Get The App

અમારા સુખની સિક્રેટ રેસિપી .

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
અમારા સુખની સિક્રેટ રેસિપી                                    . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'તમારી સાથે લગ્ન ન થવાના કારણે દુ:ખી જયાએ વિદેશ જવાનું નક્કી કર્યું હતું. તે વિદેશમાં ભણીને સેટલ થઈ ગઈ. તેણે દિવ્યાંગ જોષી નામના ભારતીય વેપારી સાથે લગ્ન કર્યા અને તમને ભુલી ગઈ...'

'દિ ક્ષા બેટા રસોઈ ઉપર થોડું ધ્યાન આપજો હોં, તમારા પપ્પાજી સ્વભાવે થોડા આકરા છે. રસોઈમાં સહેજ પણ ઉપર-નીચે હશે તો જાહેરમાં ખખડાવી નાખશે. પેલું આ છોકરાઓ શું કહે છે, દાદા બહુ પરફેક્શનવાળા છે. હું નથી ઈચ્છતી કે તમારે તેનો ભોગ બનવું પડે.' - જશોદાબેને પોતાની મોટી વહુને ટકોર કરી.

'મા, તમે ચિંતા ના કરશો. અમે પણ તમારી સાથે રહીને ટેવાઈ ગયા છીએ. ક્યાં બધું બરાબર બનાવી લઈએ છીએ નહીંતર એ જે બોલે તે સાંભળી લઈએ છીએ.' - દિક્ષાએ નરમાશથી કહ્યું.

'બેટા તારી વાત સાચી પણ સાચવવું સારું. તને ખબર છે કે, આજે બે મોટા અધિકારીઓ અને પત્નીઓ સાથે આવવાના છે. આપણે થોડું સાચવી લેવું સારું. આપણને પરિણામ ખબર હોય તો સાચવવામાં વાંધો શું છે. આગળ ખાડો છે આપણને ખબર છે તો વાંચ્યા પછી પડવા ન જવાય.' - જશોદાબેન બોલ્યા અને રસોડામાં હાજર તમામ લોકો હસી પડયા.

'મા, હું ખાડામાં નહીં પડું અને તમને પણ પડવા નહીં દઉં. હવે તો આ ઘરમાં વીસ વર્ષ થયા. નાના-મોટા ખાડા અને ભુવા બધું જ મને દેખાય છે.' - દિક્ષા બોલી અને રસોડામાં ફરી હાસ્ય ફેલાઈ ગયું.

થોડીવારમાં સૌરભે બુમ મારી અને દિક્ષા રસોડામાંથી બહાર ગઈ. બહાર મહેમાનો આવવા લાગ્યા હતા. પપ્પાજી અને સૌરભ તેમને આવકારતા હતા અને દિક્ષા પણ તેમાં જોડાઈ ગઈ. 

મહેમાનો આવ્યા અને વિશાળ લિવિંગરૂમમાં ગોઠવાયા. આવેલા મહેમાનો કોન્સ્યુલેટ જનરલ ઓફ બ્રિટન તથા ડેપ્યુટી કોન્સ્યુલેટ ઓફ બ્રિટન તથા ભારતના બ્રિટન ખાતેના રાજદૂત સચી જોષી પણ હતા. તેઓ પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતમાં સરકારના પૂર્વ ચિફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલમાં પીએમઓમાં વિદેશી બાબતોના સચિવ તરીકે કામ કરતા કે.એસ. પટેલના ઘરે તેમનું સ્પેશિયલ ડિનર રાખવામાં આવ્યું હતું. આવનારા મહેમાનો સાથે પટેલ સાહેબને ઘરોબો હતો અને તેથી જ આજે ઘરે અંગત મિજબાની હતી. 

પટેલ સાહેબે વારાફરતી પોતાના પરિવારના સભ્યોનો પરિચય કરાવ્યો અને બધા વાતોએ વળગ્યા. થોડીવારમાં દિક્ષા મહેમાનો માટે વેલકમ ડ્રિંંક લઈને આવી. તેણે બધાને સર્વ કર્યું અને ત્યારે સૌરભે ઈશારો કરીને મમ્મીને બોલાવવા કહ્યું. દિક્ષા રસોડામાં ગઈ અને મમ્મીજીને બહાર જવા કહ્યું.

મમ્મીજી બહાર આવ્યા અને મહેમાનોને નમસ્તે કર્યા. તેઓ એકાદ મિનિટ ત્યાં ઊભા રહ્યા અને પાછા વળવા જતા હતા ત્યાં જ તેમની પીઠ ઉપર અવાજ અથડાયો.

'અરે, નિર્મલાબેન તમે ક્યાં ચાલ્યા. અહીંયા બેસોને થોડીવાર અમારી સાથે. પટેલ સાહેબને તો અમે જાણીએ જ છીએ અને ઘણી વાતો કરીએ છીએ પણ તમારી સાથે પહેલી મુલાકાત છે. તમને પણ જાણવાનો થોડો અવસર આપો.' - સચી જોષીએ કહ્યું. 'મેડમ તમારો આભાર પણ મને સરકાર અને વિદેશ વિશે કશું ખબર નથી. હું ક્યાં આપની સાથે વાતો કરીશ. તમે અધિકારીઓ વાતો કરો ત્યાં સુધીમાં હું ભોજન તૈયાર કરાવું.' - નિર્મલાબેન બોલ્યા અને હાથ જોડીને ઊભા રહ્યા.

'ઈટ્સ રિયલી સરપ્રાઈઝિંગ મેમ ધેટ યુ કેન સ્પીક ગુજરાતી સો વેલ. એન્ડ લેટ હર ગો. શી ઈઝ રિયલી નોટ ઈન્ટ્રેેસ્ટેડ અને અવેર અબાઉટ ધ વર્લ્ડ અફેર્સ.' - પટેલ સાહેબ બોલ્યા અને સચી જોષીએ નિર્મલાબેનની સામે જોયું અને તેઓ રસોડા તરફ ચાલવા લાગ્યા.

'હેય દિક્ષા, આઈ નીડ ટુ યુઝ રેસ્ટરૂમ. કેન યુ પ્લીઝ હેલ્પ મી આઉટ.' - સચી બોલી.

'સ્યોર મેમ... પ્લીઝ કમ વિથ મી.' - દિક્ષાએ એટલું કહ્યું અને બંને જણા રસોડા તરફ ચાલવા લાગ્યા. રસોડાની ડાબી બાજુએ આવેલો રૂમ ખોલીને દિક્ષા પાછી આવી અને સચી અંદર જતી રહી. 

દિક્ષા રસોડામાં આવી અને ડિનરની તૈયારી કરાવવા લાગી ત્યાં જ સચી રસોડામાં આવી. 

'અરે મેમ તમે અહીંયા. ડુ યુ નિડ એનિથિંગ.' - દિક્ષા અચાનક હેબતાયેલી સ્વરે બોલી.

'નો. નથિંગ. આઈ જસ્ટ નીડ ટુ ટોક ટુ નિર્મલા આન્ટી.' - સચીએ સીધો જ જવાબ આપ્યો.

'નિર્મલા આન્ટી... તમે મમ્મીજીને ઓળખો છો. ખરેખર. કેવી રીતે...' -દિક્ષાના ચહેરા ઉપર આનંદ અને આશ્ચર્ય બધું જ તરવરવા લાગ્યું હતું.

'ધેર ઈઝ એ સ્ટોરી બિહાઈન્ડ... મારે નિરાંતે વાત કરવી છે. આન્ટી તમે આવતીકાલે મારી હોટેલ ઉપર આવશો. મારે બહુ વાતો કરવી છે અને એક વ્યક્તિ સાથે તમારી મુલાકાત પણ કરાવવી છે. દિક્ષા કેન યુ પ્લીઝ હેલ્પ.' - સચીએ કહ્યું.

'સ્યોર. આઈ વીલ બી મોર હેપ્પી.' - દિક્ષાએ કહ્યું અને સચી સ્મિત કરીને રસોડાની બહાર આવી ગઈ. બધા લિવિંગરૂમની બાજુમાં આવેલા ડાઈનિંગ એરિયામાં ગોઠવાયા અને ડિનર શરૂ થયું. સૌથી પહેલાં ટોમેટો સૂપ અને ક્રિસ્પી પાતરાનું સ્ટાર્ટર સર્વ કરવામાં આવ્યું. ત્યારબાદ અન્ય થોડી સામગ્રીઓ આવી અને બધા ટેસ્ટ માણીને રાજીના રેડ થઈ ગયા.

'ઓહ, દિક્ષા, ધ સૂપ વોઝ સો નાઈસ. ઈટ્સ એ હેવનલી ડેલિકસી... આઈ હેડ નેવર ટેસ્ટેડ ધ ટમેટો સૂપ લાઈક ધીસ ઈન માય લાઈફ. ઈટ્સ રીયલી ટેસ્ટી...' - કોન્સ્યુલેટ જનરલની વાઈફ બોલી.

'ઈટ્સ અવર પ્લેઝર મેમ. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ધેટ ધ સૂપ એન્ડ ધ હોલ ડિનર ઈઝ પ્રિપેર્ડ બાય માય મધર ઈન લો... આઈ એમ જસ્ટ એ હેલ્પર.' - દિક્ષાએ કહ્યું. 

'શી હેડ સમ સિક્રેટ રેસિપી ફોર સચ એ બ્રિલિયન્ટ ટેસ્ટ.' - દિક્ષાએ ઉમેર્યું.

'ઓહ માય ગોડ. લેટ મી કિસ યોર એક્સપર્ટ હેન્ડ. કેન યુ પ્લીઝ ગાઈડ મી ટુ લર્ન હાઉ ટુ કુક સચ ઈન્ડિયન ડેલિકસીસ.' - ડેપ્યુટી કોન્સ્યુલેટની પત્ની પણ બોલી.

'થેંક્યુ મેમ બટ શી કાન્ટ સ્પીક ઈંગ્લિશ. શી ઈઝ નોટ ધેટ મચ ક્વોલિફાઈડ. શી ઈવન ડોન્ટ લાઈક ટુ મીટ પીપલ એન્ડ એક્સ્પ્લોર ધ પ્લેસીસ.' - પટેલ સાહેબે કહ્યું.

'હી ઈઝ રાઈટ. શી કાન્ટ એક્સપ્લોર, શી કાન્ટ સ્પીક, બટ શી કેન સેક્રિફાઈઝ એનિથિંગ એટ એની મોમેન્ટ. નિર્મલા આન્ટી હવે તો બોલો. ક્યાં સુધી આ રીતે જીવ્યા કરશો.' - સચી બોલી અને ત્યાં હાજર પટેલ સાહેબ અને તેમનો પરિવાર જાણે કે ડઘાઈ ગયો. જો કે, દિક્ષાના ચહેરા ઉપર આછકલું સ્મિત આવી ગયું.

'મેકોલે સર, હેન્રી સર એન્ડ રિસ્પેક્ટેડ લેડિઝ. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ધેટ ધ સિક્રેટ ઓફ મી. પટેલ્સ સક્સેસ ઈઝ ધ રિઝલ્ટ ઓફ નિર્મલા આન્ટીઝ સિક્રેટ સેક્રિફાઈસ.' - સચીએ ફરી બોમ્બ ફેંક્યો.

'પટેલ સાહેબ તમને યાદ છે તમે લોકો સરદાર પટેલ કોલોનીમાં રહેતા હતા ત્યારે તમારી બાજુમાં પરષોત્તમભાઈનો પરિવાર રહેતો હતો. તમારા પિતા વ્યાજે પૈસા આપવાનું કામ કરતા હતા અને પરષોત્તમભાઈ ઘણી વખત તેમને આ વ્યાજનો ધંધો બંધ કરવાનું કહેતા હતા. તેઓ ખેડૂતોને તગડા વ્યાજે પૈસા આપતા હતા.'

'પરષોત્તમભાઈની દિકરી જયા અને તમે એકબીજાને પસંદ કરતા હતા. તમારા પિતાને આ સંબંધ પસંદ નહોતો. તે વખતે તમે જીપીએસસી એસ્પિરન્ટ હતા. તમારી સાથે એક ખેડૂતની દીકરી નિર્મલા પટેલ પણ હતી. તમારી પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ હતી. તમે ફાઈનલ્સની રાહ જોતા હતા. તે સમયે નિર્મલાના પિતા તમારા ઘરે આવ્યા હતા. તમારા પિતા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તે પરત આપી શકે તેમ નહોતા. તેના કારણે તમારા પિતાએ તેમની સાથે વેપાર કર્યો હતો.'

'જ્યારે જીપીએસસીના ફાઈનલ્સના રિઝલ્ટ આવ્યા ત્યારે નિર્મલા પહેલા સ્થાને અને તમે બીજા સ્થાને હતા. તમારા પિતાએ મૂડી અને વ્યાજ જતું કરીને તમારા લગ્ન નિર્મલા સાથે કરાવીને સોદો પૂરો કર્યો. તેની સામે નિર્મલાએ પોતાની કારકિર્દીકાયમ માટે ભુલી જવાનો વાયદો કર્યો જેને તે આજ સુધી નિભાવી રહી છે.'

'તમારી સાથે લગ્ન ન થવાના કારણે દુ:ખી જયાએ વિદેશ જવાનું નક્કી કર્યું હતું. તે વિદેશમાં ભણીને સેટલ થઈ ગઈ. તેણે દિવ્યાંગ જોષી નામના ભારતીય વેપારી સાથે લગ્ન કર્યા અને તમને ભુલી ગઈ. તેઓ ક્યારેય આ સોદાને ભુલી શક્યા નહોતા. તમે જ્યારે પહેલી વખત નિર્મલાબેનને લંડન લઈને આવ્યા હતા ત્યારે જયા જોષી તેને મળ્યા હતા. તેમણે સમગ્ર વાત નિર્મલાને કરી હતી. નિર્મલાએ ત્યારે પણ ત્યાગ આપવાની તૈયારી બતાવી હતી. તેનો જવાબ હતો કે તમારે આજે પણ એમની સાથે જોડાઉં હોય તો હું છુટી થઈને ક્યાંક આશ્રમમાં જતી રહીશ. તેઓ ખુશ હશે તો હું પણ ખુશ જ રહીશ. તે જયાની દિકરી આજે બ્રિટનની રાજદૂત છે. સચી જોષી.' -સચીએ કહ્યું અને પટેલ સાહેબ દિગમૂઢ થઈને તેની સામે જોતા રહ્યા.

'લેડિઝ એન્ડ જેન્ટલમેન અમારી મમ્મીજીનો આ સ્વભાવ જ અમારી હેપ્પીનેસની સિક્રેટ રેસિપી છે.' - દિક્ષાએ કહ્યું અને વિદેશી મહેમાનોએ તાળીઓથી તેમને વધાવી લીધા.


Google NewsGoogle News