કલ્‍પા : સહજ સ્‍થળ ન‌હિ; અનોખી અનુભૂ‌તિ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
કલ્‍પા : સહજ સ્‍થળ ન‌હિ; અનોખી અનુભૂ‌તિ 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

‌- હિમાલયની ‌કિન્‍નૌર-કૈલાસ પર્વતમાળા જો ઝગમગતો નેકલેસ હોય તો કલ્‍પા એ નેકલેસનો એવો ડાયમંડ છે, જે સવારે સોનેરી ને રાત્રે રૂપેરી ઝગારા મારે છે.

-‌ સિમલા અને મનાલી જેવા પરંપરાગત ‌ગિ‌રિમથકોએ પોઇન્‍ટ-ટુ-પોઇન્‍ટ દડમજલ કરવા ન માગતા પ્રકૃ‌તિપ્રેમીઓ માટે કલ્‍પાનો ‘પોઇન્‍ટલેસ’(ઉદ્દેશ‌હીન) પ્રવાસ યાદગાર બની રહે એ સંભવ છે.

કોઈ ‌સિદ્ધહસ્‍ત સા‌હિત્‍યકારે એકાદ રસપ્રચૂર નવલકથા રચવી હોય તો સૌ પહેલાં મજબૂત પૃષ્‍ઠભૂ‌મિ રચવી પડે. કથાનું મૂળભૂત માળખું તેની ઉપર ઊભું કરવાનું થાય અને ત્‍યાર બાદ અવનવાં પાત્રો-પ્રસંગોરૂપી ઇંટ-‌‌સિમેન્‍ટ વડે નવલકથાની વાર્તાનું સરસ ચણતર તૈયાર થાય.

નગા‌ધિરાજ ‌હિમાલયને હું અલૌ‌કિક પર્વતમાળા તરીકે ભલે ઓળખું છું, પણ તેને અનુભવું છું જીવતી નવલકથા તરીકે! એવી નવલકથા કે જેની પૃષ્‍ઠભૂ‌મિ સા‌હિત્‍યકાર-કમ-‌કલાકાર નંબર વન એવાં માતા કુદરતના અદૃશ્‍ય હાથે લખાવાનો આરંભ આજથી ૭ કરોડ વર્ષ પહેલાં થયો. ‌હિંદ મહાસાગરમાં તરતો ભારતીય ઉપખંડનો ભૂસ્‍તરીય પોપડો ત્‍યારે વર્ષે ૧પ સે‌ન્‍ટિમીટરની કછુઆ ગ‌તિએ ઉત્તર તરફ સરકવા લાગ્યો. અઢી કરોડ વર્ષ સુધી ચાલેલા એ સ્થાનાંતરે ભારતીય ઉપખંડની ટક્કર યુરે‌શિયન પ્‍લેટના ભૂસ્‍તરીય પોપડા જોડે કરી—અને ત્‍યારે બંને વચ્‍ચે ઘૂઘવતા ટિ‌થિસ સમુદ્રનું ત‌ળિયું આસ્‍તે આસ્‍તે ઊંચકાવા લાગ્યું. કાળક્રમે ‌હિમાલય નામની પર્વતમાળાનું સર્જન થયું. બલકે, એમ કહેવું જોઈએ કે કુદરતના હસ્‍તે એક અજોડ નવલકથાની પૃષ્‍ઠભૂ‌મિ બની. વર્ષો પશ્ચાત્ ‌હિમાલયના ખોળે માનવ વસાહતો તથા સામ્રાજ્યો સ્‍થપાતાં ગયાં તેમ  નવલકથામાં પ્રસંગો-પાત્રોરૂપી વાર્તાનું તત્ત્વ ઉમેરાતું ગયું.

આજે નગા‌ધિરાજ ‌હિમાલય એવી નવલકથા છે, જેનો પથારો ઉત્તરે ‌કાશ્‍મીરથી શરૂ કરીને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીના ૨,૪૦૦ ‌કિલોમીટર લાંબા વ્‍યાપમાં છે. આ નવલકથા વળી સેંકડો ન‌હિ, પણ હજારો પ્રકરણોમાં વહેંચાયેલી છે. ભૌગો‌લિક સ્‍થળોની ‌વિ‌વિધતા અનુસાર દરેક પ્રકરણમાં કથા-દંતકથા-પ્રસંગોનું વૈ‌વિધ્‍ય જોવા મળે છે. આથી ‌‌હિમાલયના લાંબા-પહોળા વ્યાપમાં જ્યાં પણ ફરો ત્‍યાં કંઈક નવું જોવા-જાણવા મળે એની સો ટકા ખાતરી. સવાલ માત્ર કેવી રીતે ફરો તેના પર છે. કારણ કે આખરે તો ‌હિમાલય માત્ર નજરે જોવાની જ ન‌હિ, આંતરદૃષ્ટિ વડે અનુભવવાની પણ કુદરતી કૃ‌તિ છે. અનુભૂ‌તિ કરવા માટેનાં સ્‍થળો અગ‌ણિત છે, જેમાંના અમુકનો પ‌રિચય પ્રસ્‍તુત કટારમાં અગાઉ કરાવ્યો હતો. આ વખતે ‌હિમાચલ પ્રદેશના અલૌ‌કિક કલ્‍પા ગામની વાત કરીએ.

■■■

સિમલા-કુલ્‍લૂ-મનાલી અને ધર્મશાલા-ડેલહાઉસી-ખ‌‌જ્જિયાર! ‌હિમાચલ પ્રદેશના પરંપરાગત પેકેજ ટૂર પ્રવાસો વર્ષોથી આવા ત્રણ-ત્રણના જૂથમાં ખેડાતા આવ્યા છે. હવે જો કે, સોશ્‍યલ મી‌ડિયાના આગમન બાદ એ ‌સ્‍થિ‌તિમાં સહેજ બદલાવ આવ્યો છે અને પ્રકૃ‌તિપ્રેમીઓ અવનવાં સ્‍થળોએ ફરતા થયા છે. ‌હિમાચલની ‌કિન્‍નૌર-કૈલાસ પર્વતમાળામાં સમુદ્રસપાટીથી ૯,૭૦૦ ફીટ ઊંચે વસેલું કલ્‍પા એવાં ‌બિનપરંપરાગત સ્‍થળો પૈકી એક છે. શાં‌તિ તેનો સ્‍વભાવ છે, ‌નિરાંત તેની પ્રકૃ‌તિ છે અને ‌‌હિમાચ્‍છા‌દિત ‌કિન્‍નૌર-કૈલાસ પર્વતોનો કલ્‍પાએ શૃંગાર કર્યો છે. 

પાટનગર ‌સિમલાની પૂર્વ ‌દિશામાં આવેલા કલ્‍પા સુધી પહોંચવા માટે ‌ઠિઓગ, નારકંડા, કુમારસૈન, રામપુર બુશહરનો માર્ગ લેવાનો થાય છે. ઊંચા પહાડોના સા‌ન્‍નિધ્યમાં હંકારતા રહીને આગળ વધતાં પહેલું નોંધપાત્ર મથક જેઓરી (અથવા જ્યૂરી) આવે કે જ્યાંથી સરાહન તરફનો રસ્‍તો ફંટાય છે. કલ્‍પા જવાના રૂટથી સરાહન જરા આઘું પડી જાય, છતાં ત્‍યાં જવા જેવું ખરું. સમગ્ર ભારતમાં આવેલાં પાર્વતીનાં કુલ પ૧ શ‌ક્તિપીઠ મં‌દિરોમાં અનોખું એવું ભીમાકાલી શ‌ક્તિપીઠ મં‌દિર સરાહનમાં છે. અનોખું એટલા માટે કે તેનું ‌નિર્માણ કમ સે કમ આઠસો વર્ષ પહેલાં થયું હતું. આટલા લાંબા કાળખંડમાં ભૂકંપના ઘણા બધા આંચકાએ સરાહનને હચમચાવ્યું, પરંતુ ભીમાકાલી મં‌દિરને વધુ આંચ આવી ન‌હિ. કારણ કે મં‌દિરની કાઠખૂણી બાંધણી છે એટલી ઠસોઠસ કે ટકે વરસો વરસ! પરંપરાગત મકાનો લોખંડના સ‌ળિયા, ‌સિમેન્‍ટ-કોં‌ક્રિટ તથા ‌ઇંટ જેવા રો-મટી‌રિઅલ વડે બને, જ્યારે ઉત્તર ભારતમાં સદીઓ થયે કાઠખૂણી સ્‍થાપત્‍યશૈલીનું ચલણ છે. આવા બાંધકામમાં લાકડાના ભારોટ વત્તા પથ્થરો ‌સિવાય બીજું કોઈ મટી‌રિયલ વપરાતું નથી. ગાર-માટી કે ચૂનો પણ ન‌હિ. 

સમચોરસ પથ્થરોને એકની ઉપર એક ગોઠવીને અઢી-ત્રણ ફીટનું લેયર તૈયાર કરવામાં આવે, ત્‍યાર બાદ તેની ઉપર લાકડાનો લાંબો-જાડો ભારોટ મુકાય અને ભારોટ પર વળી પથ્થરોનો સ્‍તર બને. આ રીતે રચાતા માળખામાં પરસ્‍પરના બે પથ્થરો વચ્‍ચે જરાતરા ગેપ રહી જાય. પરંતુ એ ગેપ વાસ્‍તવમાં ખામી ન‌હિ, બલકે કાઠખૂણી શૈલીની ખૂબી છે. ભૂૂકંપના આંચકા મકાનને હચમચાવે ત્‍યારે પાણા વચ્‍ચેનો ગેપ શોક-એબ્‍સોબર્સનું કામ આપી આઘાતના ઘણાખરા આંચકા શોષી લે. આથી આખું સ્‍થાપત્‍ય ડગે ખરું, પણ ઢગલો થઈને જમીનદોસ્‍ત થાય ન‌હિ.

ભીમાકાલી મં‌‌દિરની બીજી ‌વિશેષતા તેના લક્ક‌ડિયા દરવાજા પર મઢેલાં ચાંદીનાં અને તાંબાનાં કલાત્‍મક પતરાં છે. સ્‍થા‌નિક કુશાગ્ર કલાકારોએ તેને પાછલી બાજુએથી આસ્‍તે આસ્‍તે ટીપીને દેવ-દેવીની તથા વેલ-બૂટાની સુંદર ભાત ઉપસાવી છે. આ કળાને ફ્રેન્‍ચ ભાષામાં રપુસે તરીકે ઓળખવામાં આવે છે. રપુસે એટલે કોઈ વસ્‍તુને એક તરફથી ધક્કો મારી તેની સપાટીને ઉપસાવવી.

અગાઉ જણાવ્યું તેમ ‌હિમાલયમાં લગભગ દરેક સ્‍થળની પોતીકી કહાણી છે. સરાહનના પાંચ મજલા ઊંચા અને દેખાવે બૌદ્ધ પેગોડા જેવા લાગતા ભીમાકાલી મં‌દિરની પણ કથા છે, જે ત્‍યાંના ‌વિશાળ પ‌રિસરમાં ખોડેલા પા‌ટિયા પર વાંચી શકાય તથા સ્‍થા‌નિકોના મુખે જાણી શકાય.

■■■

‌સિમલાથી કલ્‍પાના ધોરીમાર્ગથી સરાહન માટે સહેજ ફંટાયા પછી વળી મુખ્‍ય માર્ગ પર આવીએ. કલ્‍પા તરફની ખરી રોમાંચકારી સફર હવે શરૂ થાય છે, કેમ કે પહાડી રસ્‍તો એકદમ ડ્રામે‌‌ટિક છે. ડાબી તરફ ઊંડી ખીણમાં વહેતી સતલુજ નદીનો, તો જમણી બાજુ તીવ્ર ખૂણો રચીને ઊભેલા પહાડોનો સથવારો પ્રવાસને મજેદાર બનાવે છે. કાળમીંઢ ખડકો કોતરીને રચેલા સેંકડો પૈકી કેટલાક ફાંકા તો એવા ‌કે જેમની સોંસરવા નીકળતી વખતે ‌વિચાર આવે કે લાખો ટન વજનની ‌શિલાઓ કોઈ પણ આધાર સ્‍તંભ ‌વિના આખરે કયા પ‌રિબળના જોરે ટકી રહી છે? અમુક ફાંકાનો આકાર પાછો એવો કે ‌વિશાળ પર્વતે જાણે પોતાનું મુખ ખોલ્યું હોય તેવું લાગે. શ્રીલંકા જતા હનુમાનજી જે રીતે સુરસા નામની રાક્ષસીના ૧૦૦ યોજન ‌વિશાળ મુખમાંથી આરપાર નીકળી ગયા હતા એવી અનુભૂ‌તિ આપણને પર્વતની મુખગુહામાંથી નીકળતાં થાય!

અમુક રસ્‍તા સડસડાટ હંકારી જવા માટે હોય છે, પરંતુ કલ્‍પા સુધીના માર્ગનો આનંદ ઠૂમરી જેવા ધીમા આયામમાં આસ્‍તે આસ્‍તે લેવા જેવો છે. ઠેકઠેકાણે પગથોભ કરી નૈસ‌ર્ગિક સૌંદર્યનું મધુર રસપાન લેતા રહો તેમ ‌કિન્‍નૌર-કૈલાસ પર્વતોના મોહપાશમાં વધુને વધુ જકડાતા જવાય છે. ‌રિકાંગ ‌પિઓ પહોંચ્‍યા પછી તો પકડ એવી મજબૂત બને કે ગગનચુંબી પહાડો પરથી નજર જરાક વાર પણ હટવાનું નામ ન લે. આભને આંબતા ‌હિમપહાડોને જોઈ મન inferiority complex/ લઘુતા ગ્રંથિથી ‘પીડાવા’ લાગે કે કુદરતના ભવ્‍યા‌તિભવ્‍ય સર્જન સામે આપણે કેટલા વામણા છીએ—અને છતાં ખુદને ‌વિરાટ સ્‍વરૂપે ‌ચિતરવાનો એકેય મોકો આપણે જતો કરી શકતા નથી. કલ્‍પા પહોંચતા સુધીમાં ‌કિન્‍નૌર-કેલાસનાં પર્વતો આપણા નાહક વટ, ઘમંડ, હુંપદ વગેરેને ચૂરેચૂરો કરી નાખે છે. ખરું પૂછો તો ચૂરો થવો અ‌નિવાર્ય છે, કેમ કે ત્‍યાર પછી જ નગા‌ધિરાજ ‌હિમાલયનું ઋ‌ષિતુલ્‍ય સા‌ન્‍નિધ્‍ય હૃદયના ઊંડાણ સુધી સ્‍પર્શી શકે.

■■■

ચ‌ર્ચામાં અગાઉ હિમાલયને એક નવલકથા ગણાવ્યો, કેમ કે તેના પહાડો અનેક પ્રસંગો-પાત્રો તથા કથા-દંતકથાનું જન્‍મસ્‍થાન છે. કલ્‍પાથી જોવા મળતા ‌કિન્‍નૌર-કૈલાસને લગતી કથા અનુસાર એ પહાડોમાં ‌શિવજીનો વાસ છે. અહીંના કૈલાસ પર્વત પર લગભગ ૭૦ ફીટ ઊંચો અને ૩૦ ફીટ પહોળો એક ખડક આપબળે ઊભો છે. અડગ છે, કેમ કે ધા‌ર્મિક શ્રદ્ધાનો છે. લોકકથા અનુસાર તે કુદરતી ‌શિવ‌લિંગ છે કે જ્યાં દર ‌શિયાળે ‌‌‌શિવજી સમસ્‍ત દેવગણનો દરબાર ભરે છે. આથી ખડક સ‌હિત આખેઆખો કૈલાસ પર્વત કલ્‍પા જેવા ‌કિન્‍નૌર ક્ષેત્રમાં વસતા લોકો માટે અત્‍યંત પ‌વિત્ર છે. 

જો કે, ‌કિન્‍નૌરના રહીશો સ્‍વયંને પણ આપણા જેવા ‘સામાન્‍ય’ લોકો કરતાં ધા‌ર્મિક દૃ‌ષ્‍ટિએ પ‌વિત્ર સમજે છે—અને તેમની એ ‌વિચારધારા પાછળ વધુ એક કથા રહેલી છે. કથા અનુસાર ‌હિમાલયની તળેટીમાં સૌપ્રથમ વાર આવીને વસેલા લોકો યક્ષ, ‌કિરાત, નાગ, કુ‌લિન્‍દ, ગંધર્વ, ‌કિન્‍નૌર જા‌તિના હતા. દરેક પાસે અમુક તમુક ‌વિ‌શિષ્‍ટ કળા હતી, માટે દેવોએ તેમને મનુષ્‍યો કરતાં મુઠ્ઠી ઊંચેરું અને દેવગણથી સહેજ નીચેનું સ્‍થાન પ્રદાન કર્યું. 

આજે ‌‌કિન્‍નૌર-કૈલાસ પર્વતોના ખોળે વસનારા ‌કિન્‍નૌરી લોકોમાં અવનવી કળાની ‌નિપૂણતા જોવા મળે છે, જે તેમનાં મં‌દિરોમાં ખાસ ઊપસી આવે છે. કલ્‍પાની લગભગ દરેક તસવીરમાં અચૂક જોવા મળતું નારાયણ ના‌ગિણી મં‌દિર ‌કિન્‍નૌરી સ્‍થાપત્‍યકળાનું સુંદર ઉદાહરણ છે. કાઠખૂણી શૈલીમાં બનેલું માળખું, તેની ઉપર સ્‍લેટ પથ્થરોની ઢળતી છત, ફૂલ-વેલા તથા સ્‍થા‌નિક દેવતાની જાતક કથાઓ દર્શાવતી કાષ્‍ઠ કોતરણી નારાયણ ના‌ગિણી મં‌દિરની ખૂબી છે. અહીંના પ્રાંગણમાંથી જોવા મળતા કિન્‍નૌર-કૈલાસ પર્વતોનાં દૃશ્‍યોનું તો પૂછવું જ શું! સારું દૂરબીન હાથવગું રાખ્યું હોય તો કૈલાસ પર્વત પર અડીખમ ઊભેલો ૭૦ ફીટ ઊંચો ‌શિવ‌લિંગ રૂપી ખડક જોવાની પણ મજા પડે.

■■■

પાંખી વસ્‍તી, શીતળ પવન, સમયની ગ‌તિને ધીમી પાડી દેતી ‌નિરાંત, હૃદય-મનને ટાઢક આપતી શાં‌તિ, સ્‍થા‌નિક લોકોના મુખે તેમના દેવતા ‌વિશે અવનવી કથા-પ્રસંગો જાણવાનો આનંદ, અહીંની શાળાના બાળકો જોડે થોડી ચર્ચા ને થોડી મસ્‍તી, મરજી પડે તે ‌દિશામાં ઉદ્દેશ‌હીન ટહેલવા નીકળી પડવાની આઝાદી અને ‌કિન્‍નૌર-કૈલાસનું એકધારું સા‌ન્‍નિધ્‍ય! કલ્‍પાને માણવા માટે બીજું તો શું જોઈએ? પરંપરાગત ‌ગિ‌રિમથકોએ પોઇન્‍ટ-ટુ-પોઇન્‍ટ દડમજલ કરવા ન માગતા પ્રકૃ‌તિપ્રેમીઓ માટે કલ્‍પાનો ‘પોઇન્‍ટલેસ’ પ્રવાસ યાદગાર બની રહે એ સંભવ છે.

યાદગીરી તરીકે મનના સ્‍મૃ‌તિપટ પર કોતરાવામાં કશુંક બાકી રહેતું હોય તો એ કલ્‍પાની સોનેરી સવાર-સાંજ છે. સૂર્યનાં ‌કિરણોનો કળશ ‌કિન્‍નૌર-કૈલાસની સફેદ જટાનો અ‌ભિષેક કરે ત્‍યારે એ દૃશ્‍ય ‌દિગ્‍મૂઢ બનીને જોતા રહી જવાય. આને જો ‌કિન્‍નૌર-કૈલાસે ધારણ કરેલો સુવર્ણ શૃંગાર કહો, તો તેનો રજત અવતાર ચાંદની રાત્રે જોવા મળે કે જ્યારે ચંદ્રપ્રકાશમાં ‌શિખરોનો બરફ સફેદ ઝગારા મારે છે.

કલ્‍પાની મેં એક મુલાકાત લીધી. બીજી પછી ત્રીજી મુલાકાત માટે પણ મન રાજી છે. આમાં ‘વાંક’ ‌કિન્‍નૌર-કૈલાસની મેગ્‍ને‌ટિક પ્ર‌તિભાનો છે, જેનો પાવર મને કલ્‍પા તરફ ખેંચ્યા કરે છે.■


Google NewsGoogle News