Get The App

પત્ની માટે 'પરાયું ધન' શબ્દને સદંતર જાકારો આપે તે સાચો જીવન સાથી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
પત્ની માટે 'પરાયું ધન' શબ્દને સદંતર જાકારો આપે તે સાચો જીવન સાથી 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- શ્રાદ્ધનો અધિકાર માત્ર દીકરાને આપી વાત્સલ્યભીની દીકરીને એ અધિકારથી વંચિત રાખવી એ અંગે શું પુનર્વિચારણા જરૂરી નથી?

અ નુરોધ શેઠના બંગલે આજે આનંદનો મહેરામણ હેલે ચઢ્યો હતો. અતિથિઓને ઉષ્માભર્યો આવકાર, યાચકોને ખુલ્લા હાથે દાન અને સ્વજનોને મોંઘેરા ઉપહાર.

અનુરોધશેઠના ત્યાં સુપુત્રનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હતો. દોઢ દાયકો પરદેશમાં ગાળીને પાછા ફરેલા અનુરોધશેઠ અને શ્રીજાદેવીને એક દીકરી તો હતી જ... લિપિકા એનું નામ પણ અનુરોધશેઠનું મન પુત્રજન્મ માટે તડપતું હતું. લિપિકા દીકરી હતી. છતાં તેમને પુત્રની ખોટ સાલતી હતી. તેઓ વારંવાર દેવી આગળ બોલતાં હતાં. 'મારી પાછળ પિતૃર્પણ માટે ખોબલા ભરવા દીકરો હોત તો આત્માને ટાઢક વળત. લિપિકા તો છે. પણ એ તો પારકી થાપણ. આપણને પાછલી ઉંમરમાંએ થોડી કામ લાગવાની છે ? અને ઇશ્વરે તેમની ઇચ્છા પૂરી કરી. પુત્રનો જન્મ થયો.. નામ પાડયું અહેસાસ.'

અનુરોધ શેઠ અને શ્રીજાદેવી બન્ને અહેસાસના લાલનપાલનમાં લાગી ગયાં. સવાર પડે અને રાત થાય ત્યાં સુધી અહેસાસના નામનું જ રટણ, અહેસાસ શું ખાશે ય શું પહેરશે ? શેનાથી રમશે ? સવાર પડે એટલે અનુરોધ શેઠ અહેસાસને રમાડતા જાય અને શ્રીજાદેવી તેને મોંઢામાં કોળિયા ભરાવતાં જાય. અહેસાસ સહેજ રડે તો અનુરોધ શેઠ ઓફિસે જવાનું માંડી વાળતા. અનુરોધ શેઠ બહાર જતા તો અહેસાસ માટે રમકડાં, નવાં નવા વસ્ત્રો, ચોકલેટ, ડ્રાયફૂટસ, જાત જાતનાં બુટ વગેરેનો ઢગલો કરી દેતા. લિપિકા આ બધું જોઈ રહી હતી. તેનું મન પણ મમ્મી-પપ્પાના પ્રેમ માટે તડપતું હતું. લિપિકા નાની હતી છતાં તેના તરફ શ્રીજાદેવી જરાપણ ધ્યાન નહોતાં આપતાં. અહેસાસનાં તૂટી ગયેલાં રમકડાં લિપિકાને રમવા આપતાં. લિપિકાએ પોતાનું કામ બધું જાતે જ કરવાનું શીખી લેવું જોઈએ, કારણકે તે દીકરી છે. પરણીને સાસરે જવાનું છે. અહેસાસ જમે પછી, લિપિકાએ જમવાનું. અહેસાસ ધીમે-ધીમે શાળાએ જતો થયો. અહેસાસનું દફતર, વોટર બેગ, લંચ બોક્સ બધું લિપિકાએ તૈયાર કરવાનું.

અનુરોધશેઠ અને શ્રીજાદેવીના જીવનમાં બસ એક જ નામ હતું. અહેસાસ... અહેસાસ.. અહેસાસ. અતિશય લાડને કારણે અહેસાસ જિદ્દી અહંકારી અને તોફાની બની ગયો હતો. અભ્યાસમાં પણ તેનું મન ચોંટતુ નહોતું. મહાપરાણે એ બાર ધોરણ સુધી પહોંચ્યો. અનુરોધશેઠ કહેતા 'વાંધો નહીં. અહેસાસે ક્યાં નોકરી કરવા જવાનું છે ? મારી પેઢીનો વારસદાર છે એ. એના ભવિષ્યની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.'

લિપિકા ભણવામાં તેજસ્વી હોવા છતાં ૧૨ ધોરણ પછી એના અભ્યાસ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પંદર વર્ષની વયે જ એણે ગૃહિણી બનવાની સઘન તાલીમ. મૂંગી વિદ્યાર્થિનીની જેમ જીવવાનું હતું. શ્રીજાદેવી તેના માટે કડક શિક્ષક હતાં. તેમની તાલીમનાં જ્ઞાનને ગૌણ અને સહનશીલતાના સબકને મોખરાનું સ્થાન હતું. ગૃહિણી ધર્મની તાલીમનો પહેલો સિધ્ધાંત આધુનિક ફેશનનાં કપડાંનો ત્યાગ. લિપિકાના નાનકડા હાથે રોટલીના લૂઆને ગોળ આકાર અર્પવા મથતા વેલણનો ઉપયોગ ઘણીવાર શ્રીજાદેવી તેને મારવા માટે પણ કરતાં હતા.

ત્યાં એકાએક અનુરોધશેઠને કાળનું તેડું આવ્યું. તેઓ પેઢીઓથી ઘરે આવતાં રસ્તામાં જ ઢળી પડયા હતા. શ્રીજાદેવીને માથે આભ તૂટી પડયું હતું. અનુરોધશેઠના અવસાન પછી અહેસાસના હાથમાં પેઢીનો વહીવટ આવ્યો. અહેસાસ કામ કશું કરે નહીં, અને પેઢીમાં જઈને વટ પાડવા માટે બે-ચાર કર્મચારીઓને ધમકાવીને મિત્રો સાથે ફરવા ઉપડી જતો. શ્રીજાદેવીને ખબર જ નહોતી કે અહેસાસ પેઢીમાં જઈને શું કરે છે. સાંજે મિત્રો સાથે રખડીને, પિકચર જોઈને ઘરે આવે એટલે શ્રીજાદેવી અડધાં-અડધાં થઈ જતાં. પાસે બેસી પંખો નાખી જમાડતા. એસી ચાલુ હોય તો પણ શ્રીજાદેવી અહેસાસને પંખો નાખતાં તે જોઈ લિપિકાને બહુ નવાઈ લાગતી. લિપિકા ભાઈ-ખાઈ લે પછી પોતાને જમવાનું મળશે, તેની રાહ જોઈને બેસી રહેતી.

એક દિવસ શ્રીજાદેવી અને અહેસાસની વાતો સાંભળી લિપિકા દંગ રહી ગઈ. શ્રીજાદેવીએ લિપિકાના લગ્નની વાત છેડી એટલે અહેસાસ એ વાત તરત વધાવી લેતા કહ્યું હતું : 'મમ્મી, નેકી ઓર પૂછ-પૂછ પરણાવી દો લિપિકાને.' આપણા ઘરે એ શું કામ કરે છે ? 'ના કામકી ના કાજકી ઢાઈ શેર અનાજકી !' આ સાંભળીને લિપિકાનું અંતર વલોવાઈ ગયું હતું. 'મમ્મી, ભાઈ.. તમારી આવી વિચારસરણી ? દીકરા-દીકરીનો ભેદ શા માટે ? સંબંધમાં આત્મીયતાનું કશું જ મૂલ્ય નહીં ? ભાઈ તારા માટે મારા ભગિની પ્રેમનું કોઈ મૂલ્ય નથી ? અને મમ્મી મારા તરફના પુત્રપ્રેમનું શું ? ઘરમાં રાત દિવસ તમે જે કહ્યું તે કામ કર્યુ, તમારો પડતો બોલ ઝીલ્યો, આત્મીયતાથી સજાવેલું ઘર, અતિથિઓનું મેં ઉમળકાથી કરેલું સ્વાગત, પિતા માટે અત્યંત આદર અને કરેલી સેવા. આ બધાંનો સરવાળો પણ મને પોતીકી ગણવા માટે પૂરતો નથી ? મેં અદા કરેલી ભાવનાઓનું કશું જ મૂલ્ય નહીં?'

અને મમ્મીનું 'પારકું ધન' એક અજાણ્યા પરિવારને પોતાનો બનાવવાની આજીવન પ્રેક્ટિસ કરવા સાસરે પ્રવેશ્યું. અહેસાસભાઈએ તેમના એક મધ્યમવર્ગીય મિત્ર સમીપ સાથે લિપિકાના લગ્ન ગોઠવી દીધાં હતાં. સાસરે વળાવતી વખતે લિપિકાએ મમ્મી શ્રીજાદેવીને પૂછ્યું હતું, 'મમ્મી, ભાઈ મને ક્યારે તેડવા આવશે ? પપ્પાજીના શ્રાદ્ધ પર તો મને બોલાવશોને ?'

ત્યારે અહેસાસે મોં બગાડીને કહ્યું હતું : 'આટલા વર્ષો તો અમારા ઘરનું રેશનિંગ બગાડયું, હજી ધરાઈ નથી ? અરે સમીપ, આને હવે ચસકવા ન દેતો. ગોંઘી રાખજે તારા ઘરમાં. મમ્મીનો એ પીછો છોડતી જ નથી.'

ત્યારે લિપિકાએ માન્યું હતું કે સમીપની હાજરીમાં ભાઈ આવું અપમાન કરશે, એ મમ્મીથી સહન નહીં થાય. પણ મમ્મીએ તો ઘા પર મીઠું ભભરાવ્યું.

'હા, જમાઈરાજ બહુ દહાડા રહી અમારા ઘરમાં અમારી લિપિકા. છોકરીઓ પ્રત્યે અમારી લાગણી શા ખપની ? આખરે તો એ પારકું જ ધનને ? એના કરતાં દીકરાને રાજી રાખીએ તો સેવા-ચાકરી તો કરે !'

લિપિકા ચૂપ રહી.. પણ મનોમન બોલી 'મમ્મી, લોકો તો કહે છે છોરું, કછોરું થાય, પણ માવતર કમાવતાર ન થાય. પણ મમ્મી તારા જ હૃદયમાં દીકરી પ્રત્યેના વાત્સલ્યમાં આવી ઓટ ? એટલા માટે કે હું તારો દીકરો નથી ?'

સાસરે આવેલી લિપિકાની પોંખણવિધિ પતાવ્યા બાદ, લિપિકાને ડ્રોેઇંગરૂમમાં બેસાડી હતી. ત્યાં એના કાને તેની નણંદના શબ્દો અથડાયા 'મમ્મી, ગમે તેમ તોય ભાભી પારકી જણી કહેવાય. તું પાછી બહુ ભોળી છે એટલે કહું છું. એના પર પૂરો વિશ્વાસ મૂકતાં પહેલાં સાત વાર વિચાર કરજે.' ત્યારે લિપિકાએ ભારે આંચકો અનુભવ્યો હતો. મમ્મી જેને પારકું ધન ગણે છે એને સાસરીવાળા પારકી જણી કહે છે પારકી શબ્દ લિપિકાના હૃદયમાં શૂળની જેમ ભોંકાય છે.

પણ લાગણી જ લિપિકાના જીવનની સૌથી મોટી શક્તિ હતી. તે બધું ભૂલીને પતિના સઘળાં સ્વજનોને સ્નેહવૃષ્ટિથી ભીંજવતી રહી હતી.

લિપિકાના લગ્ન પછી તેના પપ્પાજીનું શ્રાદ્ધ આવ્યું ત્યારે લિપિકાએ મમ્મીના ફોનની બહુ રાહ જોઈ પણ ના એની મમ્મીનો ફોન આવ્યો કે ના ભાઈનો. એક જ શહેરમાં રહેતી હોવા છતાં ભાઈએ જમવા ના બોલાવી.

લિપિકાએ ધીરે ધીરે પિયર જવાનું સાવ ઘટાડી નાંખ્યું હતું. શ્રીજાદેવી પણ લિપિકાને મળવાનું ટાળતા હતાં. કારણકે શ્રીજાદેવી પોતાના માનીતા કુળદીપકને નારાજ કરવા તૈયાર નહોતાં. વર્ષો વીતતાં ગયા. એક દિવસ અચાનક લિપિકા હોસ્પિટલમાં કોઈની ખબર જોવા ગઇ હતી. શ્રીજાદેવીને દર્દી તરીકે જનરલ વોર્ડના પલંગ પર જોઈને તેને આશ્ચર્ય થયું હતું.

શ્રીજાદેવી એકલાં હતાં. થોડીક વાર પછી એમની કામવાળી ગંગા ફ્રૂટ લઈને આવી. ગંગાએ લિપિકાને જોઈ એટલે તરત તેની પાસે જઈને કહ્યું, 'લિપિકાબેન, તમારા મમ્મીને હું હોસ્પિટલ લઈને આવી છું. એક દિવસ તમારા ભાભી સાથે ઝઘડો થતાં તમારા ભાઈએ' બાને જુદાં રહેવાનું કહ્યું. અંતે બાએ જુદું ઘર રાખી લીધું. એકાદ મહિનો તો તમારા ભાઈએ પૈસા મોકલ્યા, પણ બીજા મહિને ભાભીએ એ પણ બંધ કરાવી દીધા.

લિપિકાને જોઈને શ્રીજાદેવી ધુ્રસકે ધુ્રસકે રડવા લાગ્યાં.

શ્રીજાદેવીને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે લિપિકા તેમને અલગ રાખેલા ઘરે મૂકવા ગઈ. સમીપે તેને ઠપકો આપ્યો હતો. અને મમ્મીને પોતાને ઘેર લઈ આવવા માટે દબાણ કર્યું હતું.

ત્યારે લિપિકાએ સમીપને કહ્યું : 'સમીપ, મમ્મીએ મને લગ્નમાં દસ તોલાના દાગીના આપ્યા હતા. મારી સલામતી માટે પણ સમીપ અહીં તમારી સાથે મારું ભાવિ તો સલામત છે. એટલે જો તમે પરવાનગી આપો તો એ દાગીના વેચીને તે રકમ મમ્મીના નામે બેંકમાં મૂકવા ઇચ્છું છું. એના વ્યાજમાંથી મમ્મીનું કેટલુંક ખર્ચ નીકળી જશે. અને હું પાર્ટ-ટાઈમ કામ કરીને થોડી કમાણી ઉભી કરી લઈશ. એ રકમથી એને ટેકો રહેશે. હું એને મારા ભાઈની ઓશિયાળી બનાવવા માગતી નથી. આપણા ઘરમાં ક્યારેક એનું માન ના સચવાય તો એના ઘડપણથી થાકેલા મનને દુ:ખ પહોંચે. સંતાન તરીકે મારે પણ એના પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ ને ?

સમીપે કહ્યું હતું : અહેસાસ મારો મિત્ર છે, પણ લિપિકા તારામાં અને તેનામાં જમીન આસમાનનું અંતર છે. અહેસાસ જેવો માતૃદ્રોહી દીકરો હોય એના કરતાં માતા નિ:સંતાન રહે એ જ બહેતર છે. લિપિકા, આજથી તારે માટે 'પારકી જણી' અને 'પારકી થાપણ' શબ્દ સદા માટે રદ કરું છું. તું સાચા અર્થમાં ગૃહલક્ષ્મી છે. સહિષ્ણુતાની મૂર્તિ છે. એવી સન્નારીના પતિ બનવું એ પણ એક સદ્ભાગ્ય છે. મારી મમ્મીની રજા લઈ તું અને હું તારી મમ્મીની સેવા માટે તેમની સાથે રહીશું. બાળનારા તો અનેક મળે પણ ઠારનારા કેટલા ? દેવી-દેવતાઓને પ્રસન્ન કરવામાં આપણે સર્વસ્વ ખર્ચી નાખીએ છીએ, પણ દુ:ખી અને સંતાન માણસને મદદ કરવા આંખ આડા કાન કરીએ છીએ. તે માતાની જેમ લાડથી મને જમાડયો છે. સેવિકાની જેમ સેવા કરી છે. મેં પૂછ્યું ત્યારે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. અને અંગત સુખ આપવામાં કશી કચાશ રાખી નથી. હું અહેસાસ સાથેની દોસ્તી ખતમ કરી નાખું છું.

અને લિપિકાના જીવનમાં એક નવો સૂર્યોદય થયો હતો. તપસ્યા કદી એળે જતી નથી. લિપિકાએ મૂંગે મોંઢે સેવા કરી એનું ફળ એને મળ્યું. કહેવાય છે કે ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ. શ્રીજાદેવીનો એ ખ્યાલ સદંતર ખોટો પડયો કે શ્રાદ્ધ દીકરો જ કરે દીકરી નહીં. દીકરો કે દીકરી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે તે જ પિતૃઓને પહોંચે. કેવળ રિવાજ તરીકે પુત્ર શ્રાદ્ધ કરે તે નિરર્થક છે.


Google NewsGoogle News