પરીક્ષા કે પર્ચે પે ચર્ચા : પેપરો નહિ, માણસો ફૂટે છે!

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
પરીક્ષા કે પર્ચે પે ચર્ચા : પેપરો નહિ, માણસો ફૂટે છે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- એવું શું થયું છે કે ઉપરાછાપરી ગુજરાતમાં કે ભારતમાં ઘણી મોટી પરીક્ષાઓના કૌભાંડના સમાચારો વધી રહ્યા છે?

એ ક કબીલાના મુખીનો મિત્ર એક કાગડો બની જાય છે. પછી સમગ્ર કાગડા સમાજ વતી એક ફરિયાદ મુખીને કરે છે કે, 'આ કોયલો ટહુકા કરીને બધી વાહવાહી જંગલમાં લૂંટી જાય છે, તો એવું કરો અમારું નામ કોયલ પાડી દો.' મુખી સહમત થઈ જાય છે હુકમ બહાર પડે છે કે આપણા વિસ્તારમાં બધાએ કોયલોને કાગડો કહેવાનું ને કાગડાને કોયલો કહેવાનું શરું કરવું.

લોકો તો આદેશનું પાલન કરવા લાગ્યા પણ કાગડાઓનો કા- કા- કાનો કર્કશ અવાજ એમને ગમતો નહિ એટલે ટહુકા તો કોયલોના જ સાંભળતા. જે કોયલો હવેથી કાગડાના નામે ઓળખાતી કાગડાઓ કે જે હવે કોયલ તરીકે ઓળખાતા એમની મૂળ ફરિયાદ તો દૂર થઈ નહિ, એટલે ફરી મિત્ર કાગડો ઓળખાણનું જોર લગાવવા મુખી પાસે ગયો અને કહ્યું, 'નવો હુકમ બહાર પાડો કે, લોકોએ આપણા કંઠના જ ટહુકા સમજીને વખાણ કરવા !'

મુખીએ કહ્યું : 'હું હુકમથી નામ બદલી શકું, પણ કોઈની લાક્ષણિકતા કે ગુણવત્તા તો કેવી રીતે બદલી શકું.'

પોઇન્ટ ટુ બી નોટેડ યાદ રાખજો. અબ આગે.

આજકાલ નેશનલ લેવલે પ્રતિષ્ઠિત ગણાતી પરીક્ષાઓના પેપરો ફૂટવાની, પેપરો ના ફૂટે ત્યાં એક જ સેન્ટરના સ્ટુડન્ટસને શક્ય જ ન હોય એવા આંકડાઓમાં એકસરખા માર્ક આવવાની, ગ્રેસ માર્કસમાં ગફલતો થવાની, પરીક્ષામાં ચોરીઓ થવાની, પેપર આપ્યા બાદ લાગવગથી ફિક્સિંગ કરવાની વગેરે ફરિયાદોનો રાફડો હેડલાઇન્સમાં ચમકે છે. આવું ગુજરાતમાં પણ ઘણા વખતથી થયા કરે છે. કોઈને કોઈ પરીક્ષામાં, પણ સવાલ ઉઠાવનારા બિચારા બહુ સંગઠ્ઠિત થઈને લડી નથી શકતા. યુવાઓ આંદોલન કરવા જાય તો કડકાઈથી કામ લઈ દબાવી દેવાય એવું પણ થાય. સક્ષમ અને ઇમાનદાર અધિકારીની દેખરેખ હોય ત્યારે વળી પ્રક્રિયા પારદર્શક અને સરસ ચાલે. પણ એક્ઝામમાં કોપીકેસીઝ કે વાલીઓ/ શિક્ષકો જ દાદાગીરી કરીને જવાબો લખાવડાવે અથવા ખરીદી લે એવા કિસ્સા જરાય નવી નવાઈના નથી પણ દેશ આખાને આંચકો ત્યારે લાગ્યો જ્યારે આશ્ચર્યમાં જેનું નામ મોખરે લેવાતું હોય એવી 'નીટ'ની પ્રતિષ્ઠિત પરીક્ષા 'નીટ' લેવલની નથી રહી, એવું સદ્નસીબે સોશ્યલ મીડિયા પર જાગ્રત નાગરિકોએ સિદ્ધ કરી બતાવ્યું.

જે ખુદ રિજેક્ટ થયેલા એક સમયે સીસ્ટમમાં પણ યુ ટયુબના જોરે 'ફિઝીક્સવાલા'થી જબ્બર ક્રાઉડ એકઠું કરી શક્યા એવા ફિઝિક્સવાલાના આલાપ પાંડે જેવા લોકોએ મુદ્દાસર રજૂઆત કરી પછી મીડિયાનું પણ બેકઅપ મળ્યું. જવાબદાર અધિકારીઓની બદલી પણ થઈ, ને કશુંક ખોટું થયું છે, કાચું કપાયું છે એની આડકતરી કબૂલાત પણ થઈ. કોર્ટ પણ હરકતમાં આવી. ધ્રાસ્કો ત્યાં પડે કે એવી રીતે મેડિકલમાં મેરિટ વિના ઘૂસી ગયેલા સ્ટુડન્ટસ ડોક્ટર થાય ત્યારે શું ઉકાળી શકે ? અલબત્ત, ડોક્ટર થવા માટેની એક્ઝામ્સ બધા વર્ષો કેવી રીતે પાસ કરે ? આમ જ ઘપલાબાજી કરીને ? અને જો આ લેવલની પરીક્ષામાં પણ કનેક્શનના જોરે કૌભાંડ સાબિત થાય, તો એની શું ખાતરી કે બીજી આવી ટોચની પરીક્ષાઓમાં આટલી, આથી ઓછી કે આથી વધુ ગેરરીતિઓ નહિ થતી હોય ? અમ્પાયરિંગ જ બોગસ હોય તો બે વાત થાય. રમવાનો મૂડ તો ઉડી જ જાય, પણ મેચ જીતનારાનું પણ ધીરે ધીરે કોઈ મૂલ્ય ના રહે ! કારણ કે, એ ફ્રી એન્ડ ફેઅર- ન્યાયી અને નિષ્પક્ષ રીતે રમાતી રમત નથી. પેલા 'હું તારો બરડો ખંજવાળું, તું મારી પીઠ ખંજવાળ' ટાઇપના કોમર્શિયલ એવોર્ડસ જેવું. મેળવનારના શો કેસમાં મોટો લાગે પણ એનાથી કંઈ અસલી આબરૂ વધે નહિ !

પણ આમાં તો ખાનગીમાં કૂલડીમાં ગોળ ભંગાય છે. કરોડો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થાય છે, નબળાઓ નાલાયકીથી સબળા એટલે સક્ષમ, શ્રમ કરનારાના સપના પર જેસીબી ફેરવી દે છે. પણ આપણી પબ્લિકને તો ધાર્મિક લાગણીઓ જ ખાસ વારસાઈ મિલકતની જેમ મળે છે. આવી કોઈ શિક્ષણ કે ગુણવત્તાની સમસ્યાથી એ દૂભાય જ નહિ. એ તો માત્ર સેક્સી દ્રશ્યોથી નવી પેઢીનું શું થશે એની હાયવોયમાં જ હોબાળા કરે. આ નથી નવી પેઢી સાથેના અન્યાયની સમસ્યા ? આમાં એમનું ભવિષ્ય બરબાદ નથી લાગતું ? ફિલ્મો, ચિત્રો, કલાકારો, લેખકોની પાછળ દેશભક્તિના નામે ડાઘિયા કૂતરાઓની જેમ પડી જતા ફોલ્ડરિયાઓ આ બાબતે એમના જ સંતાનોના ભાવિની ઘોર ખોદાઈ રહી છે, એ નથી જોતાં. કહેવાવાળા તો એવું કહે છે કે, ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોમાં પેપર ફૂટવાને લીધે પરેશાન બેકારી અને ફ્રસ્ટ્રેશનનું પણ એક કારણ હતું ! છતાં ય ધાર્મિક બાબતે સો વરસ પછી અસ્તિત્વ નહિ રહે એની કાલ્પનિક કુશંકાઓ કરનારાને દસ વર્ષ પછી શિક્ષણ નબળું હશે તો અસ્તિત્વ કેવું જોખમાશે એ નહિ દેખાતું હોય ? પાછા દુનિયાને જ્ઞાાન આપણે આપ્યુંના ભૂતકાળવાદી ગપ્પા જ ગાઈશું કે આજે પણ જ્ઞાાન ફેલાવીશું?

વડાપ્રધાને નાલંદાની ઇમારતના નવનિર્માણ સમયે 'અલં દા'વાળો શ્લોક સંભળાવી નાલંદાનો ભારતીય અભિગમ સ્પષ્ટ કર્યો. આટલું પૂરતું નથી જ્ઞાાન કોઈ પરીક્ષા કે માર્કસ નથી. ડિગ્રી કે લેવલ નથી. દિવસ- રાત, પવન- પાણીની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. અખંડ આજીવન સાધના છે એની કસોટીમાં જૂનું લાગે એ છોડતા જવાનું ને નવું સાચું હોય, એ અપનાવતા જવાનું એવી મનને કેળવણી માટે ખુલ્લું કરવાની પડેલી આદત છે.

પણ તો ય આવું કેમ થાય છે ? શેરલોક હોમ્સની અદામાં કહીએ તો ઝીણવટપૂર્વક ક્રાઇમ સીન પર બાજનજર ફેરવો તો ક્યાંક અપરાધની કડીઓ દેખાશે જ. એમ જેના વિશે પ્રચૂર પ્રમાણમાં સમાચારો છપાઈ ગયા છે, એવી ટેક્નિકલ પિષ્ટપેષણ કર્યા વિના આપણે સીધા બળેલી ડાળીઓ જોઈને મૂળિયા તરફ જઈએ.

આ પરીક્ષાઓના ભેદી પરિણામોનો ઘટસ્ફોટ ગાજતો હતો, ત્યારે જ સમાચાર ચમકેલા કે કેન્દ્રીય મહિલા અને બાલવિકાસ મંત્રી તરીકે નવી સરકારમાં માનભર્યો હોદ્દો મેળવનાર સાવિત્રી ઠાકુર એક સ્કૂલની મુલાકાતે ગયા. ત્યાં બોર્ડ પર જ સરકારનું સૂત્ર 'બેટી બચાવો, બેટી પઢાઓ' પોતે સાચી રીતે સાચી ભાષામાં લખી ન શક્યા ! બોલો, ચાર શબ્દો, એ પણ સહેલાસટ એ પણ એમની જ સરકારના સ્લોગનમાં વપરાયેલા એમનાથી લખાયા નહિ. પાછા મંત્રીશ્રી બારમું પાસ તો છે ય ખરા ! તો પેપર કેવી રીતે લખ્યા હશે ? જે કાર્યક્રમમાં જાય, એને લગતી દેખાવ પૂરતી તૈયારી પણ નહિ કરી હોય ? કોઈ ગરીબ બાળક સાચુ ના લખે તો હાંસીપાત્ર અને, સજાપાત્ર બને. એક્ઝામમાં લાલ ચોકડો પડે ! આમાં શું થયું ? કશું જ નહિ ! કોચિંગની ભલામણ પણ કોઈએ ન કરી.

બસ, આ જ છે મુખ્ય કારણ અને એના નિવારણ વિના સ્ટુડન્ટ્સે 'યે દુઃખ કાહે કો ખતમ નહિ હોતા બે' વાળા સ્ટેટસ પોસ્ટ કરી સંતોષ માનવાનો છે. કેવી વિચિત્ર સિચ્યુએશન છેક સુપ્રીમ સુધી પહોંચેલી નીટમાં થઈ. માત્ર થોડાક સ્ટુડન્ટસની ધાંધલીને લીધે, ગેરરીતિના સેટિંગને લીધે તમામને હેરાનગતિ થઈ. હવે એક્ઝામમાં રિએપીઅર થવાનું થાય તો વરસાદને લીધે ફરી રમાયેલા મેચમાં પાસુ પલટી પણ જાય તો કેપેસિટિ હોવા છતાં રિઝલ્ટ ઉંધુ ચત્તુ થઈ જાય. વાલીઓ વિદ્યાર્થીઓ એમાં સાચા છે. આજે જો ફરી એક્ઝામ ન લો, તો એક શંકા આવી ગઈ રિઝલ્ટમાં એ દૂર ન થાય. કોઈક વાર કોઈક ત્રાસવાદી હુમલો થાય, પણ એરપોર્ટ સિક્યોરિટી તો રોજ રાખવી પડે તેમ ! એમ ચોકસાઈ તો ડગલે ને પગલે જોઈએ એટલે વર્ષો અગાઉ એક્ઝામ વિષે રિફોર્મ્સમાં બેસ્ટ ઓફ થ્રી ટાઇપનું એક સજેશન કરેલું. સ્ટ્રેસ પણ ઓછો થાય. અલબત્ત તો કોન્સ્ટંટ ઇવેલ્યુએશન જ છે. પણ હવે એને માટે અણીશુદ્ધ પ્રમાણિક શિક્ષકો સંચાલકો પણ જોઈએ ને ?

મૂળ વાત એ છે કે રાજકીય દાવપેચમાં દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રનો ખો નીકળી ગયો છે. સમયસર જરૂરી ભરતી પૂરી થતી નથી. પગાર પૂરતા કોન્ટ્રાક્ટ સિસ્ટમથી અપાતા નથી એટલે ટોપ ક્વોલિટી ક્રીમ આ ફિલ્ડમાં આવતું કે ટકતું નથી. કોન્ટ્રાક્ટ સીસ્ટમ ખોટી નથી, પણ એમાં વળતર ઉંચુ જોઈએ. સ્ટાન્ડર્ડ રિવ્યૂ સીસ્ટમ જોઈએ ને એમાં સ્ટુડન્ટ ફીડબેકનો વેઇટેજ હોવો જોઈએ. ઇનફેક્ટ વિદ્યાર્થીઓને પસંદગીનો હક મળવો જોઈએ, એક જ વિષયના અલગ અલગ વર્ગ લેવાય એમાં બેસ્ટ ઓપ્શન ચૂઝ કરવાનો. ઓનલાઇન હોય છે, એમ જ ઓફલાઇન.

બોયા પેડ બબૂલ કા, આમ કહાં સે હોય ? જેમ આજે બ્રશ કરવાનું બંધ કરો તો કાલે ને કાલે દાંત ન પડી જાય. પણ ધીરે ધીરે સડતા જાય ને પછી એક તબક્કે લાઇલાજ થઈ જાય. એમ જ વર્ષોથી એકેડેમિક ફિલ્ડમાં ટોપ લેવલની પોઝિશન્સમાં મીડિયોકેર, સબસ્ટાન્ડર્ડ લોકો જ મોટે ભાગે ગોઠવાઈ જાય છે. ખુરશીના કદ કરતા એના પર બેઠેલા વ્યક્તિના મગજની ગડીઓનું 'વજન' વધુ હોવું જોઈએ અહીં તો કોઈ ઢોળાઈ જાય એવા વ્હેંતીયાઓ ગોઠવાઈ જતા હોય છે. એમનું નોલેજ નથી જોવાતું, લોયલ્ટી જોવાય છે, ગ્લોબલ વિઝન નહિ, લોકલ એક્શન જોવાય છે. સંસદ ને વિધાનસભા કરતા વધુ રાજકીય આટાપાટા ને જૂથવાદ યુનિવર્સિટીઝમાં હોય છે.

બુદ્ધિમાન માનવી દરેક વખતે દરેક વાત સાથે સહમત ના હોઈ શકે. પછી એ જનતાની લોકલાગણી હોય કે સરકારી આદેશ હોય, એ જ તો પ્રજ્ઞાાનું લક્ષણ છે. સવાલો પૂછવા, એદી સ્થાયીભાવને પડકારવો, નવા સંશોધનો કરવા, એડમિનિસ્ટ્રેશન પર મજબૂત પકડ, નિષ્પક્ષતા ન્યાયીપણું અને નીતિવાન હોવાના પ્રભાવથી જમાવવી. વિષયમાં બાહોશ હોવું, માણસોની પરખમાં કાબેલ હોવું, કટોકટીમાં અનુભવી હોવું, વિચારોમાં નીડર હોવું, સ્વભાવમાં ઉદાર હોવું, દિમાગમાં આધુનિક હોવું અને સંચાલનમાં કૌશલ્યવાન હોવું આવા સપ્તરંગી મેઘધનુષી માણસો ભલભલી સંસ્થાઓમાં આયન રેન્ડની જબાનમાં કહીએ તો ફર્સ્ટ ગ્રેડર્સ હોવા છતાં સેકન્ડ ગ્રેડર્સના કબાડિયન ચાપલૂસ અર્ધદગ્ધોથી સાઇડ લાઇન થઈ જાય છે !

લાંબા સમય સુધી સતત બધે આવું ચાલે એમાં ખુદ જ એકેડેમિકસને તોડી મરોડી આગળ આવેલા કોઈની ભેજાવાળી દીવાલોમાં કોઈ 'વેસ્ટેડ ઇન્ટરેસ્ટ'ના ચલતાપૂર્જા દબાણો હાવી થઈ જાય. સાચુ સાંભળવાની ને પચાવીને જરૂરી સુધારા કરવાની ત્રેવડ ના હોય ત્યાં આવા લોકોને મોકળું મેદાન જડે. વળી, સત્તાવારની સાથે બિનસત્તાવાર રૂપિયા કમાવાનો આખો પેરેલલ ખેલ ચાલતો હોય. સેવાના નામે મેવા જમાઈ જતા હોય.મામકાઃઓને જ મલાઈદાર કોન્ટ્રાક્ટ મળી જતા હોય પછી એક ચોમાસે રસ્તામાં ગાડીઓ ઘૂસે એવા ખાડા પડી જાય. ભવ્ય નિર્માણાધિન રામમંદિરમાં પણ પાણીનો ચૂવાક થાય. નવા બનેલા રસ્તામાં તિરાડો દેખાય. કારણ કરપ્શન તો પૂરેપૂરું ખરું જ.

પણ ક્વોલિટીમાં ખબર જ ના પડતી હોય એવા અડધા અભણ ઉપરીઓ, નેતાઓ કે જેને વચેટિયા અધિકારીઓ ઉલ્લુ પણ બનાવી જાય, ને ભાગીદાર પણ બનાવી જાય !

મૂળ વાત જ એ છે કે, માણસ ગમે તેટલો હોશિયાર હોય ને ગમે તેટલું જાણે પણ જો એનામાં મોરાલિટી અર્થાત્ નૈતિકતા ન હોય તો બધું નકામું. શિક્ષણ તો એ ઇમાનની તાલીમ આપવા માટે પણ છે. પણ ટીચર્સને એની કે ક્લાસીસ/ સ્કૂલની બ્રાન્ડ ચમકાવવામાં રસ હોય અને અમુક વાલીઓ મહેનત કે ઇજ્જતના બદલે (એ તો આપણે ત્યાં પ્રેમ કરો તો જ ઓછી થાય ને ! કૌભાંડ કરનારા તો નકટા હોય !) ખુદ જ શોર્ટકટ શોધતા ફરે એમાં ધીરે ધીરે કરિઅર ઓરિએન્ટેડ જેન્યુઇન ટેલેન્ટનો સંઘર્ષ બેવડાઈ જાય. એક તો ભણવા ને આર્થિક આવક માટેનો સંઘર્ષ, બીજો છે અનૈતિક ભ્રષ્ટાચાર, ચાટુકારી, ખટપટ, નકામા માણસોની જીહજૂરી, ટાંટિયાખેંચ, તેજોદ્વેષ અને સગાવાદની લાગવગશાહી સામે ટકી રહેવાનો સંઘર્ષ ! બધા આવા મલ્ટીપલ મોરચે સખત ઝીંક નથી ઝીલી શકતા.

આ વિષય પર સતત લખ્યું છે, વારંવાર લખ્યું છે પણ પ્રજાને સનસનાટી આગળ શિક્ષણ ક્રાંતિની નથી પૂરી સમજ, નથી પૂરી જાણકારી. એમને તો મસાલેદાર કિક જોતી હોય છે. ધર્મ, કોમ, સંપ્રદાય, પંથની. અશ્લીલ કહીને જેને ભાંડયા હોય, એ બધું ખાનગીમાં જોવાની, બીજાની સચ્ચાઈ કઠે એટલે એને નડતર બની એની ગોસિપ કરવાની. એક નેક્સસ, સાંઠગાંઠનું વિષચક્ર બની ગયું છે. જેને પ્રામાણિકતાથી પરીક્ષા નથી દેવી કે લેવી કે દેવડાવવી, એવા લોકો ફૂટેલ હોય છે, એટલે પેપર ફૂટે છે. આવી જ રીતે અધકચરું ભણેલા જેમ તેમ કરી સરકારી તંત્રમાં કે નેતાગીરીમાં ગોઠવાઈ જાય છે, એટલે ધોરણ ઓર નીચું જાય છે.

પછી આપણે જોઈએ છીએ કે, પ્રત્યેક વર્ષ વધુ ને વધુ અબજપતિઓ પરિવાર સાથે પરદેશ જતા રહે છે. કારણ કે આ માહોલમાં એમને સંતાનોનું ભવિષ્ય સલામત નથી લાગતું ! અને એ જ નથી જતા, એમની સાથે ફ્યુચર ટેલેન્ટ, ફ્યુચર એમ્પ્લોયમેન્ટ પણ બીજા દેશોને સમૃદ્ધ બનાવવા જતી રહે છે ! હવે યાદ કરો પેલી વાર્તા ! કાગડાઓ રમત કરીને કોયલો તો બની જશે, કાગળ પર પણ એનાથી મીઠાં ટહુકાથી વનરાવન ગુંજશે ખરું ?

ફાસ્ટ ફોરવર્ડ 

પેપર નથી ફૂટયું સાહેબ...

કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા

ફરફોલા ફૂટયાં છે.

ફૂટયાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને

માતાજીની માનતા કરતી

મારી માના પગમાં પડેલા છાલા.

પેપર નથી ફૂટયું સાહેબ...

ફૂટી છે ઉજાગરાના કારણે પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી

અમારી આંખો

ને એમાંથી નીકળી રહ્યાં છે

મરી ગયેલાં સપનાઓનાં પસ અને પરું.

ફૂટયાં છે અમારાં ટેરવાં,

જે લખીલખીને થઈ ગયાં હતાં લોથપોથ

ને તોય ઊભા હતા અડીખમ.

પેપર નથી ફૂટયું સાહેબ...

ફૂટયાં છે અમારા અરમાનોના કાચ,

જેની કરચો હવે ભોંકાઈ રહી છે

અંગેઅંગમાં...

ડર લાગે છે,

આ કાચના ટુકડા

ક્યાંક હથિયાર બની જશે તો ?

- જીતુ ચુડાસમા


Google NewsGoogle News