બાઇ માણેકચોકમાંથી નીકળી પાછી માણેકચોકમાં મળી!
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- પોળમાં વસનારાઓનું આયુષ્ય ભલે ઓછું હોય, પરંતુ એમનું જીવન અત્યંત આનંદ અને ઉલ્લાસથી ભરપૂર હતું. એક તો પરસ્પર સહકાર અને સુખ-દુ:ખમાં ભાગીદારી હતી
અ મદાવાદની પોળો પાસે પોતાનું એક આગવું અને પોતીકું 'કલ્ચર' છે અને એ પોળની જીવનશૈલીને કારણે અમદાવાદની એક નગરી તરીકે આગવી સાંસ્કૃતિક છબી ઉપસી છે. આ પોળ એ અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો એનું એક કારણ છે, તો સાથોસાથ સ્થપતિઓ, સમાજશાસ્ત્રીઓ અને ભારતના પ્રવાસે આવેલા વિદેશી મુસાફરોએ આ પોળોની રચનાની પ્રશંસા કરી છે. આપણા વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી પાસેથી પોળોના મકાનની રચના વિશે ઘણી પ્રશંસા સાંભળી છે.
એક અર્થમાં કહીએ તો પોળનો ઇતિહાસ છસો વર્ષ જૂનો છે. પોળમાં વસનારાની જીવનશૈલી સ્વતંત્ર હતી, દરેક પોળને પોતાની આગવી છાપ કે અસ્મિતા હતી. વળી એ પોળની પોતાની પંચાયત પણ ખરી. આ પોળમાં કદી રાજ્યનો પોલીસ ઘૂસી શકતો નહીં અને ધારો કે એ પોળમાં ઘૂસે તો જેને પકડવા આવ્યો હોય તેને પકડી શકતો નહીં, કારણ એવું કે પોળમાંથી ગલી, ગલીમાંથી શેરી, શેરીમાંથી ખડકી અને એમ અંદર-અંદર જઈ શકાતું અને તેથી એની ભૂગોળને નહીં જાણનાર સદાય ભૂલો જ પડતો. આથી જ એક ગીત રચાયું હતું કે,
'અરે, મુંબઈની એક મહિલા જવા
જમાલપુર નીકળી વાંકીચૂકી
ગલીમાં વળી વળીને ભળી
બાઈ માણેકચોકમાંથી નીકળી
પાછી માણેકચોકમાં મળી.'
આમ, આ પોળની ભૂલભુલામણી એટલી બધી અટપટી કે કોઈ બહારની વ્યક્તિ આવે તો ભૂલી જાય. એને ખ્યાલ ન આવે કે કઈ ગલીમાં વળવાનું છે, કઈ ખડકીમાંથી પસાર થઈને આગળ જવાનું છે અને પ્રવેશ માટેનું ડહેલું ક્યાં છે ? ૧૬૨૭માં અમદાવાદના ઝવેરી શાંતિદાસ શેઠને લૂંટવા માટે મુઘલ બાદશાહ શાહજહાંના સૈનિકો ઝવેરીવાડમાં આવ્યા હતા. એ સમયે શાહજહાંએ અકબર સામે બંડ કર્યું હતું અને શાહજહાંનો ઈરાદો એવો હતો કે દિલ્હી દરબારના ઝવેરી અને મામા તરીકે માનપાન પામનારા શાંતિદાસ શેઠનું સઘળું ઝવેરાત લૂંટી લેવું, પણ બન્યું એવું કે ઝવેરીવાડમાં આવેલી પોળો ઓળંગીને શાંતિદાસ શેઠ તો ક્યાંક અદ્રશ્ય થઈ ગયા. વળી ઝવેરાત અને ધન-દોલત ભોંયરામાં અને ભીંતમાં છુપાવ્યા હોવાથી શાહજાદા શાહજહાંના હાથ હેઠા પડયાં હતાં. આમ એક પોળમાંથી બીજી પોળમાં અને ત્યાંથી ત્રીજી પોળમાં જઈ શકાતું. એમાં વચ્ચે ગલીઓ પણ આવે અને તે ગલી છૂપી પોલીસ જેવી હતી.
હકીકતમાં દેશમાં આઝાદી આવી તે પૂર્વે અમદાવાદના નગરવાસીઓનું જીવન આ પોળ, શેરી, ગલી કે ખાંચાઓમાં ધબકતું હતું. આ પોળમાં જ્ઞાતિ, ધર્મ, ભાષા અને વ્યવસાય સાથે અનુબંધ ધરાવતા કુટુંબો એક સાથે વસતા હતા. એમાં આવેલાં મકાનો પોળમાં વસનારાઓને ભાવનાત્મક રીતે પરસ્પર સાથે ગાઢ રીતે જોડતા હતા. એક અર્થમાં કહીએ તો પોળમાં એક આગવો સમાજ ઊભો થતો અને એ સમાજ એકબીજાના સુખ-દુ:ખને વહેંચીને જીવતો હતો. આને પરિણામે પોળમાં વસનારાઓનું સામાજિક જીવન સતત ધબકતું રહેતું હતું, કારણ કે એમાં મકાનો એકબીજાને અડીને સામસામે હતા. નવાઈની વાત એ છે કે આજે ટીવી, મોબાઈલ, એસી અને મોટરોની વચ્ચે પણ પોળ કલ્ચર અને એની સાથે જોડાયેલો માનવસંબંધ અકબંધ છે.
જરા નજર કરીએ પોળની રચના અને સ્થાપત્ય પર. આ પોળમાં આવેલાં મકાનની દીવાલો એકબીજાથી જોડાયેલી હોવાથી એ સહિયારી માલિકીની ગણાતી. વળી કોઈના મકાનમાં પ્રવેશો તે પહેલાં ત્રણ-ચાર પગથિયાં શરૂ થતા અને એ ઓળંગો એટલે ઓટલો આવે. આ ઓટલાની એક અનોખી મજા હતી. વહેલી સવારે પરિવારના સભ્યો આ ઓટલા પર બેસીને દાતણ-પાણી કરે, થોડી વાતો પણ થતી હોય અને પછી સાંજે એ ઓટલા પર બેસીને પોળમાં આવતા-જતા લોકોને મળતા હોય. આ ઓટલાના ખૂણામાં શૌચાલય હતું, કારણ કે કમોડ સિસ્ટમ તો આઝાદી પછી અમદાવાદમાં આવી. આમ ઓટલો એ જનસંપર્કનું સ્થળ હતું અને પછી એ ઓટલો ઓળંગીને મકાનમાં દાખલ થાવ, ત્યારે ખુલ્લો ચોક આવે. આ વિશાળ ચોકને કારણે ઘરમાં હવા-ઉજાસ પુષ્કળ પ્રમાણમાં રહેતા.
વળી ઘરની તમામ પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ આ ખુલ્લો ચોક હતો, કારણ કે એ ચોકને અડીને પાણિયારું, ટાંકુ, રસોડું અને પૂજા માટેની નાનકડી ઓરડી આવતી. ઘરમાં મંદિર પાસે પાણિયારું અને સ્નાન કરવા માટે ટાંકુ હતું. આજે પાણીની અછતને સમયે આ ટાંકુ એ સમયે કેટલું આશીર્વાદરૂપ હતું, તે સહુ કોઈને સમજાય છે. એમાં વરસાદનું પાણી પાઈપ મારફતે જમા થતું અને એ પાણીનો બારેમાસ ઉપયોગ થઈ શકતો. આ ચોકની એક બાજુ મોટો ઓરડો આવ્યો હોય અને એની ભીંતની આજુબાજુ નાનો ગોખ હોય કે જ્યાં નાના દીવા મુકવામાં આવતા. આમ દીવાનો પ્રકાશ ચોક અને છેક રસોડા સુધી પ્રસરતો હતો.
એ નોંધવું જોઈએ કે બળતણ તરીકે કોલસાનો ઉપયોગ છેક મુઘલ સમય પછી થયો. મુઘલ યુગમાં તો બળતણ માટે લાકડાંનો ઉપયોગ થતો અને ચૂલા પર રોટલી, રોટલો, દાળ, ભાત, શાક થતા, ત્યારે એ ભોજનની સોડમ આખા ઘરમાં ફેલાઈ જતી. નાની-નાની કોઠીઓમાં આ ચીજોનો સંગ્રહ કરવામાં આવતો. શિયાળો આવે અને વધુ ગરમ પાણી જોઈએ, ત્યારે ચૂલા પર મોટા તપેલામાં પાણી મૂકીને એને ગરમ કરવામાં આવતું. એ સમયે ફર્નિચર પણ કેવું ?
ઘરમાં લાકડાંની એક-બે ખુરશીઓ અને ટેબલ હોય, જરા વધુ સુખી માણસ હોય તો ફેન્સી ફર્નિચર વાપરતા અને ઘરમાં હિંચકો રાખતા.
વાસણો તો તાંબા, પિત્તળનાં અને જમીન પર બેસીને પાટલો ગોઠવીને જમવાનું. એ જમાનામાં ઇલેક્ટ્રીક લાઈટ નહોતી, દિવેલ કે કેરોસીનના કોડિયાથી કે ફાનસથી કામ ચાલતું અને પરિણામે રાતના આઠ પછી પોળોમાં અંધકાર પણ છવાઈ જતો. કોઈને બહાર જવું હોય તો શું કરે ? ત્યારે એ લાકડાની મશાલના અજવાળે બહાર જતો. પણ વાતો તો મોડી રાત સુધી ચાલતી. દિવેલના કોડિયાના અજવાળે માતા-પિતા બાળકોને કથા-વાર્તા સંભળાવતા. બાળકો દિવેલના કોડિયાના અજવાળે ભણતા અને લેસન કરતા. પોળનો એક મુખ્ય દરવાજો હોય. ત્યાંથી જ પોળમાં પ્રવેશ મળે. એ રાત્રે બંધ થઈ જતો અને વહેલી સવારે ખુલતો.
મોટાભાગના ઘરોમાં એક અંધારો ઓરડો હતો, એ માસ્ટર બેડરૂમની ગરજ સારતો. કુટુંબીજનો બીજા કોઈ ઓરડામાં સૂઈ જાય, ત્યારે યુગલ અંધારા ઓરડામાં પ્રેમાલાપ કરતું. ઘરમાં પ્રસૂતિનો સમય હોય, ત્યારે પણ આ અંધારા ઓરડાનો ઉપયોગ થતો. એ જમાનામાં કુટુંબની અનુભવી સ્ત્રીઓ દાયણનું કામ કરતી. એ હકીકત છે કે આવી પોળો, શેરીઓ અને ગલીઓમાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય ઓછું હતું. જોકે એનું કારણ એ છે કે એ સમયે પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો, મેડિકલ સારવારનું મહત્ત્વ સમજાયું નહોતું, ચાલવાનું કે વ્યાયામ કરવાનું પણ ઓછું બનતું - એક અર્થમાં કહીએ તો 'ભગવાનના ભરોસે' જીવન ચાલતું હતું.
પોળમાં વસનારાઓનું આયુષ્ય ભલે ઓછું હોય, પરંતુ એમનું જીવન અત્યંત આનંદ અને ઉલ્લાસથી ભરપૂર હતું. એક તો પરસ્પર સહકાર અને સુખ-દુ:ખમાં ભાગીદારી હતી. માણભટ્ટો, કથાકારો, કીર્તનકારો, મદારીઓ અને ભવૈયાઓ પોળના જીવનને ઉલ્લાસમય બનાવતા હતા અને છાશવારે જમણવારો થતા અને પોળમાં કોઇનુંય મૃત્યુ થાય તો બધાં પુરુષ સભ્યો સ્મશાને જતા. કેટલીક પોળમાં તો જો કોઇ ન આવે તો એને દંડ ભોગવવો પડતો.
એ સમયે સાબરમતી નદી તટ પર શાહપુર તથા જમાલપુરમાં સ્મશાનગૃહ હતું અને પોળના ચોકમાં સ્ત્રીઓ મૃત્યુ પામેલી વ્યક્તિનાં મરસિયા ગાતી હતી. એ પછી મૃત્યુ બાદ બારમા અને તેરમાની નાતો થતી અને લગ્નના જમણવાર જેટલો જ મહત્વનો આ મરણવાર ગણાતો. આવા પોળ કલ્ચર વિશે અને આ નગરની વિચાર અને વિકાસયાત્રા વિશે આપણા વિખ્યાત ઇતિહાસકાર શ્રી મકરંદ મહેતાએ એમના અવસાન પૂર્વે લખેલા ગ્રંથમાં ઘણી ઐતિહાસિક અને ઘણી રોમાંચક વિગતો આલેખી છે. એવી થોડી વિગતો જોઇ. હવે પછી ક્યારેક વિશેષ માહિતી મેળવીશું.
મનઝરૂખો
પશ્ચિમ ઓન્ટારિયોની બાળકોની હોસ્પિટલમાં દુ:ખી પેટી મેરિટ પોતાની છ વર્ષની પુત્રી કેલીની હાર્ટસર્જરી માટે પુન: આવી હતી. એની નાનકડી પુત્રી પર અગાઉ એક વાર તો ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં બીજી વાર આવી ઓપન હાર્ટ સર્જરી કરી હતી. છ વર્ષની કેલીને ઇન્સેન્ટિવ કેર યુનિટમાંથી બહાર લાવવામાં આવી અને બાજુના ભાગની મરામત ચાલતી હોવાથી એન કેન્સરના દર્દીઓ માટે આરક્ષિત એવા વિભાગમાં રાખવામાં આવી. છ વર્ષની કેલીની બાજુની જ રૂમમાં છ વર્ષનો એડમ હતો. આ એડમ લ્યુકેમિયા સામે જંગ ખેલતો હતો. એડમ કેમોથેરેપીની સારવાર લેતો હતો. આ સારવાર અત્યંત પીડાકારી હોવા છતાં એડમનો આનંદ સહેજે ઓછો થતો નહીં.
રોજ કેન્સરનો દર્દી એડમ કેલીના રૂમમાં આવતો. એની સાથે એની કેમોથેરેપી લેવા માટેની બેગ પણ હોય. પારાવાર વેદના થતી હોવા છતાં એડમ હંમેશાં હસતો અને આનંદ કરતો જોવા મળતો. કેલીના રૂમમાં આવીને એડમ કલાકો સુધી જાતજાતની વાતો કરતો, મસ્તી-મજાક કરતો. પેટી મેરિટ અને એમની પુત્રી કેલી એમાં સામેલ થતાં. લાંબા વખતથી પુત્રીની સારવાર માટે રહેતી હોવાથી પેટી મેરિટને એક દિવસ ખૂબ કંટાળો આવ્યો હતો. બહારનું કાળું વાદળછાયું વરસાદી આકાશ એની ગમગીનીમાં ઉમેરો કરતું હતું. બારીએ ઊભી રહી દુ:ખી અને ઉદાસ મેરિટ આકાશમાં વાદળોને જોતી હતી, એવામાં રોજના નિયમ મુજબ એડમ આવ્યો. પેટી મેરિટે કહ્યું, 'એડમ ! કેવો ગમગીન દિવસ છે ! આજે હું ખૂબ દુ:ખી મૂડમાં છું. વળી આવું વાતાવરણ મારા દુ:ખમાં વધારો કરે છે.'
એડમે પેટી મેરિટને કહ્યું, 'મારે માટે તો બધા જ દિવસ સુંદર હોય છે.' છ વર્ષના એડમના હિંમતવાન એ શબ્દોએ પેટી મેરિટની નિરાશા દૂર કરી. આજે અત્યંત ગમગીનીભર્યો દિવસ હોય, ત્યારે પણ લ્યુકેમિયાના દર્દી એડમના એ શબ્દો પેટી મેરિટને દુ:ખનો ભાર ખંખેરીને ઉત્સાહભેર જીવવાનું બળ આપે છે.
ક્ષણનો સાક્ષાત્કાર
નિષ્ફળતાની ચાદર ઓઢીને માનવી કેવા ચિત્ર-વિચિત્ર વિચાર કરતો હોય છે. પોતાની નિષ્ફળતાને માટે એ બાહ્ય પરિબળોને કે અન્ય વ્યક્તિને કારણભૂત માને છે અથવા તો લમણે હાથ મૂકીને નસીબને દોષ દઈને નિષ્ફળતાનો અંગિકાર કરે છે. એના મનમાં એ પોતે જ પાકે પાયે એ વાત ઠસાવી દે છે કે આ કામ સિદ્ધ કરવું એ મારા બસની વાત નથી. એના પર પોતાની નબળાઈ કે મર્યાદાનું લેબલ લગાડી દે છે.
આજે ટેસ્ટ ક્રિકેટમાં અનેક સિદ્ધિને આરે ઊભેલા જમોડી ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના જીવનમાં પણ આવી ઘોર નિષ્ફળતા આવી હતી. એકસો ટેસ્ટ, એકસો સોળ વન-ડે અને પાસઠ ટી-ટ્વેન્ટી રમનાર એવો આ સમર્થ ખેલાડી એક સમયે પોતાની નિર્બળતાથી બેચેન હતો. બન્યું એવું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત દોઢ વર્ષ સુધી એ ફિલ્ડર તરીકે એક પણ કેચ કરી શક્યો નહીં. એના મનમાં આ બાબત સતત ઘુમરાવા લાગી. આ દરમિયાનમાં બે કેચ એ ચૂકી ગયો હતો અને ત્યારે એને પોતાની જાત પર ફિટકાર આવ્યો હતો. એવામાં નેશનલ ક્રિકેટ એસોશિએશનના કોચ શ્રીધરન શ્રીરામ પાસે આર. અશ્વિનને કોચિંગ લેવાનું બન્યું. શ્રીધરન એ ભારતનો પૂર્વ ડાબોડી બેટ્સમેન અને સ્લો લેફ્ટઆર્મ ઓર્થોડોક્સ ગોલંદાજ હતો. શ્રીધરન અને અશ્વિન બંને ચેન્નાઈમાં જન્મ્યા હતા અને આથી તમિળ સારી રીતે જાણતા હતા. અશ્વિને માતૃભાષામાં પોતાનું દિલ ખોલીને વાત કરી કે છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન એ એકે કેચ કરી શક્યો નથી.
શ્રીધરને કહ્યું કે, અશ્વિનને ફિલ્ડિંગ કરતો જોયો છે, પણ કદાચ એણે બે કેચ ગુમાવ્યા પરંતુ એ સારો કેચર બની શકે તેમ છે.'
એણે કહ્યું કે, 'તારા પંજા વિશાળ છે, લાંબા આંગળા છે, ફિટનેસ પણ છે, પણ માત્ર તારા મનમાં એક એવી ગાંઠ બંધાઈ ગઈ છે કે તું ફિલ્ડિંગમાં નબળો છે અને તેને પરિણામે મેચમાં કેચ ગુમાવી બેસે છે.' શ્રીધરને એને કેચની તાલીમ આપવી શરૂ કરી. અશ્વિનનો આત્મવિશ્વાસ પાછો આવ્યો અને પછી એ ફિલ્ડર તરીકે પણ કામિયાબ બનવા લાગ્યો.