Get The App

પરદેશી મ્યુઝિક કોન્સર્ટ્સનો સ્વદેશી ક્રેઝ : ઝૂમ ઝૂમ ઝૂમ બાબા!

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
પરદેશી મ્યુઝિક કોન્સર્ટ્સનો સ્વદેશી ક્રેઝ : ઝૂમ ઝૂમ ઝૂમ બાબા! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- એક મોટું પરિવર્તન આર્થિક, સામાજિક અને માનસિક આવી રહ્યું છે યુવાવર્ગમાં જેની આહટ તમને સંભળાય છે?

વાઈબ્સ.

આ શબ્દથી અપરીચિત હો, તો ઝટ પરીચિત થવા લાગજો.

જવાન જનરેશનની જબાનમાં વાઈબ્સ એટલે કોઈ ઘટના, વ્યક્તિ, જગ્યા કે વસ્તુમાંથી આવતી ફીલિંગ્સ. મોટે ભાગે પોઝિટિવ, રિલેક્સ્ડ, જોયફુલ ફીલ. એક પ્રકારનું ઇન્સ્ટન્ટ કનેકશન.

ક્યારેક નેગેટિવ હોય, પણ બાકી કૂલ યાને મજા કરાવી દે એવી અનુભૂતિ.

કોવિડમાં ઘરમાં ઢબૂરાઈ ગયેલી દુનિયા છૂટી થઈ. પછી એકટિવ પ્રો મોડમાં બહાર ઘૂમવા ને ઝૂમવા લાગી છે. જાણે એકવાર વાઈરસનો 'સ્વાદ' ચાખી, દાંત કચકચાવી નક્કી કર્યું હોય એમ કે બસ, હવે જીવી લેવું છે. જોઈ લેવું છે. જલસા ઈઝ ધ બઝવર્ડ. ઈન્ટરેસ્ટિંગ ફરક એ પણ છે કે કોવિડ બાદ ગુ્રપ એકટિવિટીઝ ઘટવાને બદલે વધી ગઈ. એ સાબિત થઈ ગયું કે હ્યુમનકાઇન્ડ ઇઝ સોશ્યલ બીઇંગ. ચાલે છે એ ફિલ્મો જબ્બર કમાણી કરે છે. હોટલોના ભાવ સીઝનમાં ડબલ થઈ જાય એટલા પ્રવાસો થાય છે. નવા બંગલા બનાવવા કરતાં નવા વાહન લેવામાં કિંમત વધુ હોવા છતાં રસ પડે છે. રેસ્ટોરાંમાં તો કલાકોનું વેઈટિંગ હોય છે, ફૂડ ડિલિવરી સ્વીગી ઝોમેટોને તડાકો છે. મોબાઈલ પર વેબસીરિઝો સપાટાબંધ જોવાય છે. અને કોન્સ્ટર્ટસ, મ્યુઝિકમાં તો તોબલાફાડ તેજી છે. બૂકિંગ માટેની એપ ક્રેશ થઈ જાય એવો ધસારો છે, ને ક્રિપ્ટો કરતા વધુ પ્રોફિટના ઉછાળા એની ટિકિટસના કાળાબજારમાં છે !

મતલબ? સત્તાવાર બિઝનેસ સર્વેક્ષણોના તારણ એવું કહે છે કે હવે નવી પેઢી અર્થાત જેન ઝી ને પ્રોડક્ટસ કરતા વધુ રસ એક્સપિરિયન્સીઝમાં પડે છે! નવા નવા રોમાંચક અનુભવો. પ્લેઝર ફીલિંગ. હેપિનેસ એક્સપિરિયન્સ. જેમાં ટોચ પર છે : સેક્સ. પછી છે ડાન્સ એન્ડ મ્યુઝિક. ધેન મોબાઈલ મસ્તી. નેકસ્ટ- ટ્રાવેલિંગ, શોપિંગ, ફ્રેન્ડઝ સાથે આઉટિંગ. આફ્ટર ધેટ ફૂડ. અને પછી આર્ટ ક્રિએશન, ક્રાફ્ટ અને છેલ્લે સમથિંગ મીનિંગફુલ, એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન, સોશ્યલવર્ક.

વાચક હો, વાલી હો, વડીલ હો, વેપારી હો - બરાબર આ આગળનો ફકરો વાંચી સમજી લો. એટલે જે સ્પિરિચ્યુઅલ ધર્મસ્થળોમાં પણ ભીડ છે, ને એટલે જ નવરાત્રિના પણ વાઈબ્સ છે. અને એટલે જ પરદેશી મ્યુઝિક કોન્સર્ટસ અત્યારે ભારતમાં ધૂમ મચાવે છે. જેમ હમણા જાહેરાતની જેને જરૂર નથી છતાં ય મફતમાં ન્યુઝ તરીકે જાહેરાત થઈ ગઈ એવી કોલ્ડપ્લે કોન્સર્ટસનું બૂકિંગ. જાન્યુઆરીમાં ભારત આવી રહેલા કોલ્ડપ્લે બ્રિટિશ રોક બેન્ડ તરીકે જગવિખ્યાત છે. અગાઉ પણ ભારતમાં ધૂમ મચાવી ચૂક્યું છે. એની કોન્સર્ટસ એક ખાસ અનુભવ ગણાય છે. પ્રેઝન્ટેશનની રીતે. જેમાં બેસવા કરતા ઉભા રહીને નાચવા માટે લોકો આતુર હોય છે. ગ્રેમી વિનર કોલ્ડપ્લે ટિપિકલ રોક બેન્ડસથી એકદમ અલગ છે. એટલે જ વર્ષોથી એનો ગ્લોબલ ક્રેઝ બરકરાર છે. ફિક્સ ઈટ કે પેરેડાઈઝ જેવા સોંગ્સ સાંભળવાની, એના મ્યુઝિક વિડિયો જોવાની ખરેખર મજા આવે.

ખાલી મજા નહિ. સેન્ટીમેન્ટલ ટીસ આવે. જેને જેન ઝી 'ડીપ' કહે છે એવું. કોલિયન બીટીએસનો પણ એ જ મેજીક છે. કોલ્ડપ્લેના મુલ્ક બ્રિટનમાં લંડન રહેતી પણ મૂળ આલ્બેનિયન સિંગર ડયુઆ લિપાનો પણ રીતસર ઉહ્લાલા ક્રેઝ છે. તીખી મિરચી જેવી છોકરી એકદમ ધમાલ છે. સેક્સી આઉટફિટસમાં એની હાઈટને લીધે અંદાજ શોભે છે. હમણા એ એક ઈવેન્ટ માટે  જયપુર વેકેશન ગાળવા આવેલી. અગાઉ પરફોર્મ કરી ગયેલી ને આ ૩૦ નવેમ્બરે ફરી ભારત આવવાની છે. એની પણ કોર્ન્સ્ટ જોતજોતામાં ઓલ્ડ આઉટ જ છે. કોલ્ડ પ્લેના બૂકિંગમાં તો એપ ક્રેશ થઈ પછી લાખોની વેઈટિંગ ક્યૂ ફલેશ થવા લાગી. કેટલાય ઉસ્તાદોએ અગાઉ ૩૦ સેકન્ડમાં દિલ-લુમિનાટી દિલજીત  દોસાંજેના વધુ શોઝ ધરાવતી કોન્સર્ટ ટુર ફુલ થવાના 'પીડિત' થઈને બધા ફેમિલી મેમ્બર્સને કામે લગાડી દીધેલા લેપટેપ, મોબાઈલ જે હાથમાં આવ્યું લઈ ગુ્રપમાં વોર સ્ટ્રેટેજી જેવો એટેક કરવા લોકો ગોઠવાઈ ગયેલા.

છતાં, લાખો ચાહકો નિરાશ થયા. બ્લેક માર્કેટમાં ૧૨,૦૦૦ની ટિકિટ બીજે દિવસે ત્રણ લાખ અને ૩૫,૦૦૦ની ટિકિટ બીજે દિવસે ૮ લાખની વેંચાવાની શરૂ થઈ ! આ ડિજીટલના ફાયદાની જેમ નુકસાન પણ છે. રીતસરની લાઇન હોય તો અસલી ચાહકો આગલી રાત્રે જઈને ફિલ્મની ટિકિટના એડવાન્સ બૂકિંગ માટે ઉભા રહે, એમ અડિંગો જમાવે. આમાં તો ગેરવહીવટ બૂકિંગ કરનારા કરે તો પણ ખબર જ ના પડે. પણ અનુમાન એવું છે કે ટિકિટ્સ, હોલ્સ, ટ્રાવેલિંગ સહિત ડયુઆ લિપા અને કોલ્ડપ્લેની બે કોન્સર્ટ ટુરના શોઝ ૫૦૦થી ૬૦૦ કરોડની ઈકોનોમીમાં હેરફેર કરશે ! ભારતના ક્યુએસઆર યાને ક્વિક સર્વિસ રેસ્ટોરાંની ત્રિમાસિક બિઝનેસના ૫૦ ટકા તો આમને આમ ચંદ દિવસોની કોન્સર્ટમાં થાય !

કેમ છવાઈ રહ્યો છે આપણે ત્યાં આવી કોન્સર્ટસનો જાદુ ? એમાં પંજાબી સિંગર્સને બાદ કરતા ભારત કેમ વળી દુનિયા ડોલાવતું નથી ? પરદેશી પોપ સિંર્ગ્સ આટલું તગડું ફેન ફોલોઈંગ કઈ રીતે ધરાવે છે ? હમણા નવરાત્રિમાં ખેલૈયાઓ ઝૂમવાના થનગનાટની તૈયારીમાં છે, ત્યારે આપણે જરાક મગજના ચકરડાં ફેરવીએ આ મુદ્દે !

****

એક કારણ તો છે, ઈંગ્લિશ મિડિયમ. મોટા ભાગના સુખી પરિવારોના સંતાનો હવે અંગ્રેજી માધ્યમમાં ભણે છે. આ એ લોકો છે, જેની ખરીદશક્તિ એકદમ ફુલગુલાબી છે. સમૃદ્ધિ એમને માટે સંઘર્ષનો વિષય નથી. ચેતન ભગતે કોલ્ડપ્લેની ટિકિટસ બાબતે 'યોલો' ફેક્ટરની વાત (યુ ઓન્લી લિવ વન્સ - એક જ જિંદગી છે તો જિયો ! વાળી માનસિકતા) ઓનલાઇન લખી તો ભારતપે અને 'દોગલાપન' કિતાબથી મશહૂર અશનીર ગ્રોવરે એના જવાબમાં લખ્યું કે જે દેશમાં દર વર્ષે ૮ લાખ યુવકયુવતીઓ વિદેશ ભણવા જતા હોય, ત્યાં ઈન્ટરનેશનલ કોન્સર્ટસને વસતિના પ્રમાણમાં (દોઢ અબજ ગણો તો) એક ટકા યાને દોઢેક કરોડ ચાહકો તો મળી જ જાય ને ! ગમે તેવું સ્ટેડિયમ હોય, લાખ પણ માંડ સમાઈ શકે એક શોમાં.

આથી વધુ ગણપતિ કે ક્રિકેટ ટીમના વિજય સરઘસ કે મોટી હસતિની સ્મશાનયાત્રામાં ભીડભર્યા ભારતમાં હોય છે. એટલે હવે આ અચરજનો વિષય ન હોવો જોઈએ. જેનો આઈક્યુ ગંગોત્રી ગ્લેશિયરના તાપમાનથી નીચો યાને શૂન્યથી ઓછો હોય એવા ગપ્પીદાસ બાબાઓ કે ઉલ્લુમુલ્લાઓ ધર્મના નામે કંઈ પણ ગાંડીઘેલી ઉપદેશાત્મક વાતો કરે ત્યાં ઘેટાંચાલે ડોકા ધુણાવતા ડોબાડોબીઓ ઉભરાય, એના કરતાં તો કોન્સર્ટમાં કીડિયારું ઉભરાય એ સારું ! સારું છે, ટોળા જોઈને મદાંધ થતા ધર્મગુરૂઓ ને નેતાઓને આ બોધપાઠની જરૂર છે કે આ કોઈ મહાનતાનો માપદંડ નથી. વિદેશથી ક્યારેક જ ભારત આવતા જેને નાચણીયા કહી ઉતારી પડાય છે, એવા છોકરા- છોકરીઓ ચપટી વગાડતાં ભારતમાં એવા ટોળા ભેગા કરી શકે છે, જેમાં કશું મફત મેળવવાનું નથી. ઉલટું પૈસા ખર્ચવાના છે! હજુ તો ધ અલ્ટીમેટ ક્વીન ટેલર સ્વિફ્ટ ભારત આવી નથી. બાકી મેનેજમેન્ટ અઘરું પડી જાય!

બીજું સાયકોલોજીકલ રિઝન છે. ટ્રાઇબ મેન્ટાલિટી. આદિકાળથી મનુષ્ય પોતાના ગુ્રપની આઇડેન્ટીટી માટે ચોક્કસ ચિહ્નો, અવાજ/ ગીત, રિચ્યુઅલ્સ વગેરે બનાવતો. બે કબીલા કે ગામો આગવી ઓળખ બનાવતા. પ્રકૃતિની વ્યવસ્થા છે કે દરેક નવી પેઢી જૂની પેઢીથી થોડી અલગ અને બળવાખોર બને, કશુંક નવું શોધે, નવી રીતે જીવે. એમાં એક ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેશન છે : મ્યુઝિક. આગલી જનરેશનથી અલગ અભિવ્યક્તિ જોઈએ છે યંગપીપલને. ફેશનમાં પણ એનું રિફ્લેક્શન છે. વાનગીની શૈલી કે વાહનની ડિઝાઇન પણ. એમ જ પ્રત્યેક પેઢી પોતાનું આગવું સંગીત લઈને આવે છે.

એ કોઈને ગમે કે ના ગમે એ મુદ્દો પછી છે. પણ એનો ઇન્કાર ના થઈ શકે. આજે મીડિયાને લીધે નોસ્ટાલ્જયા અને નોવેલ્ટીનું કોમ્બિનેશન થઈ ગયું છે. બ્રાયન એડમ્સ પણ ઇન થિંગ છે, એ કોન્સર્ટ પણ ચાલે છે. ને મુકેશભાઈ રિહાના, બિયોન્સ કે જસ્ટીન બીબરને પ્રાઇવેટ ફંક્શનમાં બોલાવે તો એમાં પણ ધૂમ મચે છે. અમેરિકામાં સાડી- બિંદી પહેરી પરફોર્મ કરી ચૂકેલી અને ઇન્સ્ટા ફોલોઅર્સમાં નંબર વન એવી સેલીના ગોમેઝનો જલવો હજુ તો બાકી છે. આજે પણ એમ.જે. યાને માઇકલ જેક્સન કે આબ્બા, બીટલ્સ પણ ધબધબાટી બોલાવે છે જગતમાં.

ત્રીજું, કોન્સર્ટનું વેર્સ્ટન પ્રેઝન્ટેશન. મુકદ્દર કા સિકન્દરની પ્લેટીનમ ડિસ્કની પાર્ટી ઉજવવા પ્રકાશ મહેરા, બચ્ચન, કલ્યાણજી આણંદજી, કિશોરકુમાર વગેરે સાથે પરદેશ ગયા ને ત્યાં ફ્રેન્ક સિનાત્રાની કોન્સર્ટ જોઈ પ્રેરિત થયા કે આવું બોલીવૂડ મ્યુઝિકનું પરદેશમાં થઈ શકે! એમઆરઆઇઓએ- સ્ટેડિયમ છલકાવી દીધેલા હિન્દી ફિલ્મોના ગીતો માટે. જેમાં ત્યારે ઘણા પરદેશી ગીતોમાંથી તફડાવેલા રહેતા. પછી આખો માઇકલ જેકસન યુગ આવ્યો. જેણે ગ્લોબલ કોન્સર્ટ ટૂરની વ્યાખ્યા જ બદલાવી નાખી! ગ્રાન્ડ સ્કેલ, સતત બદલાતા ઝગમગતા કોસ્ચ્યુમ્સ, રંગબેરંગી લાઇટોના પ્રકાશ ધોધ, ડાન્સના બેનમૂન રીતે કોરિયોગ્રાફ થયેલા મૂવ્ઝ, સુપરડુપર સાઉન્ડ સીસ્ટમના થડકાની ધુ્રજારી - આ મેળાની માફક, કોઈ તહેવારની માફક માત્ર સમૂહમાં જ માણી શકાય એવો અનુભવ થયો. જેની મજા કદી ડ્રોઇંગરૂમમાં બેઠે આવે નહિ. પશ્ચિમે ટેક્નોલોજી ને ઇમેજીનેશનની મદદથી આદત મુજબ બધું પરફેક્ટ કર્યું. જેની અસર આપણા સ્ટેજ શૉઝ અને બોલીવૂડ એવોર્ડસમાં પણ આવી. હજુ પણ નિર્વિવાદપણે પશ્ચિમ એમાં ટ્રેન્ડસેટર છે. આપણી પાસે પ્રતિભાઓ ખરી પણ રજૂઆતના મામલે નકલ જ કરવી પડે છે. અમુક વોકલ કોડસ કોન્સર્ટ ડોલાવે એવી, 

અમુક ચુસ્ત તંદુરસ્ત છરહરા બદન સ્ટેજ શોભાવે એવા !

ગરબા ને ભાંગડા નવા રૂપમાં એટલે ટક્યા છે કે એમાં રિધમ છે. સ્ટેપ્સના ઉલ્લાસિત ઉલાળા છે. બાકી શરમેધરમે બધા બેસે, બાકી ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં તો બગાસા આવવા લાગે છે મોટા ભાગની ભારતીય જનતાને. હાર્ટબીટ સાથે મેચ થતી બીટ શરીરને, મનને તરત ગમે છે. આપણા અમુક લોકનૃત્યોમાં એ છે. પણ કોલેજના સ્કૂલના ફંકશનમાં પણ મોજના ફૂવાર તો બધાને ત્યારે જ ફૂટે છે જ્યારે વેસ્ટર્ન ડાન્સ કે બોલીવૂડ સોંગ આવે. કારણ કે એમાં સંમોહન છે, વશીકરણ છે - જાત ભૂલીને નાચવાનું મન થાય એ તરવરાટ પ્રગટાવવાનું. અને હવે ઇન્ટરનેટે એને મોકળું મેદાન આપ્યું.

ચોથું, સ્ટ્રેસના ખદબદતા મોજાંઓ જીવનમાં સતત ઉછળતા હોય, રિલેશનશિપ્સ હૈયા હાલડોલક કરતી હોય, તબિયતથી નોકરી સુધીની અસલામતી ઝળુંબતી હોય ને અમુક વર્ગની આવક વધે પણ સામે ખર્ચ કરવાના રસ્તા ખબર ના હોય, વાંચન કે જાતભાતના બીજા શોખ ના હોય ત્યારે એક તલાશ હોય છે ગ્રેટ એસ્કેપ એક્સપિરિયન્સની. અધ્યાત્મમાં ભરતી નથી, પણ શિબિરો ને સેલ્ફ હેલ્પ મોટીવેશનનો રાફડો ફાટયો એનું આ જ કારણ છે. ભણવાના, કેરિયરના, પરિવારના પ્રેશર છે ત્યારે ગ્રાન્ડ મ્યુઝિક કોન્સર્ટ એક મેગા ફેસ્ટિવલની ગરજ સારે છે. રીતસરનો ઉત્સવ એવો જ ઉન્માદ. અજાણ્યા પણ સમાન રસરુચિ (કોમન ટેસ્ટ, યુ નો) ધરાવતા સમવયસ્ક લોકોને મળવાનો એ જ રોમાંચ છે, જે કોઈ ધાર્મિક જાત્રામાં હોય ! બધું વિસારે પાડી એક થેરેપીની જેમ જનસૈલાબની સાથે, પ્રવાહમાં તરતા હોઈએ એમ સંગીતના, તાલના, રોશનીના, નૃત્યના સથવારે વહી જવાનું... એકાકાર થઈને ઓગળતા જવાનું. રૂટિનમાંથી બ્રેક મળે. અને શરૂઆતમાં કહ્યું એમ હવે યંગથીંગ્ઝને જોઈએ છે સ્માર્ટ, કમ્ફર્ટેબલ, રિચ એક્સપિરિયન્સ.

અનુભવનો મેમરી રિકોલ સ્ટ્રોંગ હોય છે. ચીજવસ્તુઓ ઘસાય ને જૂની થાય, પણ ડયુઆ લિપા કે અરીજીત કે દિલજીત કે કોલ્ડ પ્લે કે ટેલર કે કેટી પેરી કે વોટએવરની મ્યુઝિક કોન્સર્ટ કે એવા કોઈ ફેસ્ટિવલમાં ગયા હો એ વર્ષો પછી પણ બેઠાં બેઠાં ઝૂમાવી દે. માત્ર સ્મૃતિઓથી! એમાં નાચવું એ તો એક પ્રકારની ભાવસમાધિ છે! એટલે કોન્સર્ટ ક્રેઝ એમ આથમવાનો નથી. વિચારવાનું તો એ છે કે આપણા કલાકારો આપણું ઓડિયન્સ તો ડોલાવી શકે છે. પણ મોકા અને માહોલનો લાભ લઈને વિશ્વના ઓડિયન્સને ઘેલું લાગે એવી બ્રાન્ડ અપીલ પેદા કેમ નથી કરતા ? ક્યારે થશે ગ્લોબલ ક્રેઝ ભારતીય ગાયક- સંગીતકારોનો જે આ બધાની હારોહાર બૂકિંગ ફૂલ પરદેશમાં કરે!

ફાસ્ટ ફોરવર્ડ

'આમાં નાચવામાં જરાય બીજાઓને કેવું લાગશે માનીને શરમાવા કે ખચકાવાનું નહિ. કાં બધા નશામાં હશે કાં પોતાની મસ્તીમાં. આપણને જજ કરવાની એમની પાસેેે ફૂરસદ ના હોય. બિંદાસ આવડે એવું નાચો !'

(જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરે સિડનીની પ્રિમિયમ ક્લબમાં આપેલું ગુરૂજ્ઞાન) 


Google NewsGoogle News