Get The App

બદદિમાગ બાદશાહની બેકદર કબર : કેવો હતો ઔરંગઝેબનો અંતકાળ?

Updated: Mar 30th, 2025


Google News
Google News
બદદિમાગ બાદશાહની બેકદર કબર : કેવો હતો ઔરંગઝેબનો અંતકાળ? 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ગુજરાતમાં જન્મેલા ઔરંગઝેબની જેહાદી જેવી કટ્ટરતાએ કેવી રીતે મુઘલ સલ્તનતની ઘોર ખોદી? એની લવસ્ટોરીનો અંત અલગ હોત તો?

''અજમા-સ્ત-હમાહ ફસાદ-એ-બાકી''

આનો મતલબ ? 'મારા પછી અરાજકતા છવાઈ જશે.' કોણે કહેલું આ ફારસી વાક્ય ? ક્રૂર ધર્માંધ શાસક તરીકે અળખામણા થયેલા ઔરંગઝેબે! જે સિતમગર માટે આજે પણ ભારતની બહુમતી જનતામાં એવો રોષ છે કે જોક વહેતો થયો છે કે હવે ત્રણ સદી પહેલા મરી ગયેલો ઔરંગઝેબ તો હાથમાં આવવાનો નથી, તો એનો અસરકારક રીતે પડદા પર રોલ ભજવનાર અક્ષય ખન્નાના ઘર પર કોઈ બુલડોઝર ન ફેરવી દે ! આજકાલ તો કોર્ટથી પણ ઉપરવટ બુલડોઝર જસ્ટીસની બોલબાલા છે ને!

એની વે, આપણને આમે પ્રજા તરીકે વાર્તાઓ ગમે છે, ઇતિહાસ નહિ, અશોકે શિલાલેખ કોતરાવીને પોતાના મનમાં શું છે એ કહેવાની શરૂઆત કરી, એ પહેલા શાસકોના મનમાં શું છે એ શાસકો પોતે કહેતા જ નહિ ! અન્ય કવિઓ ચરિત્ર રચી દેતા, એ પણ આસ્થા અને અહોભાવના રંગે. એટલે આપણો ઇતિહાસબોધ પણ રંગીન હોય છે. નક્કર તથ્યો ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ હોતા નથી. પણ આપણને સત્યના ગ્રે શેડ્સ કરતા કલ્પનાનું મેઘધનુષ વધુ ગમે છે. છતાં ય મુઘલકાળમાં બાબરે પોતાની આત્મકથા 'બાબરનામા' લખી. શહેનશાહ જાતે પોતાનું બયાન કરે એવું દસ્તાવેજીકરણ થયું. એમ જ ઔરંગઝેબના પત્રો અને તે કાળમાં આવેલા પ્રવાસીઓના ગ્રંથોને એવી ઘણી સામગ્રી છે. જેનાથી મર્યા પછી પણ એનું ભૂત ધૂણે એમ સામસામી સાચીખોટી દલીલોના જંગ થયા કરે છે.

યોગાનુયોગે જેનો વિવાદ આજે પણ જિંદાને મુર્દા કરે એવો કોમવાદી રમખાણી પલીતો ચાંપી શકે છે, એ ઔરંગઝેબની કબરની મુલાકાત કરવાનો મોકો એક વરસ પહેલા મળેલો. છત્રપતિ સંભાજીનગર (હજુ ગામમાં તો ઔરંગાબાદ જ બોલાય છે, ને લખાય પણ એ એરપોર્ટ સહિત!)થી વર્ષોની તમન્ના હતી એ અજંતા ઇલોરાની ગુફાઓ જોવા જવાનું થયું. રસ્તામાં અગાઉ રૌઝા નામ હતું, પણ હવે ખુલ્દાબાદ કહેવાય છે એ ગામ આવ્યું. ત્યારે પણ રમઝાન ચાલુ હોવા છતાં જેના નામનો અર્થ સ્વર્ગીય આવાસ કહેવાય એવું એ ખુલ્દાબાદ ભેંકાર વેરાન જેવું ભાસતું હતું. એક મુઘલ બાદશાહ બાપે બનાવેલ મકબરા તાજમહાલને દુનિયાની અજાયબી ગણીને ભલભલા લોકો જોવા આવે, અને અહીં એના જ બેટાની કબર પર કાગડા પણ ઉડતા નહોતા ! એની ઇચ્છા પણ વિચિત્ર હતી ત્યાં દફન થવાની. કારણકે, આજીવન સુન્ની ઇસ્લામના ચુસ્ત પ્રવર્તક એવા એ બાદશાહે એક સૂફી ઓલિયા સૈયદ ઝૈનુદ્દીન શિરાઝીની મઝાર પાસે દફન થવાની હતી !

આ જરાક ઉંડા ઉતરવા જેવું છે. ઔરંગાબાદમાં સૌથી વધુ જોવા જેવી જગ્યા હોય તો 'બીવી કા મકબરા' તાજમહાલની નબળી નકલ જેવો લાગે. કારણ કે ૧૬૬૮માં ઔરંગઝેબની પ્રથમ બેગમ દિલરસબાનુની યાદમાં એની કૂખે જન્મેલા દીકરા આઝમ શાહે આ મકબરો બનાવ્યો, ત્યારે કંજૂસ બાપ ઔરંગઝેબે લખલૂટ ખજાનો મુઘલ સલ્તનતમાં હોવા છતાં ફક્ત સાત લાખ મંજૂર કરેલા પણ એ બનાવવાનું કામ તાજના સ્થપતિ અહમદ લાહોરીના પુત્ર અતાઉલ્લાહને સોંપેલું હતું. પણ દિલ્હી છોડયા પછી મરાઠાઓ સાથેની લડાઈ અને દખ્ખણ પર કબજાના મોહમાં ક્યારેય પરત ન ગયેલા અને ઇ.સ. ૧૭૦૭ની ૨૦મી ફેબુ્રઆરીએ અહમદનગરની છાવણીમાં ૮૯ વર્ષનું મુઘલોમાં સર્વાધિક લાંબુ આયુષ્ય ભોગવી ઇન્તકાલ પામી ગયેલા ઔરંગઝેબે પત્નીની બાજુમાં દફન થવાનું પસંદ ન કર્યું. બધી વાતે બાપ શાહજહાંથી ઉલટો ચાલ્યો હતો ને આમાં પણ એમ જ કર્યું. મોહમ્મદ તુગલક વખતે દિલ્હીથી દૌલતાબાદ જવામાં સૂફીઓ જ્યાં વસી ગયેલા એ ગામમાં આખરી બિછાનું નક્કી કર્યું.

આ તો ભારતીય પુરાતત્ત્વમાં જબરો રસ ધરાવતા બ્રિટિશ વાઇસરોય લોર્ડ કર્ઝને સફેદ સંગેમરમરનો ઓરડો ચણાવ્યો, બાકી ઔરંગઝેબને ચુસ્ત મુસ્લિમ તરીકે એની કબર કોઈ વિશેષ જગ્યા બને, એની સામે પણ નફરત હતી ને કોઈ તાબૂત કે ઉપરના સ્મારકને બદલે ખુલ્લી કબરમાં દફન કરવાનો આદેશ આપતો ગયેલો. જ્યાં આજે પણ માટીમાં છોડ ઉગેલા નજરે જોયા ! અફઘાનિસ્તાનથી તમિલનાડુ સુધી સાડા સાત લાખ કિમીનું સામ્રાજ્ય ધરાવતા આ આખરી મજબૂત મુઘલની કબરમાં કશું જ જોવાલાયક નથી ! જેમ એના જન્મસ્થાન ગુજરાતમાં દાહોદનો ગઢીનો કિલ્લો જીર્ણશીર્ણ પડયો છે એમ જ !

જા હા, ઔરંગઝેબ ટેકનિકલી ગુજરાતની પૈદાઇશ ગણાય કારણ કે એનો જન્મ દાહોદમાં થેયલો આપણા ! સારું છે, હજુ આ મામલે ધ્યાન નથી ગયું કટ્ટરવાદી કકળાટિયાઓનું, નહિ તો ગઢીના કિલ્લા બાબતે સામસામા આવી જાત અહીં નવરા બેઠા ! ઇ.સ. ૧૬૧૮માં જહાંગીર પોતાના રસાલા સાથે ગુજરાતથી માળવા જતા હતા ત્યારે એક મહિના દાહોદ રોકાયેલા, જ્યાં એના પુત્ર શાહજહાંની એની પત્ની મુમતાઝે દાહોદની દધિચી ઋષિ સાથે જોડાયેલી દૂધીમતી નદીને કાંઠે દીકરાને જન્મ આપેલો, એ મોહ-ઉદ-દ્દીન ઉર્ફે આલમગીર કહેવાયેલો ઔરંગઝેબ ! એના માનમાં શાહજહાંએ ત્યાં એક મસ્જીદ બનાવડાવેલી. ઔરંગઝેબ બાપને કેદ પકડીને લિબરલ ગણાતા ગાદીવારસ ભાઈ દારા શિકોહની કતલ કરીને તખ્તનશીન થયો, પછી એના જન્મસ્થળની સંભાળ માટે સૂબેદાર મોહમ્મદ આમીર ખાનને દાહોદ મોકલેલો. એણે સુલતાનની સ્મૃતિ તરીકે સરાઈ (ધર્મશાળા) બનાવવાની પહેલ કરેલી.

એ કિલ્લા જેવું બાંધકામ ગુજરાતીમાં ગઢ તરીકે ઓળખાતા ગઢીના કિલ્લા તરીકે જાણીતું થયું. મૂળ તો ફકીરોને રહેવાના ઓરડા હતા એમાં પણ દીવાલને મિનારાને લીધે આજે પણ દેખાવ ભવ્ય લાગે. ત્યારે ૭૬,૩૦૦ના ખર્ચે બનેલા ઔરંગઝેબના જન્મસ્થળની યાદ અપાવવા આ કિલ્લા પર મરાઠાઓએ કબજો કરી લીધેલો ! એમાં અંગ્રેજોએ કચેરી ચાલુ કરેલી. આજે બિસ્માર લાગે એ પણ ઔરંગઝેબની કદર કરવાનું મન કોઇને થાય નહિ ને બાપદાદાઓ જેવી ભવ્ય સ્થાપત્યોની એની કળાપ્રીતિ પણ નહિ !

જે સમયે એવરેજ આયુષ્ય જ પાંત્રીસેક વર્ષનું ગણાતું એમાં ઔરંગઝેબ ભારત પર રાજ કરવા બહુ લાંબુ જીવ્યો. દિલ્હીની ગાદીએ આવેલો ને પછી ભારતમાં રહી પડેલો પણ દફન કાબુલમાં થયો એ બાબર અને દિલ્હીમાં જ ભવ્ય મકબરો ધરાવતા હૂમાયું તો ૪૭-૪૮ વર્ષે જ અલ્લાહને પ્યારા થઇ ગયેલા. નાની ઉંમરે ગાદી પર આવેલા અકબર ૬૩ વર્ષ તો જહાંગીર ૫૮ વર્ષ જીવેલો. દીકરી જહાંઆરા જોડે કેદમાં સમય વીતાવતો શાહજહાં ૭૪ વર્ષ જીવ્યો. પણ ઔરંગઝેબ તો એટલું લાંબુ ખેંચી ગયો કે એના પછી સત્તા પર દાવો કરવામાં એના પ્રપૌત્રો પણ હતા ! સતત યુદ્ધની છાવણીઓમાં રઝળપાટ ને આજના જેવી કોઈ તબીબી સુવિધા કે ન્યુટ્રીશનલ ફૂડ વિના કદાચ ધાર્મિકતાના અતિરેકથી આવેલી જડબેસલાક શિસ્તને લીધે મોતને નવ દાયકા સુધી એણે શિકસ્ત આપી.

પણ એ લાંબા આયુષ્યની એક જેલ હતી અંતિમ તબક્કે એના માટે. જીવતર એક રીતે એના પર તાજ નહિ, પણ બોજ હતું. ઔરંગઝેબના બે દીકરા તો એની હયાતીમાં જ ગુજરી ગયેલા. ત્રણ જીવિત હતા, જેમાં ખુદ બાપને જ રાજ કરવાલાયક ભલીવાર દેખાતી નહોતી. વળી કરેલા કરમ તો ભૂતાવળ બનીને આસપાસ ચકરાવો લેતા હોય છે. માણસ પોતે જે પાપ કરીને આગળ આવ્યો હોય, એ જ દુષ્કૃત્ય બીજાઓ એની સાથે કરી જશે, એનો ડર એને કાયમ સતાવ્યા કરતો હોય. ઔરંગઝેબના સિંહાસન માટેના પાપ તો જાહેર હતા. એનો ઈતિહાસ દગો, સામાને ફોડવાનો, ધર્મની કટ્ટરતા અને હત્યાનો હતો. એટલે પોતે જે કર્યું એ પોતાની સાથે થશે, એની અસલામતી એના મનમાં હતી. એના વજીર અસદખાંએ એના જ નાના દીકરા કામબક્ષની ધરપકડ કરાવેલી. એ કામબક્ષ કે જેની હિન્દુ માતા ઉદયપુરી ઔરંગઝેબને અંતકાળે સૌથી વધુ 'સારી' પત્ની લાગતી હતી. સાથ નિભાવવામાં અને એનો આભાર એણે કામબક્ષને લખેલા પત્રમાં પણ વ્યક્ત કરેલો ! ઔરંગઝેબના અવસાનના મહિનાઓમાં જ ઉદયપુરીએ પણ જીવ છોડી દીધો.

છાવા ફિલ્મમાં એના દીકરા મિર્ઝા અકબરને સંભાજી સાથે સંધિ કરતા દેખાડાય છે. એ સંભાજી મહારાજના સાથને લીધે પિતાના ખૌફથી બચવા અંતે ઇરાન ભાગી ત્યાં જ ગુજરી ગયેલાં ને કામબક્ષ સંભાજી પછી છત્રપતિ થયેલા રાજારામ સાથે ગઠબંધનની કોશિશમાં હતો. જેને શિવાજી ગમી ગયેલા એવી કવિયિત્રી પુત્રી ઝેબ્બુનિસા અને પુત્રવધૂ જહાનઝેબ પણ ૧૭૦૨ અને ૧૭૦૫માં ગુજરી ગયેલા. ભાઈબહેનોમાં એની જેમ લાંબુ જીવેલ બહેન ગૌહરઆરા પણ મૃત્યુ પામેલી. પાછળથી શાહ આલમ તરીકે ઓળખાયેલા પુત્ર મુઅઝહમને ઠપકો આપતા પત્રમાં ઔરંગઝેબે ચીડાઈને લખેલું કે 'ઔલાદ તરીકે નિકમ્મા દીકરા કરતા તો એક દીકરી હોય એ સારું !' પૌત્ર બુલંદ અખ્તરે પણ અન્ય બે પૌત્રોની જેમ દાદાથી વહેલા દુનિયા છોડી દીધેલી. ૧૭૦૬માં દીકરી મહેરૂન્નિસા ને જમાઈ ઇઝીદબક્ષ પણ ગુજરી ગયેલા.

સંતાનોની દાઢી પણ ધોળી થઈ હોય એ ઉંમરે કમને વિકલ્પના અભાવે પંજાબના સૂબા એવા દીકરા શાહ આલમને ઔરંગઝેબે ઉત્તરાધિકારી જાહેર કરી  અન્ય પુત્ર-આઝમશાહને માળવાનો સૂબો નિયુક્ત કર્યો. પણ પિતાનો અંત નજીક ભાળી ગયેલા આઝમશાહે ધીમી ગતિએ કૂચ કરી ને ઔરંગઝેબે તસબી ફેરવતા દેહ છોડયાના સમાચાર મળ્યા કે તરત પાછો આવી બહેન ઝિન્નતને જોડે લઈ આગ્રા જઈને ખુદને મુઘલ સલ્તનતનો વારસદાર જાહેર કર્યો. પણ એ અગાઉ જ ભાઈ શાહ-આલમ આગરા પહોંચી ગયેલો. જ્યાં દારા ને ઔરંગઝેબ લડયા એ જ જગ્યાએ ઔરંગઝેબના બે દીકરા લડયા. શાહ આલમ જીત્યો ને આઝમશાહે ભાઈના અત્યાચારના ભયથી આપઘાત કર્યો. ઔરંગઝેબની વિદાયના પાંચ વર્ષમાં શાહ આલમ પણ ગુજરી ગયો. બાબરથી ઔરંગઝેબ સુધીની દોઢ સદીમાં પાંચ દમદાર બાદશાહો મુઘલિયા તવારીખે જોયેલા. પણ ૧૭૧૨થી ૧૭૧૯ના સાત વર્ષમાં ચાર બાદશાહ ફરી ગયા. પછી તો મરાઠાઓ ને શીખો સામે સામ્રાજ્ય સંકોચાતું ગયું. ૧૭૫૯માં જે મુઘલ બાદશાહ સિંહાસને આવ્યો એનું નામ પણ શાહ આલમ હતું ને એના માટે કહેવાતું કે 'સલ્તનતે શાહ આલમ, અઝ દિલ્લી તા પાલમ' શાહઆલમનું રાજ કેવડું ? દિલ્હીથી પાલમ જેવડું ! નાદિરશાહ જેવાઓએ લૂંટ ચલાવી અને મહેસૂલી પધ્ધતિ જેના અસરકારક મુઘલ અમલને લીધે સમૃદ્ધ રહેલા ભારતમાં અંગ્રેજો એવા આવ્યા કે બહાદુરશાહ ઝફરને તો ૧૮૫૭ પછી રંગૂનની કેદમાં મરવું પડયું ને વડવાઓની જેમ દો ગઝ જમીન પણ હિન્દુસ્તાનમાં મળી નહિ!

મૌર્ય અને ગુપ્તવંશ કરતા પણ લાંબુ શાસન કરનાર મુઘલોની ઔરંગઝેબ બાદ નોંધ લેવાતી બંધ થઈ ગઈ કારણ કે ઔરંગઝેબે દાદાના બાપ અકબરની શિખામણને અવગણી હિન્દુઓને રંજાડવાના શરૂ કર્યા. મંદિરો તોડયા. જઝિયાવેરો દાખલ કર્યો. જેમાં બિનમુસ્લિમોએ એકસ્ટ્રા ટેક્સ નાખવાનો હતો. છત્રપતિ શિવાજી જોડે ઔરંગઝેબની મનશીખદારીમાં ટોચ પર રહેલા જયસિંહે સમાધાનની કોશિશ ઔરંગઝેબ વતી કરાવી. પોતે હંફાવેલો એ શાઈસ્તાખાન જેટલી ૫૦૦૦ની મનસબદારી ઓફર થઈને વચ્ચે પડેલા જયસિંહને ૮૦૦૦ની મળતી એમાં શિવાજી વીફર્યા. ઔરંગઝેબે વાયડાઈથી દુશ્મનાવટને આમંત્રણ આપ્યું એમાં એનો બૂઢાપો વતનથી દૂર દક્ષિણમાં વીતી ગયો. બીજાપુરની આદિલશાહી અને ગોલકોંડાની કુતુબશાહી મુસ્લિમ હોવા છતાં મરાઠાઓના સહયોગમાં હોઈ  ઔરંગઝેબે એમની સામે પણ જંગ છેડયો. શિવાજીને સંભાજી ને તારાબાઈ જોડે પણ મુસ્લિમો હતા.

એટલે ઔરંગઝેબ ભલે ટોપી સીવીને કુરાનની નકલ કરીને મળેલી મામુલી રકમને જ પોતાની ગણી, ખજાનાના વિલાસથી દૂર રહીને મર્યો પણ એની કટ્ટરતાએ મુઘલ સામ્રાજ્યને અળખામણું બનાવી મરાઠાઓને એવા મજબૂત કર્યા કે જૂના કોલ ગામનું નામ અલીગઢ મરાઠા એવા સિંધિયાના સેનાપતિ નઝફઅલી ખાનના નામે અપાયું હોવાની એક દંતકથા છે ! કળા કે સ્થાપત્ય કે ઉત્સવો, ભારતીય સંસ્કૃતિ, સંગીત પ્રત્યેની એની બેરૂખીને લીધે જનતા સાથેનો કનેક્ટ જ તૂટી ગયો ઔરંગઝેબનો !

ઔરંગઝેબે જુલ્મથી સંભાળી શકે એનાથી વધુ સરહદો વિસ્તારી સામ્રાજ્યની. પણ ભરોસો કોઈના પર નહિ. એટલે એ ભોગવી ન શક્યો એ વિરાટ સામ્રાજ્યને ! ઉલટું શાસનની પક્કડ વધુ પડતા ફેલાવાને લીધે ઢીલી થઈ ગઈ, ને અંતે જે મરાઠાઓને હંફાવવા મેદાને પડેલો એમની જ ભૂમિમાં શ્વાસ છોડી દફન થયો !

૫૦ વર્ષ સુધી રાજ કરનાર ૮૯ વર્ષોના ઔરંગઝેબની સૂક્કી કાળાશ ધરાવતી ધર્મઝનૂની અને જાલિમની છાપ ધરાવતી જિંદગીમાં જુવાનીમાં એક તબક્કો  એવો આવેલો કે કદાચ એના ને ભારતના તકદીરની દિશા ફરી ગઈ હોત. શાહજાદા તરીકે દક્ષિણના સૂબાનો કારભાર સંભાળવા યુવા ઔરંગઝેબ બુરહાનપુર ગયેલો. મધ્યપ્રદેશમાં આવેલા આ નગરમાં જ મુમતાઝની કામચલાઉ દફનવિધિ થયેલી. ત્યાં ઔરંગઝેબની માસી સુહેલબાનો રહેતી. ૧૮મી સદીના શાહનવાઝ ખાન ને અબ્દુલ ખાનના પુસ્તક 'માસર-અલ-ઉમરા' - મુજબ ઝનાબાદના બગીચે આંટા મારતા યુવાન ઔરંગઝેબે માસીની એક અલ્લડ 'બોલ્ડ' કહેવાય એવી દાસીના નખરા જોયા. શાહજાદાની પરવા વિના આંબેથી કેરી તોડી ખાવા લાગી ને પેશવાજ (ચણિયો) સહેજ ઉંચો કરી નજર નાખતી ચાલી ગઈ. એનું નામ હતું હીરાબાઈ. કંઠ પણ સરસ હતો. ઔરંગઝેબ દિલથી ઘાયલ થઈ મૂર્છિત થઈ, બીમાર રહેવા લાગ્યો. માસીએ કારણ પૂછતાં હકીકત કહી તો માસીએ કહ્યું કે, 'એ દાસી પર તો તારા માસા યાને મારા પતિની નજર છે. ખબર પડી તો એ મને ને એને મરાવી નાખશે !'

છતાં વગ વાપરી પોતાના મહેલમાંથી એક ચિત્રાબાઈને સાટામાં મોકલી હીરાબાઈને ઝૈનાબાદીમહલ નામ આપી ઔરંગઝેબે હરમમાં રાખી. એટલો ઇશ્ક ચડી ગયો માથા પર કે એના હાથે ઇસ્લામની પાબંદી પડતી મૂકી શરાબનો જામ હોંઠે અડાડવા તૈયાર થયેલો ને એ સાંભળી દારાએ ઔરંગઝેબની ફકીરીને પાખંડ કહેલું. ઇટાલીયન પ્રવાસી નિકોલાઓ મનુચીએ એ સમયના વર્ણનમાં લખેલું કે ઔરંગઝેબ નમાઝ ભૂલીને હીરાબાઈનું નૃત્ય જોવા બેસી જતો. પણ ટૂંક સમયમાં બુરહાનપુર ગયેલા હીરાબાઈનું મૃત્યુ થયું. ઔરંગઝેબે સુરક્ષા અધિકારી આકિબ ખાનને એવું કહ્યું હોવાનું નોંધાય છે કે 'જંગલમાં શિકાર કરવા જઈએ કારણ કે ત્યાં એકલા રોઈ શકાય છે !'

હીરાબાઈના મોત પછી વળી મઝહબપરસ્ત બનેલ ઔરંગઝેબ એવું પણ કહેતો કે ખુદાએ ઉપકાર કર્યો કે બૂરાઈમાં ફસાવાનું અટકાવી દીધું. પણ એ ભૂલી ગયો કે એના વડવાઓના ચર્ચા મહોબ્બતને લીધે હતા, યુદ્ધો લોકો ભૂલી જાય છે. પ્રેમ યાદગાર બનાવી દે છે જીવનકહાનીને !

ખેર, ઔરંગઝેબને અંતકાળે કદાચ વાસ્તવનું ભાન થયું હશે એટલે લેખની શરૂઆતમાં છે એ ચેતવણી વારસદારોને લખી. એમ તો અંતકાળે એવું પણ લખ્યું કે, 'હું મને જ અજનબી લાગુ છું. ખબર નથી હું કોણ છું ? મારું મોત બાદ શું થશે એ જાણતો નથી ? મારા કર્મોની મને સજા મળશે જો જન્ત નહિ મળે. હું કઈ ખાસ આપી શક્યો નહિ જીવનમાં. આજાર (ઘરડી) અવસ્થાએ એવું લાગે છે કે મૂલ્યવાન જીવન નાહક જ વેડફાઈ ગયું !' (જદુનાથ સરકારના પુસ્તકમાં પુત્ર આઝમને પત્રમાંથી)

પણ સુનિતા વિલિયમ્સનેે લાવવા ઈલોન મસ્ક સ્પેસશટલ ઉડાડે ત્યારે હજુ આપણે ત્યાં જનમાનસ હિન્દુ-મુસ્લિમ  રમતું પોલિટિકલી ૩૦૦ વર્ષ જૂની કબર પર અટકેલું છે. કોઈ લુચ્ચાઈથી સળી કરે ને કોઈ બેવકૂફની જેમ એનો હિંસક જવાબ આપે ને વગર યુધ્ધે ભારતમાં સરહદો પડી જાય ને લોહી રેડાવા લાગે. ઔરંગઝેબની કબર નજર સામે જોતા એ જ વિચાર આવેલો કે શાસનમાં હદબહાર ધર્મ ઘૂસાડી દીધા પછી કબરની પણ કદર ન થાય એવા અંજામ આવે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્તમ બુદ્ધિમંત વિચારક રામ માધવે આ વિવાદ પર લખતા માર્મિક સમાપન આપ્યું છે : 'સૂન ઝૂનાં શાણી શિખામણ મુજબ બધી લડાઈઓ લડવા જેવી નથી હોતી. લડવાનું ઔરંગઝેબની કબર સામે નથી (ભલ ે ધૂળ ખાતી ખૂણામાં) પણ એની ઉદ્દામ અસહિષ્ણુ વિચારધારાના વારસા સામે છે. એ તદ્દન બિનપ્રભાવી કબરના કોઈ ચાહકો પણ નથી અત્યાર સુધી તો. ઇતિહાસ થોડાક પ્રતીકો આમતેમ કરવાથી બદલાતો નથી. ગાંધીજીના શબ્દોમાં જુલ્મગાર ખૂની તાનાશાહો અમુક સમય માટે અપરાજેય લાગે, પણ અંતે તો કાયમ હારી જતા હોય છે. (લોકહૃદયમાં સ્થાન મેળવવામાં).''

આમીન. પરફેક્ટલી સેઈડ. સત્યવચન !

ફાસ્ટ ફોરવર્ડ 

''આપણે એક એવા સમયમાં જીવીએ છીએ કે લોકો એ બાબતે પણ ગર્વ કરવા લાગ્યા છે, જેના માટે શરમ અનુભવવી જોઈએ !'' (સાલિમ ઝફર)

Tags :