Get The App

કોરોના કાળના પાંચ વર્ષ અને આપણો સ્મશાન વૈરાગ્ય

Updated: Mar 30th, 2025


Google News
Google News
કોરોના કાળના પાંચ વર્ષ અને આપણો સ્મશાન વૈરાગ્ય 1 - image


- ગત 24 માર્ચે કોરોના લોકડાઉનની સૌપ્રથમ જાહેરાતને પાંચ વર્ષ થયા : ભય અને ફફડાટ હેઠળ આપણે તે દિવસોમાં માણસમાંથી માનવી બની ગયા હતા. જાણે બ્રહ્મજ્ઞાાન પ્રાપ્ત કરી લીધું હતું અને..આજે?

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ત્યારે ઓક્સિજન માપવાના મીટરની જરૂર હતી હવે સંવેદનાને માપવાનો સમય આવી ગયો છે

વ ડાપ્રધાન મોદી દ્વારા કોરોના લોકડાઉનની રાષ્ટ્રવ્યાપી જાહેરાત થઈ તેને ૨૪ માર્ચના દિવસે  પાંચ વર્ષ પૂરા થયા. ભારત જ નહીં વિશ્વએ આ હદનો માનવ જગત પરનો કપરો કાળ ક્યારેય નહોતો અનુભવ્યો. કુદરતી હોનારતો કે માનવસર્જિત  યુદ્ધો, આતંકી હુમલા જેવી આપત્તિ તો આપણે અનુભવી હતી પણ આ પ્રકારની મહામારીનો સામનો કરવો એક મહાપડકાર હતો. કોરોનાએ સામાજિક, આર્થિક, માનસિક, શૈક્ષણિક, કામ ધંધા અને તબીબી ક્ષેત્રે કેવી તારાજી સર્જી હતી તેનું પુનરાવર્તન નથી કરવું. કેટલાયે માનવીઓના અકાળ મૃત્યુ થયા તે ફટકો તો તેના પરિવારજનોથી વિશેષ કોણ અનુભવી શકે.

હા, કોરોના પછીના પાંચ વર્ષમાં ઘણું બદલાયું છે પણ માનવ જગત, તેનો સ્વાભાવ અને પ્રકૃતિનું સ્તર ઊલટું કથળ્યું છે.

કોરોનાના અરસામાં આપણે જાણે જીવનનું તત્ત્વજ્ઞાાન પામી લીધું હોય તેમ હવે આગળ જતાં વિશ્વ રૂપાળું લાગશે તેવી આશા જગાવતા આદર્શ નાગરિક બની ગયા હતા. માણસ જાતને હવે માનવ તરીકે સંબોધી શકાય તેવી સ્થિતિ તો પ્રાપ્ત કરી લીધી હતી.

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જે જીવન બોધ આપ્યો છે તે વગર વાંચ્યે સાંગોપાગ આપણા વિચાર, વર્તન અને વાણીમાં તે અરસામાં ઉતરી ગયો હતો.

'શું લાવ્યા હતા અને શું લઈ જવાનું છે' જેવા વાક્યો તો સહજ રીતે મોમાંથી સરકી પડતા હતા.

પણ આવા બધા બ્રહ્મ વાક્યો અને તે વખતની જીવનની ફિલસૂફી સ્મશાન વૈરાગ્ય જેવી પુરવાર થઈ છે.

કોરોના કાળ અને તે પછીના થોડા મહિના આપણે નમ્ર, વિવેકી રહ્યા. સંબંધોની જાળવણી કરી, એકબીજાનો આભાર માન્યો. ભગવાને અમને મોતના મુખમાંથી ઉગારી લીધા તેમ કહીને 'ભગવાન, તે મને જીવતદાન આપ્યું અને હવે પછીની જિંદગી તારે નામ' તેમ કહીને ઘૂંટણિયે પડયા હતા. સગા સ્નેહીઓ અને પાડોશીઓ જોડેનું વર્તન સાલસ અને પ્રેમભર્યું થઈ ગયું હતું.

આપણને  જનજીવનના ધબકારાની મહત્તા સમજાઈ હતી. જનજીવન તો શું આપણા એક એક શ્વાસનું મૂલ્ય કેટલું છે તેનું ભાન થયું હતું. ઓક્સિમીટરથી ક્યારેય આ અગાઉ ઓક્સિજનનું લેવલ માપ્યું હતું? કદાચ ઓક્સિમીટર નામની કોઈ વસ્તુ છે તે જ ખબર નહોતી. નિરક્ષર હોય તેઓ પણ 'ક્વોરેન્ટાઈન'નો અર્થ સમજતા હતા. હવે કદાચ ભૂલી ગયા હશે.

શરૂમાં અનિશ્ચિત કાળ સુધી ઓફિસમાં રજા જાહેર થઈ ત્યારે તો જાણે પગાર સાથે મોજ અને વેકેશનની અનુભૂતિ મેળવી હતી પણ જેમ જેમ આવા દિવસો મહિનાઓમાં ફેરવાતા ગયા અને ઘરની બહાર ડગલું નહોતા માંડી શકતા ત્યારે વધુ એક જ્ઞાાન લાધ્યું કે 'પ્રવૃતિ અને બહાર રહીને થતી વ્યસ્તતા અને ઓફિસ તેમજ કામ ધંધાનું જીવન જ આપણને તનાવ મુક્ત રાખે છે.' કેટલાક તો એટલે સુધી પ્રતિક્રિયા આપતા હતા કે 'હવે તો ક્યારેય હક્કની કે માંદગીની રજા લેવી જ નથી ને. ઘેર રહીને થાકી ગયા.' પણ ફરી કેટલાક મહિનાઓ વીત્યા અને કામચોરી, જરૂર ન હોય તો પણ એમ જ ઘેર રહેવા રજા લેતા કે ઓફિસમાં  ટેબલ પર રૂમાલ કે પેન મૂકીને બહાર ટહેલતા થઈ ગયા છીએ.

પ્રિન્ટ, ટીવી કે ડિજિટલ મીડિયા પર નજર નાંખશો તો  એવી ઘટનાઓ જોવા મળશે કે કોરોના પછીના પાંચ વર્ષમાં તો આપણે વધુ ચાલાક, ઇર્ષાળુ, બીજાને નિમ્ન બતાવતા અને વધુ વિકૃત બની ગયા છીએ. 

હૃદય રોગના હુમલા હવે યુવા વયે પણ વધતા ગયા છે આમ છતાં જંક ફૂડ અને પ્રમાદી જીવનને પ્રાધાન્ય અપાય છે. કોરોના કાળ વખતે આપણને 'પહેલું સુખ તે જાતે નર્યા' કહેવતનો કદાચ જીવનમાં પહેલી વખત બોધ મળ્યો હતો. તે વખતે સાત્વિક ભોજન, આહાર-વિહાર અને નિયમિત જીવનનો મહિમા સમજ્યા હતા અને તેનો કેવો ફાયદો થાય છે તે અનુભવી તેની હરખથી વાતો કરતા હતા. કસરત કરવાનો અને તેમ દેશ કોરોના મુક્ત બનશે તે સાથે રોજ ખુલ્લી હવામાં ચાલવા જઈશું તેવો પણ સંકલ્પ કર્યો હતો. એકંદરે જીવનના ઉત્કર્ષ માટે સારું શું છે તે બધું જાણવા છતાં તેને અમલમાં નથી મૂકવું તે યુગમાં આપણે પહોંચી ગયા છીએ.

હવે કોરોનામાં ઉગરી ગયા અને આયુષ્ય તો અનિશ્ચિત છે ફરી બીજી કોઈ મહામારી આવી શકે તેના કરતા તો જિંદગી માણી લઈએ આવું બહાનું આગળ કરીને  ક્રેડિટ કાર્ડનું દેવું કરીને પણ શોપિંગ, વાહનોની ખરીદી, પ્રવાસ અને મોંઘી ટિકિટના શોમાં ઝૂમવા માંડયા. મદ્યપાન તો શું યુવા પેઢી ડ્રગના રવાડે પણ ચઢતી જાય છે. રાત્રિ ભોજન  શનિ રવિમાં તો બહાર જ લેવું તેવો શિરસ્તો પહેલા પણ હતો હવે કોરોના કાળ પછી તેનો વેગ વધ્યો છે.

પતિ કોરોનામાં ઘરકામ કે બાળ ઉછેરમાં સમાન સાથ આપતા હતા પણ કોરોના પછી પણ પત્ની કે પરિવારની કાયમી આવી અપેક્ષા થઈ ગઈ તેના લીધે પતિ પત્ની વચ્ચેના સંબંધમા વિચ્છેદ અને તનાવ વધ્યો છે કેમ કે પુરુષ હજુ તે સ્તરે સમાનતા અંગે અમલ નથી કરી શકતો.કોરોના કાળમાં તો વર્ક ફ્રોમ હોમ હતું હવે તો પતિ દૂર સુધી ઓફિસ કે કામ ધંધે જાય છે. કમાણીનો તનાવ કંઈ કમ નથી હોતો. આવવા જવાનો થાક અને ટ્રાફિક પણ ત્રાસદાયી હોય છે.પત્ની ઘેર રહેતી હોય તો પણ પતિને કોરોના કાળની જેમ ઘરનું કામ કરવાની અપેક્ષા જારી જ રહી છે. વર્ક ફ્રોમ હોમ હોય તો પણ ઓફિસ અને કારકિર્દીના પડકારનો શ્રમ અને બોજ તો રહેવાનો જ.

એકંદરે દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા જોઈ શકાય છે.

સ્વચ્છતાની રીતે પણ ફરી જ્યાં હતા ત્યાં આવી ગયા છીએ. સોસાયટીઓ અને ફળિયામાં ઉકરડાના ઢગલા જોવા મળે છે. ઘરમાં એક બે વર્ષ ચોખ્ખાઈની જાળવણી થઈ. હવે ફરી ઘરના ઓરડા, રસોડા અને બાથરૂમમાં સફાઈ અગાઉ જેવી નથી થતી. ઘરની બહાર પાણીના ખાબોચિયા બાહ્ય દ્રશ્યનો હિસ્સો બની ગયા છે.

પાલિકા અને સરકારના પર્યાવરણ, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને સ્વાસ્થ્ય સંબધી કાર્યક્રમો માત્ર મીડિયા ફોટો ખેંચે તે પૂરતા સીમિત થઈ ગયા છે અને નાગરિકોને સુવિધા આપતા તમામ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર આદરવા માટેના હોય તેમ લાગે છે.

માનવ જગત જાણે છે કે પર્યાવરણની સમતુલા ખોરવીશું તો કેવા ભયાનક દિવસો જોવા પડશે તો પણ આપણે વધારે કમાણી અને લોભ હેઠળ જંગલો, પર્વતો પર દબાણ કરવા માંડયા છીએ. નદીઓમાં ફેક્ટરીના ઝેરી રસાયણો અને સમુદ્રમાં વૈશ્વિક કબાડી જહાજો ભરીને ઠાલવીએ છીએ.

પર્વતો પર ગામ, બજાર, જંગલોમાં રિસોર્ટ, નદી અને દરિયા કિનારે હોટલ ગેરકાયદેસર રીતે ખડી કરવામાં આવી છે. આ બધું છેલ્લા પાંચ વર્ષમાં જ બેફામ બન્યું છે.

આ જ કારણે વન્ય પ્રાણીઓ કેટલાયે કિલોમીટર દૂરના ગામોમાં દેખા દે છે.

કોરોના વખતે લોક ડાઉન હતું તેના લીધે પ્રકૃતિ પૂરબહાર ખીલી ઊઠી હતી. લુપ્ત થવા જઈ  રહેલ પક્ષીઓએ દેખા દેવા માંડી હતી. પક્ષીઓનો કલરવ આપણે આંગણે જોઈ શકાતો હતો. પ્રદૂષણ મુક્ત આકાશ સ્વચ્છ દેખાતું હતું. નદીના નીર પારદર્શક બન્યા હતા. અવાજનું પ્રદૂષણ પણ જાણે મૌન વ્રત પર ઉતર્યું હતું.

ફરી સાવ આવું પર્યાવરણ તો શક્ય નથી પણ આપણે તો સમતુલા જાળવવાનો વિવેક પણ સાવ ભૂલી ગયા અને બેધડક કુદરતનું ચીરહરણ કરતા થઈ ગયા છીએ.

ભારત માટે એવું કહેવાય છે કે કંઈક માનવ સજત કે કુદરત સજત ઘટના બને ત્યારે જાતિ અને ધર્મ ભેદ ભૂલીને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મફત ભોજન, અન્ય  સેવા અને રાહતમાં જોડાઈ જાય છે. સખાવતોથી ભંડારા ભરાઈ જાય છે. માણસો માનવી બની જાય છે. આ એક આવકાર્ય બાબત છે પણ સવાલ એ થાય છે કે શું એક આદર્શ સમાજ કે ભારતના દર્શન કરવા કોઈ આફતને ધરતી પર લાવવી જરૂરી છે? એમ જ રોજેરોજની જિંદગીમાં કેમ આપણે શ્રી રંગ અવધૂત મહારાજનો મંત્ર છે તેમ 'પરસ્પર દેવો ભવ'ની જેમ ન રહી શકીએ?

ખરેખર તો સરકારે દર ૨૪ માર્ચે 'કોરોના લોક ડાઉન ડે' જાહેર કરવો જોઈએ અને આંધળી દોટમાં જરા થોભી આપણે ક્યા માર્ગે જઈ રહ્યા છીએ તેનું આત્મ મંથન તે દિવસે કરવું જોઈએ. કેવા ભયાનક દિવસો હતા તેની યાદ કરવી જોઈએ.' ભય બીના પ્રીત નહીં' કહેવતનો જન્મ માણસની પ્રકૃતિને જાણીને જ પૂર્વજોએ કર્યો હશે. 

Tags :