ગુજરાતીઓ સૈન્યમાં સામેલ થતા ન હોવાનું મહેણું ક્યારે દૂર થશે

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતીઓ સૈન્યમાં સામેલ થતા ન હોવાનું મહેણું ક્યારે દૂર થશે 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ગુજરાતીઓ સૈન્યની હાડમારી ભરી નોકરી ઓછી પસંદ કરે છે.પરંતુ ગુજરાતનું એક ગામ એવું પણ છે જે ગામના ૭૨૦ જેટલા યુવાનોએ માતૃભૂમિના રક્ષણ માટે રણ મોરચે ફરજ બજાવે છે.  

ગુ જરાતીઓને માથે  મહેણું  છે કે  ભારતીય સેનામાં  ગુજ્જુ યુવકોની હાજરી બહુ ઓછી છે.  ગુજરાતીઓ માત્ર  ધંધા-વેપારમાં જ વધુ રસ લે છે. સામાન્ય પરિવારમાંથી આવતા ગુજરાતી યુવક-યુવતીઓ  બેચલરની ડિગ્રી પાસ કરે પછી મોટે ભાગે કોઈ પેઢી કે કંપનીમાં  કારકુનની  નોકરી શોધી લે છે.  પરંતુ  લશ્કરમાં ભરતી થઈ  સારા પગાર સાથે દેશસેવા કરવાનું બહુ ઓછા ગુજરાતીઓને સૂઝે છે.

 આમ પણ તમે જોશો તો  બિનગુજરાતીઓ હંમેશા એવી ફરિયાદો કરે છે કે 'તમે ગુજરાતીઓ લડતા નથી. તમે  ઢીલા, ડરપોક  છો.' જોકે સાવ 'એવું નથી. સેનામાં અનેક ગુજરાતીઓ છે જ, પરંતુ ગુજરાતીઓની કોઈ અલગ બટાલિયન ન હોવાથી છૂટાછવાયા ગુજરાતી સૈનિકો પર લોકોનું  ધ્યાન નથી જતું.  

ગુજરાતી યુવાન યુવતીઓમાં ભારતીય સેનામાં જોડાવવાની રૂચી સૌથી ઓછી છે. ત્યારે આ યુવાનોમાં વિદ્યાર્થીકાળથી જ આર્મીના સાહસ અને શૌર્ય અંગે જાણકારી મેળવે અને સેનામાં જોડાતા થાય તે માટે ગાંધીનગરના આર્મી કેમ્પમાં સૌ પ્રથમવાર ખાસ કેમ્પનું આયોજન  થોડા સમય પહેલાં  કરવામાં આવ્યું હતું. જેમાં આર્મીના અધિકારીઓ અને જવાનો દ્વારા યુદ્ધ તેમજ આતંકી હુમલા વખતની લાઇવ તૈયારીઓ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી.યુવાનોમાં દેશદાઝની ભાવના વિદ્યાર્થીકાળથી જ ઉત્પન્ન થાય અને તેઓ યુવાન થઇને ભારતીય સેનામાં જોડાય તેના માટે જ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 

ગુજરાતના યુવાનોમાં વિદ્યાર્થીકાળથી સેનામાં જોડાવવાની રૂચી વધે તે માટે સેનામાં પ્રથમવાર પરબતઅલી બ્રિગેડ દ્વારા ગાંધીનગરના આ આર્મી સ્ટેશનમાં યુદ્ધનું લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું.

લશ્કરમાં ભરતી થવા માટે ગુજરાતમાં અવારનવાર પંદરેક સ્થળે કેમ્પ યોજાય છે. ઉમેદવારી નોંધાવનારા યુવાને સર્વ પ્રથમ ફિઝિક્લ ટેસ્ટ આપવી પડે છે. જેમાં તેણે પાંચ મિનિટ અને ૩૦ સેકન્ડમાં ૧.૬ કિ.મીનું અંતર દોડીને કાપવું પડે છે. ત્યારબાદ પુલઅપ્સ વગેરે વ્યાયામ કરવા પડે છે.  છેલ્લે નવ ફૂટ લાંબો ખાડો દોડીને કુદાવવાનો હોય છે. આવી કેટલીક શરીરની ચુસ્તી-સ્ફુર્તિની ટેસ્ટ લીધા બાદ મેડિક્લ ટેસ્ટ થાય છે. આ પરિક્ષણોમાંથી સફળતાપૂર્વક પાર પાડયા બાદ લેખિત પરિક્ષા આપવાની હોય છે. ઘણા યુવકો આ સરળ પરિક્ષામાં પણ નપાસ થાય છે.

ગુજરાત રાજ્યની સરખામણી આપણે બીજા રાજ્યો સાથે કરીએ તો ખબર પડશે કે લશ્કરમાં ગુજરાતીઓની સંખ્યા કેટલી ઓછી છે. દા.તા. ૨૦૧૫થી ૨૦૧૮ની વચ્ચે દાદરા નગર હવેલી, દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩૧૯૯ યુવકો આર્મીમાં જોડાયા હતા. તેની  સામે યુ.પી.માંથી ૨૨,૭૧૨ ઉત્તરાખંડમાંથી ૧૦,૧૩૪ અને પંજાબમાંથી ૧૪,૬૫૭ યુવક આર્મીમાં જોડાયા હતા.

 ગત વર્ષે જુલાઇમાં આર્મીમાંથી ભરતીની જાહેરાત કરવામાં આવી તો કુલ ૭૧૩૦૩૯ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ ગુજરાતના મોટાભાગના યુવાનો છાતીના માપને કારણે ક્વોલિફાઇ થઇ જવાથી ચૂકી જતા હોય છે.  આર્મીમાં જોડાવવા માગતા ઉમેદવારની છાતીનું માપ કમસેકમ ૭૭ સેન્ટિમીટર હોવું જોઇએ. હકીકતમાં વિદ્યાર્થી હાઇસ્કૂલમાં આવે ત્યારે સરકારે જ તેમને મેડિકલથી માંડીને આર્મી જેવી વિવિધ શાખામાં કારકિર્દી કઇ રીતે બનાવી શકાય અને તેના માટે શું જરૂરી છે તેવા સેમિનારનું આયોજન કરવું જોઇએ, જેથી તેઓ પોતાની કારકિર્દી જાતે જ ઘડે.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે ગુજરાતીઓ સૈન્યની હાડમારી ભરી નોકરી ઓછી પસંદ કરે છે.પરંતુ ગુજરાતનું એક ગામ એવું પણ છે જે ગામના ૭૨૦ જેટલા યુવાનોએ માતૃભૂમિના રક્ષણ માટે રણ મોરચે ફરજ બજાવે છે.  ફૌજીઓનું આ ગામ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનું કાડીયાવાડા છે. આ ગામમાં ૫૭૮ પરિવાર રહે છે તેમાંથી ૮૦ ટકા પરીવારના માતાના લાલ ભારતીય સૈન્યમાં જોડાયા છે.એટલું જ નહી ગામનો જીગ્નેશ પટેલ નામનો જવાન થોડાક સમય પહેલા છતીસગઢ રાજયના બીજાપુર જિલ્લામાં નકસલી હુમલામાં શહીદ થયો હતો.તે ૧૬૮ બટાલિયનમાં ફરજ બજાવતો હતો તેમ છતાં ગામના યુવાનોની ભારતીય સૈન્યમાં જોડાવવાની ઉત્સુકતા હજુ પણ જોવા મળે છે.આ ગામના મોટા ભાગના યુવાનો આર્મી અને પેરામીલીટ્રીમાં ફરજ બજાવે છે.

આવો કિસ્સો વાંચીએ ત્યારે એવું લાગે કે અત્યારે ભલે લશ્કરમાં અલાયદી ગુજરાત રેજિમેન્ટ નથી, પરંતુ ગુજ્જુ યુવકોનો ઉત્સાહ વધે એ દિશામાં પ્રયાસ થાય તો લશ્કરમાં ગુજરાતી યુવાનોનો પ્રમાણ વધશે.


Google NewsGoogle News