જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમનાં કોમળ પુષ્પનું!

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમનાં કોમળ પુષ્પનું! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ઈવા બુ્રનને જર્મનીનો મહિલા સમાજ એક પાગલ પ્રેમિકા તરીકે ઓળખે છે. એક સરમુખત્યારના કઠોર જીવનથી માંડીને એના અંતિમ સમય સુધી ઈવા બુ્રને હિટલરને સાથ આપ્યો...

જ માનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં હિટલરની સાથે તેની પ્રેમિકા અને પછી પત્ની એવી ઈવા બુ્રનને જર્મન પ્રજાએ એક અનોખી અંજલિ આપી છે અને તે એ કે એક કઠોર માનવીને જો એક સ્ત્રી પ્રેમ કરે તો એનો કેવો અંજામ આવે છે. કોઈ એના અતુટ પ્રેમને યાદ કરે છે, તો કોઈ એના કરૂણ અંજામને જોઈને આંસુ સારે છે.

ઍડોલ્ફ હિટલરની જીવનભરની પ્રેમિકા અને લગ્ન પછી માત્ર ચાલીસ કલાકનું દામ્પત્યજીવન પામનારી સાયનાઈડ લઈને આત્મહત્યા કરનારી પત્ની ઈવા બુ્રનને જર્મનીનો મહિલા સમાજ એક અનોખી પાગલ પ્રેમિકા તરીકે ઓળખે છે. એક સરમુખત્યારના કઠોર જીવનથી માંડીને એના અંતિમ સમય સુધી ઈવા બુ્રને હિટલરને સાથ આપ્યો.

ઈવા બુ્રનને એના જીવનથી અંત સુધી જીવનમાં સખ્તાઈભર્યા પુરુષો સાથે જ પનારો પડયો. નિશાળના શિક્ષક એવા એના પિતા ઘરમાં પણ સોટી અને સખ્તાઈ સાથે વર્તતા હતા. એની માતાએ છૂટાછેડા લીધા હતા, પરંતુ યુદ્ધમાં સપડાયેલા જર્મનીના ફુગાવાને કારણે આર્થિક અવલંબન માટે દોઢેક વર્ષ અલગ રહ્યા પછી સાથે રહેવા લાગ્યા હતા. એ જ સખ્તાઈનો અનુભવ ઈવા બુ્રનને જર્મનીના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલર સાથેના પ્રેમસબંધોમાં થયો. કોન્વેન્ટની વિદ્યાર્થિની ઈવા બુ્રને સત્તરમા વર્ષે મ્યુનિકમાં હેન્રિચ હોફમનને ત્યાં મૉડેલ અને મદદનીશ તરીકે કામગીરી શરૂ કરી. આ હૉફમન હિટલરના નાઝી પક્ષનો સત્તાવાર તસવીરકાર હતો.

ઈવા બુ્રન અને ઍડોલ્ફ હિટલરની પહેલી મુલાકાત સ્ટુડિયોમાં થઈ. ઈવા બુ્રન શોપ આસિસ્ટન્ટ અને સેલ્સ ક્લાર્ક તરીકે જોડાઈ હતી, પણ થોડા જ સમયમાં એ કેમેરાનો કસબ અને ફોટા ડેવલપ કરવાનું શીખી ગઈ હતી. એ સમયે હિટલર ચાલીસ વર્ષનો હતો. પણ ઈવા એને જોઈને પ્રથમ નજરે જ એના પ્રેમમાં દિવાની બની ગઈ. હિટલર એની ઉપેક્ષા કરતો, પણ ઈવાએ એને એકધારો પ્રેમ આપવાનું ચાલુ રાખ્યું. ૨૩ વર્ષની ઈવાએ ૧૯૩૫ની છઠ્ઠી ફેબુ્રઆરીએ લખેલી બાવીસ પૃષ્ઠોની ડાયરી મળી છે. વિશ્વયુદ્ધ પછી મળેલી ઈવાની આ ડાયરીમાં એમના પ્રેમસંબંધના પ્રારંભે ઍડોલ્ફ હિટલરના વર્તાવ અંગેની ઘણી કઠોર અને થોડી કમનીય ઘટનાઓનું આલેખન મળે છે.

મજાની વાત એ છે કે ૧૯૩૫ની છઠ્ઠી ફેબુ્રઆરીએ પોતાના ત્રેવીસમા જન્મદિવસે ઈવાએ આ ડાયરી લખવાનું શરૂ કર્યું અને ૨૮મી મે સુધી પોતાના હૃદયની વાત ઈવાએ એની આ ડાયરીમાં આલેખી છે. સ્નેહસંબંધ બાદ હિટલર એને મળવા આવ્યો ત્યારે પૂછયું પણ નહોતું કે એના જન્મદિવસે એના માટે કઈ ભેટ લાવું ? પરિણામે ઈવાએ જાતે જ પોતાને માટે ઍરિંગ, નેકલેસ અને મેચિંગ રીંગ ખરીદ્યાં. જેની કિંમત થઈ પચાસ માર્ક. ઈવા વિચારે છે કે હિટલરને આ પસંદ પડશે, પણ સાથે એમ પણ વિચારે છે કે એને પસંદ પડે નહીં તો શું થયું ? ઍડોલ્ફે પોતાની પસંદગીની ભેટ લાવવી જોઈએ ને !

એ ઘણીવાર હિટલર સાથે સમય પસાર કરે છે, પણ ક્યારેક હિટલર એની સામે નજર સુદ્ધાં નાખતો નથી, એટલું જ નહીં પણ ઈવાનું હૃદય એટલે આઘાત અનુભવે છે કે તે ટ્રેનમાં બેસે છે, ત્યારે હિટલર એને ગુડબાય પણ કહેતો નથી ! સરમુખત્યારની નિષ્ઠુરતા એના હૃદયને કોરી ખાય છે.

૧૯૩૫ની પહેલી એપ્રિલે હિટલર અને ઈવા ત્રણ કલાક સાથે બેસીને ભોજન લે છે, પણ હિટલર એક શબ્દ ઉચ્ચારતો નથી. ઊઠતી વખતે હિટલર એને પૈસા ભરેલું કવર આપે છે, ત્યારે ઈવા વિચારે છે કે એના કરતાં એને થોડાં પ્રેમભર્યાં શબ્દો લખીને આપ્યા હોત તો સારું થાત ! ઘણીવાર હિટલર એને મળવાની મનાઈ ફરમાવે છે. જાણે હિટલરની યોજનાઓમાં ઈવાના પ્રેમનો સાવ એકડો નીકળી ગયો હોય તેમ !

૧૯૩૨માં ઈવાએ હિટલરને મેળવવાના ગંભીર પ્રયાસરૂપે આત્મહત્યા કરવાની કોશિશ કરી. ૧૯૩૫ની ૨૮મી મેએ એણે નક્કી કર્યું કે એના પત્રનો હિટલર સાંજ સુધીમાં ઉત્તર નહીં આપે, તો એ ઉંઘની પચીસ ગોળીઓ લઈને ચિરનિદ્રામાં પોઢી જશે અને સદાને માટે બીજી દુનિયામાં ચાલી જશે. એણે પચીસ સ્લિપીંગ પીલ્સ લીધી, પણ તે ઉગરી ગઈ. એથીય વધુ એનું આ આત્યંતિક ઘેલછાભર્યું પગલું સફળ થયું અને હિટલરે એના પ્રેમનો સ્વીકાર કરીને એને માટે મ્યુનિકમાં એક મકાન ખરીદ્યું.

બેવેરિયન આલ્પ્સમાં પર્વતીય ઊંચાઈએ આવેલા એક રિટ્રીટમાં હિટલરે ઈવા બુ્રનને રાખી, પરંતુ એણે સતત એ ધ્યાન રાખ્યું કે જર્મન પ્રજાને આની જાણ ન થાય. મજાની વાત એ છે કે હિટલર જ્યારે આખી દુનિયાને ધૂ્રજાવતો હતો અને અનેક રાજકીય દાવપેચો ખેલતો હતો, ત્યારે સામે પક્ષે એની પ્રિયતમા ઈવા બુ્રનને રાજકારણમાં સહેજેય રસ નહોતો. વર્તમાન પરિસ્થિતિ જાણવામાં કે હિટલરના સામ્રાજ્યમાં કોઈ રસ નહોતો. રાજપુરુષો સાથેની ગોષ્ઠી સમયે એ બીજા ખંડમાં રહેતી. હિટલર પણ એને આવી બાબતોથી દૂર રાખતો હતો. એ પોતાનો મોટા ભાગનો સમય ફિલ્મ જોવામાં, રોમેન્ટિક નવલકથાઓ વાંચવામાં અને બે સ્કોટિશ કૂતરાઓ સાથે લાંબી લટાર લગાવવામાં પસાર કરતી હતી. જોકે હિટલરના બ્રોન્ડી નામના કૂતરાથી પોતાના કૂતરાઓને દૂર રાખતી હતી. હિટલરને ઈવા બુ્રનની કેટલીક બાબતો નાપસંદ પણ હતી. ઈવા બુ્રન ધૂમ્રપાન કરતી હતી તે એને સહેજે ગમતું નહતું એ જ રીતે ઈવા 

મેક-અપ કરતા હતી તે પણ આ સરમુખત્યારને પસંદ નહતું.

૧૯૪૪માં હિટલરને જાન લેવાનો પ્રયત્ન થયો. જર્મન લશ્કરમાં રહેલા એના છૂપા વિરોધીઓએ કેટલાક કાવતરાંઓ કર્યા હતાં, પણ આ બધામાંથી હિટલર બચી ગયો. આ સમયે ઈવાએ એને પત્રમાં લખ્યું, ''આપણા પ્રથમ મિલન સમયે મેં નક્કી કર્યું હતું કે હું તમને અનુસરીશ. જો મૃત્યુ આવે તો ત્યાં પણ તમને અનુસરીશ. તમે જાણો છો કે મારું આખું જીવન તમારા પ્રેમમાં સમાયેલું છે.''

ઈવાના આ શબ્દો સાચા ઠર્યા. ૧૯૪૫માં જ્યારે રશિયા, ફ્રાન્સ અને બ્રિટનનાં લશ્કરો બર્લિન તરફ આગળ વધતા હતા, ત્યારે હિટલરના એક સાથીએ ઈવાને યુદ્ધ બાદ કોઈ સ્થળે છુપાઈ જવાની સલાહ આપી, ત્યારે ઈવા બુ્રને ઉત્તર આપ્યો, 'તમે એમ માનો છો કે હું એમને એકલા મૃત્યુ પામવા દઈશ ? છેલ્લી ઘડી સુધી એમની સાથે રહીશ.' છેલ્લા દિવસોમાં ઈવા એની સાથે ભોંયરામાં રહેવા ગઈ. પોતાના વિશ્વાસુ સેનાપતિઓ સાથે બર્લિનના બૉમ્બપ્રૂફ ભોંયરામાં રહીને હિટલર યુદ્ધનું સંચાલન કરતો હતો.

૧૯૪૫ની ૨૯મી એપ્રિલે ૫૬ વર્ષના હિટલરે યુદ્ધના વાતાવરણ વચ્ચે ૩૩ વર્ષની પ્રિયતમા ઈવા સાથે લગ્ન કર્યા. તદ્દન સાદી વિધિથી આ લગ્ન થયા. બીજી દિવસે બપોરે સાડા ત્રણ વાગે એમના બેઠક ખંડમાં બહારથી દુશ્મનની બંદૂકની ગોળી આવી. હિટલર ભાંગી પડયો હતો. એ આત્મહત્યા કરવા ચાહતો હતો. ઈવાએ સાઈનાઈટની ગોળી લીધી. હિટલરે પણ સાઈનાઈટની ગોળી લઈને પોતાના માથામાં ગોળી મારી. બંનેના મૃતદેહોને એમના સાથીઓએ બહાર ગાર્ડનમાં લાવીને પેટ્રોલથી બાળી નાખ્યા.

હિટલરના જીવનમાં સતત નાટયાત્મક બનાવો બનતા રહ્યા અને એનો અંત પણ એવી જ નાટયાત્મક રીતે આવ્યો, પણ ઈવાની દિવાનગી આ સરમુખત્યારના જીવનમાં પ્રેમની સુરખી ફેલાવી ગઈ.

મનઝરૂખો

ચાર વર્ષનો પુત્ર મગજના તાવની બીમારીમાં એવો તો સપડાયો કે શ્રીમાન એલ. જી. બિયાર્ડના માથે આફતનું આકાશ તૂટી પડયું. સારવાર માટે આ દંપતીએ પોતાના પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો. રોગનું નિદાન કરતા ડૉકટરો પણ શું નિશ્ચિતપણે કહી શકતા નહોતા. તેઓ માનતા હતા કે આ ચાર વર્ષના બાળકના મગજમાં તાવ એવી રીતે ઘૂસી ગયો છે કે જેને કારણે એના મગજમાં ગાંઠ થવાની સંભાવના છે અને જો મગજમાં ગાંઠ થઈ તો એને કોઈ બચાવી શકે તેમ નથી. એનું મૃત્યુ નિશ્ચિત છે.

શ્રી અને શ્રીમતી એલ. જી. બિયાર્ડ ડૉકટરને પૂછતાં પણ ખરાં કે, 'આવું બને તો બાળકની બચવાની શક્યતા કેટલી ?' ડૉકટરો કહેતા, 'આ પ્રકારના કેસમાં માત્ર ચારમાંથી એક જ બાળક જીવતું રહે છે. એનું મૃત્યુનું પ્રમાણ પંચોતેર ટકા છે.' આથી ડૉકટરે પણ કહ્યું કે, 'એ કોઈ બીજા સારા ડૉકટરને જાણતા હોત તો જરૂર એમની સલાહ લઈને તે મુજબ બાળકની સારવાર કરાવી શકે છે.' આ દંપતી સાવ ભાંગી પડયું. શ્રીમાન એલ. જી. બિયાર્ડ તો ધુ્રસકે ને ધુ્રસકે રડવા લાગ્યા. બંને એમના વહાલસોયા બાળકને ગુમાવવા ચાહતાં નહોતાં. હોસ્પિટલમાંથી મોટરમાં ઘેર જતા હતા ત્યારે રસ્તામાં એક ચર્ચ આવ્યું અને શ્રીમતી બિયાર્ડે કહ્યું, 'ચાલો, ચર્ચમાં જઈને પ્રાર્થના કરીએ.'

એમણે પ્રભુ સમક્ષ લઈને પ્રાર્થના કરી કે, 'હે પ્રભુ, તારી ઈચ્છા જ સર્વોપરી છે. તું જ બાળકને બચાવી શકે તેમ છે. આ શબ્દોની બંને પર એવી અસર થઈ કે એમના વ્યથિત મનને એક પ્રકારની સાંત્વના મળી. તેઓ ઘેર ગયા પહેલી વાર નિરાંતે ઊંઘી શક્યા અને પુત્રની સારવાર ચાલતી રહી.

થોડા દિવસ બાદ ડૉકટરનો ફોન આવ્યો, ''શ્રીમાન બિયાર્ડ ! '' તમે પ્રભુનો પાડ માનો કે તમારા પુત્રના મગજમાં તાવ ઘૂસી ગયો હોવા છતાં કોઈ ગાંઠ થઈ નથી. એ મોતમાંથી ઉગરી ગયો છે.

ક્ષણનો સાક્ષાત્કાર

ચોપાસ આપત્તિઓથી ઘેરાઈ ગયા હોઈએ, અણધાર્યા ઝંઝાવતો આપણા જીવનનાં મૂળિયાં ઉખેડી નાખવાની કોશિશ કરતા હોય. જ્યા નજર પડે ત્યાં અનિષ્ઠો ઊગી નીકળ્યાં હોય અને દુર્જનો મોજથી ભ્રષ્ટાચારનાં મધુર ફળ આસ્વાદી રહ્યા હોય, ત્યારે આપણી સ્થિતિ કેવી હોય છે? જીવન સતત રોજીરોટીની ફિકરમાં ગુજરતું હોય, નિશ્ચિત સમયમાં પૂરું કરવાનું ઓફિસનું કામ, પરિવારને સુગ્રથિત રાખીને કરવાની ગૃહસ્થીની સંભાળ, કૌટુંબિક જવાબદારીનો બોજ અને એમાંય જાણે કશું ઓછું હોય તેમ પારિવારીક કલહ-કંકાસ આ સઘળું આપણે અનુભવીએ છીએ. આવી ભયાવહ દુઃખદ પરિસ્થિતિમાં જવું ક્યાં ? જીવવું કઈ રીતે ? નિરાંતનો શ્વાસ કઈ રીતે લઈ શકીએ ? સહેલગાહે જઈએ, તો પણ સમસ્યાઓ પીછો છોડતી નથી. ખબર છે કે 'સ્ટ્રેસ' કે 'ડિપ્રેશન' ખતરનાક છે, પણ અનિચ્છાએ પણ એનાથી ઘેરાઈ ગયા છીએ એ હકીકત છે. તો સવાલ એ જાગે કે આ બધામાંથી ઉગરી જવાય એવી કોઈ સલામત જગા છે ખરી ? જરૂર, આપણી પાસે સૌથી સલામત જગા છે અને તે છે આ સઘળી જંજાળોથી મુક્ત એવો આપણો આત્મા. જરા દ્રશ્યજગતમાંથી ભીતરના અદ્રશ્યજગતમાં વસતા આત્મા પ્રત્યે આંખો ઠેરવીએ. બાહ્યપ્રવૃત્તિ અળગી કરીને આંતરિક પ્રવૃત્તિનો સામે ચાલીને સ્વીકાર કરીએ, બહારનાં બારણાં બંધ કરીને ભીતરના દ્વાર ખોલીએ, તો ત્યાં આત્મા મળશે. એની નિર્દોષતાની હિફાજત કરીએ. પેલી સઘળી ધમાલભરી પ્રવૃત્તિઓ આથમી જશે અને આત્મવિકાસની શાંત, સ્થિર અને આનંદમયી પ્રવૃત્તિ શરૂ થશે અને અહીં બાહ્ય જગતની જંજાળ તમારા આત્માના આનંદની એક કાંકરી પણ ખેરવી શકશે નહીં.


Google NewsGoogle News