Get The App

માનવતા એ જ સૌથી મહાન ધર્મ! .

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
માનવતા એ જ સૌથી મહાન ધર્મ!                                      . 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- જેમ પ્રકાશને કોઈ કેદ કરી શકતું નથી. પ્રકાશ પ્રગટયા વિના રહેતો નથી તેમ પરમ ગુરુદેવની માનવતાથી ઝગમગતી પ્રતિભાનો પ્રકાશ સંપ્રદાય, ધર્મ અને દેશ-વિદેશનાં કેટલાય સીમાડાઓને ઓળંગીને પ્રત્યેક માનવીનાં હ્ય્દયમાં ફેલાઈ રહ્યો છે...

- જો સંકલ્પ ન હોય તો કશું સિદ્ધ ન થાય અને એની સાથે ગુરુ પ્રત્યે સમર્પણભાવ જરૂરી છે. આ રીતે 'ઈનર ક્લિનિંગ કોર્સ' દ્વારા અનેક લોકોમાં આત્મશુદ્ધિનો પ્રયોગ થયો...

મા નવતાનું વિરાટ આકાશ તમે જોયું છે ખરું ? સહુ કોઈ આકાશમાં રહેલા કોઈ એક વાદળને જુએ છે અને એમાં માનવતાના દર્શન કરે છે. કોઈએ ગરીબોની સેવાને, તો કોઈએ દિવ્યાંગોની સહાયને માનવતાનું નામ આપ્યું છે, પરંતુ ખરી માનવતા તો એ છે કે જે માનવીના સમગ્ર અસ્તિત્વનો સહિયારો ઉદ્વાર કરવાની કલ્પના કરે. માત્ર કોઈ એક ક્ષેત્ર નહીં, પરંતુ માનવીનાં મનુષ્યત્વને ઉજાગર કરે એવાં સર્વ ક્ષેત્રોમાં ભાગ્યે જ પ્રયાસ થતો હોય છે. આવે સમયે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિજીએ માનવતાના વિશાળ આકાશને આંખોમાં ભરી-ભરીને જોયું છે અને એ માનવતાનાં તમામ ક્ષેત્રોને પોતાની આગવી રીતે પ્રકાશિત કર્યા છે.

આ ઉત્તમ માનવ સર્જતી માનવતામાં સંસ્કાર આપતી પાઠશાળા હોય, શુદ્ધ આહાર આપતું ભોજનાલય હોય, એમ્બ્યુલન્સ સેવા હોય કે ડાયાલિસીસ અને અન્ય રોગોની સારવાર માટે અપાતો સહયોગ હોય. પ્રાણીઓની એમ્બ્યુલન્સની સાથોસાથ પ્રાણીઓને અભયદાન અપાતા હોય, અનુકંપાના અનેક કાર્યો થતાં હોય, ગરીબોને બ્લેન્કેટ અપાતા હોય અને મોતિયાનાં ઓપરેશનમાં સહાય અપાતી હોય - આ રીતે માનવીને એના જીવનને માટે સેવાભાવથી સહયોગ આપીને તો માનવતાનું કાર્ય થાય છે.

જન્મદિવસની ઉજવણી ભિન્ન ભિન્ન રીતે થતી હોય છે. એમાં પણ સંતોનાં જન્મદિવસને આત્મસાક્ષાત્કાર રૂપે ઉજવવામાં આવે છે, પરંતુ એ સમયે સવાલ એ જાગે કે જે દેશની ઘણી મોટી વસ્તી અન્નનાં અભાવે પ્રાણ ગુમાવતી હોય, જ્યાં સિત્તરે ટકા પ્રજાને શુદ્ધ પાણી મળતું ન હોય અને સામાન્ય માનવીને ભોજનના અભાવે દિવસો સુધી 'ઉપવાસ' કરવા પડતા હોય, અશક્ત, એકલવાયા વૃદ્ધોને ભોજન આપનારું કોઈ ન હોય તેવા સમયે કઈ રીતે આપણે જન્મદિવસની ભવ્ય, દોરદમામવાળી ઉજવણી કરી શકીએ. આથી પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિના જન્મદિવસને માનવતાના અનેકવિધ કાર્યોનું આયોજન કરીને ઉજવવામાં આવે છે. એમના અર્હમ્ યુવાસેવા ગુ્રપના માધ્યમથી એટલાં બધાં માનવતાનાં કાર્યો થયાં છે કે એણે પારાવાર પીડામાં જીવતા હજારો માનવીના ચહેરા પર સંતોષ અને આનંદનું સ્મિત છલકાવી દીધું છે.

આ સંદર્ભમાં પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિજીનો જન્મદિવસ એ માનવતા મહોત્સવ તરીકે પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે અને ૨૯મી સપ્ટેમ્બર, રવિવારે તેઓશ્રીના ૫૪મા જન્મોત્સવ અવસરે આપણે એટલી જ ભાવના રાખીએ કે એમનો આ માનવતાનો મહોત્સવ વેદનાગ્રસ્ત જગતમાં ઉત્સવના મેઘધનુષ રચતો રહે. માનવજીવનની સાથે માનવ અધ્યાત્મ તરફ એમણે વિશેષ દ્રષ્ટિ કરી છે અને એ રીતે એમણે અનેકવિધ આયોજનો દ્વારા અદ્દભુત પ્રયોગો કર્યાં છે.

હકીકતમાં ધર્મ એ પ્રવચન નથી, પણ પ્રયોગ છે અને પૂજ્યશ્રીએ યથાર્થં ધર્મ, ઉમદા સંસ્કાર અને વાસ્તવિક જીવનને લક્ષમાં રાખીને એવા પ્રયોગો કર્યાં છે કે જેણે માનવીના ભીતરમાં સાત્વિકતાનાં ભાવો જગાવ્યાં છે. એમની નિશ્રામાં યોજાયેલા 'ઈનર ક્લિનીંગ કોર્સ' અર્થાત્ 'અહમ્ મુક્તિનો પ્રયોગ'ની જ તમને એક વાત કરું. એમાં માણસની ભીતરમાં રહેલા ક્રોધ, માન, માયા, લોભ અને રાગદ્વેષ આદિ કષાયો કેમ જાગે છે અને એને કેમ દૂર કરી શકાય એવા પ્રયોગો બતાવ્યાં. આ અહમ્ મુક્તિ ગ્રંથોનાં સ્વાધ્યાયથી ન થાય, પણ સાક્ષાત્ પ્રયોગથી થાય અને એમણે એક એવો પ્રયોગ કર્યો કે મેડિટેશનનું ગાઉન પહેરીને ચાર રસ્તા પર અથવા તો ગીચ વિસ્તારમાં ઊભા રહી, હાથ લાંબો કરીને 'મને કંઈક આપો ને' એમ કહેવાનું. આને પરિણામે અનેક શ્રીમંત ઘરનાં યુવાનો માર્ગ પર ઊભા રહ્યા અને એમને એક જુદો જ અનુભવ થયો. આજ સુધી ધનનાં ગર્વને કારણે એ અહંકારથી માથું ઊંચુ રાખીને જીવતા હતા. હવે માથું નીચું રાખીને આસપાસનાં લોકો સાથે તાદાત્મ્ય સાધવા લાગ્યાં. જ્યારે અહમ્ તૂટે છે, ત્યારે આત્મશુદ્ધિની  પ્રક્રિયા શરૂ થાય છે.

એ પછીનું બીજું સોપાન છે ભીતરમાં રહેલા અવગુણો અને કષાયોને દૂર કરવાનો સંકલ્પ. જો સંકલ્પ ન હોય તો કશું સિદ્ધ ન થાય અને એની સાથે ગુરુ પ્રત્યે સમર્પણભાવ જરૂરી છે. આ રીતે 'ઈનર ક્લિનિંગ કોર્સ' દ્વારા અનેક લોકોમાં આત્મશુદ્ધિનો પ્રયોગ થયો. વિદેશથી આવેલા મનોજ શાહે (નામ બદલ્યું છે) કહ્યું કે, 'મારો સ્વભાવ અત્યંત ક્રોધી હતો, મારું ધાર્યું ન થાય તો ગુસ્સાથી એટલો બધો ધૂંધવાઈ જતો કે પત્ની અને બાળકો પર ગુસ્સાનો વરસાદ વરસાવતો, પરંતુ આ અર્હમ્ મુક્તિના પ્રયોગ પછી એવું પરિવર્તન આવ્યું કે એમનો પુત્ર એમને પૂછતો હોય છે કે, 'તમે પહેલા જેવા પપ્પા લાગતા નથી. હવે મને તમારી સાથે રમવાની વધુ મજા આવે છે', ત્યારે પત્ની પર વારંવાર થતો ગુસ્સો પણ ક્યાંક અદ્રશ્ય થઈ ગયો અને આમ જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું.'

આવા અહમ્નાં જુદાં જુદાં પ્રયોગો દ્વારા એક અહમ્ મુક્તિનો અનુભવ થાય છે. પહેલા પોતાની જાતને ગર્વથી સૌથી ઊંચી માનતી વ્યક્તિને હવે સમજાય છે કે હવે હું કશું નથી, માત્ર આત્મા છું. આવી રીતે વૃદ્ધોનાં ભીતરી જીવનમાં પરિવર્તન આણ્યું અને એ જ રીતે બાળકોમાં પણ આલોચના દ્વારા ઉમદા કાર્યો કરવાનો ભાવ જગાવ્યો. આમ પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિજીએ બતાવ્યું કે, 'બહારની આંખો બંધ થાય છે, ત્યારે જ અંદરની આંખો ખૂલે છે અને અંદરની આંખો ખૂલે છે, ત્યારે અંદર પડેલા પાપ અને દોષ બહાર આવે છે અને દોષનું શુદ્ધિકરણ કરવા માટે આલોચના કરવી જરૂરી છે.'

આને પરિણામે એમના જન્મોત્સવ સમયે દિવ્ય ચક્ષુઓની સંસ્થા, વૃદ્ધાશ્રમ, પાંજરાપોળ, ગૌશાળા જેવાં ક્ષેત્રોમાં અનેકવિધ સહાય પૂરી પાડવામાં આવે છે. એક અર્થમાં કહીએ તો, પરમ ગુરુદેવમાં ભક્તિ, યોગ અને મંત્રશક્તિનો સમન્વય સર્જાયો છે. તીર્થંકરો પ્રત્યે, શાસન પ્રત્યે અને પોતાના ગુરુદેવ પ્રત્યે અખૂટ ભક્તિ છે. યોગની આભા અને યોગના પ્રયોગથી એમણે માનવીને સાચો માનવી બનાવ્યો છે અને મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપસાધનાથી સહુને ભક્તિમાં લીન બનાવ્યાં છે અને તેઓ કહે છે કે 'એક વાર પ્રભુ સાથે એકાકાર બનીને જુઓ તો તમારી જિંદગીમાંથી અશક્ય શબ્દ જ અશક્ય બની જશે.'

પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિજી પાસે કોઈ આવે, ત્યારે એની આંખમાં વેદનાનાં આંસુઓ હોય, મનમાં અપાર સંઘર્ષ હોય અને જીવનમાં ઘોર નિરાશા હોય, કિંતુ એમની પાસેથી માર્ગદર્શન પામીને એ જ્યારે પાછો ફરે, ત્યારે એની આંખમાં ઉત્સાહ હોય, મનમાં સમતા હોય અને જીવનમાં ઉમંગ લહેરાતો હોય. એનું કારણ એ છે કે એમના દર્શનાર્થે આવનારને પરમભક્તિ, આત્મીક શક્તિ, અનુપમકૃપા, ઉત્કૃષ્ટધ્યાન સાથે નમ્રતા, જ્ઞાન અને વૈરાગ્યનો અનુભવ થાય છે. વળી જેમ પ્રકાશને કોઈ કેદ કરી શકતું નથી. પ્રકાશ પ્રગટયા વિના રહેતો નથી તેમ પરમ ગુરુદેવની માનવતાથી ઝગમગતી પ્રતિભાનો પ્રકાશ સંપ્રદાય, ધર્મ અને દેશ-વિદેશનાં કેટલાય સીમાડાઓને ઓળંગીને પ્રત્યેક માનવીનાં હ્ય્દયમાં ફેલાઈ રહ્યો છે, લહેરાઈ રહ્યો છે અને એક નવી ધર્મક્રાંતિનો અનુભવ કરી રહ્યો છે.

વળી સામાન્ય માનવી સમયની વાંસળીના સૂરે નાચતા હોય છે અને આસાધારણ વ્યક્તિત્વ પોતાની વાંસળીના માનવતાનાં મધુર સૂરથી માણસને સાત્વિક બનાવતા હોય છે. આથી પરમ ગુરુદેવના અનેક ક્રાંતિકારી વિચારો અને કાર્યોને રૂઢિચુસ્તના અને કટ્ટરતાનો સામનો કરવો પડયો. વર્ષોથી ચાલી આવતી નિર્જીવ પરંપરાઓને જ પકડીને બેઠેલા સમાજનો વિરોધ સહેવો પડયો અને તેમ છતાં એક જ ચીલે ચાલતા ગાડરિયા પ્રવાહ જેવા સમાજને એમણે નવી દ્રષ્ટિ, નવો અભિગમ અને નવી દુનિયા બતાવી છે. આને માટે વિચારોનો વિપ્લવ કરવાને બદલે એમણે એ વિચારો, ભાવનાઓ અને આદર્શોને વાસ્તવિક ધરતી પર સાકાર કરતી ક્રાંતિ કરી છે. એથીયે વિશેષ તો કોઈ વિરાટ સાગરના પેટાળમાં જેમ મરજીવો ડૂબકી મારીને મૂલ્યવાન મોતી લઈ આવે છે, તે રીતે એમણે જૈન ધર્મનાં ઉપદેશગ્રંથો સમાન આગમ ગ્રંથોના અતલ ઊંડાણમાં જઈને એના એક એક રહસ્યોને ઉકેલી સમાજ સમક્ષ હ્ય્દયસ્પર્શી શૈલીમાં એને ખોલી આપ્યાં છે.

આમ એક બાજુ અનેકવિધ સત્કાર્યો ચાલે, બાજી બાજુ વ્યસનમુક્તિ અને કષાયમુક્તિ કરીને અનેક હ્ય્દયોમાં પવિત્રતાનો ભાવ જગાડવામાં આવે. એમના માર્ગદર્શન હેઠળ પહેલી વાર જૈન વિશ્વકોશ એટલે કે જૈન ધર્મના એન્સાયક્લોપીડિયાનું સર્જન થયું. લૂક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ, અર્હમ્ યુવા ગુ્રપ, શ્રી ઉવસગ્ગહરં ભક્તિ ગુ્રપ, સંબોધિ ગુ્રપ, અર્હમ્સત્સંગ, શાસન પ્રભાવક ગૂ્રપ, જૈન આગમ મિશન દ્વારા જુદી આધ્યાત્મિક ભૂમિકા ધરાવનારને માર્ગદર્શન આપવામાં આવે છે. પારસધામ, પાવનધામ અને પવિત્રધામનું એમણે સર્જન કર્યું. તમામ સંપ્રદાય અને ધર્મનાં લોકોને આવરી લેતા એમનાં વ્યાખ્યાનો આત્મકલ્યાણનાં પંથે પ્રયાણ કરતા સાધકો અને સાધિકાઓ માટે પ્રેરક બની રહ્યા છે. આજે તેમની પ્રેરણા સંસાર સાગર તરવા ઈચ્છુક સામાન્ય માનવીથી માંડીને મુમુક્ષુ સાધકોનાં જીવનની જીવનનૈયાને આગળ લઈ જનારા તારણહાર નાવિક સમાન બની રહી છે.


Google NewsGoogle News