Get The App

જીવન-સરિતાનો જીર્ણોદ્ધાર .

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
જીવન-સરિતાનો જીર્ણોદ્ધાર                                   . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- મનીષ બંસલ માને છે કે સત્તાધીશો અને વહીવટી અમલદારોનું કામ સુવિધા પૂરી પાડવાનું છે, પરંતુ નદીની સંભાળ લેવાનું, સંરક્ષણનું કામ તો લોકોનું છે

આ પણે સહુ જાણીએ છીએ કે પાણી વિના માનવજીવનનું અસ્તિત્વ શક્ય નથી. વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ નદીકિનારે થયો છે, તેથી જ્યારે નદી લુપ્ત થાય છે, ત્યારે માત્ર નદી જ નહીં, કિંતુ એક આખી સંસ્કૃતિ લુપ્ત થાય છે, પરંતુ આજે દેશની મોટાભાગની નદીઓની સામે પોતાના અસ્તિત્વનો પ્રશ્ન જ પડકારરૂપ બની રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ પર્યાવરણ અને નદી સંરક્ષણ ક્ષેત્રે કેટલીક વ્યક્તિઓ સહેજે થાક્યા વિના કામ કરી રહી છે. તેમાંનું એક નામ છે મનીષ બંસલ. મનીષ બંસલ દિલ્હી આઈ.આઈ.ટી.માં એમ.ટેક્. કર્યા પછી ૨૦૧૩માં યુપીએસસીની પરીક્ષામાં સફળ થઈને આઈ.એ.એસ. ઑફિસર બન્યા. ૨૦૨૨માં ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં તેમની ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થઈ. જિલ્લામાં સોત નદી જીવાદોરી સમાન હતી.

એક દિવસ મનીષ બંસલ નદી કિનારે આવ્યા અને તેમણે જોયું કે નદીમાં ક્યાંય પાણી દેખાતું નથી. નદીનું અસ્તિત્વ પણ શોધવું પડે તેમ હતું. નદીની જગ્યા પર એટલું બધું અતિક્રમણ થયેલું કે તેનો હેઠવાસ તરફ જતો કુદરતી પ્રવાહ અટકી ગયેલો. તેને પરિણામે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા. આ ઉપરાંત ભૂગર્ભમાં રહેલું જળસ્તર એટલું નીચું જતું રહ્યું કે ખેડૂતો ખેતી માટે બોરવેલના પાણી પર આધારિત બની ગયા. ભૂગર્ભના પાણીનું સ્તર નીચે જવાથી હેન્ડ પંપથી પણ પાણી મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. આવી પરિસ્થિતિમાં મનીષ બંસલે નદીનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. તેને માટે સૌપ્રથમ તેમણે નદીની લંબાઈનો સર્વે કરાવ્યો, ત્યારે ખબર પડી કે જે નદીનું અસ્તિત્વ આજે સંભલ જિલ્લામાં જણાતું નથી તે ૧૧૦ કિમી. લાંબી છે. ઉત્તર પ્રદેશની ઉત્તરમાં આવેલા અમરોહાથી નીકળીને દક્ષિણના બદાયૂં જિલ્લા સુધી તે પહોંચે છે. આશરે એકોતેર ગ્રામપંચાયતમાંથી સોત નદી પસાર થાય છે અને તે ગંગાની સહાયક નદી છે. મનીષ બંસલે સૌપ્રથમ તો તેનો કુદરતી માર્ગ નિર્ધારત કર્યો અને ત્યારપછી તેની લંબાઈ અને પહોળાઈનું સીમાંકન નક્કી કરવાનું કામ કર્યું. ત્રીજું કામ તેણે નદીમાં ગેરકાયદેસર રીતે થતું અતિક્રમણ દૂર કરવાનું કર્યું. તેમણે જમીનના રેકોર્ડ જોયા. તેમાંથી માહિતી મળી કે બહુ મોટા પ્રમાણમાં લોકો તેનો ઉપયોગ ખેતી માટે કરતા હતા. જોકે કોઈ કાયમી બાંધકામ ન હોવાથી મુશ્કેલી ન પડી, પરંતુ મહેસૂલ વિભાગના જમીનના રેકોર્ડ મુજબ ત્યાં જે લોકો જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા, તેમને હટાવવામાં આવ્યા. ચોથા તબક્કામાં નદીમાં રહેલો કચરો અને કાંપ કાઢવાનું કામ કરવાનું હતું. આને માટે જિલ્લા પ્રશાસને મનરેગા અંતર્ગત કામ કરતા કામદારો પાસે તે કચરો કઢાવ્યો અને ખોદકામ કરીને કાંપ કઢાવ્યો.

સોત નદીના જીર્ણોદ્ધારનું કામ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં શરૂ કર્યું હતું જે જૂન ૨૦૨૩માં પૂરું થયું. છ મહિનામાં નદી ચોખ્ખી થઈ અને ૨૦૨૩ના ચોમાસામાં વરસાદ આવતાં નદીમાં પાણી વહેવા લાગ્યું. દરેક નદીને પોતાનો જળસંચય વિસ્તાર હોય છે તે દિશામાં પાણી વહીને નદીમાં જાય છે. જો એ પ્રવાહને રોકવામાં આવે તો ત્યાં જલજમાવ થાય છે, પરંતુ હવે તે પ્રવાહ સોત નદી તરફ વહે છે. આજે આ નદીની આસપાસ દસ હજાર જેટલાં બામ્બૂના છોડ વાવવામાં આવ્યા છે. નદીમાં પાણી આવતા તેના ઉપર નાના નાના ચેક-ડેમ બનાવવામાં આવ્યા છે. મનીષ બંસલ આ સફળતાનો યશ સ્થાનિક લોકો, ગ્રામ પંચાયતો અને મનરેગાના કામદારોને આપે છે. ૨૦૨૪ના જૂન મહિનામાં મનીષ બંસલની બદલી ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાં થઈ, પરંતુ આજેય આ નદીની સંભાળ સંભલ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઑફિસર અને ત્યાંના લોકો રાખી રહ્યા છે. જે કામ મનીષ બંસલે શરૂ કર્યું હતું તે કામને અર્થાત્ નદીમાં કચરો ન થવા દેવો કે ચોમાસા પહેલાં કાંપ અને કાદવ કાઢીને ચોખ્ખી કરવી વગેેરે ચાલુ રાખ્યા છે. મનીષ બંસલ આજે સહરાનપુરમાં છે, પરંતુ સંભલ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સોત નદીનો જીર્ણોદ્ધાર કરવામાં જે સફળતા મળી તે અનુભવનો સહરાનપુરમાં અમલ કરવા માગે છે. સહરાનપુરમાં પણ કાલિ અને હિંડોન જેવી ચોમાસુ નદીઓ છે. જે શિવાલિકથી આવે છે અને આ જિલ્લામાંથી પસાર થાય છે. મનીષ બંસલ માને છે કે સત્તાધીશો અને વહીવટી અમલદારોનું કામ સુવિધા પૂરી પાડવાનું છે, પરંતુ નદીની સંભાળ લેવાનું, સંરક્ષણનું કામ તો લોકોનું છે. ૧૯૯૩થી ૨૨મી માર્ચે 'વર્લ્ડ વૉટર ડે' અને ૨૦૦૫થી સપ્ટેમ્બરના ચોથા રવિવારે 'વર્લ્ડ રીવર ડે' ઉજવાઈ રહ્યા છે, પરંતુ એ પછી પણ નદીઓમાં પાણીનું સ્તર વધતું નથી. આ વર્ષે તો એમઝોન નદીનું જળસ્તર ઘટી ગયું છે. એક હજાર નદીઓની મુલાકાત લેનાર માર્ક એન્જેલો પોતાના અનુભવનો નિચોડ આપતા કહે છે કે નદીઓ તો પૃથ્વી ગ્રહની આર્ટરી છે અને સાચા અર્થમાં તે જ આપણી જીવાદોરી છે. પૃથ્વી ગ્રહની આ આર્ટરીને સ્વસ્થ રાખવા ઘણા મનીષ બંસલની જરૂર છે.

બાળકના સ્મિતની ઝંખના

 જો કુટુંબમાં કોઈને હીમોફિલિયા હોય તો તે સ્ત્રીઓએ લગ્ન કરતાં પહેલાં તપાસ કરાવવી જરૂરી હોય છે. જો એક બાળક હીમોફિલિયાવાળું જન્મે તો ડૉ. નલિની બીજું બાળક ન કરવાની સલાહ આપે છે. 

જીવન-સરિતાનો જીર્ણોદ્ધાર                                   . 2 - imageપુ ડુચેરીમાં રહેતાં નલિની પાર્થસારથિ નાના હતા, ત્યારે વારંવાર બીમાર પડતાં અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડતા. તેમના પર ઘણી બધી સર્જરી પણ થયેલી છે, પરંતુ આજે તેઓ એક ડૉક્ટર તરીકે અનેક દર્દીઓની સેવા કરી રહ્યા છે. ડૉ. નલિની પાર્થસારથિના જીવનમાં આવેલી આપત્તિઓને તેમણે અવસરમાં પરિવર્તિત કરી છે. તેઓ કહે છે કે,' નાનપણથી મારા અત્યંત નબળા સ્વાસ્થ્યને કારણે અનેક ડૉક્ટરોને મળવાનું થયું, હૉસ્પિટલમાં રહેવાનું બન્યું, તેથી મને આ વ્યવસાય પ્રત્યે આકર્ષણ થયું અને ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. આને કારણે મને મારા બાળદર્દીઓ પ્રત્યે અત્યંત સહાનુભૂતિ થાય છે.' અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેઓ બાળરોગના નિષ્ણાત ડૉક્ટર બન્યા. પુડુચેરીની જીપમૅર તરીકે ઓળખાતી જવાહરલાલ ઇન્સ્ટિટયૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાયા.

જીપમૅરમાં તેઓ થેલેસેમિયા અને લ્યુકેમિયાના દર્દીઓને તપાસતા હતા. હીમોફિલિયા થયેલાં બાળકોને લઈને માતા-પિતા તેમની પાસે જતા. તેમણે હેમેટોલોજી સાથે હીમોફિલિયા અને નિયોનેટેલોજીમાં વિશેષ તાલીમ લીધી હતી. હીમોફિલિયા એ જેનેટિક બ્લડ ડિસઑર્ડર છે, જેમાં વ્યક્તિને ક્યાંક વાગે અને લોહી નીકળવા માંડે તો તે જલદી બંધ થતું નથી. લોહી ગંઠાઈને વહેવાનું બંધ થઈ જાય તેવા ઘટકોનો એ વ્યક્તિમાં અભાવ હોય છે, તેથી કેટલાક ગંભીર કેસમાં તો તે જીવલેણ પણ નીવડે છે. જીપમેરમાં દસ વર્ષ કામ કર્યા બાદ તેમણે ત્યાંથી નિવૃત્તિ લીધી અને પુડુચેરીમાં હીમોફિલિયા સોસાયટીની તેમણે સ્થાપના કરી. તે ઉપરાંત પુડુચેરીથી ૧૩૫ કિમી. દૂર કરાઈકાલમાં પણ હીમોફિલિયા સોસાયટીની તેમણે સ્થાપના કરી. તેમણે હીમોફિલિયા વિશે પુડુચેરીમાં, તેની આસપાસના ગામોમાં તેમજ તમિલનાડુના પાડોશી જિલ્લાઓમાં લોકોમાં હીમોફિલિયા વિશે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. તેમના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જર્નલમાં એકસોથી વધુ પેપર્સ પ્રકાશિત થયા છે. તેઓ સમગ્ર ભારતમાં આ અંગે વર્કશોપનું આયોજન કરે છે. અખબાર અને સામયિકોમાં તેમના લેખો પ્રકાશિત થાય છે તેમજ રેડિયો અને ટેલિવિઝનના કાર્યક્રમો ભાગ લઈને લોકોમાં હીમોફિલિયા વિશે જાગૃતિ ફેલાવવાનું અવિરત કામ કરે છે. તેઓ તે સમયે કેટલીક વ્યક્તિઓ સાથે મુખ્યમંત્રીને મળ્યા અને હીમોફિલિયાના દર્દી માટે એક નાનું કેન્દ્ર શરૂ કરવા માટે જમીનની માગણી કરી. સરકાર તરફથી જમીન મળી અને ૨૦૦૩માં ઇન્ડિયન આઇલ કોર્પોરેશનને તેના પર મકાન બાંધી આપવા વિનંતી કરી. આ રીતે ૨૦૦૫માં હીમોફિલિયા કેન્દ્રનો શુભારંભ થયો. ઘણા દાનવીરોએ હીમોફિલિયા સોસાયટીને આર્થિક સહાય કરી. અમેરિકાના 'સેવ વન લાઇફ' નામના સંગઠને કૉલેજમાં અભ્યાસ કરતાં હીમોફિલિયાના ચાળીસ દર્દીઓને સ્કોલરશિપ આપી.

જરૂરિયાતમંદ કે ગરીબ કુટુંબોમાં હીમોફિલિયાવાળું બાળક હોય તો તેવા કુટુંબને અને માતાઓને સોસાયટી દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે. એક સમયે હીમોફિલિયા વિશે ખાસ જાણકારી નહોતી, ત્યારે તેને' રોયલ ડિસઑર્ડર' તરીકે ઓળખતા. તેનું કારણ એ છે કે ક્વીન વિક્ટોરિયાના કુટુંબમાં ઘણા સભ્યોને આ ડિસઑર્ડર હતો. એમ મનાય છે કે સ્ત્રીઓમાં હીમોફિલિયા હોય તો તેના પુત્રમાં તે વારસાગત રીતે આવવાની પચીસ ટકા શક્યતા રહેલી છે. એક હેવાલ મુજબ ભારતમાં દસ હજારે એક વ્યક્તિને હીમોફિલિયા છે, પરંતુ જેને ખબર નથી અથવા તો રોગ હળવો છે તેવા લોકો હૉસ્પિટલ સુધી આવતા નથી, તેથી ભારતમાં અત્યારે હીમોફિલિયાથી પીડિત માત્ર ચાર લાખ લોકો રજીસ્ટર્ડ થયેલા છે. ડૉ. નલિની પાર્થસારથિએ દિલ્હીમાં આવેલ હીમોફિલિયા ફેડરેશન ઇન્ડિયામાં જઈને તેની ઇન્ટ્રાવીનસ ઇન્જેક્શનની સારવાર અંગે તાલીમ લીધી. આની દવા આયાત કરવી પડતી હોવાથી ખૂબ મોંઘી આવે છે, જે મોટાભાગના દર્દીઓ ખરીદી શકતા નથી. તેથી તેઓ હીમોફિલિયા સોસાયટી દ્વારા ખરીદીને ઉપલબ્ધ કરાવી આપે છે. હીમોફિલિયા સોસાયટી જ્યારે તેમની ઑફિસમાં ચાલતી હતી, ત્યારે વીસ દર્દીઓની સારવાર નિ:શુલ્ક કરતા હતા. આજે છ મહિનાથી માંડીને પાંસઠ વર્ષ સુધીના ત્રણસો દર્દીઓ છે. આ રોગમાં સારવાર તરીકે ફીઝીયોથેરાપી ઉપરાંત સ્વીમીંગ અને સાઈકલિંગ મહત્ત્વના છે. જો કુટુંબમાં કોઈને હીમોફિલિયા હોય તો તે સ્ત્રીઓએ લગ્ન કરતાં પહેલાં તપાસ કરાવવી જરૂરી હોય છે. જો એક બાળક હીમોફિલિયાવાળું જન્મે તો ડૉ. નલિની બીજું બાળક ન કરવાની સલાહ આપે છે. અનેક ઍવૉર્ડથી પુરસ્કૃત ૭૯ વર્ષના ડૉ. નલિની પાર્થસારથિ પાસે આવેલ બાળક રડે છે, ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે, તેઓ તેને દવા આપે. ત્યારબાદ તે બાળક સૂઈને ઊઠે અને તેમની સામે સ્મિત કરે ત્યારે એમના જીવનની સૌથી આનંદદાયક ક્ષણ હોય છે.


Google NewsGoogle News