Get The App

લંકાનું સોનું, હાથમાં આવે ત્‍યારે ખરું! .

Updated: Mar 30th, 2025


Google News
Google News
લંકાનું સોનું, હાથમાં આવે ત્‍યારે ખરું!                                      . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- 27 અબજ અબજ ડોલર... આ છે ફક્ત એક લઘુગ્રહની ખ‌નિજોનું મૂલ્‍ય! અવકાશમાં આવા તો અગ‌ણિત લઘુગ્રહો છે, જેમની ખ‌નિજો મેળવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શો છે?

- ધરતી પર ‌વિ‌વિધ ખ‌નિજોના ભંડારો ‌મિ‌નિમમ પાંચથી મહત્તમ પાંત્રીસ વર્ષ સુધી જ ચાલે તેમ છે. આ સંજોગોમાં ‌વિજ્ઞાનીઓની નજર અવકાશી લઘુગ્રહો પર મંડાય તે સ્‍વાભા‌વિક છે. કારણ કે, તેમના પણ બંધારણનો ‘કાચો માલ’ પૃથ્‍વી જેવો જ છે.

‌‌વિજ્ઞાનની કલમને લોજિકની શાહીમાં ઝબોળીને જ્યારે ભ‌વિષ્‍યના જગતની સાયન્‍સ ‌ફિક્શન જેવી કલ્‍પના કરવામાં આવે ત્‍યારે ‌ફિક્શન અને ફેક્ટ વચ્‍ચે અમુક દસકાઓ ‌સિવાય બીજો કોઈ ફાસલો હોતો નથી. ગઈ કાલનું સાયન્‍સ ‌ફિક્શન વખત જતાં સાયન્‍સ ફેક્ટમાં તબદીલ થયું હોય તેવાં ઉદાહરણોનો (જેમ કે, લેસર ‌કિરણો, સબમરીન, રોબોટ, સ્‍વયંચા‌લિત કાર, ડ્રોન્‍સ વગેરેનો) ‌‌વિજ્ઞાનજગતમાં તોટો નથી. આ સંદર્ભે તાજા કલમ તરીકે નોંધવાલાયક એક બનાવ થોડીક પૂર્વભૂ‌મિકા બાંધ્‍યા પછી અહીં તાજો કરીએ—

આજથી ૬૦ વર્ષ પહેલાં ‌બ્રિ‌ટિશ બ્રોડકા‌સ્‍ટિંગ કોર્પોરેશન/ BBCના કેટલાક ‌વિજ્ઞાન તજ‍્જ્ઞોએ Tomorrow's World નામનો ટી.વી. પ્રોગ્રામ બનાવ્યો હતો. આવતી કાલનું (ચોક્કસ વર્ષ સાથે કહો તો વર્ષ ૨૦૨પનું) જગત ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિની કઈ નવતર શોધ પામશે તેની એ પ્રોગ્રામમાં કલ્‍પના કરવામાં આવી હતી. કાર્યક્રમની સ્ક્રિપ્ટ કોઈ વાર્તાકારે લખી નહોતી. બલકે, ‌નિવડેલા તજ‍્જ્ઞોની ‌વૈજ્ઞા‌નિક કલમ લો‌જિકની શાહીમાં ડુબાડીને પટકથા લખાઈ હતી.

Tomorrow's World માં કરાયેલી વૈજ્ઞા‌નિક કલ્‍પનાઓમાં એક અત્‍યંત ‌દિલચસ્‍પ હતી. બી.બી.સી.ના તજ‍્જ્ઞોએ ભાખેલું કે, ભ‌વિષ્‍યમાં ધરતી પર પ્‍લે‌ટિનમ, ચાંદી, સોનું, ટીન, જસત વગેરે ખ‌નિજોનો નૈસ‌ર્ગિક ભંડાર ખૂટવા લાગશે. આથી શક્ય છે કે ૨૦૨પમાં આપણે અવકાશી લઘુગ્રહો પર ખ‌નિજોનું ખાણકામ શરૂ કરાવવાનું થાય. આ માટે અવકાશ યાનોને પૃથ્‍વીના ‌નિકટમ અવકાશી લઘુગ્રહોના પ્રવાસે મોકલવામાં આવશે.

પચાસ-સાઠ વર્ષ પહેલાં જરા અ‌તિશયો‌ક્તિભરી જણાતી ઉપરોક્ત કલ્‍પના આજે સાચી પડવા જઈ રહી છે. ગઈ કાલના સાયન્‍સ ‌ફિક્શનનું સાયન્‍સ ફેક્ટમાં સ્‍વરૂપાંતર થયાના આરંભનું વર્ષ પાછું યોગાનુયોગે ૨૦૨પનું છે કે જેને અનુલક્ષીને ‌ Tomorrow's World કાર્યક્રમમાં માનવજાતનું ભ‌વિષ્‍ય ભાખવામાં આવ્‍યું હતું.

પ્રસંગ હજી ગયા મ‌હિનાનો જ છે. ફેબ્રુઆરી ૨૭, ૨૦૨પના રોજ ફ્લો‌રિડાના કેપ કેનેડી સ્‍પેસ સેન્‍ટરથી ‘ફાલ્‍કન-9’ રોકેટ કેસરી-પીળી અગ્નિશિખા તથા ધુમાડાના સફેદ ગોટા કાઢતું આકાશમાં ઊંચે ચડ્યું. રોકેટના ઉપલા માળે અમે‌રિકન કંપની એસ્‍ટ્રોફોર્જનું ‘ઓ‌ડિન’ નામનું અવકાશયાન ‌બિરાજ્યું હતું. પૃથ્‍વીનું આકાશ વટાવીને અવકાશમાં પહોંચ્‍યા પછી ‘ઓ‌ડિને’ લગભગ ૮૦ લાખ ‌કિલોમીટરનો પ્રવાસ ખેડવાનો હતો. નવ મ‌હિના લાંબી સફરના અંતે તેનો ભેટો 2022-OB5 એવું લેબ‌લિયું નામ ધરાવતા ચાલીસેક ‌કિલોમીટર વ્‍યાસના લઘુગ્રહ જોડે થાય, એટલે તે લઘુગ્રહના ભૂસ્‍તર માંહ્યલી ખ‌નિજોનો તાગ ‘ઓ‌ડિન’ના સૂક્ષ્‍મગ્રાહી સેન્‍સર યંત્રોએ મેળવવાનો હતો. આ ડેટા ત્‍યાર બાદ એસ્‍ટ્રોફોર્જ કંપનીના ભૂ‌મિ મથકને મોકલી દેવાનો હતો.

પરંતુ દુર્ભાગ્‍યે એસ્‍ટ્રોફોર્જ કંપની માટે દશેરાનું ઘોડું દોડ્યું જ ન‌હિ. ‘ઓ‌ડિન’ને લોન્‍ચ કરાયાના થોડા ‌દિવસમાં જ તેની જોડે ભૂ‌મિ મથકનો રેડિયો સંપર્ક તૂટી ગયો. આ લખાય છે ત્‍યારે (અને આ વાંચી રહ્યા છો ત્‍યારે પણ) ‘ઓ‌ડિન’ અફાટ અંત‌રિક્ષમાં 2022-OD5 લઘુગ્રહ તરફ સફર કરી રહ્યું છે. નવેક મ‌હિનામાં તે લઘુગ્રહ જોડે તેનો ‌મિલાપ થશે ખરો, પણ રેડિયો સંપર્ક તૂટી જવાને કારણે એસ્‍ટ્રોફોર્જને ‌મિલાપનો ‌રિપોર્ટ મળશે ન‌હિ.

■■■

ખેર, જે થયું તે થયું. એસ્‍ટ્રોફોર્જના મહત્ત્વાકાંક્ષી  ‌મિશન ‘ઓ‌ડિન’નો અકાળે અંત ભલે આવ્યો, પણ ખરું પૂછો તો અંતના પગલે એક નવા યુગનો આરંભ થતો દેખાય છે. એવો યુગ કે જેમાં અત્‍યાધુ‌નિક અવકાશયાનો ખા‌ણિયા શ્ર‌મિકોના રોલમાં આવી અવકાશી લઘુગ્રહો પર મૂલ્‍યવાન ખ‌નિજોનું ઉત્‍ખનન કરશે છે. અમે‌રિકાની એસ્‍ટ્રોફોર્જ કંપની એ હેતુસર સ્‍થાપવામાં આવી છે. બલકે, તેના નામ એસ્‍ટ્રોફોર્જમાં જ તેના કામની અ‌ભિવ્‍ય‌ક્તિ થાય છે. અંગ્રેજી શબ્‍દ એસ્‍ટ્રોફોર્જનો બેઠો તરજુમો તો ન‌હિ, પણ ભાવાર્થ અવકાશી ધાતુની ભઠ્ઠી એવો કરી શકાય. 

આજે એસ્‍ટ્રોફોર્જ અને તેના જેવી કેટલીક ખાનગી કંપનીઓ અવકાશી લઘુગ્રહના ખાણકામ ‌બિઝનેસમાં ઝંપલાવી ચૂકી છે. પૃથ્‍વી પર જે ખ‌નિજો દુષ્‍પ્રાપ્‍ય અને દુર્લભ બનતા જાય છે તેમને અવકાશમાંથી મેળવી લેવા એ તેમનું ‌બિઝનેસ મોડલ છે. કામ લંકાનું સોનું લઈ આવવા જેવું અઘરું છે, પણ અસંભવ નથી. આજે સાયન્‍સ ‌ફિક્શન જણાતો પ્રોજેક્ટ નજીકના ભ‌વિષ્‍યમાં સાયન્‍સ ફેક્ટ બને પણ ખરો.

■■■

‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિના ક્ષેત્ર અવનવી ચીજવસ્‍તુઓના ઉત્‍પાદનમાં અમુક ખ‌નિજોનો પેસારો એટલો ઊંડે સુધી થઈ ચૂક્યો છે કે હવે તેમના ‌વિના જગતનાં ઔદ્યો‌ગિક ચક્રો ચાલી શકે ન‌હિ. લોખંડ, તાંબું, ‌જસત, એલ્‍યુ‌મિ‌નિયમ વગેરે જેવી સામાન્‍ય ખ‌નિજો વડે જગતનું કામ-કાજ વર્ષો સુધી ચાલ્યું. હજી પણ ચાલે છે. પરંતુ ‌પાછલાં કેટલાંક વર્ષમાં ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિને આધુ‌નિકતાની પાંખો ફૂટ્યા બાદ કેટલીક દુર્લભ (માટે મોંઘીદાટ) ખ‌નિજો ધરતીના પેટાળમાંથી ઔદ્યો‌ગિક એકમો સુધી પહોંચી છે. ઉદાહરણ તરીકે,

■ ટેન્‍ટેલમ નામના ખ‌નિજ ‌વિના મોબાઇલ ફોનનું તેમજ ‌ડિ‌જિટલ કેમેરાના લેન્‍સનું ઉત્‍પાદન આજના જમાનામાં કલ્‍પી શકાતું નથી. ખનીજ ‌નિષ્‍ણાતોના અનુમાન મુજબ પૃથ્‍વી પર હવે આગામી પંદરેક વર્ષ ચાલે એટલું જ ટેન્‍ટેલમ શેષ બચ્‍યું છે.

■ સૌર‌કિરણોનું વીજળીમાં રૂપાંતર કરી આપતા સોલર સેલને કાર્યદક્ષ બનાવવા માટે ઇ‌ન્‍ડિયમ તથા ટે‌લુ‌રિયમ ‌વિના ન ચાલે. ‌નિષ્‍ણાતોના મતે ઇ‌ન્‍ડિયમનો કુદરતી ભંડાર ખૂટવા આવ્યો છે. ધરતીમાં ઇ‌ન્‍ડિયમના નવા ભંડારો મળે તો વાત જુદી. અન્‍યથા નજીકના ભ‌વિષ્‍યમાં જ ઇ‌ન્‍ડિયમ આઉટ ઓફ સ્‍ટોક બની જશે.

■ વર્ષો પહેલાં ‌લિ‌થિઅમની ખપત મર્યા‌દિત હતી. પરંતુ મોબાઇલ ફોન જેવાં વીજાણુ ઉપકરણોનો તથા ઇલે‌ક્ટ્રિક વાહનોનો યુગ આવતાં ‌લિ‌થિઅમની માગમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. બીજી તરફ, ધરતી પર ‌લિ‌થિઅમનો પુરવઠો માગને પહોંચી વળે તેટલો નથી.

■ પ‌રિવહનના ક્ષેત્રે ક્રાં‌તિ સર્જવા માટે જેનું આગમન ટૂંક સમયમાં થવાનું છે તે હાઇડ્રોજન પાવર્ડ વાહનોનું હૃદય ફ્યૂલ સેલ છે—અને તે હૃદયનું ‌નિર્માણ પ્‍લે‌ટિનમ ‌વિના સંભવ નથી. ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રો‌નિક્સ, તબીબી, ‌વિમાનના જેટ એ‌ન્‍જિન, પેટ્રો‌લિયમનું ‌રિફાઇ‌નિંગ વગેરે જેવાં સેંકડો ક્ષેત્રમાં પ્‍લે‌ટિનમ અ‌નિવાર્ય ખ‌નિજ છે. બીજી તરફ, પ્‍લે‌ટિનમનો નૈસ‌ર્ગિક જથ્‍થો મર્યા‌દિત હોવાથી તે મોંઘું છે. (આંતરરાષ્‍ટ્રીય બજારમાં ૧ ‌કિલોગ્રામ પ્‍લે‌ટિનમનો વર્તમાન ભાવ ૩૧,૦૦૦ ડોલર યાને ૨૬,પ૨,૦૦૦ રૂ‌પિયા જેટલો છે.) પૃથ્‍વી પર ધૂળ-માટીના દર ૧૦,૦૦,૦૦૦ ભાગે ૧.પ ભાગ પ્‍લે‌ટિનમ છે. પરંતુ તેને હસ્‍તગત કરવાનું કામ કાંકરામાંથી ઘઉં વીણવા જેવું કૂથ્‍થું હોવા ઉપરાંત અત્‍યંત ખર્ચાળ છે.

ઇન શોર્ટ, ધરતી પર ‌વિ‌વિધ ખ‌નિજોના ભંડારો ‌મિ‌નિમમ પાંચથી મહત્તમ પાંત્રીસ વર્ષ સુધી જ ચાલે તેમ છે. આ સંજોગોમાં ‌વિજ્ઞાનીઓની નજર અવકાશી લઘુગ્રહો પર મંડાય તે સ્‍વાભા‌વિક છે. કારણ કે, તેમના પણ બંધારણમાં વપરાયેલો ‘કાચો માલ’ પૃથ્‍વી જેવો જ છે. મતલબ કે, અત્‍યંત દૂરના ભૂતકાળમાં પૃથ્‍વીનું સર્જન જે પ્રકારના ખ‌નિજયુક્ત ખડકો તેમજ ઢેફા વડે થયું હતું તેવા જ રો-મટીરિયલ વડે લઘુગ્રહો પણ બન્‍યા હતા. બંધારણમાં ઓગણીસ-વીસનો તફાવત હોઈ શકે, પણ મૂળ વાત એ કે અંત‌રિક્ષમાં આવારા ભટકતો લઘુગ્રહરૂ‌પી ‌પિંડ ‌વિ‌વિધ ખ‌નિજોના ખજાના સમો છે.

આ ખજાનાના અસંખ્‍ય ‘દાગીના’ રાતા ગ્રહ મંગળ અને ગેસ જાયન્‍ટ ગુરુ વચ્‍ચે ભમી રહ્યા છે. અંગ્રેજીમાં એસ્‍ટેરોઇડ બેલ્‍ટ અને ગુજરાતીમાં લઘુગ્રહના પટ્ટા તરીકે ઓળખાતા એ ક્ષેત્રમાં નાના-મોટા અબજો ‌પિંડ ઘૂમી રહ્યા છે. વીસ કે તેથી વધુ ‌કિલોમીટરનો વ્‍યાસ ધરાવતા ‌પિંડની સંખ્‍યા ૧,૦૦,૦૦૦ જેટલી છે, જ્યારે બે ‌કિલોમીટર કરતાં ઓછો વ્‍યાસ જેમનો હોય તેવા ‌ચિલ્‍લર પાર્ટી લઘુગ્રહો તો ૧ અબજ છે.

બીજું, સૂર્યની પ્રદ‌ક્ષિણા કરતા હોય તેવા રખડુ લઘુગ્રહોની પણ અંત‌રિક્ષમાં ખોટ નથી. ખગોળ‌વિદ્દો એવા લઘુગ્રહોને Near Earth Object/ NEO તરીકે ઓળખે છે. સૂર્યની મુલાકાતે તેઓ આવે ત્‍યારે ઘણી વાર પૃથ્‍વી નજીકથી પસાર થઈ જાય છે. એકાદ યાન જો ત્‍યારે તેમની તરફ મોકલ્યું હોય તો લઘુગ્રહની સપાટી પર ઉતરાણ કરી યાં‌ત્રિક શારડી વડે ખ‌નિજોનું ખાણકામ શક્ય બની શકે તેમ છે.

■■■

અહીં સુધીનું વર્ણન સમજીને વાંચ્યું હોય તો ‌જિજ્ઞાસુ મનમાં બે સવાલ પેદા થવા જોઈએ: (૧) અવકાશમાં ભટકતા કયા લઘુગ્રહની ધરતીમાં કઈ ખ‌નિજો છે તે અહીં પૃથ્‍વી પર બેઠા શી રીતે જાણી શકાય? (૨) લઘુગ્રહ નામની લંકાનું ખ‌નિજરૂપી સોનું પૃથ્‍વી પર લાવવું શી રીતે?

બેઉ પ્રશ્નોના જવાબો વારાફરતી તપાસીએ.

(૧) લઘુગ્રહ જેવા અવકાશી ‌પિંડનું બંધારણ જાણવા માટે સંશોધકો ટે‌લિસ્‍કો‌પિક સ્‍પેક્ટ્રોસ્‍કોપી પદ્ધ‌તિ અપનાવે છે. સૂર્યનાં ‌જે કિરણો લઘુગ્રહની સપાટીને ટકરાયા પછી પરાવ‌ર્તિત થાય તેને પૃથ્‍વી પરનું ટે‌લિસ્‍કોપ ઝીલે છે. સ્‍પેક્ટ્રોમીટર નામના સાધન વડે પરાવ‌ર્તિત પ્રકાશની તરંગલંબાઈનું પૃથક્કરણ કરવામાં આવે, એટલે લઘુગ્રહની ધરતીમાં રહેલા ખ‌નિજ તત્ત્વની જાણકારી મળે છે. જેમ કે, સ્‍પેક્ટ્રોમીટર પર પીળા રંગની તરંગલંબાઈના ‌કિરણો સૂચવતો પ૮૯ નેનોમીટરનો આંકડો લઘુગ્રહ પર સો‌ડિયમની હાજરી દર્શાવે છે. આંકડો જો ૪૮૬.૧ નેનોમીટર હોય, તો સમજવું કે લઘુગ્રહ પર હાઇડ્રોજન છે. આ રીતે ‌નિકલ, લોખંડ, પ્‍લે‌ટિનમ વગેરે જેવા ખ‌નિજોનો તાગ ટે‌લિસ્‍કો‌પિક સ્‍પેક્ટ્રોસ્‍કોપી વડે મેળવી શકાય છે.

આ પદ્ધ‌તિ વડે સંશોધકોએ કેટલાક લઘુગ્રહોનું તેમાં રહેલી ખ‌નિજોના આધારે મૂલ્‍ય આંક્યું છે. દાખલા તરીકે, મંગળ અને ગુરુ વચ્‍ચેના પટ્ટામાં ઘૂમતા અઢીસો ‌કિલોમીટર વ્‍યાસના લઘુગ્રહ ‘ડે‌વિડા’નું વર્તમાન બજાર મૂલ્‍ય ૨૭ અબજ અબજ ડોલર જેટલું છે. ‌‘ડિઅ‌ટિમા’ નામના બીજા લઘુગ્રહનું મૂલ્‍ય તેમાં રહેલી ‌નિકલ તથા પ્‍લે‌ટિનમ જેવી ખ‌નિજોને કારણે ૮ અબજ અબજ ડોલર નીકળે છે. ‘સાઇકી’ નામનો સવા બસ્‍સો ‌કિલોમીટર વ્‍યાસનો ત્રીજો લઘુગ્રહ તેના ‌કિંમતી ખનીજોને કારણે ૧૦ અબજ અબજ ડોલર કરતાં ઓછા મૂલ્‍યનો નથી.

આવા તો અગ‌ણિત લઘુગ્રહો આપણી ઇર્દ‌ગિર્દ છે, જેમને કોઈક રીતે હસ્‍તગત કરી શકાય તો ખ‌નિજોનો જેકપોટ મળ્યો સમજો.

અલબત્ત, યક્ષપ્રશ્ન જેવો સવાલ એ કે હસ્‍તગત કરવાની કોઈક રીત એટલે આખરે કઈ રીત? આ રહ્યો જવાબ, જે આજે કદાચ તરંગી લાગે. પરંતુ નજીકના ભ‌વિષ્‍યમાં આવું જ કંઈક બનવાનું છે એટલું નક્કી માનજો.

(૨) સંશોધકોએ ઘડી કાઢેલી રૂપરેખા મુજબ પહેલું કામ તો જાણે ખ‌નિજ સમૃદ્ધ અવકાશી લઘુગ્રહને ‌‘ગિરફ્તાર’ કરવાનું છે. આ માટે ખાસ બનાવટના અવકાશયાન લઘુગ્રહની નજીક પહોંચી લાંબા યાં‌ત્રિક હાથ વડે લઘુગ્રહ પર મજબૂત પકડ જમાવી દે છે. ‘ગિરફ્તારી’ થયા પછી અવકાશયાન થ્રસ્‍ટર કહેવાતાં પ્ર‌તિરોકેટો દાગી લઘુગ્રહને ‌નિયત સરનામે દોરી જાય છે. સરનામું છે ચંદ્ર કે જેના પર શ્ર‌મિકો માટે વસાહતી કોલોની તેમજ ખ‌નિજોના સમૃ‌દ્ધિકરણ માટેનાં કારખાનાં સ્‍થાપ્‍યાં છે. અહીં ‌નિકલ, પ્‍લે‌ટિનમ, તાંબુ, જસત, ચાંદી વગેરે ખ‌નિજો હસ્‍તગત થાય, એટલે તેમને ખાસ બનાવટનાં યાનો વડે ધરતી સુધી પહોંચતા કરી દેવાની ટેક્નોલો‌જિ તો અત્‍યારે જ હાથવગી છે.

લઘુગ્રહની ખ‌નિજો મેળવવાનો બીજો ‌વિકલ્‍પ પણ છે, જે મુજબ આખેઆખા લઘુગ્રહને ચંદ્ર સુધી ખેંચી જવાનો થતો નથી. બલકે, લઘુગ્રહની ભૂ‌મિ પર ઉતરાણ કરતા યાન પાસે મેટલ પ્રોસે‌સિંગનું કામ લેવાનું થાય છે. ખડકોને ભાંગવા, રાસાય‌ણિક પ્ર‌ક્રિયા વડે તેમાંથી ખ‌નિજો તારવવા અને છેવટે તે મહામૂલું સંપેતરું યાન મારફત પૃથ્‍વીના સરનામે મોકલી દેવું એ તે યોજનાનો હાર્દ છે. આ પદ્ધ‌તિ અત્‍યંત સંકીર્ણ અને ખર્ચાળ છે. પરંતુ તેની સામે મળવાપાત્ર ખ‌નિજોનું મૂલ્‍ય તો અનેકગણું ઊંચું હોય છે. 

અંતમાં ફરી યાદ અપાવવાનું કે, લો‌જિક પર આધા‌રિત આજનું સાયન્‍સ ‌ફિક્શન આવતી કાલે ફેક્ટ બન્‍યા ‌વિના રહેતું નથી. સવાલ માત્ર સમયનો હોય છે. ખ‌નિજો માટે લઘુગ્રહોનું ખેડાણ કરવાનો પ્રોજેક્ટ અત્‍યારે જે ઝડપે ચાલી રહ્યો છે તે જોતાં સમયનો ગેપ જલદી સંકોચાવાનો છે.■

Tags :