લાઝામાં મોટાભાગની દુકાન પ્રવાસી ભારતીયોની છે. તેમની ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. તેમના સ્ટોરમાં ભારતના મસાલા મળે છે. બ્યૂટી સલૂનમાં મહેંદી મળે છે. તાજમહેલની પ્રતિકૃતિ જેવાં ગિફ્ટ આર્ટીકલ પણ મળે છે.
રવિન અરોરા પોતાના ધાબામાં કામ કરતા વિદ્યાર્થીઓની ફી ભરવામાં મદદ કરે છે, તે દુકાનદાર પાસેથી બહુ ઓછું ભાડું લે છે. મુશ્કેલીમાં જીવતા લોકોને મદદ કરવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરે છે. અપરાધ અને ગુનાખોરી માટે જાણીતા વિસ્તારની રવિન અરોરાએ કાયાપલટ કરી. ઇન્ડિયા પ્લાઝામાં છેલ્લા અઢાર વર્ષોમાં એક પણ વખત પોલીસ આવી નથી. ટેમ્પેના આ વિસ્તારના જરૂરિયાતમંદ, બેઘર લોકોને ખબર છે કે ઇન્ડિયા પ્લાઝા એવી જગ્યા છે કે ત્યાં ખાવા-પીવા મળશે. થોડા સમય માટે રહેવા પણ મળશે. કારણ કે અહીંના લોકોમાં મૈત્રી, કરુણા અને અનુકંપાનું ઝરણું વહે છે.