Get The App

રાજાએ ત્રણ પુત્રોને જંગલમાં ઝાડ જોવા મોકલ્યા

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
રાજાએ ત્રણ પુત્રોને જંગલમાં ઝાડ જોવા મોકલ્યા 1 - image


- ત્રણેય પુત્રો જીવનદ્રષ્ટિ બંધિયાર અને નિસ્તેજ ન હોવી જોઈએ તે સબક શીખ્યા અને પોતે તેમજ બીજાને સુખી કરી શક્યા 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- પતઝડ સાવન બસંત બહાર ..એક બરસ કે મૌસમ ચાર મૌસમ ચાર

એ ક રાજા હતો તેના ત્રણ પુત્રો પુખ્ત વયના થયા. રાજાને લાગ્યું કે આગામી વર્ષોમાં રાજ્યનું શાસન અને અન્ય જવાબદારી ત્રણ પુત્રોએ જ સંભાળવાની છે અને તેઓને જીવનનો બોધપાઠ શીખવવાનો સમય આવી ગયો છે.

રાજાએ  ત્રણેય પુત્રોને બોલાવીને કહ્યું કે 'આપણા રાજ્યની થોડે બહાર એક વન આવેલું છે તેમાં સફરજનનું એક ઝાડ આવેલું છે. તમારે ત્રણેય જણાએ તે ઝાડ પાસે જવાનું છે પણ એક સાથે નહીં. પહેલા એક પુત્ર ત્યાં જાય પછી ચાર મહિના પછી બીજો અને તેના પછીના ચાર મહિના પછી ત્રીજો એટલે કે ચાર ચાર મહિનાના અંતરે એક પુત્રએ જવાનું છે અને ઝાડ તેઓને કેવું લાગ્યું તે જણાવવાનું છે. 

રાજાએ ઉમેર્યું કે 'મને ચાર મહિના પછી ઝાડ જોઈને પરત આવીને તરત ઝાડ કેવું લાગ્યું તે જણાવવાની જરૂર નથી. આપણે આજથી એક વર્ષ પછી આ માટે ફરી મળીશું ત્યારે પ્રત્યેક પુત્રએ તેમને ઝાડ કેવું લાગ્યું તે કહેવાનું છે'

આટલી સૂચના આપીને રાજા અને ત્રણ પુત્રો છૂટા પડયા. ત્રણેય પુત્રો આજ્ઞાંકિત તો હતા જ પણ તેઓ વચ્ચે સંપ પણ સારો એવો હતો. તેઓએ જ  અંદરોઅંદર ચાર ચાર મહિને જવાના વારા પાડી દીધા.

જોતજોતામાં તો એક વર્ષ કયાં પૂરું થયું તે ખબર પણ ન પડી.અને એ દિવસ પણ આવી ગયો કે રાજાએ ત્રણેય પુત્રોને સાથે બોલાવ્યા. પ્રેમથી પુત્રોને આવકારીને રાજાએ સૌથી પહેલા જે પુત્ર ગયો હતો તેને પૂછયું કે 'બેટા, તને ઝાડ કેવું લાગ્યું?'

પુત્રએ થોડી નિરાશા સાથે કહ્યું કે 'પિતાજી તમે મને જે ઝાડ જોવા મોકલ્યો હતો તે તો સાવ નિષ્પ્રાણ અને સુકાઈ ગયેલું લાગ્યું.'

ત્યાં જ બીજા પુત્રએ ઉતાવળથી પ્રથમ પુત્રની વાત કાપી નાંખતા કહ્યું કે 'આ ખોટી વાત છે. ઝાડ નિષ્પ્રાણ તો નહોતું જ. તેની ડાળીઓમાં ચોતરફ પાંદડા ખીલ્યા હતા. હા તેના પર એક ફળ જોવા નહોતું મળ્યું. હું જોઈને આવ્યો છું ઝાડ ચેતનવંતુ હતું.મારો ભાઈ ખોટો છે.'

હજુ બીજો પુત્ર તેનો દાવો મજબૂત કરતો હતો ત્યાં જ ત્રીજા પુત્રએ રોફભેર કડકાઈ સાથે કહ્યું કે

'પિતાજી,મને આશ્ચર્ય થાય છે કે નરી આંખે જોઈ શકાય તેટલા ફળોથી ઝાડની ડાળીઓ લચી પડી હતી તો પણ મારા આ બંને ભાઈઓ કેવી મગજ ગુમાવી દઈએ તેવી વાત કરે છે.'

પિતાએ વાતાવરણને તંગ બનાવતા ઉમેર્યું કે 'હવે તમે જ નક્કી કરો કે તમારામાં સાચું કોણ.'

આટલું સાંભળતા તો ત્રણેય પુત્રો વચ્ચે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી ઉગ્ર દલીલ થઈ. તેઓ લગભગ પોતે સાચા છે તે દાવો કરતા ઝઘડી પડયા હતા.તેઓ એટલે સુધી એકબીજાને ઉગ્રતાથી કહેતા હતા કે 'પિતાજીએ આપણને નિશાની આપીને જે ઝાડ જોવાનું કહ્યું હતું તેની જગ્યાએ તમે બીજું ઝાડ જોઈને આવ્યા લાગો છો.'

ત્યાં જ ત્રણેય પુત્રોના આશ્ચર્ય વચ્ચે રાજા એવા પિતાએ તેઓને શાંત પાડતા કહ્યું કે 'મારા વ્હાલા પુત્રો, તમે ત્રણેય સાચા છો. મેં તમને જાણી જોઈને ચાર મહિનાના અંતરે તે ઝાડ જોવા મોકલ્યા હતા. તમે ત્રણેય વારાફરતી આ રીતે ગયા ત્યારે જુદી જુદી ઋતુ (સીઝન) ચાલતી હતી.અને જે સીઝનમાં ઝાડની સ્થિતિ જેવી હોય તેવી તમે જોઈ અને હવે તમે તેને કહો છો.'

ત્રણેય પુત્રો શાંત થઈને થોડા વિચારમાં સરકી ગયા. ત્યાં જ રાજાએ પૂછયું કે 'તમે આ અનુભવ પરથી શું શીખ્યા?'

એક પુત્રએ ઉત્તર આપ્યો કે 'તેનો અર્થ એમ કે ઝાડને ફળ આવતા ચાર મહિના લાગે છે.' રાજા પ્રેમપૂર્વક હસ્યા અને તેમણે કહ્યું કે 'આપણે આ પ્રસંગ પરથી ત્રણ બોધપાઠ લેવાના છે.

(૧)કોઈપણ વ્યક્તિ કે બાબત માટે કોઈ મંતવ્ય કે માન્યતા બાંધવી  હોય તો આપણે રાહ જોવી જોઈએ. સંજોગો અને વાતાવરણ બદલાતાની સાથે તે વ્યક્તિ કે માન્યતામાં પણ પરિવર્તન આવી શકે છે. ત્રણેય પુત્રોએ જે પ્રતિક્રિયા આપી તે ત્વરિત અને લાંબા વિચાર વગરની હતી.

(૨) જે રીતે ઝાડ જુદી જુદી ઋતુમાં જુદું જણાતું હતું તેમ જીવન પણ સમય અને સંજોગ પ્રમાણે જુદા જુદા તબક્કાનો સામનો કરે છે. નિસ્તેજ ઝાડ પર વખત જતા પાંદડા અને તેનાથી આગળ જતાં ફળો આવે છે તેમ સંસાર પણ પરિવર્તનશીલ છે. પાનખર - વસંત - પાનખર તેમ વર્તુળ ચાલ્યા જ કરે છે. પ્રકૃતિમાં પણ કંઈ કાયમી નથી તેમ આપણા જીવનમાં પણ મિશ્ર અનુભવ થતાં રહે છે. આજે પતઝડ જોઈ છે તો ખાતરી રાખો કે વસંત આવી જ શકે અને તેવી જ રીતે કંઈ સ્થિર એકસરખું લાંબો સમય નથી ટકી શકતું. છેલ્લે કંઈ નહીં તો આપણે પાંદડાની જેમ સમય આવ્યે ખરી જવાનું છે. કદાચ જન્મ, મૃત્યુ, પુનર્જન્મ આવા ફેરા પણ ઝાડની પરિવર્તનશીલ અવસ્થા જેવા જ છે. બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ પણ પેલા ઝાડ જેવી ત્રણ અવસ્થા જ છે. ગીતામાં 'પરિવર્તન જ સંસારનો નિયમ' છે તે તત્ત્વ જ્ઞાન પર ભાર મુકાયો છે.આપણે કપરાં સમય વખતે  'આ સમય પણ ચાલ્યો જશે' તે યાદ રાખતા હિંમત કેળવવાની  છે અને સુખના સમયે પણ છકી જતા અટકીએ એટલે યાદ રાખવાનું છે કે 

'આ સમય (સુખ સાહ્યબીનો)પણ ચાલ્યો જવાનો છે.'

(૩) વ્યકિતએ માત્ર તેના જ મંતવ્ય બાબત જક્કી નથી રહેવાનું. અન્યના મંતવ્યો પણ સાંભળવા જોઈએ અને તેમાં સત્યતા હોય તો અહંકાર બાજુએ મૂકીને તેનો સ્વીકાર કરવો જોઈએ. તમારું મંતવ્ય પણ અન્ય  વ્યક્તિ જેવું તત્કાળ જે છાપ પડી હોય તેવું હોઇ જ શકે. બધાના મંતવ્ય ખોટા હોય અને કોઈ જ્ઞાની કે મર્મી જ સાચું અર્થઘટન કરે તેવું પણ બની જ શકે.જે બીજાને સાંભળે છે તે જ્ઞાન પામી શકે છે પણ જેને સાંભળવું જ નથી તે વયમાં તો વધે છે પણ તેનું  સોફ્ટવેર તો વર્ષો જૂનું રહે છે. તમને સૂચના કે જ્ઞાન જે  આપે છે તેનું સ્તર અને સોચ કેવી છે તે અંગે સભાન રહો. તમારો વિકાસ થાય છે કે પતન તે વિચારજો. પ્રત્યેક પુત્રના ઝાડ અંગેના વિચારો બંધિયાર અને જડ હતા. તેઓ એમ ઉમેરી શક્યા હોત કે 'મેં ઝાડ જોયું ત્યારે આવું હતું પણ હજુ તેને વિકસવાની ગુંજાઇશ છે. તેની જગ્યાએ તેઓ તેમણે જે જોયું તે જ અફર અને સાચું છે તેમ માનતા હતા. તેઓએ એમ પણ ન કહ્યું કે હું ગયો ત્યારે પતઝડ હતી પણ તું ગયો ત્યારે વસંત હશે. બસ પોતે જ સાચાનું રટણ તેઓનો સંપ તોડવાની તૈયારી કરી ચૂક્યું હતું.

  રાજા પછી ઉમેરે છે કે જીવન હવામાન જેવું પણ છે. જો આપણે વરસાદમાં (મુસીબતમાં) ફસાઈ જઇએ તો વરસાદને દોષ ન અપાય. આપણે બદલાતા હવામાનને ઝીલવામાં સજ્જ નહોતા બન્યા તેનું તે પરિણામ હોય છે.

ત્રણેય પુત્રોએ પિતાને પગે લાગીને આશીર્વાદ માંગ્યા અને તે સાથે જીવનદૃષ્ટિ આપવા બદલ આભાર પણ માન્યો.

ત્રણેય પુત્રોએ સંપ સાથે જુદી જુદી જવાબદારી સંભાળી વર્ષો વીતતાં શાસન કર્યું અને પ્રજા પણ સુખી બની. કોઈ વખત દુકાળ પડે તો ત્રણેય પુત્રો તે ગણતરીથી સજ્જ જ રહેતા. તેઓને ખાતરી હતી કે સમય વીતતાં વાદળો ગરજશે અને વરસાદ પડશે જ. તેઓના ન્યાયમાં પણ પાકટતા જોઈ શકાતી હતી. તેઓ સ્વસ્થ રહી શકતા હતા. કોઈના વિશે ઉતાવળી માન્યતા નહોતા બાંધતા એટલે કાચા કાનના પણ નહોતા.

જીવનનું તત્ત્વજ્ઞાન તેઓ પામી ગયા હતા.

રાજાના પુત્રો જેવો જ બોધ આપણને પણ લાગુ પડે જ છે કેમ કે મહદ્અંશે આપણી દ્રષ્ટિ સંકુચિત અને છીછરી હોય છે. 

જ્ઞાન પોસ્ટ  : કબીર વાણી

''કાજળ તજે ન શ્યામલતા, મુખરા તજે ન સ્વેત, દુરિજન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત''

અર્થ : જેવી રીતે કાજળ પોતાની કાળાશ છોડતું નથી અને મોતી પોતાનું સફેદપણું છોડતું નથી તેવી રીતે દુર્જનો પોતાની કુટિલતા છોડતા નથી અને સજ્જન પોતાનો હેતભાવ છોડતા નથી.

'હરદી રદી ન તજે, ખટરસ તજે ન આમ, ગુણીજન ગુણકો ન તજે, અવગુણ તજે ન ગુલામ'

અર્થ : જેમ હળદર પોતાની પીળાશ છોડતી નથી અને કેરી પોતાની ખટાશ તેમ ગુણીજન પોતાના સદ્ગુણો અને અવગણી માણસ પોતાના અવગુણ છોડતો નથી.

'જામે જીતની બુદ્ધિ, તિતન લોહ કર બતાય, વાકો બૂરા ન માનિયે, બહોત કહાં સે લાય.'

અર્થ : જેની જેટલી બુદ્ધિ તેટલું તે કરી કે બોલી બતાવે છે. તેને માટે મનમાં ઓછું લાવવું નહીં, કારણ કે તે પોતાની શક્તિ ઉપરાંત વધુ બુદ્ધિ ક્યાંથી લાવે ?

'ભૂખ ગઈ ભોજ મિલે, થડ ગઈ મિલી કબાય, જોબન ગયો ત્રીખા મિલે, તાકો આગ લગાય.'

અર્થ : ભૂખ મટી ગયા પછી ખાવાનું મળે, ઠંડી ગયા પછી ધાબળો, ઘડપણમાં સ્ત્રી મળે તેને આગ લગાડવી જોઈએ. તે વ્યક્તિને શા ઉપયોગનું ? દરેક કામ યથાસમયે થવું જોઈએ અને દરેકને મદદ તેના યોગ્ય સમયે કરવી જોઈએ જેનો અવસર સચવાયો તેની જિંદગી સચવાઈ.

'સજ્જન સે સજ્જન મિલે હોવે દો દો બાત, ગધા સે ગધા મિલે, ખાવે દો દો લાત'

અર્થ : સજ્જન પુરુષો એકબીજાને મળે ત્યારે સારી અને સભ્ય વાતો કરે છે. પણ બે ગધેડાઓ ભેગા થાય તો એકબીજાને લાતો જ માર્યા કરે છે. મૂર્ખ લોકો પોતાની જ પડતી કરાવતી લાતો ખાતા હોય છે. 


Google NewsGoogle News