સુપરફાસ્ટ ગતિએ થઈ રહી છે ભારતીય રેલવેની કાયાપલટ
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- રેલવેએ તેમના દ્વારા અપાતી સેવાનો ખરેખર કેટલો અમલ થાય છે તેના પર નજર રાખવા માટે 'ગુપ્ત અધિકારીઓ' ગોઠવવાની પહેલ કરી છે
હ વાઇ મુસાફરીના મોંઘા દર અને સાથોસાથ મંદીની અસરથી આ ઉનાળાના વેકેશનમાં અસંખ્ય પરિવારોએ ટ્રેનની મુસાફરી પસંદ કરી છે. ખાસ કરીને ઘણાં લોકોએ આરામદાયક અને વાતાનુકુલિત રાજધાની એક્સપ્રેસ, વંદેભારત અથવા તો રાજધાની જેવી જ સગવડવાળી સમર સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કર્યું છે. દિલ્હી જતાં મોટાભાંગના પ્રવાસીઓએ હવાઇને બદલે ટ્રેનનો પ્રવાસ પસંદ કર્યો છે. ભારતની જનસંખ્યાને જોતાં ટ્રેનોની ડિમાન્ડ તો વધતી જ રહેવાની. પરંતુ હવે ઊંચ્ચ મધ્યમ વર્ગના ઘણાં લોકો ટ્રેનોમાં સુવિધા વધી હોવાથી રેલ પ્રવાસ વધુ પસંદ કરે છે.
સ્ટયુઅર્ડસની સેવા
તમને યાદ હોય તો વર્ષ ૨૦૧૭માં ભારતની સૌથી ઝડપથી દોડતી ટ્રેન 'ગતિમાન એક્સપ્રેસ'માં પ્રવાસીઓની સેવામાં મહિલા અને પુરુષ સ્ટયૂઅર્ડ (પરિચારકો કે સેવકો) હાજર રહેતા હતા. હવે 'ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન' (આઇઆરસીટીસી)એ રાજધાની, શતાબ્દી અને દુરન્તો એક્સપ્રેસ ટ્રેનોના કેટરિંગ તેમજ પેન્ટ્રીના કર્મચારીઓને સ્ટયૂઅર્ડના સ્તરે તાલીમ આપીને ફરજ પર મૂકે છે. ખાસ કરીને આ વિભાગના કોન્ટ્રેક્ટ પરના તેમજ રેલવેના કર્મચારીઓનું વર્તન સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોજન મુજબ કેટરિંગના કર્મચારીઓને એરલાઇન્સના સ્ટયૂઅર્ડસ તેમજ એરહોસ્ટોની જેમ કેળવવામાં આવે છે. 'મિનિસ્ટરી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ' દ્વારા ગયા વર્ષે જ સંબંધિત કર્મચારીઓને તાલીમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં રેલવેના કેટરિંગ કર્મચારીઓ, ફૂડ પ્લાઝાઓના વેઇટરો અને પેન્ટ્રીના ૨૦૦૦ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. તેમને પાંચ દિવસની કેળવણી આપ્યા પછી તેઓ ફરજ દરમિયાન કેવું વર્તન કરે છે અને કેવી સેવા આપે છે તેના ઉપર નજર રાખવામાં આવશે. સ્ટયુઅર્ડસ માટે ૧૪ પ્રકારના ગુણ, એટલે કે લાયકાતોની સૂચિ તૈયાર કરવામાં આવી છે. આઇઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ દ્વારા માત્ર શુભ સવાર કે શુભ સંધ્યા કહેવામાં આવે તોય પ્રવાસીઓને કેટલું સારુ લાગે. અત્રે એ વાતની નોંધ લેવી જોઈએ કે મુંબઈ અમદાવાદ વચ્ચે ખાનગી ધોરણે દોડતી તેજસ એક્સપ્રેસમાં ઘણીવાર પરિચારીકાઓ નાસ્તો-ભોજન પીરસતી હોય છે.
ડબામાં સીસીટીવી
રેલવેમાં મુસાફરી કરતાં લોકોની અને ખાસ તો મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના રેલવેના પ્રયાસોના એક ભાગરૂપે શાન એ પંજાબ ટ્રેનના તમામ ડબાઓમાં બે વર્ષ પૂર્વે જ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા. શાન એ પંજાબ એક્સપ્રેસના મહિલા ડબા સહિત તમામ ૨૧ કોચીસમાં કુલ ૧૨૨ કેમેરા લગાડવામાં આવ્યા છે જેની પાછળ આશરે રૂપિયા ૩૬ લાખનો ખર્ચ થયો હતો.ગાર્ડના ડબામાં એલસીડી સીસ્ટમ લગાડવામાં આવી છે જયાંથી તેઓ મહિલાઓના ડબ્બામાં થતી ગતિવિધી જોઇ શકશે અને જરૂર પડે ત્યારે મદદ મોકલી શકે. ઉત્તર ભારતની બીજી કેટલીક પ્રમુખ ટ્રેનોમાં પણ સીસીટીવી બેસાડવાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે રેલવે વિભાગની યોજના તમામ ટ્રેનોમાં સીસીટીવી કેમેરા બેસાડવાની છે.
લાયબ્રેરી
ટેકનોલોજીના યુગમાં નાગરિકોમાં વાંચનની આદત ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં 'અનુભૂતિ' ડબામાં વાચનાલય શરૂ કર્યું છે. વાચનાલયને પ્રવાસીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ એક્સપ્રેસના તમામ એક્ઝિક્યુટીવ ડબામાં વાચનાલય શરૂ કરવાની યોજના પશ્ચિમ રેલવેની છે. અનુભૂતિ ડબામાં ૭૦ પુસ્તકો સાથે વાચનાલયની શરૂઆત કરવામાં આવી હતી. પ્રવાસીઓ આ બુક ટ્રેનની મુસાફરી શરૂ થાય ત્યારે પુસ્તક લઈ શકાશે અને ટ્રેનમાંથી ઉતરતી વખતે ટિકિટ ચેકીંગ સ્ટાફને આપવાનુ રહેશે.
ફિલ્મ-સિરિયલ
ભારતીય રેલવેની પીએસયૂ રેલટેલ કન્ટેન્ટ ઓન ડિમાન્ડની સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ લોકોને ટ્રેનમાં મફતમાં પસંદગીની ફિલ્મ, સીરિયલ, ગીત અથવા ભજન સંગીત સંબંધિત કાર્યક્રમો જોવા મળશે. કાર્યક્રમની મજા માણવા માટે યાત્રીને એકપણ રૂપિયો ખર્ચવો નહી પડે અને મોબાઈલ, આઈપેડ કે લેપટોપના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવશે નહી. આ તમામ સુવિધા મફ્તમાં આપવામાં આવશે. વર્તમાન સમયમાં લોકોને ટ્રેનમાં હાઈસ્પીડ ડેટા મળી શક્તો નથી. જેના કારણે લોકો પોતાના મોબાઈલ અને લેપટોપનો પણ યોગ્ય ઉપયોગ કરી શક્તા નથી. રેલવે કન્ટેન્ટ ઓન ડિમાન્ડ નામની યોજના હેઠળ ટ્રેનની અંદર હોટસ્પોટ લગાડવામાં આવશે.
બાયો-વેક્યુમ ટોઇલેટ
વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં ગંદકી વાળા શૌચાલયોને બદલે બાયો વેક્યુમ શૌચાલયો ગોઠવવાનું ક્યારનું શરૂ થઈ ગયું છે. આ શૌચાલયો વિમાન જેવા હોય છે. 'આ શૌચાલયો ગંદકી રહિત હોય છે જેમાં પાણીનો ઉપયોગ ૨૦ ગણો ઓછો થઇ જાય છે. ચેન્નાઇમાં ઇન્ટીગ્રેટેડ કોચ ફેકટરી(આઇએફસી)માં બાયો વેક્યુમ લગાડીને આ ડબ્બાઓ રાજઘાની, વંદેભારત અને શતાબ્દી જેવી અનેક ટ્રેનોમાં જોડાય છે. બાયો વેક્યુમ ટોયલેટમાં ઓછા પાણીની જરૂર પડે છે અને તમામ મળ વેક્યુમ દ્વારા ખેંચી શકાશે.
ધાબળા-ચાદરો
રેલવેમાં મુસાફરી દરમિયાન પ્રવાસીઓને ગંદા કે વાસ મારતા ધાબળા ન મળે તેથી છેલ્લાં ચારેક વર્ષથી રેલવેના પ્રયાસો ચાલુ છે. હાલમાં પ્રવાસીઓને સ્વચ્છ વોશ કરેલા ધાબળા આપવા આવે છે. ઘણા સમયથી ટ્રેનોમાં એસી કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓને રાતે ઓઢવા માટે ધાબળા અપાય છે. પરંતુ ઘણી વખત અનેક પ્રવાસીઓને એવી ફરિયાદો ઉઠી હતી કે મેલાદાટ અન ધાબળામાં વાસ મારતી હોય છે કે તેને ઓઢવાની પણ ઇચ્છા ન થાય. હાલમાં રેલવે દ્વારા ધાબળા મહિનામાં બે વખત ધોવામાં આવે છે. પશ્ચિમ રેલવે રોજ બહારગામની ટ્રેનોમાં પ્રવાસીઓને એક લાખ બેડ રોલ પૂરા પાડે છે. રેલવેમાં બ્લેનકેટ દર પંદર દિવસે ધોવાય છે જ્યારે ચાદરો રોજેરોજ ધોવાય છે. ઉપરાંત બેડ રોલને નેફેલેથીન અને ગરમ હવાથી સ્ટરલાઈઝ પણ કરવામાં આવે છે. ઘરોમાં સામાન્ય રીતે ગોદડાં કે બેડરોલને વારંવાર ધોવાતા નથી. ઋતુ પ્રમાણે તેને તડકો આપવામાં આવે છે. દરેક લિનન પર એક ચિહન હોય છે જેમાં રેલવે ઝોન અને તેની ખરીદીની તારીખ લખેલી હોય છે. એસી કોચમાં ૨૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવામાં આવે છે. જેથી બ્લેન્કેટની ખાસ જરૂર રહેતી નથી.
બાયોડિગ્રેડેબલ પથારી
લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસીઓને આપવામાં આવતી બે ચાદર અને એક તકિયો ધરાવતી ઉતરતી કક્ષાની પથારી ભારતીય રેલવેના પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. પરંતુ હવે તેમની આ સમસ્યા દૂર થઈ ગઈ છે. રેલવેના પ્રવાસીઓને હવે બાયોડિગ્રેબલ (પર્યાવરણને નુકસાન પમાડયા વિના સરળતાથી નાશ પામે એવી) અને ઉપયોગમાં લીધા પછી ફેંકી દઈ શકાય એવી પથારી આપવાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ચેન્નઈ અને મદુરાઈ વચ્ચે દોડતી પાંડયન એક્સપ્રેસ પ્રથમ શ્રેણીના વાતાનુકૂલીત ડબ્બામાં પ્રવાસ કરતાં ઊતારુઓને દક્ષિણ રેલવે સૌૈપ્રથમ વખત આ અનોેખા પ્રકારની બાયોડિગ્રેબલ અને ડિસ્પોઝેબલ (ઉપયોગમાં લઈને ફેંકી દેવાય એવી) પથારી આપશે.
વિસ્કોસ મટિરિયલમાંથી બનાવવામાં આવેલી બેડશીટ અને પિલો કવર કાગળની થેલીમાં વીંટાળવામાં આવશે. વળી આ પથારી માટે કોઈ વધારાની રકમ વસૂલવામાં નહીં આવે.
સંબંધિત ડિસ્પોઝેબલ પથારીના એક સેટની કિંમત ૩૮ રૂપિયા જેટલી થાય છે. આમ છતાં રેલવે અધિકારીઓ તેના વિશે િંચંતિત નથી. તેઓ કહે છે કે દરેક ટ્રીપ પછી પરંપરાગત પથારીને એક વખત ધોવાની કિંમત વીસ રૂપિયા થાય છે. એક પથારીનો સેટ સો વખત ધોવાય ત્યાં સુધી ટકે છે. જો સંબંધિત પ્રયોગ સફળ થશે તો વધારે ડિસ્પોઝેબલ પથારીઓ ખરીદવાનું વધુ સસ્તુ પડશે.
ટ્રેનોના લોકેશન
ભારતીય રેલવેએ તેની તમામ ટ્રેનોને ૨૦૧૮ના અંત સુધીમાં ઇસરોના સેટેલાઇટ સાથે જોડવાનો લક્ષ્યાં નક્કી કર્યો હતો કે જેથી ટ્રેનોના લોકેશનને જાણી શકાય અને ડ્રાઇવરો સાથે તેમની કેબિનમાં વાત પણ કરી શકાય, આ કામ માટે તમામ ૧૦૮૦૦ એન્જીન અને રેલવેમાં એન્ટેના ફિટ કરવામાં આવ્યા છે. અને ડ્રાઇવરની કેબિનમાંથી તેની પર નજર રાખી શકાશે, રેલવે સત્તાવાળાઓ ઇસરોના સેટેલાઇટઆધારિત સીસ્ટમનોે ઉપયોગ માનવરહિત ક્રોસિંગ પાસે થતાં ટ્રેનોના અકસ્માતને રોકવા અને ટ્રેનોની હલનચલન જાણી રિયલ ટાઈમમાં નિર્ણય લઈ શકાશે. કામગરીમાં થોડો વિલંબ થયો છે પરંતુ હવે ઝપાટાબંધ કામ પુરુ પડાશે.
ઇસરો સાથે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા રેલવેએ કેટલીક ટ્રેનોના અન્જીન પર અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ્સ બેસાડી હતી. ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમનો ઉપયોગ માનવરહિત રેલવે ક્રોસિંગ ખાતે વાહન ચાલકોને હુટર મારફતે ચેતવણી આપવા માટે કરાશે.
ચાલુ ટ્રેનમાં શોપિંગ
અમદાવાદ વિભાગની બે ટ્રેનોમાં ઓન બોર્ડ શોપિંગ ફેસિલિટી શરૂ કરાઈ છે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી ડબલ ડેક્કર ટ્રેન કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં આ સેવા ત્રણ માસના પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને ચાલુ ટ્રેનમાં જ ઘરવપરાશની તમામ નાની-મોટી ચીજવસ્તુઓથી માંડીને દવાઓ, રમકડાઓ, સ્ટેશનરી સહિતની વિવિધ વસ્તુઓ હાથવગી મળી રહેશે. આમ મુસાફરોને ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક પ્રકારની વધારાની સુવિધા મળી રહેશે. મુસાફરો પાસેથી એમઆરપી મુજબનો જ ભાવ વસુલવામાં આવશે. કોઇપણ પ્રકારનો વધારાનો ચાર્જ નહીં લેવામાં આવે. બજારમાં મળતી વસ્તુઓ ટ્રેનમાંથી જ તેઓને મળી રહેતા તેઓએ ઘરે જઇને વધારાનો સમય બગાડીને ચીજવસ્તુઓ ખરીદવી નહીં પડે. ટ્રેનમાં ઓરલ કેર, હેલ્થ કેર, કોસ્મેટિક્સ, પેપર પ્રોડક્ટસ, ચોકલેટ, સ્વીટ્સ, મોબાઇલ-લેપટોપ એસેસરીઝ સહિતની વસ્તુઓ મળી રહેશે. અન્ય ટ્રેનોમાં પણ આ સેવા શરૂ કરવાનો વિચાર છે. નોંધપાત્ર છેકે અમદાવાદ વિભાગમાં અગાઉ શતાબ્દી ટ્રેનમાં ઓન બોર્ડ શોપિંગની સુવિધા શરૂ કરાઇ હતી. જોકે કોઇ કારણોસર તે બંધ કરી દેવામાં આવી હતી. હવે ફરીથી અમદાવાદ-મુંબઇ તેમ જ મુંબઈ- દિલ્હી , દિલ્હી -લખનૌ વચ્ચે દોડતી નવી ટ્રેનોમાં આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. તે કેટલી સફળ રહે છે અને મુસાફરો માટે તે કેટલી સુવિધાજનક રહેશે તે આગામી સમય બતાવશે.
'ગુપ્ત અધિકારીઓ'
રેલવેએ તેમના દ્વારા અપાતી સેવાનો ખરેખર કેટલો અમલ થાય છે તેના પર નજર રાખવા માટે 'ગુપ્ત અધિકારીઓ' ગોઠવવાની પહેલ કરી છે. આ અધિકારીઓને નામ પણ 'મિસ્ટ્રી શોપર્સ' 'ગૂઢ વેપારી' અપાયું છે જે સામાન્ય મુસાફરોના સ્વાંગમાં જ ફરતા કે પ્રવાસ કરતા રહેશે પણ સ્ટેશન પર, રેલવેમાં કે રેલવે સંલગ્ન
કોઈ પણ સેવામાં ક્યાં ઉણપ રહે છે અને તેના માટે કયા કર્મચારીઓ જવાબદાર છે તે નક્કી કરી તેની સામે પગલા લેવાશે. રેલવે તરફથી અપાતી સુવિધા, ભોજન આપનારા કર્મીઓની વર્તણુંક રેલવે અને સ્ટેશનની ગુણવત્તા, સ્વચ્છતા અને તેમના કાર્યના બદલામાં લેવાતા ચાર્જ પર નજર રાખશે.
મસાજની સુવિધા
રેલવે તંત્ર દ્વારા હવે ચાલુ ટ્રેનમાં મુસાફરોને 'હેડ તેમજ ફૂટ ' મસાજની સેવા પણ પુરી પાડવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં સૌપ્રથમ વખત મધ્યપ્રદેશના રતલામ વિભાગમાં ઇન્દોરથી ઉપડનારી ૩૯ ટ્રેનોમાં આ સુવિધા પ્રારંભિક તબક્કે ગયા જૂન માસમાં જ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇન્દોરથી ગાંધીનગર અને ગાંધીધામને જોડતી ગુજરાતની બે ટ્રેનોનો પણ સમાવેશ કરાયો છે.
લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને થાક લાગવો, માથું દુખવું સહિતની અનેકવિધ શારીરિક તકલીફો થતી હોય છે. મુસાફરોને આ સ્થિતિમાં રાહત મળે તે માટે માથા અને પગની મસાજની સુવિધા મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. વચમાં આ સેવા કામચલાઉ બંધ કરવામાં આવી હતી. હાલમાં એક ખાનગી એજન્સીને આ માટે નક્કી કરાઇ છે. જેમાં મસાજના ટ્રેનરો દ્વારા રૂ.૧૦૦ માં ૧૫ થી ૨૦ મિનિટ સુધી મસાજ કરી આપવામાં આવશે.
સ્ટેશનોને અપગ્રેડ
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે 'સ્ટેશનોનું મુખ્ય અપગ્રેડેશન' યોજના હેઠળ ગુજરાતમાં કુલ પાંચ સ્ટેશનો જેમ કે ઊધના, સુરત, સોમનાથ, સાબરમતી બ્રૉડગેજ અને મીટરગેજ તથા ન્યુ ભુજની ઓળખ કરવામાં આવી છે.
આ ૩૨ સ્ટેશનોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આંબલી રોડ, બેચરાજી, ભક્તિનગર, ભાણવડ, ભટારિયા, દાહોદ, ગાંધીધામ, ગાંધીગ્રામ, હિંમતનગર, જામનગર, કડી, ખંભાલિયા, કિમ, ઓટ કોસંબા, લાલપુરજામ, મણિનગર, નવસારી, નવા ભુજ, ઓખા, પાલનપુર, સાબરમતી, સિદ્ધપુર, ઊધના, ઊના, ઊંઝા, વડનગર, વિજાપુર, વીસનગર, વ્યારા, ગાંધીનગર કૅપિટલ, સાબરમતી-બ્રૉડગેજ અને પાટણનો સમાવેશ છે.
રેલવે સ્ટેશનોનીકાયાપલટ કરાશે
અમદાવાદ-મુંબઈ અને દિલ્હી આ ત્રણેય રેલવે સ્ટેશનોનો પુન:વિકાસ પીપીપી મોડેલને બદલે એન્જિનિયરિંગ-પ્રોકુરમેન્ટ-કન્ટ્રકશન (ઇપીસી) મોડેલ અનુસાર કરાશે. જેના કારણે યાત્રીઓ પર વધારાનો બોજ પડશે નહીં.
આ રેલવે સ્ટેશનોની ડિઝાઇન સિટીસ્કેપને અનુરૂપ કરાશે ેજેથી તે શહેરનો અભિન્ન ભાગ બની રહે. પ્રથમ તબક્કામાં દૈનિક ૫૦ લાખ યાત્રીઓની અવરજવર ધરાવતા ૧૯૯ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે. ૪૭ સ્ટેશનોના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. નવી દિલ્હીના રેલવે સ્ટેશનનું પુન:વિકાસ સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બાકીના બે રેલવે સ્ટેશનનું પુન:વિકાસનું કાર્ય અઢી વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે. સ્ટેશનનોના આધુનિકીકરણ પાછળ કુલ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
શક્ય હશે એ તમામ રેલવે સ્ટેશનોમાં ફૂડ કોર્ટ, વેઇટિંગ લોન્જ, બાળકો માટે પ્લેયિંગ એરિયા, સ્થાનિક વસ્તુઓના વેચાણ માટેની જગ્યા જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે. અમદાવાદના રેલવે સ્ટેશનની ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરના આધારે તૈયાર કરવામાં આવી રહી છે.
આમ ભારતીય રેલવેનો વિકાસ સુપર સ્પીડે ચાલુ થઈ ગયો છે. બીજા અનેક સુધારા પણ વિચારાધીન છે.