Get The App

છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો

- સોના વાટકડી રે -નીલેશ પંડયા

Updated: Jan 30th, 2021


Google NewsGoogle News
છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો 1 - image


મેં તો રંગમાં કાપડાં બોળ્યાં

છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો

તમે એકવાર હાલાર જાજો 

છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો

હું તો હાલારના હાથીડા લાવું

છબિલી, તારા નેડાનો મને રંગ લાગ્યો

તમે એકવાર ઘોઘા જાજો

છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો

હું તો ઘોઘાના ઘોડલા લાવું 

છબિલી, તારા નેડાનો મને રંગ લાગ્યો

તમે એકવાર ચિત્તલ જાજો

છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો

હું તો ચિત્તલની ચુંદડી લાવું

છબિલી, તારા નેડાનો મને રંગ લાગ્યો

તમે એકવાર માળવા જાજો

છબિલા, તારા નેડાનો મને રંગ લાગ્યો

હું તો માળવાથી મેંદી લાવું

છબિલી, તારાં નેડાનો મને રંગ લાગ્યો

આ પણાં લોકગીતો વર્ષો સુધી કંઠસ્થ પરંપરાથી સફર કરતાં રહ્યાં એટલે ઝડપથી ગામેગામ, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચી ગયાં. આજે જેમ સોશ્યલ મીડિયાને લીધે કોઈ બળુકી, રમૂજી વાત કે અફવા મિનિટોમાં પ્રસાર પામી જાય છે એમ એ વખતે સબળ લોકગીતો 'વાયરલ' થઈ જતાં, ભલે એની ગતિ થોડી ધીમી પણ હતી મક્કમ ! વળી જે વિસ્તારની જે ચીજ વિખ્યાત હોય એ મગાવવાની વાત એમાં સહેલાઈથી કહી દેવાતી, પરિવહન મુશ્કેલ હતું તો પણ !

'મેં તો રંગમાં કાપડાં બોળ્યાં...' અનેક પાઠાંતરો પામેલું કર્ણપ્રિય લોકગીત છે. લોકગીતની નાયિકા 'રંગમાં કાપડાં બોળ્યાં' એવું કહે છે પણ અહીં 'કાપડાં' તો પ્રતીક છે, વાસ્તવમાં પોતાના પ્રિયતમના પ્રીતરંગમાં પોતાનાં મનડાં કે હૈડાં બોળી દીધાં છે ને એના સ્નેહનો પાક્કો રંગ પોતાને લાગી ગયો છે જેમ મીરાંબાઈએ ગાયું હતું કે, 'શ્યામ પિયા મોરી રંગદે ચૂનરિયા...' 

પ્રિયા અડધું બોલે ને પિયુ આખું સમજી જાય એ જ તો પ્રીતની રીત છે. એ કહે છે કે તમે એકવાર હાલાર જાજો, ત્યાં જ સામેથી ઉત્તર આવે છે કે હું હાલાર જઈને હાથી લઈ આવીશ. એમ ઘોઘા, ચિત્તલ અને માળવા જવાનું અને ત્યાંથી શું શું લાવવાનું એની વાત થઈ છે. માળવા ભલેને દૂર રહ્યું પણ મેંદી તો માળવાની જ ! મેંદીથી માનુની રાજી રાજી ને એના રાજીપાથી માનુનીનો માનીતો રાજી...

ગુજરાતી લોકગીતોમાં સ્ક્રીપ્ટ કરતાં ઢાળ મૂલ્યવાન હોય છે. આ લોકગીતને કમ્પોઝિશનના માર્કસ આપવાના હોય તો ૧૦૦માંથી ૧૦૦ આપવા પડે એવું મસ્ત છે. 


Google NewsGoogle News