રેડિયો પ્રદૂષણ : હાઈસ્પીડ ઈન્ટરનેટના ચક્કરમાં પૃથ્વી પર ભવિષ્યમાં અંધાધૂંધી સર્જાવાના એંધાણ
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- માનવજાતે જાત-ભાતના પ્રદૂષણો પૃથ્વી પર ફેલાવી દીધા છે.અવકાશમાં પણ સેટેલાઈટનો કાટમાળ તરી રહ્યો છે. આ પ્રદૂષણમાં વધુ એક ઉમેરો થયો છે...
પ્રદૂષણ.
માનવજાતના માથે આ શબ્દ અભિશાપ બનીને ઉતર્યો છે. એક પ્રકારના પ્રદૂષણનો માંડ અધકચરો ઉકેલ લાવે ત્યાં બીજું પ્રદૂષણ મોં ફાડીને સામે ઊભું હોય. કેટલા સામે લડે? પ્રદૂષણની વાત આવે ત્યારે સૌથી પહેલાં શરૂઆત થાય જમીની પ્રદૂષણ. જમીન પર જ્યાં જોઈએ ત્યાં કચરો વેરાયેલો પડયો હોય. શહેરોથી શરૂ કરીને હવે તો છેક ગામડાંઓ સુધી કચરો એકઠો કરવાની યોજનાઓ ચાલી રહી છે.
દુનિયાભરમાં વેસ્ટ મેનેજમેન્ટની કંઈ કેટલીય યોજનાઓ ચાલે છે અને એની પાછળ અબજો રૂપિયાનું ફંડ ફાળવવું પડે છે. દર વર્ષે અંદાજે ૨૬૦ અબજ ડોલર કચરાના નિકાલ માટે ખર્ચવામાં આવે છે. લોકોના હેલ્થ પર પ્રદૂષણની જે માઠી અસરો થાય છે તેનો તો કોઈ અંદાજ જ નથી. એની પાછળ સારવાર-દવાથી માંડીને રોજગારીને જે અસર થાય તેનો ખર્ચ ઉમેરાય તો આંકડો ધારણા બહારનો આવે.
જમીનનું પ્રદૂષણ નિવારી શકાયું નથી ત્યાં વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ સામે લડત શરૂ થઈ. ભૂગર્ભજળને દૂષિત કરવાની સાથે માણસે નદીઓ, તળાવો અને મહાસાગરોને પ્રદૂષણથી ભરી દીધા. વિવિધ પ્રકારના કચરામાં વળી પ્લાસ્ટિકનો ઉમેરો થયો એટલે ચિત્ર વધુ બિહામણું બન્યું.
આ બધું અટકે તે પહેલાં ટેકનોલોજીની ક્રાંતિના પરિણામે ઈ-વેસ્ટનો પ્રશ્ન સામે આવ્યો. ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધ્યું એમ એનો કચરો પણ વધ્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન અને ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિએશન સાથે મળીને તૈયાર કરેલા વૈશ્વિક અહેવાલ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૬ કરોડ મેટ્રિક ટન ઈલેક્ટ્રોનિક્સ કચરો ઉત્પન્ન થાય છે. એના નિકાલ માટે હવે રહી રહીને નિયમો પણ બન્યા છે, છતાં પરિણામો ઉત્સાહવર્ધક નથી.
આ બધા પ્રકારના પ્રદૂષણ વચ્ચે હવે નવા પ્રદૂષણ અંગે વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે. જો આ પ્રદૂષણ સતત વધતું જશે તો એક દિવસ દુનિયાની કોમ્યુનિકેશન સિસ્ટમ પણ ખોરવાઈ શકે છે. એ પ્રદૂષણનું નામ છે - રેડિયો પ્રદૂષણ.
*******
દુનિયામાં હજુય ૨૫૫ કરોડ લોકોને ઈન્ટરનેટ મળતું નથી. એમને ઈન્ટરનેટ આપવા માટેની કવાયત ચાલી રહી છે. દુનિયાભરની ટેલિકોમ કંપનીઓ મથામણ કરે છે, પરંતુ ટેલિકોમ કંપનીઓ જે કામ કરી શકી નથી એ કામ હાથમાં લીધું છે ઈલોન મસ્કે.
૨૦૧૯માં સેટેલાઈટ ઈન્ટરનેટની સર્વિસ આપવા માટે મસ્કે સ્ટારલિંક નામની કંપની સ્થાપી. પૃથ્વીથી લગભગ ૫૫૦-૬૫૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં રહીને સ્ટારલિંકના સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. લગભગ ૧૦૦ દેશોના ૩૦ લાખ યુઝર્સ સુધી એની સર્વિસ પહોંચી ચૂકી છે. ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં સ્ટારલિંકના ૬૩૫૦ સેટેલાઈટ લોંચ થઈ ચૂક્યા છે. એમાંથી ૬૨૯૦ સક્રિય છે, બાકીના સક્રિય થઈ રહ્યા છે. ૧૨૦૦૦ સેટેલાઈટ લો અર્થ ઓર્બિટમાં સેટ કરવાનું આયોજન છે.
છેક હમણાં સુધી મસ્કની આ કંપનીએ એક રૂપિયાનો નફો કર્યો ન હતો. આખા પ્રોજેક્ટમાં લગભગ ૧૦ અબજ ડોલરનો ખર્ચ થાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. આ વર્ષથી કંપનીને થોડો નફો થાય એવી શક્યતા છે. મસ્ક આ પ્રોજેક્ટને ખૂબ જ ક્રાંતિકારી ગણાવે છે. એના મતે દુનિયામાં સેટેલાઈટ ઈન્ટરનેટના કારણે અભિવ્યક્તિની આઝાદી આવશે. કેટલાય દેશોમાં દર વર્ષે ઈન્ટરનેટની સર્વિસ પર કોઈને કોઈ કારણથી પ્રતિબંધ મૂકાતો હોય છે. ખાસ તો લોક આંદોલનો વખતે સરકારો નાગરિકોનો અવાજ દબાવવા માટે દિવસો કે મહિનાઓ સુધી ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દે છે. એવા સમયે સેટેલાઈટ ઈન્ટરનેટ તેમની મદદે આવશે. મસ્કનો આ વિચાર પણ વિવાદાસ્પદ છે અને કેવી રીતે એ શક્ય બનશે તે મુદ્દો પણ ખરો જ. સેટેલાઈટ ઈન્ટરનેટ એક્સેસ નિયંત્રિત કરી શકાય એવી ટેકનોલોજી બધા દેશો પાસે છે.
વેલ, સેટેલાઈટ ઈન્ટરનેટની આ બધી ચર્ચા વચ્ચે વિજ્ઞાનીઓએ જે ચેતવણી આપી છે એ બહુ જ મહત્ત્વની છે. ધરતીની નીચલી ભ્રમણકક્ષામાં સેટ થયેલા સ્ટારલિંક સેટેલાઈટથી રેડિયો પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને તેનાથી લાંબાંગાળે મોટી મુસીબત સર્જાય એવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
******
નેધરલેન્ડની રેડિયો એસ્ટ્રોનોમી ઈન્સ્ટિટયૂટના લેટેસ્ટ રિસર્ચમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે સ્ટારલિંક સેટેલાઈટ એક રીતે રેડિયો ટેલિસ્કોપનો માર્ગ અવરોધે છે. પહેલાંની તુલનાએ સ્ટારલિંક સેટેલાઈટ ૩૨ ટકા વધારે રેડિયો પ્રદૂષણ ફેલાવે છે. સ્ટારલિંક સેટેલાઈટનું મૂળ કામ છે ઈન્ટરનેટ વેવ્સ યુઝર્સ સુધી પહોંચાડવાનું. ૫૫૦થી ૬૫૦ કિલોમીટર દૂરની અંતરીક્ષની ભ્રમણકક્ષાથી પૃથ્વી પર આ વેવ્સ પહોંચાડવા માટે વેવ્સની સ્ટ્રોંગ લેન્થ જરૂરી છે. ત્યાં સુધી તો બધું ઠીક લાગતું હતું, પરંતુ એની સાઈડ ઇફેક્ટ હવે સામે આવી છે. સેટેલાઈટમાંથી જે તરંગો નીકળે છે એ બ્રહ્માંડમાંથી આવતાં અન્ય રેડિયો તરંગોને રોકી દે છે. અથવા તો જે સ્વરૂપમાં એ પહોંચવા જોઈએ એ રીતે પહોંચતા નથી. એમાં ભેળસેળ થાય છે. આ પ્રદૂષણ પૃથ્વી પર રેડિયો ઓબ્ઝર્વેશન માટે સેટ કરેલા સેન્સિટિવ ઉપકરણો સુધી સિગ્નલ્સ પહોંચવામાં બેહદ મુશ્કેલી ખડી કરે છે.
રેડિયો તરંગો આંતરિક રીતે ટકરાય છે એટલા માટે કે ભ્રમણકક્ષામાં જ્યાંથી એની આવ-જા થાય છે ત્યાં હોવા જોઈએ એનાથી વધારે રેડિયો વેવ્સ છે. આ પરિસ્થિતિને રેડિયો પ્રદૂષણ નામ આપવામાં આવ્યું છે. પહેલી વખત સંશોધકોના ધ્યાનમાં આ રેડિયો પ્રદૂષણ આવ્યું છે. એ સાથે તેની માઠી અસરોની ચર્ચા શરૂ થઈ છે.
જે વૈજ્ઞાનિકો આકાશગંગા, એલિયન્સ, બ્લેક હોલ્સ વગેરે પર સંશોધનો કરે છે તેમને સ્ટારલિંકના રેડિયો તરંગોથી આજે જેટલી મુશ્કેલી પડે છે એ મુશ્કેલી આગામી સમયમાં બેવડાઈ જશે. હજુ તો કંપનીએ નિર્ધારિત કરેલાં સેટેલાઈટમાંથી અડધા સેટેલાઈટ જ અંતરીક્ષમાં સેટ થયા છે. બધા ૧૨૦૦૦ સેટેલાઈટ સેટ જશે પછી એ તમામ પૃથ્વીથી ૫૫૦-૬૬૦ કિલોમીટરની ભ્રમણકક્ષા ફરતે મજબૂત રેડિયોનું લેયર બનાવશે અને એમાંથી કદાચ બાહ્યાવકાશમાંથી આવતા તરંગો અટવાઈ જશે.
અચ્છા, સ્પેસ સાયન્ટિસ્ટ માટે સ્ટારલિંકના સેટેલાઈટ્સ એકમાત્ર ચિંતા નથી. ભવિષ્યમાં ઘણી કંપનીઓ સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસમાં ઝંપલાવી રહી છે. એમેઝોનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ચીની કંપનીઓ પણ મેદાને પડી છે, ભારતીય કંપનીઓ સાથે વિદેશી કંપનીઓના કરારોય થયા છે. એ બધાનો ઈરાદો પેલા ૨૭૦-૩૦૦ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ પર છે અને તે સિવાય અત્યારના નેટવર્ક ઓપરેટર્સનો વિકલ્પ શોધતા કરોડો યુઝર્સ પણ ખરા, જે સેટેલાઈટ ઈન્ટરનેટ તરફ વળશે. આ યુઝર્સ સુધી રેડિયો તરંગો પહોંચાડવા સ્ટ્રોંગ વેવ્સ સેટ થાય તો શું હાલત થાય?
બસ, વૈજ્ઞાનિકોની ખરી ચિંતા આ છે. તેમને એવોય ડર છે કે સેંકડો ઉપગ્રહો લો અર્થ ઓર્બિટરથી વધારે ડીપ સેટ થયા છે. ત્યાંથી જે સિગ્નલ્સ મળે છે એટલે પૃથ્વી પર કેટલીય સર્વિસ ચાલી રહી છે. એમાં લાઈવ પ્રસારણથી માંડીને મેપિંગ સર્વિસનો સમાવેશ થાય છે. જો રેડિયો પ્રદૂષણ વધે તો આ તમામ સર્વિસ પ્રભાવિત થઈ શકે.
રેડિયો પ્રદૂષણને અત્યારે કોઈ ખાસ ગંભીરતાથી લેતું નથી. બીજા બધા નજર સામે દેખાતા પ્રદૂષણની ચિંતા કરનારા માણસ પાસે દૂર આકાશમાં ફેલાઈ રહેલા રેડિયો પ્રદૂષણની દરકાર કરવાનું અત્યારે કોઈ કારણ નથી. પરંતુ બધાને જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ જોઈએ છે એ આપવાના ચક્કરમાં જો રેડિયો પ્રદૂષણ પર નિયંત્રણ ન રહ્યું તો પૃથ્વીનું આખું તંત્ર સ્લો થઈ જશે એ વાત નક્કી છે!
મસ્કની સ્પેસએક્સથી આયનમંડળને નુકસાન થયું હતું
ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સનું ફાલ્કન-૯ રોકેટ અવકાશના આયનમંડળને નુકસાન કરતું હોવાનો દાવો સંશોધકોએ ગયા વર્ષે કર્યો હતો. બોસ્ટન યુનિવસટીના સ્પેસ સાયન્ટિસ્ટ જૈફ બોમગાર્ડનરે ૧૯મી જુલાઈ ૨૦૨૩ના દિવસે થયેલા લોંન્ચિંગનો અભ્યાસ કરીને કહ્યું હતું કે સ્પેસએક્સના ફાલ્કન-૯ રોકેટથી અવકાશના આયન મંડળમાં કામચલાઉ ગાબડું પડે છે. લગભગ ત્રણેક કલાક સુધી અવકાશનો એ વિસ્તાર લાલ થઈ જાય છે. કારણ કે પૃથ્વીથી ૨૦૦થી ૩૦૦ કિલોમીટરના અંતરે રોકેટના એન્જિનમાંથી આગ નીકળતી હોય ત્યારે આવું બને છે. પૃથ્વીના વાતાવરણના ૪૮ કિલોમીટરથી ૯૬૫ કિલોમીટરના હિસ્સાને આયનમંડળ કહેવામાં આવે છે. વાતાવરણનો આ હિસ્સો પૃથ્વીને સૂર્યના રેડિએશનથી બચાવે છે. વાયુમંડળમાં સર્જાતી વીજળી માટે પણ આયનમંડળની ભૂમિકા મહત્ત્વની હોય છે. જો લાંબાંગાળા સુધી વાતાવરણના આ પડને નુકસાન થાય તો તેનાથી ગંભીર પરિણામો આવી શકે છે - એવી ચેતવણી સંશોધકોએ આપી હતી.
અવકાશમાં કચરાનાં ઢગલાં
યુનાઈટેડ નેશન્સની આઉટર સ્પેસ અફેર્સ એજન્સીએ અંતરીક્ષમાં ફેલાયેલા કચરાનો અહેવાલ આપ્યો. દુનિયાના ૧૮ દેશોએ માત્ર મંગળ પર જ ૭૧૧૮ કિલો કચરો ઠાલવ્યો છે. માનવજાતે ચંદ્રની સપાટી પર પહેલી વખત ૧૯૬૯માં પગ મૂક્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ચંદ્રમાની ધરતી પર માનવજાતે ૧૯૦ ટન કચરો ફેલાવ્યો છે. અવકાશમાં કચરો ફેલાવવાની બાબતે રશિયા સૌથી આગળ છે. ૭૦-૭૫ વર્ષના અવકાશ મિશનો દરમિયાન રશિયાએ કચરાના ૭૦૩૨ ટૂકડાં અંતરીક્ષમાં વેર્યા છે. એમાં ઉપગ્રહોથી લઈને રોકેટ બોડી સહિતનો સમાવેશ થાય છે. બીજા ક્રમે રહેલા અમેરિકાએ ૫૨૧૬ ટૂકડા અવકાશમાં છોડીને ગંદકી ફેલાવી છે. ચીને કચરાના ૩૮૫૪ ટૂકડા સાથે અવકાશી કચરો ફેલાવતા દેશોના લિસ્ટમાં ત્રીજો ક્રમે મેળવ્યો હતો. એ પછી ૫૨૦ ટૂકડા ફ્રાન્સે વેર્યો છે. ૧૧૭ અવકાશી કચરાના ટૂકડા સાથે જાપાન પાંચમા ક્રમે છે. વિવિધ મિશનોના કારણે ભારતે પણ સ્પેસ વેસ્ટમાં ૧૧૪ ટૂકડા ઉમેર્યા છે. નિષ્ક્રિય બનેલા ઉપગ્રહો, રોકેટ બૂસ્ટર્સ, વિવિધ અવકાશી ચીજવસ્તુઓ, પરીક્ષણો માટે વપરાતા ઉપકરણો, અંતરીક્ષ યાત્રીઓના મળ-મૂત્ર અને એંઠવાડ વગેરે અવકાશમાં તરે છે. આ કચરો વધતો રહે તો લાંબાંગાળે સક્રિય ઉપગ્રહો સાથે ટકરાઈ શકે છે. જો એવું કંઈ થાય તો કોઈ દેશના ઉપગ્રહો અચાનક બંધ થઈ શકે છે.