કઈ રીતે કામાખ્યામાં શરૂ થઈ વામાચાર સાધનાપ્રથા?

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
કઈ રીતે કામાખ્યામાં શરૂ થઈ વામાચાર સાધનાપ્રથા? 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- નરકાસુરના વધ બાદ ગ્રામીણો અને દેવતાઓએ મહર્ષિ વશિષ્ઠને વિનંતી કરી કે મા કામાખ્યાને પુનઃ નીલાચલ ક્ષેત્રમાં સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે...

ગ યા અંકમાં જોયું કે નરકાસુર સાથે થયેલી પ્રપંચલીલાને કારણે તે મા કામાખ્યા પર અત્યંત ક્રોધિત થઈ ગયો. મહામાયા સાથે વિવાહ કરવાની તેની ઈચ્છા ધૂળધાણી થઈ ગઈ. એક સમયે કામાખ્યાનો ભક્ત રહી ચૂકેલો નરકાસુર હવે પ્રતિશોધની જ્વાળામાં સળગી રહ્યો હતો. તેણે એકઝાટકે કામાખ્યાની પૂજા-અર્ચના પર રોક લગાવી દીધી. સમસ્ત પ્રજા તો પહેલેથી જ તેનાથી ત્રસ્ત હતી અને હવે મા કામાખ્યાના મંદિરમાં પ્રવેશબંધ થઈ જવાથી તેઓ વધુ પરેશાન થવા માંડયા. એમના તો ઈષ્ટદેવીને જ છીનવી લેવામાં આવ્યા! પરંતુ રાજા સામે મોં ખોલવાની હિંમત તો કોણ કરે?

ઘણાં વર્ષો સુધી આવું ચાલ્યું, પરંતુ આદિશક્તિની વિશેષતા એ રહી છે કે જ્યારે જ્યારે કોઈક દુષ્ટે એમનાં ભક્તોને પૂજા-અર્ચનાથી દૂર કરવાની કોશિશ કરી, ત્યારે ત્યારે માતાએ પોતાનો પરચો દેખાડયો છે. એક દિવસ મહર્ષિ વશિષ્ઠ મા કામાખ્યાની સાધના કરવા માટે નીલાચલ પર્વત પર પહોંચ્યા. નરકાસુરના સૈનિકોએ એમનો માર્ગ રોક્યો અને મંદિરમાં જવાની મનાઈ ફરમાવી દીધી. મહર્ષિ વશિષ્ઠે શરૂઆતમાં પ્રેમથી સમજાવવાની કોશિશ કરી કે એક વૈદિક ઋષિને આ રીતે મંદિરમાં પ્રવેશ કરતા રોકવા એ ઘોર પાપ છે! પરંતુ સૈનિકોને નરકાસુર તરફથી સ્પષ્ટ આદેશ મળ્યો હતો કે એકપણ વ્યક્તિને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મંજૂરી ન આપવી!

આખરે મહર્ષિ વશિષ્ઠ નરકાસુરના દરબારમાં પહોંચ્યા. ક્રોધથી તપ્ત, લાલચોળ આંખો સાથે એમણે નરકાસુરને એના આ દુઃસાહસ પાછળનું કારણ જણાવવા કહ્યું. નરકાસુરને હજુ પણ અક્કલ ન આવી કે તે કોની સામે બાથ ભીડી રહ્યો છે! તેણે અપમાનજનક શબ્દો સાથે મહર્ષિને કામાખ્યા-સાધના કરવાની મનાઈ ફરમાવી દીધી. અંતે, સંયમની પાળ તૂટી જતાં મહર્ષિએ કમંડળમાંથી જળ લઈને નરકાસુરને શાપ આપતાં કહ્યું કે, 'આજથી મા કામાખ્યા નીલાચલ ક્ષેત્રમાં નિવાસ નહીં કરે. સપરિવાર તેઓ કામરૂપ દેશ છોડીને ગમન કરશે. તને સત્તાનું અભિમાન છે ને? તું વિષ્ણુનો પુત્ર છે ને? દુષ્ટ, હું તને શાપ આપું છું કે સ્વયં ભગવાન વિષ્ણુનો એક અવતાર તારો વધ કરશે! જ્યાં સુધી તું આ ક્ષેત્ર પર રાજ કરીશ, ત્યાં સુધી મા કામાખ્યા એમના મૂળ સ્થાન પર પરત નહીં ફરે!'

આટલું કહીને મહર્ષિ વશિષ્ઠ આક્રોશભેર દરબારમાંથી રવાના થઈ ગયા. નરકાસુરને હજુ પણ એમની વાત પર ભરોસો નહોતો બેઠો. દોડીને તે નીલાચલ પર્વત પર માતાના મંદિરમાં ગયો. જઈને જુએ છે તો મા કામાખ્યાની બ્રહ્માંડયોનિ તથા કામેશ્વર-કામેશ્વરી અને દસ મહાવિદ્યાઓ સહિત મા અદ્રશ્ય થઈ ચૂક્યાં છે. સમથળ જમીન સિવાય હવે ત્યાં બીજું કશું નહોતું બચ્યું!

તંત્રશાસ્ત્રો જણાવે છે કે નરકાસુરના વધ બાદ ગ્રામીણો અને દેવતાઓએ મહર્ષિ વશિષ્ઠને વિનંતી કરી કે મા કામાખ્યાને પુનઃ નીલાચલ ક્ષેત્રમાં સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. એમણે આપેલાં શાપનું નિવારણ કરીને મા કામાખ્યા હવે ફરી એક વખત ગર્ભગૃહમાં બ્રહ્માંડયોનિ સ્વરૂપે સ્થાપિત થાય, એવી સૌની ઈચ્છા છે. એ સમયે મહર્ષિએ કહ્યું કે એક વખત અપાયેલાં શાપના પ્રભાવને દૂર કરવો સંભવ નથી, પરંતુ ઉપાય ચોક્કસપણે આપી શકાય છે.

એમણે જણાવ્યું કે હવે મા કામાખ્યા ત્યારે જ નીલાચલ ક્ષેત્ર પર પરત ફરશે, જ્યારે અહીં વામાચાર તંત્રસાધનાથી એમની ભક્તિ કરવામાં આવે! પંચમકાર - માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, મદિરા - ના આધારે વામાચાર માર્ગે જ્યારે એમની ઉપાસના કરવામાં આવશે, ત્યારે મા પ્રસન્ન થશે.

બસ, આ સમયથી કામાખ્યામાં વામાચાર તંત્રસાધના શરૂ થઈ હોવાનું કથન શાસ્ત્રોમાં મળી આવે છે. સ્થાનિકોના મત મુજબ, સદીઓ પહેલાં અહીં જે આદિવાસી લોકો રહેતાં હતાં, એમણે કામાખ્યા માતાને પ્રસન્ન કરવા માટે બલિપ્રથા શરૂ કરી હોય એ પણ શક્ય છે. આજની તારીખે મા કામાખ્યાના પ્રાંગણની બરાબર પાછળ 'બલિઘર' છે, જ્યાં દરરોજ બલિ આપવામાં આવે છે. અલબત્ત, આ લખનાર બલિપ્રથાનો વિરોધી છે. અંગત સ્વાર્થ માટે કદી નિર્દોષ પશુનો જીવ ન જ લઈ શકાય. ગમે એટલા હુલામણાં નામો, વ્યાખ્યાઓ-પરિભાષાઓ કે સમજૂતીઓ આપવાથી આવા દુષ્કૃત્યને ક્યારેય યોગ્ય ન ઠેરવી શકાય.

ખેર, મુદ્દો એ છે કે મહર્ષિ વશિષ્ઠના શાપ પ્રમાણે નરકાસુરનો વધ વિષ્ણુ-અવતાર દ્વારા થવાનો હતો. એ વિષ્ણુ-અવતાર હતા, સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ! શા માટે કૃષ્ણનો સીધો સંબંધ તંત્રજગત સાથે છે, એ અંગે આવતાં અંકે વિગતવાર ચર્ચા કરીશું.


Google NewsGoogle News