દુનિયાના માથે નવી ચિંતા: ફસલોનું વૈવિધ્ય જોખમમાં
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- વસતિ ઓછી હતી ત્યારે ફસલોમાં અપાર વિવિધતા હતી, વસતિ વધતી ગઈ એમ આશ્વર્યજનક રીતે ફસલોનુંં વૈવિધ્ય ઘટી ગયું. અત્યારે માત્ર નવ પ્રકારના પાકનો દબદબો છે...
૧૯ મી સદી બરાબર મધ્યાહને હતી ત્યારે ૧૮૫૦ આસપાસ દુનિયાની વસતિ હતી ૧૨૦ કરોડ. આજથી ૧૭૫ વર્ષ પહેલાં જગતની વસતિ ભારતની અત્યારની વસતિથી લગભગ ૨૦-૨૫ કરોડ ઓછી હતી. અખંડ ભારતની વસતિ ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી લગભગ ૨૫થી ૩૦ કરોડ હતી. અત્યારે દુનિયાની વસતિ ૮૦૦ કરોડને પાર પહોંચી ગઈ છે અને એમાં ભારતીય નાગરિકો ૧૪૦ કરોડથી વધુ છે.
આજે દુનિયાને જે જરૂરિયાત છે એનાથી અનેક ગણી ઓછી જરૂરિયાત ૧૭૫ વર્ષ પહેલાં હતી. તે છતાં ફસલોના વૈવિધ્યમાં આપણાં પૂર્વજો આપણી જનરેશન કરતાં વધારે 'નસીબદાર' હતા. તે સમયે ૯ હજાર એગ્રીકલ્ચર પ્લાન્ટનું અસ્તિત્વ હતું અને એમાંથી ત્યારના માનવીઓ ૨૦૦ જાતની ફસલોનું ઉત્પાદન કરતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ૧૨૦ કરોડ લોકો પાસે ખાવા માટે ૨૦૦ જાતની ફસલો હતી.
આજે? ૮૦૦ કરોડની વસતિ માત્ર નવ જાતની ફસલોથી ખુશ છે. તેમને વધારે વિવિધતાની જરૂરિયાત જણાતી નથી એટલે ધીમે ધીમે ફસલોનું વૈવિધ્ય ખતમ થઈ રહ્યું છે. કેટલાય પાકો છેલ્લાં દશકાઓમાં લેવાતા જ બંધ થઈ ગયા છે અને આ ટ્રેન્ડ આગળ ચાલ્યો તો અત્યારે જેટલી જાતના એગ્રીકલ્ચર પ્લાન્ટ્સ છે એમાંથી અડધો અડધ નાબુદ થઈ જશે.
***
૧૨ હજાર વર્ષ પહેલાં માણસ ખેતી કરતો થયો. એ પહેલાં શિકાર કરીને પેટ ભરતો હતો. પૃથ્વી પર તે સમયે ૧૦થી ૧૧ લાખ પ્રકારનાં વૃક્ષો-વનસ્પતિઓ હતી. ત્રણેક લાખ ઝેરી કે અખાદ્ય વનસ્પતિને બાદ કરીએ તો આઠેક લાખ વનસ્પતિને ખાઈ શકાતી હતી. એમાંથી આદિમાનવોએ જરૂરિયાત મુજબ, જે તે સ્થળને અનુરૂપ વાતાવરણના આધારે પાંચ-સાત હજાર પ્રકારની વનસ્પતિની ખેતી શરૂ કરી.
માણસની ખેતીની સમજ વિકસતી ગઈ એમ ખેતીની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું. અમુક છોડમાં ચોક્કસ જાળવણી કરવાથી સારું ઉત્પાદન આવે છે, અમુક વનસ્પતિમાં ખાસ પ્રકારની ભૂલ થાય તો ઉત્પાદન આવતું નથી - એવી ખબર પડવા માંડી એટલે કૃષિનું ઉત્પાદન વધ્યું. નવી વનસ્પતિઓ પર પ્રયોગો પણ થવા માંડયા. ખેતીલાયક ખાદ્ય વનસ્પતિની સંખ્યા પણ વધીને ૧૦-૧૨ હજારે પહોંચી ગઈ. ભલે, એમાંથી બધા જ પ્રકારના એગ્રીકલ્ચર પ્લાન્ટ્સનું મોટાપાયે ઉત્પાદન થતું ન હતું, પરંતુ એ જાતોની જાળવણી પેઢી દર પેઢી થતી આવતી હતી.
છેક ૧૯મી સદી સુધી ૯ હજાર એગ્રીકલ્ચર પ્લાન્ટ્સને બચાવી શકાયા. એ વખતે ૨૦૦ પ્રકારની ફસલોનું નિયમિત ઉત્પાદન થતું હતું. ૧૯મી સદી પછી પરિવર્તનનો પવન ફૂંકાયો. ટેકનોલોજીનો વિકાસ થવા માંડયો. ઔદ્યોગિક ક્રાંતિ પછીનું જગત ઝડપભેર બદલાયું તેની સીધી અસર કૃષિ પર પડી. શહેરીકરણ વધ્યું. માણસનું કૃષિ પરથી ધ્યાન ફંટાયું ને નવા ઉદ્યોગો તરફ નજર ખોડાઈ. પરિણામે ૨૦મી સદી કૃષિ માટે એટલી ભારે રહી કે નિયમિત જે ફસલોનું ઉત્પાદન થતું આવ્યું હતું એમાંથી ૭૦ ટકાની અસલ જાતો નષ્ટ થઈ ગઈ.
બીજી તરફ વસતિ વધારાએ હાહાકાર મચાવ્યો હતો એટલે પરંપરાગત રીતે થતી ખેતીથી બધા માનવીઓના પેટ ભરવાનું અશક્ય બન્યું. કુદરતી પ્રક્રિયાથી થતું ખેત-ઉત્પાદન અપૂરતું હતું. તેના કારણે સાયન્ટિફિક પ્રક્રિયાથી એગ્રીકલ્ચર પ્લાન્ટની હાઈબ્રિડ જાતો બનાવવામાં આવી ને ઉત્પાદન વધારી શકાયું. પરંતુ દરેક બાબતની સાઈડ ઈફેક્ટ હોય એમ હાઈબ્રિડની લાંબાંગાળે સાઈડઈફેક્ટ એ થઈ કે જેને અસલ જાતો કહેવાતી હતી એ માત્ર લેબમાં જ રહી ગઈ. પૃથ્વીના પટ પર હાઈબ્રિડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું.
એમાં વળી ૨૦મી સદીના અંતે ક્લાઈમેટ ચેન્જની અસર થવા માંડી. તાપમાન વધ્યું એટલે અનેક જાતો નાશ પામી. ૧૯મી સદીમાં માનવી ૨૦૦ પ્રકારની ફસલો ઉગાડતો હતો. ૨૦મી સદીમાં ઘટીને એ આંકડો પહોંચ્યો ૧૦૦-૧૨૦. આજે ૨૧મી સદીમાં દુનિયાભરના ખેડૂતો મુખ્યત્વે માત્ર ૩૦ જાતના પાકની ખેતી કરે છે.
વેલ, ચિંતાજનક આંકડો આ છે - દુનિયાની કુલ ખેતપેદાશોમાંથી ૭૫ ટકા હિસ્સો માત્ર નવ ફસલોનો છે. ટૂંકમાં ફસલોનું વૈવિધ્ય લગભગ ખતમ થવાને આરે પહોંચી ગયું છે.
***
યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)ના માર્ચ એન્ડિંગ અહેવાલનું માનીએ તો દુનિયામાં જે કૃષિ ઉત્પાદન થઈ રહ્યું છે એમાંથી ચોખા, શેરડી, મકાઈ, ઘઉં, બટેટા, સોયાબિન, ઓઈલપામ, ફ્રૂટ, કસાવનો સંયુક્ત હિસ્સો ૭૫ ટકા જેટલો છે. બાકીના ૨૫ ટકામાંથી ૧૫ ટકા હિસ્સો આ સિવાયની ૩૦ ફસલોનો છે. એમાં મગફળી, કપાસ, બાજરી વગેરેનો સમાવેશ થાય છે. એ સિવાયની ખેતપેદાશોનો હિસ્સો માત્ર ૫ ટકા છે.
૨૦મી સદીના અંત સુધીમાં ભલે ૭૦ ટકા ફસલો નાશ પામી છે. તેમ છતાં છ હજાર ફસલોનું વૈવિધ્ય આજેય છે. છૂટાછવાયા ખેડૂતો આ જાતોનું ઉત્પાદન કરે છે એટલે પૃથ્વી પર હજુય એનું અસ્તિત્વ ટકી રહ્યું છે, પણ એનું ઉત્પાદન એક-બે ટકાથીય ઓછું છે. એનું 'બિઝનેસ મોડલ' પેલી ૩૦ ખેતપેદાશો જેટલું નથી એટલે ખેડૂતો માટે એ ખોટનો સોદો બની રહે છે.
એફએઓના નિષ્ણાતોએ આ અહેવાલ ચીન-ભારત-અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-જર્મની સહિત ૧૨૮ દેશોના ખેત-ઉત્પાદનો પર ૧૨ વર્ષ સુધી સ્ટડી કર્યા બાદ તૈયાર કર્યો છે. આફ્રિકામાં ક્રૉપ ડાઈવર્સિટી યાને ફસલોની વિવિધતા ભયજનક સ્તરે છે. એ પછીના ક્રમમાં એશિયા - ખાસ તો ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા કૃષિ ઉત્પાદનમાં મહત્ત્વના ગણાતા દક્ષિણ એશિયાના દેશો - આવે છે. સર્વેમાં ઘણાં ખેડૂતોએ એવુંય કહ્યું કે તેમની જમીનમાં હવે વાતાવરણને કારણે અથવા પાણીના કારણે અમુક ફસલો જ થાય છે. ઘણાં ખેડૂતોએ જુદી ફસલો માટે પ્રયાસ કર્યો તો એમાં સફળતા મળી નહીં એટલે તેમણે આસપાસમાં જે ટ્રેન્ડ છે એ જાળવી રાખવાનું પસંદ કર્યું.
૧૩ ઈન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરમાં ડેટાનું એનાલિસિસ કર્યા બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી કે જો આ ટ્રેન્ડ આગળ વધશે તો વિશ્વમાં ફસલોનું વૈવિધ્ય પણ સજીવો-ફૂલછોડ-વનસ્પતિની જેમ ઘટતું જશે. ૮૦૦ કરોડની વસતિને ૩૦ પ્રકારની ખેત-પેદાશો દાઢે વળગી છે. તેમને ભાવતી ખાસ પ્રકારની વાનગીઓ બનાવવામાં આ ખેત-પેદાશો પૂરતી છે એટલે માર્કેટને અન્ય ફસલોની જરૂર નથી.
હશે, માર્કેટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો થતાં હોય છે, પરંતુ માર્કેટને ધ્યાનમાં રાખતી વખતે આપણે ઈકોસિસ્ટમને વિસરી જઈએ છીએ. સજીવો-વૃક્ષો-ફૂલછોડ-ફસલોની જાતોને પૃથ્વીની ઈકોસિસ્ટમ સાથે સીધો સંબંધ છે. તે ખોરવાશે તેની અસર રહી રહીનેય માનવજીવન પર પડયા વગર રહેવાની નથી.
***
માણસ ખેતી કરતો થયો ત્યારે પૃથ્વી પર ૧૦-૧૧ લાખ પ્રકારના વૃક્ષો-વનસ્પતિઓ હતી. એમાં અડધાથી વધુ ખાદ્ય હતી ને આઠ-દસ હજાર પ્રકારની ફસલોની ખેતી સદીઓ સુધી થતી હતી. આજે દુનિયામાં વૃક્ષો-વનસ્પતિઓ ઘટીને ૩,૯૧,૦૦૦ થઈ ગઈ છે. એ સિવાયની જાતો નાશ પામી છે. ૨૧મી સદીના અંતે આ વનસ્પતિ-વૃક્ષોની જાતો અડધી થઈ જશે.
૩.૯૧ લાખમાંથી ૩૦ હજાર વનસ્પતિ ખાદ્ય છે અને છ-સાત હજાર ખેતીલાયક છે. આટલી વરાયટીમાંથી ૭૫ ટકા ખેત-ઉત્પાદન માત્ર આઠ પ્રકારની ફસલોનું થાય છે. ૨૦૫૦ સુધીમાં કુલ ઉત્પાદનમાં જે ૩૦ ફસલોનું પ્રભુત્વ છે એ પણ ઘટીને ૧૫ થઈ જશે. ૨૦૬૦માં વિશ્વના કુલ કૃષિ ઉત્પાદનમાં માત્ર પાંચ ફસલોનો હિસ્સો ૭૦ ટકા હશે. એનો અર્થ એ કે હજુય આ સદીમાં ખોરાકનું વૈવિધ્ય ઘટી જશે.
વેલ, પણ વાત જો વાનગીઓની હોય તો આજે માનવી પાસે એટલાં ઓપશન્સ છે કે જેની કલ્પના પણ પૂર્વજોએ કરી ન હતી, પરંતુ વાનગીઓ જેમાંથી બને છે એના મૂળ મટિરિયલમાં વૈવિધ્યનો અભાવ સ્પષ્ટ વર્તાય છે. ચોખા-ઘઉં-મકાઈ-બટેટા-ખાંડનો ચારેકોર દબદબો છે, એ જોઈને એટલું તો કહેવું જોઈએ કે આપણી પાસે કદાચ વાનગીઓની વરાયટી હશે. તેમની પાસે ખોરાકનું વૈવિધ્ય હતું!
ફસલોની પેટા જાતો નાશ પામશે
અત્યારે મુખ્ય નવ ફસલોનો ૭૫ ટકા હિસ્સો છે એમાં એની પેટા જાતોનો પણ સમાવેશ થાય છે. જેમ કે, એફએઓના અહેવાલમાં ઘઉંનો ઉલ્લેખ થયો હોય, પરંતુ દુનિયામાં ઘઉંની બે હજાર જાતો છે. ભારતમાં ૪૪૮ પ્રકારના ઘઉંની ખેતી થાય છે. એના વૈવિધ્યનો ઉલ્લેખ એફએઓના રિપોર્ટમાં થયો નથી. ચોખાની વાત હોય તો બધા પ્રકારના ચોખાની ગણતરી એક સાથે કરી લેવાઈ, પરંતુ ખરું જોતાં ચોખાની ૪૦ હજાર જાત છે. બધી ફસલોની આ રીતે અનેક પેટા જાતો છે. પેટા જાતો કહેવા કરતાંય એને કોઈ એક ફસલની જાતોનું વૈવિધ્ય કહેવું જોઈએ. તો, આ વૈવિધ્ય ધીમે ધીમે નાશ પામી રહ્યું છે. દુનિયામાં માત્ર ફસલોની વિવિધતા જ જોખમમાં નથી, ફસલોની પેટા જાતો પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકામાં એક સદી પહેલાં ગોબીની ૫૫૦ જાતો હતી. એમાંથી ૨૮ જાતો જ બચી છે. મકાઈની ૩૦૦ જાતોમાંથી ૧૨ બચી છે. યુરોપમાં વટાણાની ૪૦૦થી વધુ જાતો હતી. હવે બચી છે માત્ર ૨૫. આ સિલસિલો ૨૧મી સદીમાં અટકવાનો નથી એટલે સેંકડો ફસલોની પેટા જાતો નેસ્તનાબુદ થશે એ નક્કી છે.
કૃષિ ઉત્પાદનોમાં એક તરફ અનાજ, બીજી તરફ બાકી બધું
૨૦૨૩ પ્રમાણે દુનિયામાં કુલ કૃષિ ઉત્પાદન ૯.૯ અબજ ટનનું થયું હતું. એમાંથી ૩.૭ અબજ ટન ઉત્પાદન અનાજનું થયું હતું. અનાજમાં પણ મકાઈ-ઘઉં અને ચોખાનો દબદબો છે. અનાજના કુલ ઉત્પાદનમાં આ ત્રણેયની ભાગીદારી ૯૧ ટકા જેટલી છે. ખાંડની જરૂરિયાતને પહોંચી વળવા માટે દુનિયામાં વર્ષે ૨.૧ અબજ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. અનાજ પછી શેરડી કૃષિ ઉત્પાદનમાં બીજા ક્રમે રહે છે. ત્રીજો ક્રમ છે શાકભાજી અને ફ્રૂટ્સનો. આ બંને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં આવતી હોવાથી વર્ષે એનું બે અબજ ટન ઉત્પાદન થાય છે. ખાદ્ય તેલની જરૂરિયાતને પહોંચી વળવા પામ, સોયા, મગફળી, કપાસ, સનફ્લાવર વગેરેનું ઉત્પાદન ૯૦ કરોડ ટન જેટલું થાય છે. ટૂંકમાં અનાજનું ઉત્પાદન એક તરફ, બીજી તરફ બીજું બધું.