હેરી એડવર્ડસે ડિવાઇન હિલિંગથી અગણિત લોકોના રોગો દૂર કર્યા હતા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
હેરી એડવર્ડસે ડિવાઇન હિલિંગથી અગણિત લોકોના રોગો દૂર કર્યા હતા 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- હેરી એડવર્ડસે રાણી વિક્યોરિયાની પૌત્રી પ્રિન્સેસ મેરી લુઇસ, સ્પેનની ક્વિન જેવી નામાંકિત વ્યક્તિઓને પણ ડિવાઇન હિલિંગ આપી રોગમુક્ત કર્યા હતા

અ ર્વાચીન મેડિકલ સાયન્સ એવું જણાવે છે કે મનુષ્યને થનારા મોટાભાગના રોગો મનોદૈહિક (Psychosomatic) જ હોય છે. બ્રિટિશ સાઇકિયાટ્રિસ્ટ અને પેરાસાઇકોલોજિસ્ટ ડોનાલ્ડ જેમ્સ વેસ્ટ (૧૯૨૪-૨૦૨૦) જે સોસાયટી ફોર સાઇકિકલ રીસર્ચના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે અને સાઇકિકલ રીસર્ચ કરી એ વિશે પુસ્તકો પણ લખેલા છે તે મન અને શરીરના અતૂટ પરસ્પર અવલંબનને સ્વીકારી મનોદૈહિક રોગોને પ્રમાણિત કરતા કહે છે - 'લગભગ બધા રોગો પાછળ મનનો થોડો અમથો હાથ તો હોય જ છે અને ઘણા રોગો પાછળ તો મનનો બહુ મોટો હાથ હોય છે.' રોગના કારણ  મનમાં હોય છે આ તથ્યને ચિકિત્સા વિજ્ઞાાને સૈદ્ધાંતિક રીતે અને અનેક પ્રયોગો બાદ સ્વીકારી લીધું છે.

અમેરિકાની નેશનલ હેલ્થ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના શરીર વિજ્ઞાાની પોલ મેકલિન અને યેલ યુનિવર્સિટીના શરીર વિજ્ઞાાની ડૉ. જીરો ડેલગેડીએ મસ્તિષ્કના ગહન અભ્યાસ પછી એવો નિષ્કર્ષ આપ્યો છે કે શારિરીક અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનું રહસ્ય કેન્દ્રસમા ભાવનાત્મક મસ્તિષ્ક (Emotional Brain) માં છુપાયેલું છે. વ્યક્તિમાં જ્યારે લાગણીઓના વિકારો, દુર્ભાવો ઉત્પન્ન થાય છે, એનું ભાવનાતંત્ર અસંતુલિત, અસ્વસ્થ, દુષિત બને છે ત્યારે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. એથી ઊલટું જો એનામાં સદ્ભાવો અને હકારાત્મક વિચારો ટકી રહેલા હોય તો તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણ, સહયોગ, આશા, ઉમંગ, ઉત્સાહ, જેવા સદ્ભાવો રોગોને દૂર કરવાનું આધ્યાત્મિક ઔષધ બને છે. 'અષ્ટાવક્ર ગીતા'માં અષ્ટાવક્ર મુનિ જનકરાજાને કહે છે ક્ષમાર્જવ દયા તોષ સત્યં પીયૂષવત્ ભજ - 'ક્ષમા, સરળતા, કોમળતા, દયા, પ્રસન્નતા, સંતોષ, પ્રેમ અને સત્યને અમૃત જેવા સમજી એનું સેવન કરો.'

હેરી જેમ્સ એડવર્ડસ (Harry James Edwards) એક વિખ્યાત સ્પિરિચ્યુઅલ કે ડિવાઇન હિલર હતા. તેમનો જન્મ ૨૯ મે ૧૮૯૩ના રોજ યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડના લંડનના ઇસલિંગ્ટન ખાતે થયો હતો અને ૭ ડિેસમ્બર ૧૯૭૬ના રોજ તેમનું મરણ થયું હતું. તેમણે તેમની દૈવી ચિકિત્સા પદ્ધતિથી અનેક લોકોને રોગમુક્ત કર્ય હતા. ૧૯૩૫માં તે સ્પિરિચ્યુઆલિસ્ટ ચર્ચમાં એ મિટિંગમાં સામેલ હતા ત્યારે કેટલાક 'મિડિયમ' દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તેમનામાં દૈવી ચિકિત્સાની શક્તિ પડેલી છે. તેમણે તેનો ઉપયોગ કરી માનવ કલ્યાણનું કામ કરવું જોઇએ. તેમણે તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા અને તેમને અસાધારણ સફળતા પ્રાપ્ત થવા લાગી હતી. સિધ્ધહસ્ત ડિવાઇન હિલર બન્યા પછી તેમના પર અઠવાડિયાના લગભગ ૧૦,૦૦૦ પત્રો આવતા જેમાં દૂરગામી ચિકિત્સા આપવા તેમને વિનંતી કરવામાં આવતી. ઘણા બધાને તે દૂરથી ચિકિત્સા આપતા અને તેમને સારું પણ થઇ જતું. મુંબઇના મનોહરલાલ કુડાલકર ગંભીર સૂત્રણ રોગથી પીડાતા હતા. વર્ષોથી ઉપચાર કરાવવા છતાં રોગ વધારે ઉગ્ર થતો જતો હતો. હેરી એડવર્ડસે સાડા ત્રણ મહિના સુધી તેમનો ઇલાજ કર્યો અને તે પૂર્ણપણે સારા થઇ ગયા હતા. લંડનની એલિઝાબેથ વિલ્સન ૧૯૦૯માં ત્રણ વર્ષની ઉંમરે કરોડના હાડકાના રોગથી ગ્રસ્ત થઇ. એક વર્ષ સુધી તે પથારવશ જ રહી. તે ૧૪ વર્ષની થઇ ત્યારે તેની તકલીફ એટલી બધી વધી ગઈ કે તે ચાલવા માટે પણ સમર્થ ના રહી. તે ૩૦ વર્ષની થઇ ત્યાં સુધી તેની આ તકલીફ ગમે તેટલા તબીબી ઉપચાર કરવા છતાં લેશમાત્ર ઘટી નહીં. ૧૯૫૦માં તેના કુટુંબીજનોને હેરી એડવર્ડસ વિશે કોઇના થકી જાણકારી મળી. તે એલિઝાબેથને તેમની પાસે લઇ ગયા. હેરીએ દૈવી ચિકિત્સા આપવાની શરૂ કરી અને થોડા અઠવાડિયામાં જ એલિઝાબેથની તકલીફ બિલકુલ દૂર થઇ ગઈ.

લંડનના વિલિયમ ઓલ્સન પ્રોલેજડ સ્પાઇન ડિસ્કની બીમારીથી ભારે તકલીફ અનુભવી રહ્યા હતા. તેમણે ઘણો ઇલાજ કરાવ્યો પણ તેમની તકલીફમાં કોઈ ઘટાડો ના થયો. અંતે તે હેરી એડવર્ડસની પાસે તેમની હિલિંગ સેન્કચ્યુઅરીમાં ગયા. ત્યાં તેમની 'સ્પિરિચ્યુઅલ હિલિંગ'થી સારવાર શરૂ થઈ. થોડા દિવસ પછી વિલિયમ પ્લાસ્ટર-જેકેટ વિના ચાલવા માંડયા. થોડા અઠવાડિયાના ઇલાજ પછી તો તે સંપૂર્ણપણે રોગમુક્ત થઇ ગયા. થોડા સમય પછી ઓલ્સને ૧૬૦૦૦ માઇલથી વધુ પ્રવાસ કર્યો તો પણ તેમને કોઈ તકલીફ, પીડા કે વેદના થઇ નહોતી. હેરી એડવર્ડસે રાણી વિક્યોરિયાની પૌત્રી પ્રિન્સેસ મેરી લુઇસ, સ્પેનની ક્વિન જેવી નામાંકિત વ્યક્તિઓને પણ ડિવાઇન હિલિંગ આપી રોગમુક્ત કર્યા હતા. હેરી એડવર્ડસ એવું કહેતા હતા કે કેટલાક મહાન મૃત વિજ્ઞાાનીઓ લોર્ડ લીસ્ટર, લૂઈ પાશ્ચરના આત્મા તેમને સ્પિરિચ્યુઅલ હિલિંગ માટે માર્ગદર્શન આપતા હતા અને મદદ પણ કરતા હતા.

૧૯૪૮માં હેરી એડવર્ડસે માન્ચેસ્ટરમાં એક હિલિંગ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું જેમાં ૬૦૦૦ લોકો સામેલ થયેલા હતા. ૧૯૫૧ના સપ્ટેમ્બરમાં 'ફેસ્ટિવલ ઑફ બ્રિટન' દરમિયાન તેમણે લંડનના રોયલ ફેસ્ટિવલ હૉલમાં ચિક્કાર મેદની વચ્ચે દૈવી ચિકિત્સાનું નિદર્શન કર્યું હતું અને અનેક લોકોના રોગો અને શારિરીક તકલીફોને દૂર કરી બતાવ્યા હતા. 

૧૯૫૪માં હેરી એડવર્ડસ નેશનલ ફેડરેશન ઓફ સ્પિરિચ્યુઅલ હિલર્સ (NFSH) ના પ્રથમ પ્રમુખ બન્યા હતા. સ્પિરિચ્યુઅલ હિલિંગની શોધ-સંશોધન-તપાસ માટે ૧૯૫૩માં આર્કબિશપસ કમિશન રચાયું હતું. ૧૯૫૪માં હેરી એડવર્ડસે કમિશન સમક્ષ ડિવાઇન હિલિંગ અંગે વ્યાખ્યાન આપ્યું હતું અને તે વખતે તેમણે કરેલી ચિકિત્સાના ચમત્કારી કહેવાય તેવા કિસ્સાઓની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવી હતી. વર્ષોથી ભારે અને ગંભીર રોગોથી પીડાતા લોકોનો રોગોને મટાડવાના પ્રત્યક્ષ પુરાવા રજૂ કર્યા હતા. હેરી એડવર્ડસે આ વિષય પર અનેક પુસ્તકો પણ લખ્યા છે. તેમાં થર્ટી યર્સ એ સ્પિરિચ્યુઅલ હિલર, એ ગાઇડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ મિડિયમશીપ એન્ડ સ્પિરિચ્યુઆલિસ્ટ એગાઇડ ટુ ધ અન રસ્ટેન્ડિંગ એન્ડ પ્રેક્ટિસ ઑફ સ્પિરિચ્યુઅલ હિલિંગ, સાઇકિક હિલિંગ, ધ સાયન્સ ઑફ સ્પિરિટ હિલિંગ પુસ્તકો મુખ્ય છે. હેરી એડવર્ડસના ડિવાઇન હિલિંગ વિશે પણ ઘણા લેખકોએ પુસ્તકો લખેલા છે.


Google NewsGoogle News