મોહમ્મદ- સાબિત્રીનું સેવાકાર્ય .

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
મોહમ્મદ- સાબિત્રીનું સેવાકાર્ય                            . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- મોહમ્મદ વોહાબ કહે છે કે આ કામ માટે ડૉક્ટરો અને તેની ટીમને વેતન આપવામાં આવે છે, જેથી આ સેવા ચાલુ રહે અને દર્દીઓને મુશ્કેલી ન પડે

કૉલકાતાવાસીઓ આજેય ૧૯૭૮ની ૨૭મી સપ્ટેમ્બરે આવેલા પ્રચંડ પૂરને ભૂલ્યા નથી. એ દિવસે પંદરથી સોળ ઈંચ વરસાદ થયો હતો. હજારો લોકો ભયાવહ પૂરમાં મૃત્યુ પામ્યા અને કેટલાય ઘરબાર વિહોણા બની ગયા. આવી પરિસ્થિતિ વચ્ચે સ્વીટ્ઝર્લેન્ડથી રાહતકાર્ય માટે નર્સ ગ્રેેન્ડજીન ગેસ્ટન હોડી ચલાવીને ફૂડ પૅકેેટ વહેંચી રહી હતી. આ દ્રશ્ય જોઈને વકીલ મોહમ્મદ અબ્દુલ વોહાબ પોતાના વતન ૨૪ પરગણાના ભાંગર ગામમાં પાછા ફર્યા અને ત્યાંના સમુદાયને મદદ કરવાનો નિર્ણય કર્યો. એમાં એમને શિક્ષક સાબિત્રી પાલનો સાથ મળ્યો. પૂરનાં પાણી ઓસરી ગયા પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. મોહમ્મદ વોહાબ કહે છે કે, 'ટી.બી.ને કારણે લોકો મારી નજર સામે મૃત્યુ પામી રહ્યા હતા.' આસપાસના લોકો સાથે વાત કરતાં ખબર પડી કે ટી.બી.નાં લક્ષણો દેખાયા પછી પણ પચાસ ટકા લોકો ડાક્ટરી તપાસ કરાવતા નથી. એ સમયે સુંદરવનમાં માત્ર ત્રણ ડૉક્ટર હતા અને ત્રણ લાખથી વધારે દર્દીઓ હતા.

કોલકાતાના ડૉક્ટરો નિઃશુલ્ક દવાઓ વહેંચી રહ્યા હતા. તેની ખબર પડતાં કૉલકાતાથી તેઓ દવાઓ લઈ આવ્યા અને ચાની દુકાન ચલાવતી વ્યક્તિએ એક નાનકડી રૂમ આપી હતી. ત્યાં દવાઓ રાખતા હતા. સુંદરબનના દ્વીપના લોકો ટી.બી., ઉધરસ અને તાવની દવાઓ તેમની પાસેથી મેળવતા હતા. દર્દીઓની સંખ્યા વધતી ગઈ અને તેમાંથી ૧૯૮૦માં સાઉધર્ન હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ સમિતિ (શિસ ફાઉન્ડેશન)ની સ્થાપના થઈ. તે સમયે ફ્રેંચ લેખક ડોમિનિક લેપિયર તેમની આગામી નવલકથા માટે ગેસ્ટનના જીવનનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા. જ્યારે ગેસ્ટને મોહમ્મદ વોહાબ અને સાબિત્રી પાલના કામ અંગે તેમને વાત કરી તો તેમના કામથી પ્રભાવિત થઈને એમણે મેડિકલ સાધનોથી સજ્જ ચાર બૉટ અને બે એમ્બ્યુલન્સ ભેટમાં આપી. એ રીતે શિસ ફાઉન્ડેશન દ્વારા બૉટ ક્લિનિકનો જન્મ થયો.

વિશ્વના સૌથી વિશાળ મેંગ્રોવ જંગલોમાંનું એક સુંદરબન છે ત્યાં આ 'બૉટ ક્લિનિક' ચલાવવામાં આવે છે. દરેક બૉટમાં એક ડૉક્ટર, એક નર્સ, એક એક્સ-રે ટૅક્નિશિયન, એક લેબ ટૅક્નિશિયન અને એક ફાર્માસિસ્ટ હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ડૉ. અનવરુલ આલમ આની સાથે જોડાયેલા છે. તેમના કહેવા પ્રમાણે દર મહિને તેઓ આશરે ચોત્રીસથી પાંત્રીસ હજાર દર્દીઓની સારવાર કરે છે. કુલ ચાર બૉટ છે. દર અઠવાડિયે સુંદરબનના ત્રીસ દ્વીપોને આવરી લેવાય તે રીતે તેનો કાર્યક્રમ દર સોમવારે નક્કી કરવામાં આવે છે, જેમાં ઉત્તરના છ બ્લોક અને દક્ષિણના તેર બ્લોકનો સમાવેશ કરવામાં આવે છે. રવિવારે અન્ય જરૂરિયાતો અને દવાઓ વગેરે લેવા માટે રજા રાખવામાં આવે છે. 

બૉટ ક્લિનિકમાં જગ્યા ઓછી હોય છે, કારણ કે તેમાં બે પથારી, એક મોબાઈલ એક્સ-રે, એક નાનું પેથોલોજી યુનિટ, એક મેડિકલ સ્ટોર રૂમ અને ઓક્સીજન સિલિન્ડર હોય છે. પરિણામે કોઈ ગંભીર સારવાર થઈ શકતી નથી. તેને માટે તો દર્દીને હોસ્પિટલમાં જવું પડે છે, પરંતુ આવી ભૌગોલિક સ્થિતિમાં બાટ ક્લિનિક એક માત્ર વિકલ્પ છે અને અહીં સામાન્ય રોગોનો ઈલાજ થઈ શકે છે. તેમજ અન્ય રોગ માટે માર્ગદર્શન મળી શકે છે. સૌથી વધુ કેસ ગર્ભાવસ્થાના હોય છે. કોઈને વાગ્યું હોય તો ટાંકા લેવા પડે, ગર્ભનિરોધક સાધનો માટે માર્ગદર્શન આપવાનું આવે કે એન્ટીબાયોટિક દવાઓ આપવાની હોય છે. અત્યાર સુધીમાં આશરે આઠ લાખ લોકોને મદદ કરવામાં આવી છે. એક લાખ ચાલીસ હજાર હેક્ટરમાં ફેલાયેલા સુંદરબન મેંગ્રોવ વનમાં લોકોને આવવા-જવામાં ઘણી મુશ્કેલી પડે છે, તેથી જ મેડિકલ સારવાર લોકોના દરવાજા સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો.

આટલા વર્ષોમાં શિસ ફાઉન્ડેશને પોતાના કાર્યોનો ઘણો વિસ્તાર કર્યો છે. ટી.બી. નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ડૉટ્સ (ડાયરેક્ટલી ઓબ્ઝર્વ્ડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ)ના માધ્યમથી ટી.બી. નિદાન અને ઉપચારમાં ઘણો સુધારો થયો છે. ચાળીસ હજારથી વધુ દર્દીઓને ટી.બી. નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. આ ઉપરાંત સામુદાયિક પ્રસૂતિ કેન્દ્ર ચલાવે છે, જેના દ્વારા ગર્ભવતી મહિલાઓ સુરક્ષિત અને પોષણયુક્ત વાતાવરણમાં બાળકને જન્મ આપી શકે. અત્યારે સંદેશખલીમાં ૅ બૅયરમારીમાં, કાકદ્વીપ બ્લોકમાં જુમેનાસ્કરમાં અને પાથરપ્રતિમા બ્લોકમાં રાખલપુરમાં - એમ ત્રણ પ્રસૂતિકેન્દ્રો ચાલે છે. આંખની હોસ્પિટલમાં આંખોની સારવાર આપવામાં આવે છે. ફાઉન્ડેશને ચુમ્માળીસ ડાકુઓ અને ચોરોને પુનર્વસન કરીને કૌશલ્ય વિકાસમાં તેમને સામેલ કર્યા છે. સ્વયં સહાયતા સમૂહ શરૂ કરવા માટે મહિલાઓને લોન આપવામાં આવે છે. મૂંગા બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. છોકરીઓને શિક્ષણ આપવા માટેનું કેન્દ્ર છે. અત્યાર સુધીમાં સાતસોથી વધારે બાળકોને અભ્યાસમાં મદદ કરી છે, જેમાંથી ઘણાને સરકારી નોકરી પણ મળી ગઈ છે. ક્યારેક આર્થિક ફંડની અછત તો ક્યારેક ખરાબ વાતાવરણ જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે ૭૯ વર્ષના મોહમ્મદ વોહાબ અને સાબિત્રી પાલનું સેવાકાર્ય અવિરત ચાલુ છે. સેવાને ક્યાં કોઈ ધર્મના સીમાડા હોય છે !

માધવીનો વાચનયજ્ઞા

મોહમ્મદ- સાબિત્રીનું સેવાકાર્ય                            . 2 - imageઅં તરિયાળ ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં એક છોકરી વાર્તાની ચોપડી વાંચી રહી હતી અને તેની આંખમાંથી આંસુ વહેતા હતા. તે જોઈને માધવી શર્મા તેની પાસે ગઈ. તેણે જોયું કે તે સિન્ડ્રેલાની વાર્તા વાંચતી હતી. માધવીએ તેની ઉદાસીનું કારણ પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે, 'મને તો આવો ડ્રેસ હોય છે તેની જ ખબર નથી.' આ સાંભળીને માધવી શર્માને લાગ્યું કે એ હકીકતમાં જીવનના સાચા પથ પર છે. પુસ્તકના માધ્યમથી બાળકો વિશ્વ સાથે જોડાય છે અને તેઓ જે નથી જાણતા તેવી સ્વપ્નસૃષ્ટિમાં પુસ્તકો તેને લઈ જાય છે. ફૂડ ફોર થોટ ફાઉન્ડેશનના સહસ્થાપક માધવી શર્માના જીવનનું લક્ષ્ય છે સમગ્ર ભારતમાં જ્યાં જરૂર હોય ત્યાં વાચકો અને પુસ્તકો વચ્ચે અંતર ઘટાડવાનું. તેણે હૈદરાબાદમાં ૨૦૧૫માં આ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. એક હેવાલ પ્રમાણે ભારતમાં આશરે એકત્રીસ કરોડ લોકો સુધી પુસ્તકો પહોંચતા નથી.

માધવી શર્માનું માનવું છે કે આપણી આસપાસ શિક્ષણ પર વધુ ધ્યાન આપવામાં આવે છે, પરંતુ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ વિકાસ ન થાય, દેશને સારો નાગરિક ન મળે તો દેશની ઝડપથી પ્રગતિ નહીં થઈ શકે. તેથી નાની ઉંમરથી જ બાળકોને વાંચવાની ટેવ પાડવી જોઈએ. જેનાથી તેઓ માહિતીસમૃદ્ધ તો બને, પરંતુ જ્ઞાાાનવર્ધક સમાજ ઊભો થાય અને ઝડપથી પ્રગતિ સાધી શકે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગની સરકારી સ્કૂલોમાં લાઇબ્રેરીનો ખ્યાલ નથી અને તેને માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે વાચન માટેનો ખંડ પણ નથી. પરિણામે જ્યારે આ બાળકો શહેરમાં અભ્યાસ માટે આવે છે ત્યારે તેઓ નવા વાતાવરણમાં તરત ગોઠવાઈ શકતા નથી. એમને સંઘર્ષ કરવો પડે છે. પુસ્તક વાચન માત્ર તમારા જ્ઞાાનની ક્ષિતિજોને જ વિસ્તારતું નથી, પરંતુ ભાષાકૌશલ, સર્જનાત્મકતા અને સમીક્ષાત્મક ચિંતનના વિકાસમાં પણ ફાળો આપે છે. તેનાથી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે છે અને જીવનની દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. સ્કૂલમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓ પણ પુસ્તકવાચનથી પોતાની જાતને શિક્ષિત કરી શકે છે.

જ્યાં લાઇબ્રેરી ન હોય એવી સ્કૂલમાં કે ગામમાં કોમ્યુનિટી લાઇબ્રેેરી શરૂ કરે છે. તેની સાથે બીજું કામ એ કરે છે કે બાળકોને વાંચવાની ટેવ ન હોવાથી તેમને વાંચવામાં મદદ કરે છે. બાળકોએ શું વાંચવું અને કેમ વાંચવું, તે સ્વયંસેવકો દ્વારા શીખવવામાં આવે છે. લાઇબ્રેરીની ડિઝાઇન એવી છે કે તેઓ સ્કૂલમાં બસો પુસ્તક આપે છે. સ્કૂલમાં આચાર્ય  સાથે વાતચીત કરીને માહિતી મેળવે છે કે સ્કૂલમાં લાઇબ્રેરી છે કે નહીં ? કેવા પ્રકારનાં પુસ્તકો છે ? બાળકો કઈ ભાષા જાણે છે ? કયા ધોરણનાં બાળકો વાંચે છે ? એના પરથી ત્યાં કેવાં પ્રકારનાં પુસ્તકો આપવા જોઈએ તે નક્કી કરે છે. તેમનો પ્રયત્ન એવો હોય છે કે દરેક સ્કૂલમાં દરેક પ્રકારના અર્થાત્ વાર્તા, નવલકથા, આત્મકથા, કવિતા, સામાન્ય જ્ઞાાનના પુસ્તકો આપવા. તેની પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થી વાંચશે નહીં ત્યાં સુધી એને કંઈ ખબર જ નહીં પડે.

એક વખત લાઇબ્રેરી શરૂ થાય પછી તેનું મોનીટરીંગ કરે છે. બાળકો વાંચે છે કે નહીં ? કયા પ્રકારનાં પુસ્તકો વાંચે છે ? તેના ફોટા પાડીને ત્રણ મહિને એનો રીપોર્ટ તૈયાર કરે છે. ઘણી જગ્યા તો એવી છે કે લાઇબ્રેરી કોને કહેવાય તેની જ ખબર નથી. હિન્દી-અંગ્રેજી સિવાય પચાસ પુસ્તકો પ્રાદેશિક ભાષાના હોય છે. અંગ્રેજીમાં ચાર લેવલનાં પુસ્તકો રાખે છે, જેમાં મોટી તસવીરો અને એક-બે લીટીનું લખાણ. એ પછી બીજા લેવલમાં અડધા પાનાનું ચિત્ર અને ચાર લીટીનું લખાણ. ત્યારબાદ ચિત્ર નાનું અને બાર-તેર લીટીનું લખાણ અને ચોથા લેવલમાં તો વાર્તા કે નવલકથા હોય અને ચિત્ર બહુ થોડા અથવા ન પણ હોય, જેથી વિદ્યાર્થી રસપૂર્વક વાંચે. દર મહિને સ્કૂલના આચાર્ય સાથે મિટિંગ કરે છે, જેથી વાંચનારા વિદ્યાર્થીઓ અને પુસ્તકોની સંખ્યાનો ખ્યાલ આવે. આચાર્યોને કોઈ મુશ્કેલી પડતી હોય તો તેઓ પણ જણાવી શકે છે. સૌથી મોટી મુશ્કેલી પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકો મેળવવાની પડે છે, પરંતુ નેશનલ બુક ટ્ર્રસ્ટ સાથે ફાઉન્ડેશનનું જોડાણ હોવાથી તે મળી જાય છે.

ફાઉન્ડેશન સરેરાશ પાંચ હજાર પુસ્તકોનો સ્ટોક જાળવી રાખે છે. જો પુસ્તકો ઓછાં થાય તો ફેસબુક પર કે રૂબરૂ સંપર્ક સાધીને પુસ્તકો મેળવવાનું અભિયાન ચલાવવામાં આવે છે. સ્વયંસેવકો પુસ્તકો એકઠાં કરે છે. વ્યક્તિગત રીતે પુસ્તકો દાનમાં આવે છે. તેને રજીસ્ટર્ડ કરીને બારકોડ આપે છે, દાતાને પાસવર્ડ આપે છે, તે લોગઈન થઈને જોઈ શકે કે તેમણે દાનમાં આપેલ પુસ્તક કઈ લાઇબ્રેેરીમાં કોણ વાંચી રહ્યું છે ? દાતાને પણ આનંદ થાય કે તેમનાં પુસ્તકો યોગ્ય જગ્યાએ જાય છે. ધીમે ધીમે આવું નેટવર્ક બનતા પુસ્તકો મળી રહ્યા છે. દુઃખ તો પ્રાદેશિક ભાષાના પુસ્તકો મળતા નથી, ત્યારે અપીલ કરવી પડે છે કે વ્યક્તિ તેના જન્મદિવસે કે શુભ પ્રસંગે એકસો પુસ્તકો ખરીદીને દાન કરે. ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં રીડિંગ ઓલિમ્પિયાડ, શહેરોમાં રીડિંગ ડેકેથ્લોન અને સ્કૂલોમાં ક્વીઝ યોજીને પણ પુસ્તકો મેળવે છે. અત્યાર સુધીમાં ૪૨૫ દાતાઓ પાસેથી સિત્તેર હજારથી વધુ પુસ્તકો મળ્યા છે. દાદા-દાદી પાસેથી સાંભળેલી વાર્તાઓ કે લોકકથાઓ જે પુસ્તકોમાં નથી તેનું રેકોર્ડિંગ કરે છે. આઠ ભાષાની પાંચસો એક વાર્તા યુટયૂબ ચેનલ પર મળે છે. અત્યાર સુધીમાં ૫૫૭ સ્કૂલ લાઇબ્રેરી અને ૬૫ કોમ્યુનિટી લાઇબ્રેરી શરૂ કરનાર માધવી શર્માની ઇચ્છા દર અઠવાડિયે એક સ્કૂલમાં અને એક કોમ્યુનિટી લાઇબ્રેેરી શરૂ કરવાની છે. જેલ, હોસ્પિટલ, વોકેશનલ સેન્ટર ઉપરાંત રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં લાઇબ્રેરી શરૂ કરવાની ઇચ્છા છે. સૌથી મહત્ત્વનું તો લોકો આ કામમાં સાથે જોડાય અને વાચનના મહત્ત્વને સમજે તે છે.


Google NewsGoogle News