સૌથી નીચું કોણ ? .
- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિક
(वसन्ततिलका)
हंसो न भाति बलिभोजनवृन्दनमध्ये
गोमायुमण्डल गतो न सिंहः ।
जात्यो न भाति तुरगः खरयूथमध्ये
विद्वान भाति पुऱुषेषु निरक्षरेषु ।।
માનવ સમાજના સભ્યો એવા માણસોને જીવનમાં અનેક જાતના સંબંધો બાંધવા પડે છે. કેટલીક વાર તેમનાં સારાં-માઠાં પરિણામો આવે છે. સભ્યોમાં અસભ્યતા આવી જાય છે. આવા પ્રસંગો નિવારવા માટે શાણા અગ્રણીઓએ ઘણા નિયમો ઘડી કાઢ્યા છે, જેમાંનો એક છે કે પોતાની બરાબરીના, સમાન પદ-પદવી, ધરાવનારાઓ સાથે સંબંધ બાંધવા. સાદા, સુખદ સંબંધો તો સહેલા છે. પણ મતભેદોથી, મનદુ:ખથી સંજોગોવશાત્ કજીયો કરવો પડે તો કજીયો પણ સમાન કક્ષાના માણસો સાથે કરવો, કારણ કે બંને પક્ષો અમુક સમાન નિયમો પાળતા હોય, દા.ત. બે પક્ષના લડવૈયા એક જ પ્રકારનાં હથિયારો વાપરતા હોય, હથિયાર વગરના શત્રુ ઉપર હથિયારધારી હુમલો ન કરી શકે. આવા નિયમો એટલા માટે કે પાયાના નીતિનિયમો બરાબર પળાય, અનીતિ કે અન્યાય ન થાય અને ધર્મયુદ્ધ જંગલી લડાઇમાં ફેરવાઈ ન જાય.
એના ઉપરથી કજિયા કંકાસની કદરૂપી બાબતો ઉપર મર્યાદા, સંયમ-વ્યવસ્થા વ. બાબતોમાં સુધારો થાય, પરસ્પર અસમાનતા ઘટે, ક્રૂરતા, ઘાતકીપણું વગેરેમાં કંઈક સુધારો આવે. એમ કવિએ આપેલા સુંદર અને યથોચિત દાખલાઓ જોઈએ.
હંસ અને કાગડા વચ્ચે કેટલી અસમાનતા-ફેર ? આ પ્રશ્ન જ બીનજરૂરી લાગે. તેમના રંગ, તેમના સ્વાદ વગેરે જોયા પછી કંઈ કહેવાનું ન રહે. બંને ઉભયાહારી હોવાની સમાનતા ખરી, પણ તેમના ખાદ્યમાં ઘણો ફરક છે. હંસ પાણીનાં જંતુઓ અને વનસ્પતિનો આહાર કરે જ્યારે કાગડો જે મળે તે ગંદવાડ ખાય. તેથી વિશેષ, કાગડા બલિદાન અપાયેલા પશુઓનો શેષ રહેલો પદાર્થ આરોગી જાય. આ તેમનું સૌથી મોટું દૂષણ, જે આપણે સહન ન કરી શકીએ.
સિંહ અને શિયાળ તો રાજા અને ગુલામ જેવાં. સાથે કેવી રીતે શોભે ? બંને રાની પશુઓ, બંનેનો આહાર માંસનો - પણ સિંહ તો તેણે શિકાર કરેલા પ્રાણીનો, અને શિયાળ તો બીજાએ કરેલા શિકારના પડી રહેલા વાસી ભાગનો. બાકી તો બાળવાર્તાઓમાં ભેગા આવે, પણ બે સાથે હોય તેથી કોઈની શોભામાં અભિવ્યક્તિ થાય નહિ ?
ઘોડાને ગધેડા સાથે મૂકી શકાય ખરા ? સિવાય કે આપણા મૂળાક્ષરોનો કોઠો બનાવનાર વૈયાકરણીની કૃતિમાં ? અને તે એક ''ક'' વર્ગમાં, અને તેમાંય 'ગધેડાનો ગ' તે 'ઘોડાના ઘ' પહેલાં મૂકવામાં આવે ! બાકી તો ઘોડાની તેજસ્વી અને બલવંતી મૂર્તિ જુઓ. ચામડીનો ચમકતો રંગ, પગમાં વાયુનો વેગ અને માલિકના અણસાર પકડી લેવાની કાબેલિયત. માણસજાતને પશુઓમાં આવો મિત્ર મળ્યો નથી. એના જાતભાઈઓ રણયજ્ઞામાં રાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી જેવાંના શૂરાતનને અદ્ભૂત ચેતન આપ્યું. ઘોડદોડ રેસમાં હજારોને માતબર ઈનામો અપાવ્યાં. અને અલબત્ત હજારો મહારાજાઓ અને વરરાજાઓને શુભયાત્રાઓમાં શોભા અપાવી !
જ્યારે ગધેડાને મળી બોજભરી રોજગારી અને સદા ડફણાંનો પ્રસાદ. માનવજાતને આવો કહ્યાગરો અને મહેનતુ મજૂર મળ્યો નહિ હોય.
કવિનું છેલ્લું ઉદાહરણ છે વિદ્વાનનું અને અભણનું. એ બે એક બીજા સાથે સરખી વાતચીત ન કરી શકે, ન પરસ્પર એક બીજાને સમજી શકે અને એકબીજાની સભામાં શોભી પણ ન શકે. જોડકાંના સભ્યો સાથે શોભી શકે નહિ, એટલું જ નહિ પણ તેમની વચ્ચેનો તફાવત હોવાથી દેશની પૂરતી સેવા પણ ન કરી શકે. અભણ અને અક્ષમ લોકો મોટી ઉંમરે કોઈ સાધના પણ કરી શકે નહિ. બાકી તેમને સાક્ષરમાં બનાવવામાં બાકીના માણસો બનતો પ્રયત્ન કદાચ થોડો સુધારો કરી શકે.
કઈ બે વ્યક્તિઓ કે વસ્તુઓ તેમની સમાનતાઓને કારણે સંગાથે રહેવાથી શોભે છે તે શ્લોક (हंसो विभाति..) પછી તરત જ બે વસ્તુની અસમાનતાને કારણે કોણ ક્યાં શોભતું નથી એ બતાવતો શ્લોક સાથે જ જોવા મળે છે, તે કૌતુક ભરેલું છે. પણ આવા કૌતુંકના પ્રયોગ ઘણા કવિઓએ કરેલા છે, તે સંસ્કૃત ભાષાની વિશેષતા છે. આવા અલંકારો તે સંસ્કૃતિની આગવી અસ્કયામત છે, આ કવિઓની સૂઝ અને ભાષા પરના કાબૂને આભારી છે.