આપણાં સૌમાં રમતિયાળપણું જીવંત છે
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- આપણે શું કરીએ છીએ તે કરતા પણ શી રીતે કરીએ છીએ તે મૂલ્યવાન છે. વાંસળી એકલવાયી કેડી પર અને રંગમંચ પરથી વગાડવામાં ચૈતન્યભેદ છે....
આ પણે શું કરીએ છીએ તે કરતાં પણ શી રીતે કરીએ છીએ તે મૂલ્યવાન છે. વાંસળી એકલવાયી કેડી પર અને રંગમંચ પરથી વગાડવામાં ચૈતન્યભેદ છે. સર્જન અને તેમની સામગ્રીને રમતિયાળપણા સાથે ઊંડી નિસ્બત છે. પંચોતેર વટાવી ચૂકેલા રવીન્દ્રનાથે પોતાની એક શિષ્યાને લખેલ પત્રમાં કેટલીક વિચિત્ર આકૃતિઓ દોરી હતી. એ પત્રના સમાપનમાં તેમણે લખેલું, 'આ ચિત્રો જ હવે મારી રમતના સાથી છે.'
(પ્રયાસ શુક્લ , ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરકી ચિત્રકલા)
કવિવર આ કઈ રમતની વાત કરે છે ? રંગો અને આકારોની કઈ રમત તેઓ રમે છે? આ તે કેવા રમતના સાથી ? કદાચ, આ રમત છે, અવ્યક્તને વ્યક્ત કરવાની, ભાષામાં નથી પકડાતું તેને રંગો- આકારોથી વર્ણવવાનું. આમ તો દરેક સર્જન મથામણ છે અંતરંગને પ્રગટાવવાની. કાર્લ ગુસ્તાવ યુંગ તો ભાખે છે 'નૂતનનું સર્જન બુદ્ધિથી નથી થતું પણ અંદરથી પ્રગટતા રમતીઆળપણાંથી થાય છે સર્જનાત્મક ચિત્ત તેને ગમતી વસ્તુ સાથે રમે છે.'
અંગ્રેજીના બે શબ્દો રસપ્રદ છે : પ્લે અને ગેમ. આમાં ગેમ એટલે વ્યાખ્યાબધ્ધ, સીમાબધ્ધ, નિયમબધ્ધ માળખું જ્યારે પ્લે એટલે મોજ માટેની મુક્ત ખાંખાખોળ. આપણે પપ્પી, કિટ્ટન, બબુન અને બાળકોને અવિરત અને અથાક મોજ-મસ્તીમાં કલાકો-દિવસો વિતાવતા જોયા છે. પછી ભલેને તે એકાદ તૂટેલો દડો કે ફુગ્ગો હોય. તે રમતોમાં દડો તો બહાનું છે, તેમને તો રમવું છે. તેમની અંદર ઊર્જાનો વિસ્ફોટ છે. તેઓ માટે આ પ્લેઝર ઓફ ડુઇંગ અને એન્ડ પ્લેઇંગ છે. તેમને કશું જોઈતું નથી માત્ર વહેંચવું છે, વહેંચાઈ જવું છે. તેમનો આનંદ, તેમની પ્રાપ્તી અને પર્યાપ્તી પણ છે. તેમને કશું પુરવાર નથી કરવું. આવી રમતો સાવ નિર્દોષ અને નિર્હેતુક હોય છે. જ્યારે પણ આ પ્લેમાં તર્ક, બુદ્ધિ, નિયમો, શાસ્ત્ર, સંહિતા ઊમેરાય છે ત્યારે તે ગેમ બની જાય છે. અને રમતીઆળપણાનું સ્થાન ઓળખ, સ્કોર, કારકિર્દી, બરડ નિયમો લઈ લે છે. અહીં ગેમ નિરર્થક છે તેમ કહેવાનો આશય નથી પણ આયામ બદલાય છે તેમ કહેવું છે. આપણે શું કરીએ છીએ તે કરતા પણ શી રીતે કરીએ છીએ તે મૂલ્યવાન છે. વાંસળી એકલવાયી કેડી પર અને રંગમંચ પરથી વગાડવામાં ચૈતન્યભેદ છે. સર્જન અને તેમની સામગ્રીને રમતીઆળપણા સાથે ઊંડી નિસ્બત છે. જમીન પર સો પગવાળો કાનખજૂરો મોજથી- સહજ જ ચાલે છે -શાસ્ત્ર વિનાજ. ચિત્રકાર અવકાશ અને રંગોની તો સંગીતકાર ધ્વનિ અને મૌનની રમતોમાં મગ્ન છે.
આપણા સૌમાં એક બાળક અને તેનું રમતીઆળપણું વસે છે પણ આપણે તેની પર ફોજદારી કરીને તેને છુપાવીએ છીએ. ખરી વાત એ છે કે આ બાળક જ આપણાં જીવનના સર્જન અને આનંદની અંતરંગ ભાષાને ઓળખે છે, જેનું નામ છે : પ્લે. આપણી ખરી અભિવ્યક્તિ આ પ્લેમાં છે. આ પ્લે જ પરિપક્વ અને પરિશુધ્ધ થાય તો 'આધ્યાત્મિક લીલા' બની જાય છે.
આપણે પડતાં-આખડતાં છતાં સાઈકલ શીખતાં બાળકો જોયા છે ત્યારે તેમના લય અને તાલ, ગતિ અને દિશા, જમણે અને ડાબા વચ્ચે સમતોલન, સમત્વ અને સંવાદ રચાય છે. તે પળે બાળક હેન્ડલ છોડી દે છે અને બોલે છે, 'જો મોમ, હેન્ડલ છોડી દીધું ' છતા, સાઈકલ સહજ ચાલે છે... જીવન આવો જ અપ્રયાસ પ્લે છે.