લઘુગ્રહ : પૃથ્વીના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો!

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
લઘુગ્રહ : પૃથ્વીના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો! 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- તુંગુસ્કામાં લઘુગ્રહમાંથી સર્જાયેલા અગનગોળાએ આઠેક કરોડ વૃક્ષોનો કચ્ચરઘાણ વાળ્યો હતો. એ ઘટનાને આજે ૧૧૫ વર્ષ થયાં. એ દિવસને યુએને વર્લ્ડ એસ્ટરોઈડ ડે જાહેર કર્યો છે

એ ક પ્રચલિત થિયરી છેઃ ૬.૫ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર વિશાળકાય ડાયનોસૉર રહેતાં હતાં. માનવનું અસ્તિત્વ ન હતું ત્યારે આ ભયાનક સજીવો પૃથ્વીમાં વિચરતા હતા અને જે વચ્ચે આવે એનો વિનાશ વેરતાં હતાં. ગ્રીક ભાષાના બે શબ્દો 'ડાયનો' એટલે ભયંકર અને 'સૉરસ' એટલે ગરોળી પરથી એનું નામકરણ તો બહુ પછી 'ડાયનોસૉર' થયું, એ પહેલાં ૧૯મી સદીમાં સંશોધકો તેને મોટી ગરોળી કહેતા હતા. કરોડો વર્ષ સુધી (એક અંદાજ પ્રમાણે ૧૬ કરોડ વર્ષ) પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહેલાં ડાયનોસૉરનો વિનાશ શી રીતે થયો? કહે છે કે પૃથ્વી સાથે લઘુગ્રહની ટક્કર એ માટે જવાબદાર હતી. જે શક્તિશાળી સજીવોને પૃથ્વીનું બદલાયેલું વાતાવરણ કે બીજું કશું અસર ન કરી શક્યું એનો ભોગ લઘુગ્રહે લઈ લીધો.

આ થિયરી પરથી અનેક સંશોધકો એવું દૃઢપણે માને છે કે પૃથ્વી માટે, પૃથ્વીવાસીઓ માટે સૌથી ખતરનાક કંઈ હોય તો એ છે લઘુગ્રહ. કરોડો વર્ષ સુધી ટકી રહેલા અને પૃથ્વી ઉપરના આજ સુધીના સૌથી શક્તિશાળી સજીવો ગણાયેલા ડાયનોસૉરનો સમૂળગો વિનાશ જો લઘુગ્રહથી શક્ય હોય તો માણસનું એની સામે લડવાનું કોઈ ગજું નથી - એવું માનનારો મોટો વર્ગ છે. ને એટલે જ વારંવાર લઘુગ્રહની ટક્કરના અહેવાલો આવે ત્યારે વિજ્ઞાાનીઓ હરકતમાં આવી જાય છે. હવે તો માનવજાત પાસે એવી શક્તિશાળી ટેકનોલોજી વિકસી ચૂકી છે કે લઘુગ્રહની ટક્કરનો ભય હોય ત્યારે એની દિશા બદલી શકાય કે તેના અવકાશમાં જ ટૂકડાં કરી શકાય. છતાં લઘુગ્રહનો ભય ઘટયો નથી, ઘટવાનો પણ નથી.

વેલ, આ લઘુગ્રહોને અહીં યાદ કરવાનું કારણ છે વર્લ્ડ એસ્ટરોઈડ ડે. ૩૦મી જૂને યુએન લઘુગ્રહ દિવસ ઉજવે છે. આમ તો ઉજવે છે એ આપણી ગુજરાતી ટર્મ થઈ, ખરેખર તો આ દિવસે લઘુગ્રહની અવેરનેસ માટેનો હેતુ મુખ્ય છે. એ નિમિત્તે લઘુગ્રહ દિવસ અને લઘુગ્રહો વિશે થોડું જાણીએ...

૩૦ જૂન, ૧૯૦૮નો એ દિવસ હતો.

તે વખતના રશિયન સામ્રાજ્યના સાઈબીરિયામાં તુંગુસ્કા નદી પાસે સવારે મહાવિસ્ફોટ થયો. એના કારણે ૨૦૦૦ ચો. કિ.મીના વિસ્તારમાં ફેલાયેલું જંગલ ખેદાન-મેદાન થઈ ગયું. દાવો તો એવોય થાય છે કે આસપાસમાં આઠ કરોડ વૃક્ષો ધરાશાયી થઈ ગયા. વિસ્ફોટની શક્તિ ૧૦થી ૧૫ મેગાટન જેટલી હતી. અચાનક શું બની ગયું તેની કોઈનેય ખબર ન પડી, પણ પછીના સંશોધનોમાં તારણ નીકળ્યું કે વિશાળ લઘુગ્રહ ધસમસતો પૃથ્વીના એ હિસ્સા સાથે ટકરાયો એટલે આ વિસ્ફોટ થયો હતો. અંદાજ બાંધવામાં આવ્યો કે જે લઘુગ્રહ ટકરાયો તેની ઝડપ એક લાખ કિ.મી પ્રતિકલાકની હતી. વળી, એનું વજન ૧૦ લાખ ટનથી વધારે હશે. રશિયન સાયન્ટિસ્ટ લિયોનેડ એલેક્સેવિચે એના પર વર્ષો સુધી સંશોધન કર્યું હતું. એના તારણો એ તરફ ઈશારો કરતા હતા કે આ પૃથ્વીની બહારથી આવેલા કોઈ પદાર્થની જ ટક્કર છે.

એ ઘટનાને દૂરથી જોનારાઓએ જાત-ભાતના વર્ણનો કર્યા હતા. કોઈએ કહ્યું કે વિશાળ અગનગોળો આકાશમાં આવ્યો હતો. કોઈએ કહ્યું કે ધરતીકંપની જેમ ધરતી ધુ્રજી હતી અને પછી ધડાકા સાથે ધૂળની ડમરી ઉઠી હતી ને તીવ્ર પવન ફૂંકાયો હતો. યુરોપના ઘણાં દેશોમાં બરાબર તે જ સમયે ભૂકંપના આંચકાં અનુભવાયા હતા. આ ઘટના સાથે જોડીને એવું અવલોકન થયું હતું કે લઘુગ્રહની મહાશક્તિશાળી ટક્કરના કારણે પશ્વિમ યુરોપના દેશોમાં ભૂકંપના ઝટકા આવ્યાં હતાં.

અચ્છા આખી ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે લઘુગ્રહની સીધી ટક્કર એ ભૂભાગમાં થઈ ન હતી. તેનો વેગ એટલો તીવ્ર હતો કે પૃથ્વીની સપાટીથી ૧૦૦-૨૦૦ કિલોમીટર દૂર જ ગુરુત્વાકર્ષણના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી જે અગનગોળો બન્યો હશે એ જ નીચે સુધી પહોંચ્યો હતો. તેના કારણે વૃક્ષો બળી ગયા. જંગલ ખેદાન-મેદાન થયું, પરંતુ લઘુગ્રહની ટક્કરથી સામાન્ય રીતે જે ખાડો બનતો હોય છે એ બન્યો ન હતો.

એ ઘટનાને આજે ૧૧૫ વર્ષ થયાં. મોટાભાગના સંશોધકો તેને લઘુગ્રહની ટક્કર માને છે. વર્ષો સુધી એની કેટલીય કથાઓ-દંતકથાઓ બનતી રહી. તુંગુસ્કાની આ ઘટના લઘુગ્રહની ટક્કરની મોડર્ન માનવ ઈતિહાસમાં નોંધાયેલી પ્રથમ ઘટના છે. અગાઉ આવી કોઈ મોટી ઘટનાનો ઉલ્લેખ નથી. સાયન્ટિસ્ટ્સ માને છે કે તુંગુસ્કા જેવી ઘટના ૩૦૦થી ૫૦૦ વર્ષમાં એક વખત બને છે. ડાયનોસૉરનો વિનાશ લઘુગ્રહથી થયો એવી માત્ર થિયરી છે, પ્રમાણ નથી. તુંગુસ્કાની ઘટના લઘુગ્રહની ટક્કર પૃથ્વી સાથે થાય છે એનું પ્રમાણ બની એટલે ૨૦૧૫થી એ દિવસને જ યુનાઈટેડ નેશન્સે ઈન્ટરનેશનલ એસ્ટરોઈડ ડે જાહેર કર્યો છે.

પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવ્યા બાદ લઘુગ્રહના ટૂકડા થાય છે. કેટલાક બળીને ખાક થઈ જાય છે તો કેટલાક ટૂકડા પૃથ્વી પર ટકરાય છે. એવા લઘુગ્રહના ટૂકડાઓને ઉલ્કાશિલા પણ કહેવાય છે. પૃથ્વીના બાહ્યાવરણથી બચીને વાતાવરણમાં પ્રવેશી ગયેલી ઉલ્કાશિલાની ટક્કર પૃથ્વીના કોઈ ભાગમાં થાય તો તેનાથી ખાડો બની જાય છે. એ સમયાંતરે તળાવોમાં ફેરવાય જાય છે. આવી ઉલ્કાશિલાનું વજન ૧૦ હજાર ટનથી ૩૦ હજાર ટન સુધીનું હોય છે.

લઘુગ્રહ જેવા પદાર્થમાંથી છૂટી પડેલી શિલાઓ પૃથ્વી પર પડે તેને ઉલ્કાવર્ષા કહેવાય છે. ને એનાથી જે ખાડાઓ બને છે તેને ગુજરાતીમાં ઉલ્કાગર્ત કહેવાય છે. જોકે, આ બાબતે થોડા વૈજ્ઞાાનિક મતભેદો ખરા. અમુક સંશોધકો લઘુગ્રહમાંથી જુદા પડેલા ટૂકડાઓને જ ઉલ્કા કહે છે. ઘણાં માને છે કે ઉલ્કા અફાટ અવકાશમાંથી આવતો જુદો પદાર્થ છે. એ લઘુગ્રહનો હિસ્સો હોય પણ ખરો ને ન પણ હોય. તો કેટલાક ઉલ્કાને લઘુગ્રહથી અલગ માને છે. આપણે લઘુગ્રહના ટૂકડાની થિયરીને માનીએ તો પૃથ્વી પર આવા ડઝન બે ડઝન ઉલ્કાગર્ત યાને લઘુગ્રહના બચેલા ટૂકડાની ટક્કરથી બનેલા તળાવો ઓળખી કાઢવામાં આવ્યા છે. ભારતમાં મહારાષ્ટ્રના લોણારમાં આવો એક ખાડો ઓળખી કાઢવામાં આવ્યો છે. તે સિવાય દક્ષિણ આફ્રિકા, સાઈબીરિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં લઘુગ્રહમાંથી છૂટા પડેલા પદાર્થની ટક્કરથી બનેલા તળાવો ઓળખાયા છે.

લઘુગ્રહ વિશેની માનવજાતની સમજ બહુ જૂની નથી. ઈટાલીના ખગોળવિદ્ જી પિયાઝીએ ૧૮૦૧માં સૌપ્રથમ લઘુગ્રહની વ્યાખ્યા આપી હતી. પછીના વર્ષોમાં આ દિશામાં અન્ય ખગોળવિજ્ઞાાનીઓએ પણ કામ કર્યું અને વધુ પાંચ-સાત નાના ગ્રહો ઓળખી કાઢ્યા. વિજ્ઞાાન-ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ આ અંગે વધુ સ્પષ્ટતા આવતી ગઈ. ૨૦મી સદીમાં લઘુગ્રહોનું કદના આધારે વર્ગીકરણ થયું. ચાર હજાર લઘુગ્રહોની ભ્રમણકક્ષા નક્કી થઈ અને એમાંથી ૩૦૦૦ લઘુગ્રહોના સ્થાનનો નિયમિત અહેવાલ બને છે. મંગળ અને ગુરુની ભ્રમણકક્ષામાં રહીને સૂર્યની આસપાસ ભમતાં આવા હજારો ગ્રહોને લઘુગ્રહો કહેવાય છે. એ જુદા જુદા અકળ કારણોથી તેમની ભ્રમણકક્ષા છોડીને સ્થાનફેર કરે છે. એમાંથી મોટાભાગના તો અંદરોઅંદરની ટક્કરથી જ નાશ પામે છે. તો ઘણાં પૃથ્વી સુધી પહોંચી જાય છે.

પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ સ્ટ્રોંગ હોવાથી આવતાં પહેલાં જ અવકાશમાં એ અગનગોળો બની જાય છે. છતાં એને ખતરનાક ગણવાનું કારણ છે. અગનગોળો બની જાય પછી પણ જો એની ટક્કરથી બે હજાર ચો.કિ.મીના વિસ્તારમાં વિનાશ વેરી શકતા હોય તો લઘુગ્રહનો બચેલો મોટો હિસ્સો પૃથ્વી પર ટકરાય તો શું થાય? આ કલ્પના સંશોધકોને અકળાવે છે. એટલે જ બાહ્યાવકાશના આ પદાર્થોને કેટલાય ખગોળવિદો પૃથ્વીના દુશ્મન નંબર વન કહે છે. 

લઘુગ્રહ ટક્કરની છેલ્લી મહત્ત્વની ઘટના

આ ઘટના પણ રશિયાની જ છે. ચેલ્યાબિંસ્કમાં ૧૫ ફેબુ્રઆરી, ૨૦૧૩ના દિવસે લઘુગ્રહમાંથી સર્જાયેલો અગનગોળો ૬૫ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આકાશમાંથી ધસમસતો આવ્યો હતો. ૬૦-૬૨ ફૂટના આકારનો આ અગનગોળો જેવો તેવો ન હતો, એનું વજન ૧૦ હજાર ટનનું હતું. એ અગનગોળો પૃથ્વીની સપાટીથી ૨૦ કિલોમીટર દૂર ફાટયો હતો. તે છતાં સેંકડો મકાનો ક્ષતિગ્રસ્ત થયા હતા. ૧૨૦૦થી વધુ લોકો દાઝ્યા હતા. એના અભ્યાસ બાદ સંશોધકોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો તેમાંથી ૫૦૦ કિલો ટન ઉર્જા નીકળી હતી. સરખામણી તો ત્યાં સુધી થઈ હતી કે હિરોશિમામાં જે પરમાણુ વિસ્ફોટ થયો એનાથી ત્રણ ગણી ઉર્જા આ અગનગોળામાંથી નીકળી હતી. જો એની પૃથ્વી સાથે સીધી ટક્કર થઈ હોત તો આખા ચેલ્યાબિંસ્કનો વિનાશ થયો હોત.

2038માં લઘુગ્રહની ટક્કરથી દુનિયાના વિનાશની ભીતિ!

નાસાએ એક લેટેસ્ટ અહેવાલમાં ચિંતા વ્યક્ત કરી છે કે ૨૦૩૮માં લઘુગ્રહની ટક્કર પૃથ્વી સાથે થઈ શકે છે. નાસાના કહેવા પ્રમાણે ટેલિસ્કોપથી જે વિગતો મળી છે તેના આધારે ગણિત લગાવાયું તો જાણવા મળ્યું કે ૧૨મી જુલાઈ, ૨૦૩૮ના દિવસે એક લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાય એવી શક્યતા અત્યારે ૭૨ ટકા છે. એસ્ટરોઈડને ઓળખ માટે નંબર્સ આપવામાં આવ્યાં છે, પરંતુ નાસાએ એસ્ટરોઈડની ઓળખ જાહેર કરી નથી. એસ્ટરોઈડના આકાર બાબતે પણ નાસાએ કોઈ વિગતો જાહેર કરી નથી, પણ એટલું ચોક્કસ કહ્યું છે કે જો એની ટક્કર થશે તો પૃથ્વીમાં મોટાપાયે વિનાશ વેરાશે. કલ્પના બહારનું નુકસાન પૃથ્વીને થઈ શકે છે.


Google NewsGoogle News