આગ્નેયાસ્ત્ર : વેદમાતા ગાયત્રીનું અસીમ લીલાક્ષેત્ર!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
ગ યા અઠવાડિયે આગ્નેયાસ્ત્ર અર્થાત્ ''આગિયા વેતાળ'' વિશે ચર્ચા માંડી હતી. સવિતુર્ ગાયત્રી મંત્રને ઊંધા ક્રમમાં લખીને સંપૂર્ણ વિધિ-વિધાનપૂર્વક તેની સાધના કરવાથી મંત્રઊર્જાનો પ્રયોગ એક અસ્ત્ર તરીકે પણ કરી શકાય. એ અંગેની ગોષ્ઠિ હવે આગળ ધપાવીએ. સૂર્યના ગાયત્રી મંત્રને 'સવિતુર્ ગાયત્રી મંત્ર' તરીકે ઓળખવામાં આવ્યો. વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો, આપણાં તારામંડળનું કેન્દ્ર સૂર્ય હોવાને કારણે તેનું મહત્ત્વ શાસ્ત્રોએ પણ સમજ્યું હતું. બીજી બાજુ, તમામ બ્રહ્માંડો અને આકાશગંગાઓમાં વસવાટ ધરાવતી જીવસૃષ્ટિનો મૂળ-આધાર સૂર્ય (અર્થાત્ વિભિન્ન આકાશગંગા તથા બ્રહ્માંડોનાં અલગ અલગ પ્રધાન-તારા) હોવાને લીધે તેની ઊર્જાને સર્વોચ્ચ માનવામાં આવી. આ કારણોસર, પાંચ પ્રમુખ તંત્ર માર્ગ - શૈવ, શાક્ત, વૈષ્ણવ, ગાણપત્ય અને સૌર -માં સૂર્યને પંચદેવતાઓમાંના એકમાં સ્થાન આપવામાં આવ્યું. કાર્તિક સૂર્ય સાધના, સૂર્ય તંત્ર સાધના, સૂર્ય નમસ્કાર સહિત અનેક વિધિ-વિધાનો અસ્તિત્વમાં આવ્યા. જે મનુષ્યને આ બ્રહ્માંડના સાક્ષાત હાજરા હજૂર દેવની પ્રચંડ ઊર્જાનો અનુભવ કરાવી શકે.
સવિતુર ગાયત્રી મંત્ર એ સૂર્યનો ગાયત્રી મંત્ર હોવાને લીધે આદિકાળથી ચારેય વેદોમાં તેનો ઉલ્લેખ સ્પષ્ટપણે જોવા મળે છે. સાથોસાથ, તેના અમુક ગૂઢાતિગૂઢ રહસ્યોને અકબંધ રાખવા માટે મંત્રના ઉચ્ચારણ પણ કેટલીક સાંકળો લગાવી દેવામાં આવી. વિપરીત ક્રમમાં ઉચ્ચારણ કરવાથી બનતાં આગ્નેયાસ્ત્ર અર્થાત્ સવિતુર્ ગાયત્રીનાં તંત્ર રૂપી પ્રભાવ અંગે શાસ્ત્રો જણાવે છે.
आग्नेयास्त्रस्य विसर्गादानपद्धतिम् ।
यः पुमान गुऱुणा शिष्टस्तस्याधीनं जगत्त्रयम् ।।
જે વ્યક્તિ આગ્નેયાસ્ત્રનો પ્રહાર કરવાની તેમજ તેને પરત ખેંચવાની વિધિ જાણે છે, જે ગુરુ દ્વારા શિક્ષિત છે; એનું આધિપત્ય ત્રિલોક પર હોય છે !
आग्नेयास्त्राधिकारी स्यात्सविधानमुदीर्यते ।
आग्नेयास्त्रमिति प्रोत्कं विलोमं पढितं मनु ।।
અને એની પાસે આગ્નેયાસ્ત્રનો સંપૂર્ણ અધિકાર હોય છે. હવે આગ્નેયાસ્ત્રને પ્રયોગ વિધિ વિશે વાત કરીએ. આગ્નેયાસ્ત્ર પ્રતિલોમ અને અનુલોમ એમ બે પ્રકારે વિભાજીત છે.
अर्चनं पूर्ववत्कुर्त्याच्छत्कीनां प्रतिलोमतः ।
सर्वत्र दैशिकः कुर्यात् गायत्र्या द्विगुणं जपम् ।।
પ્રતિલોમતા (એક ગુપ્ત વિધિ, જેના વિશે જાહેરમાં વાત ન થઇ શકે એ) વડે શક્તિઓનું પૂજન કરો અને સર્વત્ર ગાયત્રી મંત્રનાં બમણા જાપ કરો.
क्रुरकर्माणि कुर्वीत प्रतिलोमविधानतः ।
शान्तिकं पौष्टिंक कर्म कर्तव्यमनुलोमतः ।।
પ્રતિલોમનાં વિધાન થકી ક્રૂર કર્મોની સિદ્ધિઓ માટે જાપ કરો. શાંતિમય અને પુષ્ટિદાયક કર્મોની સિદ્ધિ માટે અનુલોમ વિધાનથી જાપ કરો.
આગ્નેયાસ્ત્રનું આ ગોપનીય વિધાન ગાયત્રી તંત્ર થકી શું થઇ શકે, એની ઝાંખી માત્ર છે. તેના વિસ્તૃત વિધિ-વિધાનો, કર્મકાંડ અને યજ્ઞાદિ કર્મની પદ્ધતિ પણ ગોપનીય છે, જે ગુરુમુખેથી પ્રાપ્ત થાય એ વધુ યોગ્ય છે.
અમેરિકન સાયન્સ એકેડમીનાં વડા રહી ચૂકેલાં ડૉક્ટર એવિડે કહ્યું હતું કે આવનારી ત્રણ સદીઓની અંદર માણસજાત કોઈ પ્રકારના ભૌતિક ઉપકરણો વગર માનવશરીરની ભીતર રહેલાં તત્ત્વોનાં આધારે સૂક્ષ્મજગતમાં પરિવર્તન લાવવામાં સક્ષમ બની જશે. જે લાભ આજના યુગમાં મશીન દ્વારા મેળવવામાં આવે છે, એ તમામ ફાયદા શબ્દોનાં પ્રયોગ વડે મેળવી શકવા સંભવ હશે. ડૉક્ટર એવિડના આ વિધાનનો મર્મ સમજવા માટે આપણે સૌ કદાચ ધરતી પર નહીં હોઈએ, પરંતુ એમણે કરેલી વૈજ્ઞાનિક ભવિષ્યવાણી સત્ય સાબિત થઇને રહેશે એ વાતમાં શંકા નથી. ન્યુરોલિંકનું આગમન અને માનવશરીરને સાચવી રાખવાની ગતિવિધિની શરૂઆત અત્યાધુનિક ભવિષ્યનો સંકેત છે ! ધ્યાનથી વિચાર કરીએ તો, માત્ર શબ્દો વડે શરીરના રોગ તથા બિમારીને ઠીક કરવાની વાત ભારત માટે નવી નથી ! મનુષ્યમાત્રના ભવિષ્યને ફક્ત શબ્દો થકી નિર્ધારિત કરવાની ક્ષમતા ભારત વર્ષના ઋષિ-મુનિઓ પાસે હતી; જેને શાસ્ત્રોએ 'શાપ' અને 'વરદાન'ની સંજ્ઞા આપી છે !
પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ એમના પુસ્તકોમાં આ ઘટનાને બારીકાઈપૂર્વક સમજાવી છે. તેઓ કહે છે કે, 'આદિકાળમાં માણસજાત પાસે ભલે મશીનો નહોતાં, પરંતુ ઋષિ-મુનિઓ પોતાની જાતને એક શક્તિશાળી યંત્ર બનાવવાનું રહસ્ય પામી ચૂક્યાં હતાં. ભૌતિક ચીજો પર આધાર રાખવાને બદલે સ્વયંને એ અવસ્થા સુધી પહોંચાડી દેતાં, જેથી ધારેલાં કામો થઇ શકે. 'સ્વ'ને સક્ષમ બનાવવાની આ વિધિને સાધના, તપસ્યા, પુરુશ્ચરણ, અનુષ્ઠાન, યોગાભ્યાસ વગેરે જેવા નામો આપવામાં આવ્યા.'
પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓને મંત્ર-તંત્ર-યંત્રની ઊર્જા થકી સ્વયં સાથે એકાકાર કર્યા બાદ તેનો યોગ્ય સ્થાને અને યોગ્ય માત્રામાં ઉપયોગ થઇ શકે, એ માટે તેઓ સજાગ રહેતાં. ક્યાંય પ્રકૃતિનાં નિયમો સાથે બાંધછોડ ન થાય અને સિદ્ધિઓનાં અતિરેક થકી તેઓ કર્મચક્રમાં બાધારૂપ ન બને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું.