ખંજવાળ એક... કારણ અને સારવાર અનેક...!?
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- નિષ્ણાતોએ સૂચવેલા કેટલાંક ઉપાયો ધ્યાનથી વાંચી લઈ નોંધી લેજો. જાંઘની ખંજવાળ માટે આદુને ગરમ પાણીમાં ઊકાળી પીવું. તેમાં 26 જેટલા ફૂગનાશક સંયોજનો છે
દિ વસે ખૂબ ગરમી અને રાત્રે ઠંડી લાગે તો માંદા પડવાની શક્યતા વધી જાય છે. વાતાવરણમાંથી જ્યારે ભેજ ઓછો ત્યારે ચામડી સૂકાય છે અને ખંજવાળ આવે છે.
ખંજવાળના અનેક કારણો હોય છે. એક અભ્યાસ પ્રમાણે એકઝીમા, સ્કેબિઝ તેમજ સૂકી ચામડીને કારણે ખંજવાળ આવે છે. વળી કિટકનો ડંખ, દાઝેલી ચામડી અને પરોપજીવીઓ પણ ખંજવાળ ઉત્પન્ન કરે છે.
કિડની, લિવરના રોગો, થાઈરોઈડ, ડાયાબિટીસ વગેરે માંદગી દરમ્યાન પણ ખંજવાળ આવે છે. તનાવ, નર્વસ સિસ્ટમના પ્રોબ્લેમ પણ ખંજવાળ ઉત્પન્ન કરે છે.
ખંજવાળની સારવારમાં પહેલાં તો તમારે તેનું કારણ દૂર કરવું અને ડોકટરની સલાહ લેવી જોઈએ.
ચામડીના રોગ માટે તમે ડોકટરને મળવા જાવ ત્યારે ખાસ પોઈન્ટની નોંધ કરી લેજો. શું પુછવાનું છે એ પણ નોંધી લેશો.
ભાદરવામાં આપણને અનેક લોકો માથુ ખંજવાળતા, હાથ-પગ, કમર કે જાંઘ ખંજવાળતા જોવા મળશે. આ ખંજવાળ મીઠી હોવાથી કોઈ પ્રતિબંધ રહેતો નથી. ખંજવાળ એ કોઈ જાનલેવા રોગ નથી. આહાર અને સ્વચ્છતાની યોગ્ય ગોઠવણ અને નિયમિત દવાના ઉપયોગથી ખંજવાળ મટી શકે છે.
નિષ્ણાતોએ સૂચવેલા કેટલાંક ઉપાયો ધ્યાનથી વાંચી લઈ નોંધી લેજો. જાંઘની ખંજવાળ માટે આદુને ગરમ પાણીમાં ઊકાળી પીવું. તેમાં ૨૬ જેટલા ફૂગનાશક (એન્ટીફન્ગલ) સંયોજનો છે.
બે અઠવાડિયા માટે ટી ટ્રી ઓઈલ દિવસમાં ત્રણવાર લગાશે. હલકાં કોટન વસ્ત્રો પહેરો. ગુદાદ્વારની ખંજવાળ માટે ટબમાં બાયકાર્બોનેટ ઓફ સોડા ગરમ પાણીમાં મેળવી ૧૫ મિનિટ બેસો. મોટા ટબને બદલે તમે ''સિટ્ઝ બાથ'' પણ વાપરી શકો. આ માટે ડૉકટરની સલાહ અનિવાર્ય છે. ડૉકટર ક્રીમ પણ આપશે.
સ્કીન રેશ માટે પાણીમાં ઓટમીલ નાંખી સ્નાન કરવું. કેટલાંક ઘરગથ્થુ ઉપાયોથી પણ ખંજવાળમાં રાહત મેળવી શકાય છે. સૂકી ચામડી માટે એલોવેરા અને તલનું તેલ ઉપયોગમાં લો.
સ્નાન કરતી વખતે પાણીમાં સેન્ડલવુડ એસેન્શ્યલ ઓઈલના ૧૦-૧૨ ટીપાં નાંખો. લોવેન્ડર ઓઈલ વાપરો તો તેનાથી ડિપ્રેશનમાં પણ રાહત મળશે.
તમારે આહારમાં મીઠા ફળોને પ્રાધાન્ય આપવું. પપૈયા, કેળાં, તડબૂચ લો. ફળ અને શાકભાજી દિવસમાં ૮-૧૦ વખત ખાઓ. નાળીયેરનું કોપરૂ પણ ગોળ સાથે ખાવ. મીઠુ (સોલ્ટ) ઓછું કરો કે બંધ કરો. ઓમેગા કેપ્સ્યુલ લો.
નિષ્ણાત ડૉકટર સાથે ચર્ચા કરી સ્કીન ઈચનું કારણ શોધી તે કારણ દૂર કરો. આ રોગમાં નિદાન ખૂબ જરૂરી છે કારણ કે એલર્જી, ડ્રાય સ્કિન કે ફન્ગસમાંથી તમને કોણ હેરાન કરે છે એ જાણવું જરૂરી છે.
ડૉકટરની સલાહ પ્રમાણે સ્કીન સારી થયા પછી પણ મલમ અમુક દિવસો સુધી ચાલુ રાખવાના રહે છે તે જાણી લેજો.