Get The App

પેજર, મોબાઈલ, વૉકીટૉકી, લૅપટૉપ: ટેકનો-બોમ્બનો નવો અવતાર

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
પેજર, મોબાઈલ, વૉકીટૉકી, લૅપટૉપ: ટેકનો-બોમ્બનો નવો અવતાર 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

લે બેનોનના ત્રાસવાદી ગુ્રપ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા 'પેજર'માં સીરિયલ બ્લાસ્ટ અને હિઝબુલ્લાહનાં મોબાઈલ, લેપટોપ, વૉકી-ટોકીઝ સહિતના અનેક વાયરલેસ ડિવાઈસમાં વિસ્ફોટો થયા બાદ ભારે ખૂંવારી સર્જાઈ હતી. આ હુમલાઓમાં ૪૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ૫૦૦૦ કરતા વધારે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. લેબેનોનના ત્રાસવાદી ગુ્રપ હિઝબુલ્લાહએ આરોપ લગાવ્યો કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે આ સમગ્ર કાવતરું ઘડયું હતું. જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહ અથવા ઈરાનના હેકર્સે ઈઝરાયલ પર સાયબર હુમલો કર્યો હતો.મધરાતે ઈઝરાયલના ફોન ધનાધન વાગવા લાગ્યા હતા. તેના પર ઇમરજન્સી મેસેજ આવ્યા હતા. મેસેજમાં ઈઝરાયલીઓને સુરક્ષિત સ્થળે ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. આવા હજારો મેસેજ મળ્યા, બાદ ઈઝરાયલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. 

આધુનિક ટેકનોલોજી વડે મોટા પાયા ઉપર એક સાથે વિસ્ફોટક ઉપયોગ થઈ શકે છે! એવી આ પ્રથમ મોટી ઘટના છે. આ ઘટનાની રાજકીય, લશ્કરી કે સામાજિક અસરોની ચર્ચા બાજુમાં મૂકીને, સંદેશા વ્યવહારના વાયરલેસ સાધનો દ્વારા કરવામાં આવ્યો વિસ્ફોટ પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું છે? તેની વાત કરવાની છે. શા માટે મોબાઈલના યુગમાં, પેજરનો ઉપયોગ થઈ રહ્યો હતો? બે દાયકા જૂની પેજર ટેકનોલોજી શું છે? સંદેશા વ્યવહારના વાયરલેસ સાધનો દ્વારા કેવી રીતે વિસ્ફોટ કરવામાં આવ્યા હશે? આવા સવાલના તાર્કિક જવાબો આપવાની કોશિશ કરવામાં આવી છે.

મોસાદ : મિશન ઇમ્પોસિબલ 

સીન મૂરહાઉસ, ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી અધિકારી અને વિસ્ફોટક નિકાલ નિષ્ણાત કહે છે કે 'ઇઝરાયેલની વિદેશી ગુપ્તચર એજન્સી, મોસાદ, આવા હુમલાને અંજામ આપવા માટે જરૂરી બધા જ સંસાધનો ધરાવે છે. ઈઝરાયલનો ભૂતકાળમાં આ પ્રકારના ઓપરેશન હાથ ધરવાનો લાંબો ઈતિહાસ છે.

જાન્યુઆરી ૧૯૯૬માં ગાઝામાં હમાસના મુખ્ય બોમ્બ નિર્માતા યાહ્યા અય્યાશને ઉડાડવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 'ધ એન્જીનિયર' તરીકે ઓળખાતા અય્યાશને ઇઝરાયલી પેસેન્જર બસો પર આત્મઘાતી હુમલા કરવાની વ્યૂહરચના રજૂ કરવા માટે જવાબદાર માનવામાં આવતું હતું. ઇઝરાયલી હુમલાથી યાહ્યા અય્યાશની હત્યાથી, ઇઝરાયલમાં બસ બોમ્બ ધડાકાની નવી લહેર ઉભી થઈ હતી. 

૨૦૨૩માં ઑક્ટોબર ૭નાં રોજ ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ મિલિશિયાએ હમાસ સાથે મળીને ઇઝરાયેલમાં લેબનોન-ઇઝરાયેલ સરહદ પાર રોકેટ છોડવાનું શરૂ કર્યું. ઇઝરાઇલનાં શસ્ત્રોના ભંડારને નિશાન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયેલ દ્વારા આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટમાં વપરાયેલા પેજર તાઇવાનની ગોલ્ડ એપોલોએ બનાવેલા AR924  મોડેલના છે. જેનું ઉત્પાદન કરી લેબનોનમાં કોને પહોંચાડવાનું કામ, હંગેરી સ્થિત કંપની BAC કન્સલ્ટિંગ KFTને અધિકૃત કરી આપ્યું હોવાનું જણાવવામાં આવે છે.

ગયા ફેબુ્રઆરી મહિનામાં લેબેનોનનાં ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાહનાં નેતા હસન નસરાલ્લાહ દ્વારા સંગઠનના સભ્યોને ચેતવણી આપવામાં આવી હતી કે 'તેઓ મોબાઇલ ફોનનો ઉપયોગ બંધ કરી દે. સંગઠનને એના ગુપ્તચરો દ્વારા માહિતી મળી હતી કે 'ઇઝરાયેલ મોબાઈલ ફોન ટ્રેક કરી ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે.' હિઝબુલ્લાહે પાંચ મહિના પહેલા, એના સભ્યો માટે ૫,૦૦૦ જેટલા પેજર અને નવી વૉકીટૉકીનો ઓર્ડર આપ્યો હતો. નવા મેળવેલા પેજરમાં ચોક્કસ પદ્ધતિ વાપરીને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. જેના કારણે હિઝબુલ્લાહ ગુ્રપમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

માનવીને મોત આપતો મેસેજ

આ સંદેશાવ્યવહાર પદ્ધતિના ચોક્કસ ફાયદા છે. સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ છે. પેજર સંદેશો મોકલનાર વ્યક્તિ અને રિસીવ કરનારી વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી રાખી શકે છે. હાલમાં મોબાઈલ ફોનને ટ્રેક કરીને વ્યક્તિ કયા સ્થળે કે લોકેશન ઉપર છે, તેની માહિતી મેળવી શકાય છે. પરંતુ પેજરનું લોકેશન ટ્રેક કરી શકાતું નથી. કારણ કે પેજર માત્ર સંદેશા રિસીવ કરે છે. તે પોતાનાં સંદેશ ટ્રાન્સમિટ કરતું ન હોવાથી, તેનું લોકેશન નક્કી કરી શકાતું નથી. ઉપરાંત પેજરને હેક કરી ચોક્કસ સંદેશો મોકલીને બોમ્બ પણ એક્ટિવેટ થઇ શકે છે. આ તેનો ફાયદો ગણો તો ફાયદો અને નુકસાન ગણો તો નુકસાન છે. 

હેમિશ ડી બ્રેટોન-ગોર્ડન, ભૂતપૂર્વ બ્રિટિશ સૈન્ય અધિકારી અને રાસાયણિક શસ્ત્રોના નિષ્ણાત અહીં બે શક્યતા વ્યક્ત કરે છે. (૧) પેજર અથવા મોબાઇલ ફોનમાં રહેલી બેટરીને એટલી ગરમ કરવી કે વધી ગયેલા તાપમાનના કારણે તેમાં વિસ્ફોટ થાય (૨) પેજર અથવા મોબાઇલ ફોનમાં વિસ્ફોટક પદાર્થ ગોઠવીને, વિનાશક બોમ્બ બનાવવો. 

 આધુનિક સંદેશા વ્યવહાર માટે વપરાતા સાધનો જેવા કે મોબાઇલ, પેજર, વૉકીટૉકી, લેપટોપ, વગેરે દ્વારા બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. નાનો-મોટો વિસ્ફોટક બોમ્બ બનાવવા માટે મુખ્યત્વે પાંચ વસ્તુની જરૂર પડે છે. જેમાં (૧) બોમ્બ ગોઠવવા માટેનું પાત્ર એટલે કે કન્ટેનર (૨) પાવર સપ્લાય માટેની બેટરી (૩) બોમ્બ વિસ્ફોટની પ્રક્રિયા શરૂ કરે તે માટેની ટ્રિગર ડિવાઇસ (૪) ડિટોનેટોર એટલે કે બોમ્બ વિસ્ફોટને જામગીરી ચાપે તે પદાર્થ કે ગોઠવણ (૫) વિસ્ફોટક એટલેકે વિનાશક ધડાકો કરે તેવો પદાર્થનો સમાવેશ થાય છે. જેમાંથી પ્રથમ ત્રણ વસ્તુ  પેજર, મોબાઈલ, વૉકીટૉકી કે લેપટોપમાં હાજર હોય છે. માત્ર ડીટોનેટર અને ચાર્જ એટલે કે વિસ્ફોટક ગોઠવી આપો એટલે બોમ્બ તૈયાર થઈ જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં પેજર દ્વારા જે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા તેમાં એક થી ત્રણ ગ્રામ જેટલો વિસ્ફોટક પદાર્થ PETN એટલે કે પેન્ટાએરિથ્રિટોલ ટેટ્રાનાઈટ્રેટનો ઉપયોગ થયો હોવો જોઈએ. 

પેજર એટલે શું ?

સંદેશા વ્યવહાર માટે વપરાતું ઉપકરણ પેજર શું છે? ડાયાબિટીસ માપવા માટે વપરાતા પોર્ટેબલ ડિવાઇસના કદનું પેજર, ટેક્સ્ટ આધારિત મેસેજ મેળવવા માટે વપરાતું એક સાધન છે. મોબાઇલના આગમન પહેલા પેજરનો ઉપયોગ થતો હતો. મોટાભાગના ટેક્સ મેસેજ આપતા પેજર 'વન વે ટાઈપ'ના પેજર હોય છે. એટલે કે તેમાં મેસેજ રિસીવ થઈ શકે છે, પરંતુ તમે તેનો સામે જવાબ આપી શકતા નથી. સમય જતાં 'ટૂ વે' કોમ્યુનિકેશન અને વોઈસ મેસેજ ચલાવે તેવા પેજર પણ ઉપલબ્ધ થયા. મોબાઈલના કારણે, સંદેશાવ્યવહારમાં ક્રાંતિકારી ફેરફાર આવતાં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું હતું. 

પેજરની શોધમાં એક કરતાં વધારે વ્યક્તિ અને કંપની જોડાયેલ છે. આમ પેજરનાં આવિષ્કારક તરીકે કોઈ એક વ્યક્તિનું નામ લેવું યોગ્ય નથી. ૧૯૪૦ના દાયકામાં બંને દિશામાં રેડિયો પેજિંગ સિસ્ટમની સૈદ્ધાંતિક વિભાવના એલોન્ઝો 'લોન' ફ્રેન્કલિનને આપી હતી. આ કારણે કેટલાક લોકો પેજરના આવિષ્કાર તરીકેનો શ્રેય એલોન્ઝો 'લોન' ફ્રેન્કલિનને આપે છે.

પેજરનોં વૈજ્ઞાનિક સિદ્ધાંતો, રેડીઓ માફક એકદમ સરળ છે. પેજર સર્વિસ આપતા સર્વિસ પ્રોવાઇડરને, સંદેશો આપનાર વ્યક્તિ પોતાનો સંદેશ લખાવી શકે છે. સંદેશો મોકલવાનો છે? તેની ઓળખ આપે છે. સર્વિસ પ્રોવાઇડર કંપની ત્યારબાદ, આ મેસેજ સમગ્ર સર્વિસ વિસ્તારમાં ટ્રાન્સમિશન ટાવર દ્વારા વહેતા મૂકે છે. આ રીતે સંદેશાનું ટ્રાન્સમિશન સમગ્ર સર્વિસ વિસ્તારમાં થાય છે. જેને રેડિયો બ્રોડકાસ્ટ પણ કહે છે. 

કોઈપણ વ્યક્તિનો સંદેશો સમગ્ર નેટવર્ક ઉપર રેડિયો તરંગોની ચોક્કસ ફ્રિકવન્સી દ્વારા બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. આ સંદેશ, પેજર નામનું રીસીવર ઉપકરણ મેળવે છે. આ રીસીવર જ પેજર તરીકે ઓળખાય છે. સંદેશો આવે ત્યારે તેમાંથી 'બીપ બીપ બીપ'નો અવાજ નીકળે છે. આ કારણે બ્લિપર તરીકે ઓળખાય છે. આવેલ સંદેશો, સંદેશ મેળવનાર વ્યક્તિ ડિસ્પ્લે ઉપર જોઈ શકે છે. પેજર મોટાભાગે વન વે સંદેશાવ્યવહાર કરતું હોવાથી સંદેશાનો જવાબ, સંદેશો મેળવનાર વ્યક્તિ આપી શકતું નથી. 

ટેક્નો-બોમ્બ નવા સ્વરૂપે

હવે સવાલ એ થાય કે પેજરને બોંબમાં કેવી રીતે ફેરવવામાં આવ્યો હતો? કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં તાપમાન વધતા બેટરી ગરમ થાય છે તે પ્રક્રિયાને, “thermal runaway”  ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા બેટરી ફાટવાથી બૉમ્બ જેવો વિસ્ફોટ થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં વપરાતી લિથિયમ આયન બેટરીમાં થતી ખતરનાક અને વિસ્ફોટક પ્રક્રિયાને થર્મલ રનઅવે તરીકે ઓળખી શકાય. ઉપકરણની સાથે સાથે, બેટરીનું તાપમાન પણ ઉત્તરોત્તર વધતું જાય છે. ઉપકરણ જ્યારે સૂર્યના તડકાના સીધાં સંપર્કમાં આવે, અગ્નિનો સંપર્ક થાય અથવા બાહ્ય કોઈ કારણસર ઉપકરણનું તાપમાન વધે ત્યારે, ઉપકરણમાં વહેતો પ્રવાહમાં  અવરોધ વધે, જેવી પ્રકિયાનાં કારણે થર્મલ રનઅવે નામની રાસાયણિક પ્રક્રિયા શરુ થાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ પાર્ટમાં અવરોધ વધતા ઇલેક્ટ્રોનિક પૂર્જાઓ ગરમ થાય છે. ઇન્ટર્નલ શોર્ટ સર્કિટ થાય ત્યારે પણ બેટરીનું તાપમાન વધે છે. વધારે બેટરી ચાર્જ કરવામાં આવે, ત્યારે પણ ઓવર ચાર્જિંગના કારણે, તાપમાન વધે છે. એક તબક્કે બેટરી સંપૂર્ણ ખાલી થઈ જાય અને વારંવાર રી-ચાર્જિંગ પ્રક્રિયા ચાલુ રહે ત્યારે, પણ થર્મલ રનઅવે પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. જે છેવટે વિસ્ફોટમાં પરિણામે છે.

 લેબેનોનમાં થયેલા વિસ્ફોટમાં બીજા પ્રકારની સંભાવના એટલે કે પેજર, મોબાઇલ ફોન, વૉકીટૉકી, લૅપટૉપમાં વિસ્ફોટક પદાર્થ ગોઠવીને, વિનાશક બોમ્બ બનાવવાની વધારે લાગે છે. જે મુજબ ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાહને પેજર, વૉકીટૉકી પહોંચે તે પહેલા જ, સપ્લાય ચેન તોડીને, પેજરને નાના બોમ્બમાં ફેરવવાનું કામ કરવામાં આવ્યું હશે. પેજર હિઝબુલ્લાહના સભ્યો પાસે પહોંચ્યા બાદ, ચોક્કસ સંદેશો મોકલીને બોમ્બ એક્ટિવેટ કરવામાં આવ્યો હશે. બેટરી અને વિસ્ફોટક પદાર્થ ફાટતા તેમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવો જોઈએ. એક સંભાવના પ્રમાણે બેટરીનો જ ઉપયોગ ડીટોનેટર તરીકે કરવામાં આવ્યો હોઈ શકે છે. સમગ્ર ચિત્ર જોઈએ તો, લેબેનોનમાં થયેલા બોમ્બ ધડાકા, બેટરીના થર્મલ રનઅવે કરતા, વિસ્ફોટક પદાર્થ વાપરીને બોમ્બ વિસ્ફોટ કર્યો હોવાની શક્યતા વધારે ઉજળી દેખાય છે.


Google NewsGoogle News