ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની સ્વર્ણિમ યુવા પેઢીની વિરાટ સિદ્ધિ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ચેસ ઓલિમ્પિયાડમાં ચાર વ્યક્તિગત સુવર્ણચંદ્રકો જીતનારા ડી. ગુકેશ, અર્જુન એરિગૈસી, દિવ્યા દેશમુખ અને વંતિકા અગ્રવાલમાંથી કોઈની ઉંમર ૨૧ વર્ર્ષથી વધુ નથી
ધી રે ધીરે સે મના, ધીરે સે સબ હોત, માલી સિંચે સો ઘડા, ઋત આયે ફલ હોત. - કબીરના આ દોહામાં સફળતાની પાછળ રહેલી મહેનત અને ધીરજને ખુબ જ સરળતાથી અંકિત કરવામાં આવી છે. કોઈ પણ સફળતા આક્સ્મિક હોતી નથી. ઘણીવખત તેવો ભાસ જરુર થાય છે, પણ તેની પાછળ સફળતા મેળવનારની કે પછી વર્ષો પહેલા તેનું સ્વપ્ન-બીજનું આરોપણ કરનારની મહેનત અને ધીરજનો એક આખો ઈતિહાસ રહેલો હોય છે.
બૌધ્ધિક ક્ષમતાની સાથે સાથે સતર્કતા અને એકાગ્રતાની ખરી કસોટી કરનારી ચેસની રમતમાં દર બે વર્ષે યોજાતા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન અને મહિલા વિભાગમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીતીને દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. ભારતની આ સફળતા ઐતિહાસિક એટલા માટે છે કારણ કે ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન વિભાગની સ્પર્ધા છેલ્લા ૧૦૦ વર્ષથી અને મહિલા વિભાગની સ્પર્ધા છેલ્લા ૬૭ વર્ષથી યોજાતી આવી છે. જેમાં અત્યાર સુધી ક્યારેય ભારત કાંસ્યચદ્રકથી આગળ વધી શક્યું નહતુ. જોકે ભારતીય ચેસની ઉદયમાન નવી સ્વર્ણિમ પેઢીએ આ વખતે તેની વિરાટ પ્રતિભાનું દર્શન કરાવ્યું, ત્યારે આખા વિશ્વની પાસે દિગમૂઢ થઈને જોઈ રહેવા સિવાય કોઈ વિકલ્પ જ બાકી રહ્યો નહતો.
ડી. ગુકેશની સાથે આર. પ્રજ્ઞાનંધા, અર્જુન એરિગૈસી, વિદિત ગુજરાતી અને પેન્ટાલા હરિકૃષ્ણાએ ચેસ ઓલિમ્પિયાડમાં આગવું પ્રભુત્વ જમાવતા એક પણ મુકાબલો ગુમાવ્યા વિના જીત હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. વિશ્વના ૧૯૫ દેેશોની ૧૯૭ ટીમો વચ્ચે ખેલાયેલી ઓપન વિભાગની સ્પર્ધામાં ભારતને તમામ ખેલાડીઓના કુલ ઈએલઓ રેટિંગના આધારે અમેરિકા પછી બીજો ક્રમ આપવામાં આવ્યો હતો. ચેસ ઓલિમ્પિયાડમાં યજમાન દેશને એકથી વધુ ટીમ ઉતારવાની છૂટ હોય છે અને તેના જ કારણે દેશો અને ટીમોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. ભારતે કુલ ૧૧ રાઉન્ડમાંથી ૧૦માં વિજય મેળવ્યો હતો. ભારતનું એકમાત્ર ડ્રો પરિણામ ઉઝબેકિસ્તાન સામેના મુકાબલામાં હતુ. ઉઝબેક ટીમે ગત એટલે કે ૨૦૨૨ના ચેન્નાઈ ચેસ ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારતે ઓલિમ્પિયાડમાં અજેયકૂચને આગળ ધપાવતા હાંસલ કરેલી જીત પણ વિરલ સિદ્ધિથી કમ નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ચેસ જગતની યુવા પ્રતિભાના ચમકારા આખી દુનિયાને જોવા મળી રહ્યા છે. એક સમય હતો કે, જ્યારે ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ એકલપંડે આખા ભારતીય ચેસ જગતને પોતાના ખભા પર ઊંચકીને આગળ વધી રહ્યો હતો. પાંચ વખત વિશ્વવિજેતા બની ચુકેલા આનંદની છાતી ચેસ ઓલિમ્પિયાડમાં યુવા પ્રતિભાઓની સફળતાને કારણે ગજ ગજ ફૂલી રહી છે. યોગાનુંયોગ આ ચેેસ ઓલિમ્પિયાડમાં આનંદે કોમેન્ટેટર તરીકેની ભૂમિકા અસરકારક રીતેે નિભાવી. આજેે ચેસ જગતના ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં ભારત મહાસત્તા તરીકે પ્રસ્થાપિત થયું છે, ત્યારે તેના પાયાના પથ્થર તરીકે તો આનંદનો બહુમૂલ્ય ફાળો રહેલો છે.
આનંદના ઉત્તરાધિકારી તરીકે ઉભરી આવેલા આર. પ્રજ્ઞાનંધા તેમજ ડી. ગુકેશ અને અર્જુન એરિગૈસીની પ્રતિભાને નિખાર આપવામાં ભારતીય ચેસના મહાન ખેલાડીએ સીધો કેે આડકતરો ફાળો અચૂક આપ્યો છે. ભારતીય ચેસના વિકાસના બેરોમીટરનો આંક સતત ઊંચોને ઊંચો જતો રહ્યો છે. ચેેસ વર્લ્ડ કપમાં આર. પ્રજ્ઞાનંધાનો રજત ચંદ્રક હોય કે પછી ડી.ગુકેશની સૌથી યુવા વયે કેન્ડિડેટ્સ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ (આ ટુર્નામેન્ટના વિજેતા તરીકે ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેન સામે વર્લ્ડ ટાઈટલ જીતવા ટકરાશે) જીતવાની સિદ્ધિ હોય, દરેક વેળાએ યુવા ખેલાડીઓએ તિરંગાને સિદ્ધિના નવા શીખર પર લહેરાવ્યો છે.
ચેસ ઓલિમ્પિયાડમાં પ્રત્યેેક રાઉન્ડમાં એક સાથે ચાર ખેલાડીઓનો મુકાબલો ખેલાય છે. જેમાં પ્રથમ ખેેલાડીને ટોપ બોર્ડ અને ત્યાર બાદ સેકન્ડ, થર્ડ અને ફોર્થ બોર્ડ પર જંગ જામે છે. ટોપ બોર્ડ પર સ્વાભાવિક રીતે જ જે તે દેશનો રેન્કિંગમાં સૌથી આગળ રહેલો ખેલાડી રમે છે. ભારત તરફથી ટોપ બોર્ડની જવાબદારી ચેન્નાઈના ગુકેેશના શિરે હતી. તેણે પ્રથમ રાઉન્ડમાં આરામ અપાયો હતો. જોકે બીજા થી લઈને ૧૧માં રાઉન્ડ સુધી તમામમાં તેણે ભાગ લીધો અને આઠ જીત અને બે ડ્રો સાથે ૧૦માંથી ૯ પોઈન્ટ હાંસલ કર્યા અને વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતી લીધો આ સાથે તેણે વ્યક્તિગત સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો. તેવી જ રીતે ત્રીજા બોર્ડ પર આંધ્રના અર્જુને તમામ ૧૧ રાઉન્ડ રમતાં ૯ જીત અને બે ડ્રો સાથે કુલ ૧૦ પોઈન્ટ જીતી બતાવ્યા હતા. સેકન્ડ બોર્ડ પર પ્રજ્ઞાનંધાએ ૬ તો ચોથા બોર્ડ પર વિદિતે ૭.૫ પોઈન્ટ જીતી બતાવ્યા હતા. પી. હરિકૃષ્ણાને ટીમના નોન પ્લેઈંગ કેપ્ટન શ્રીનાથે ત્રણ મુકાબલામાં ઉતાર્યો હતો અને તેણે બે જીત સાથે એક ડ્રો પરિણામ આપ્યું હતુ.
ભારતની ઓપન વિભાગની સફર ભારે રોમાંચક રહી હતી. લગલગાટ છ રાઉન્ડ જીત્યા બાદ સાતમા રાઉન્ડમાં ચીન સામેે કેપ્ટન શ્રીનાથે ચોથા બોર્ડ પર વિદિતના સ્થાને હરિકૃષ્ણાને ઉતાર્યો હતો અને તેણે કેપ્ટનના નિર્ણયને સાચો ઠેરવતા પ્રજ્ઞાનંધા-અર્જુનની જેમ બાજી ડ્રો કરી હતી. ગુકેશે પાંચ કલાકથી વધુના મુકાબલામાં ચીનના ખેલાડીને હરાવીને ભારતને યાદગાર જીત અપાવી હતી. ચીને તેના વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને આ મુકાબલામાં ગુકેશ સામે ઉતાર્યો નહતો, કારણ કે આગળના રાઉન્ડની હારથી તેે હતાશ હતો. ઉઝબેકિસ્તાન સામેની ડ્રો મેચ બાદ ભારતે ટોપ સીડ અમેરિકાનેે હરાવીને સુવર્ણચંદ્રક નિશ્ચિત કરી લીધો હતો. આખરી રાઉન્ડમાં સ્લોવેનિયા સામેની જીત તો સાવ ઔપચારિક જ રહી હતી.
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની પુરુષ ટીમે સૌપ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીત્યો તેની ગણતરીની મિનિટો બાદ મહિલા ટીમે પણ પહેલીવાર સ્વર્ણિમ સિદ્ધિ હાંસલ કરતાં ભારતીય ચેસ જગત માટે ૨૩મી સપ્ટેમ્બર,૨૦૨૪ની તારીખ સુવર્ણાક્ષરે અંકિત થઈ ગઈ હતી. દ્રોણાવલી હરિકા, આર. વૈશાલીની સાથે દિવ્યા દેશમુખ તેમજ તાન્યા સચદેવ અને ઈન્ટરનેશનલ માસ્ટર વંતિકા અગ્રવાલની ટીમે આખરી મુકાબલામાં અઝરબૈજાનને મહાત કરતાં ચેસ ઓલિમ્પિયાડમાં ભારતના વિજયઘોષને વધુ બુલંદ બનાવી દીધો. વિશ્વના ૧૮૧ દેશોની ૧૮૩ ટીમો વચ્ચે રમાયેેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની મહિલા ટીમે ૧૧માંથી ૯ મેચ જીતી અને એક ડ્રો કરી હતી. જ્યારે એકમાં તેમને હારનો સામનો કરવો પડયો હતો.
ભારતની મહિલા ટીમમાં ડી.હરિકા ટોપ બોર્ડ પર રમી હતી. જ્યારે તે પછી અનુક્રમે આર. વૈશાલી, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ અને તાનિયા અગ્રવાલનો સમાવેશ થતો હતો. ટોપ સીડ તરીકે ભારતની મહિલા ટીમે સળંગ સાત રાઉન્ડ જીતી લીધા હતા. આ સમયે ભારતનો સુવર્ણચંદ્રક નિશ્ચિત મનાતો હતો. જોકે ખરી સમસ્યા આઠમાં રાઉન્ડથી શરુ થઈ. પોલેન્ડની ટીમે ભારતને આંચકો આપ્યો. ભારતની સૌથી વધુ ઈએલઓ રેટિંગ ધરાવતી ડી.હરિકાનું ફોર્મ સરેરાશ રહ્યું હતુુ અને પોલેન્ડ સામે તે અને વૈશાલી હારતાં ભારતને મુકાબલો ગુમાવવો પડયો હતો.
મહિલા ટીમે હવે સુવર્ણચંદ્રક જીતવા માટે આખરી ત્રણ રાઉન્ડમાં પ્રભાવશાળી દેખાવ કરતાં જીતવું જરુરી હતુ. નવમા રાઉન્ડમાં ભારતનો મુકાબલો અમેરિકા સામે હતો. આ સમયે ભારતની મહિલા ટીમના નોન પ્લેઈંગ કેપ્ટન અભિજીત કુંતેએ કુનેહનો ઉપયોગ કરીને ડી.હરિકાને આરામ આપ્યો. આ કારણે વૈશાલી ટોપ બોર્ડ પર ઉતરી અને દિવ્યા અને વંતિકાની સાથે તાનિયાને પણ તક મળી. વૈશાલીને હારનો સામનો કરવો પડયો અને દિવ્યા તેમજ તાનિયાએ પોતપોતાના મુકાબલા ડ્રો કર્યા. ભારત માટે આ પળ કરો યા મરોની હતી. આ હાર ભારતને ટાઈટલની રેસમાંથી બહાર ફેંકી દે તેમ હતી. જોકે, ઈન્ટરનેશનલ માસ્ટર વંતિકા અગ્રવાલે તેના કરતાં ચઢિયાતું રેટિંગ ધરાવતી અમેરિકાની ગ્રાન્ડમાસ્ટર ઈરિના કૃષને હરાવીને મેજર અપસેટ સર્જતા ભારતને હારમાંથી ઉગાર્યું ને મુકાબલો ડ્રો કર્યો.
ભારતની મહિલા ટીમ પરથી હજુ દબાણ ઘટયું નહતુુ કારણે સુવર્ણચંદ્રક જીતવા માટે ભારતને આખરી બંને મુકાબલા જીતવા જ પડે તેમ હતા. ભારતે ૧૦માં રાઉન્ડમાં ચોથો ક્રમાંક ધરાવતા ચીન અને ૧૧માં રાઉન્ડમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતા અઝરબૈજાનને હરાવીને ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં મહિલા વિભાગમાં પણ પહેલો સુવર્ણચંદ્રક જીતી લીધો. ભારતની સફળતામાં દિવ્યા દેશમુખ અને વંતિકા અગ્રવાલે નિર્ણાયક ભૂમિકા ભજવતા અનુક્રમે ત્રીજા અને ચોથા બોર્ડ પર સુવર્ણચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ચેસ ઓલિમ્પિયાડના પરિણામો પુરષ અને મહિલા ચેસમાં ભારતના ઉજ્જવળ ભાવિના ઉદયનો પ્રકાશ રેલાવી રહ્યા છે. વિશેષતા એ છે કે, સતત બે ઓલિમ્પિયાડમાં ફર્સ્ટ બોર્ડમાં સુવર્ણચંદ્રક જીતનારો ગુકેશ અને આ વખતેે ચોથા બોર્ડ પર સફળતા હાંસલ કરનારી વંતિકા અગ્રવાલ માત્ર ૧૮ વર્ષના જ છે. જ્યારે ઓપન અને મહિલા વિભાગમાં ત્રીજા બોર્ડ પર સુવર્ણ જીતનારા અર્જુન એરિગૈસી અને દિવ્યા દેશમુખ ૨૧ વર્ષના જ છે. આ ખેલાડીઓ ચેસમાં ભારતનો આગવો દબદબો ઉભો કરશે તેમાં કોઈ શંકા નથી.