ભવિષ્યમાં યુદ્ધો માત્ર રણ મોરચે નહીં લડાય...
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ઇન્ટરનેટના માધ્યમથી ઇઝરાયલે તેના શત્રુઓ પર જે રીતે 'ઇલેક્ટ્રોનિક' હુમલો કર્યો તે દર્શાવે છે કે પરંપરાગત યુદ્ધ નીતિમાં હવે ક્રાંતિકારી બદલાવ આવી રહ્યો છે
તા જેતરમાં ઇઝરાયલે જે રીતે એકપણ શસ્ત્ર વાપર્યા વિના લેબેનોન, સિરિયા અને ઇરાનને હચમચાવી મૂક્યા એ જાણીને આખું વિશ્વસ સ્તબ્ધ બની ગયું છે. ઇઝરાયલે પેજર, વોકીટોકી અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇઝનો દૂર બેઠાં કેવી રીતે ખાત્મો બોલાવી શકાય, શત્રુને મોતને ઘાટ ઉતારી શકાય એ દુનિયાએ જોયું, પરંતુ હવે ભવિષ્યમાં આપણે કલ્પના કરી ન હોય તેવા શસ્ત્ર-અસ્ત્ર વિકસાવાઈ રહ્યાં છે. જેમ કે અણુબોમ્બની આડપેદાશ તરીકે ઓળખાતા ઈ.એમ.પી. એટલે કે ઇલેક્ટ્રો મેગ્નેટિક પ્લસની ચર્ચા લાંબા અરસાથી થઈ રહી છે. અહીં આ મહાવિનાશક શસ્ત્ર તથા બીજા ઘાતક પ્રયોગોનો ચિતાર રજૂ કર્યોછે.
ઈ.એમ.પી.
ઓચિંતા એક દિવસ અમેરિકામાં અચાનક તમામ ટેલિફોન કામ કરતાં બંધ પડી ગયા, ટીવી અને રેડિયો સેટ મૂંગા બની ગયા. વાયરલેસ સેટો નિર્જીવ બની ગયા. કોમ્પ્યુટરોની મેમરી (યાદદાસ્ત) ભૂંસાઈ ગઈ. આકાશમાં ઉડી રહેલા વિમાનોની કન્ટ્રોલ પેનલો નિશ્ચેતન થઈ ગઈ. અવકાશમાં સતત ઘૂમતા રહેતા જાસૂસી અને સંદેશવ્યવહાર અને વેધર સેટેલાઈટ કામ કરતા બંધ થઈ ગયા.
આટલું બધું બની ગયું સેકન્ડના એક લાખમાં ભાગ જેટલા સમયમાં ... પહેલા આકાશમાં એક ચમકારો થયો અને પછી તરત જ અમેરિકાની સંદેશવ્યવહાર, વીજળી કોમ્પ્યુટર વગેરેની વ્યવસ્થા તૂટી પડી આના કારણે લશ્કરોની ટૂકડીઓ વચ્ચે વિમાનો અને કન્ટ્રોલ ટાવરો વચ્ચેની સંદેશ વ્યવહારની જીવાદોરી કપાઈ ગઈ. આખાય દેશમાં ભયાનક અંધાધૂંધી ફેલાઈ ગઈ. પ્રમુખના ખાસ વિમાનો અણુશસ્ત્રો સાથે આકાશમાં ઘૂમતા રહેતા હતાં. તે પણ નિષ્ક્રિય બની ગયાં. વ્હાઈટ હાઉસ સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો!
૧૯૬૨ના જુલાઈ માસમાં અમેરિકાએ ૨૪૮ માઈલની ઊંચાઈએ એક અણુધડાકો કર્યો હતો. ૮૦૦ માઈલ દૂર હવાઈ ટાપૂઓ પર રહેતા સહેલાણીઓએ આકાશમાં લીલાશ પડતો સફેદ ચમકાર જોયો હતો... પછી આકાશ ગુલાબી બની ગયું હતું... પછી નારંગી અને ત્યારબાદ લાલમલાલ પ્રકાશ આકાશમાં છવાઈ ગયો હતો.એક જ સેકન્ડમાં ઓહાયો શહેરની ૩૦૦ સ્ટ્રીટ લાઈટો બંધ પડી ગઈ હતી. ફ્યૂઝ ઊડી ગયા હતા. તે સમયે વિજ્ઞાનીઓએ માન્યું હતું કે અણુધડાકાના કારણે પેદા થતા આઘાતના મોજાનાં પ્રહારથી આવું બન્યું હશે.
આજે લશ્કરી નિષ્ણાતો અને અણુ-વિજ્ઞાનીઓ જાણી ચૂક્યા છે કે હવાઈની આ ઘટના ઈએમપી એટલે કે ઈલેક્ટ્રો મેગ્નેટિક પલ્સને આભારી હતી... ગુજરાતીમાં આપણે તેને વિદ્યુત ચૂંબકીય ધબકાર કહી શકીએ. અણુ ધડાકાના કારણે પેદા થતા ઈએમપીના મોજાં પ્રકાશની ઝડપે ચારે બાજુ ફરી વળે છે અને અત્યંત દૂર આવેલા સ્થળોની વિદ્યુત વ્યવસ્થાને ખોરવી નાખે છે.
અમેરિકી વિજ્ઞાનીઓએ અભ્યાસ અને સંશોધન કરી શોધી કાઢ્યું છે કે નેબ્રાસ્કાની ઉપર ૨૫૦ માઈલની ઊંચાઈએ જો રશિયા અણુવિસ્ફોટ કરે તો દર મીટરે ૫૦,૦૦૦ વોટ જેટલી પ્રચંડ શક્તિ ધરાવતું ઈએમપીનું મોજું સર્જાય અને આખાય દેશમાં ફરી વળે. આટલું શક્તિશાળી મોજું દેશની વિદ્યુત અને સંદેશવ્યવહારની વ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાખી શકે. આ મોજું માનવીને સીધેસીધું કોઈ નુકસાન ન પહોંચાડે . પણ આખા દેશને અંધકાર અને અંધાધૂંધીમાં નાખી દઈ શકે.
અત્રે એક વાતની નોંધ લેવી જોઈએ કે ચીની વિજ્ઞાનીઓ 'બ્લેક આઉટ' બોમ્બ તરીકે એક નવું શસ્ત્ર વિકસાવી રહ્યાં છે. જે ઈલેક્ટ્રો મેગ્નેટિક પલ્સની ટેક્નીક પર કામ કરશે. કલાકે ૪૬૦૦ માઈલની ઝડપે ધસી જતી હાઈપર સોનિક મિસાઈલ શત્રુ શહેરની તમામ વિદ્યુત યંત્રણા પળવારમાં ખોરવી નાંખશે જેથી કરીને આખાને આખા શહેરોની તમામ પ્રવૃત્તિ તત્કાળ થંભી જશે.
રશિયા અને અમેરિકા પણ આ પ્રકારની હાઈપર સોનિક મિસાઈલ વિકસાવી રહ્યાં છે.
દૂર સંવેદનાનો પ્રયોગ
અમેરિકાએ તેની સ્ટારવોર્સ યોજના આગળ ધપાવી છે. બિલ ક્લિન્ટન પ્રમુખ હતા ત્યારે જ સંરક્ષણના નામે આક્રમક વ્યૂહરચના ધરાવતી મિસાઈલ સિસ્ટમ નવેસરથી હાથ ધરવામાં આવી હતી. હવે પેન્ટાગોન નવેસરથી રશિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા સંભવિત શત્રુઓને ધ્યાનમાં રાખી નવા દાવપેચ, નવી ટેકનિક અજમાવી રહ્યું છે.
આ નાજુક સમતુલા હવે લાંબી દૂરીના શસ્ત્રો વડે નહિ, પણ દુરસંવેદનને કારણે તાજેતરમાં સહેજ અસ્તવ્યસ્ત બની ગઈ છે. આંખે પાટા બાંધ્યા હોવા છતાં કઈ વસ્તુ કે વ્યક્તિ ક્યાં હશે તે શોધી કાઢવાની આધિભૌતિક શક્તિને દૂરસંવેદન કહે છે. આ ગેબી શક્તિનો ઉપયોગ અમેરિકાની ગુનાશોધક સંસ્થા એફ.બી.આઈ. વર્ષોથી કરતી રહી છે. અટપટા કેસમાં ગુનેગારોને શોધી કાઢવા તે દૂર સંવેદનની કુદરતી બક્ષિસ ધરાવતા નિષ્ણાતોને તેડાવે છે. નિષ્ણાતો ફક્ત તે સ્થળનું અવલોકન કરીને કહી આપે છે કે ગુનેગાર કોણ હશે તેમ જ અત્યારે ક્યાં હશે.
દૂર સંવેદનની છઠ્ઠી ઇન્દ્રિય ધરાવતા નિષ્ણાતોનું અનુમાન દર વખતે અક્ષરશ: સાચું પડતું નથી છતાં નજરે ન દેખાતી ચીજોને 'પીન પોઈન્ટ' કરવામાં તેમની શક્તિ ક્યારેક ચકિત કરી દે છે. આ ક્ષેત્રે વધુ ઊંડું સંશોધન રશિયાએ કર્યું છે, જ્યારે અમેરિકા દૂરસંવેદનના લશ્કરી ઉપયોગ પાછળ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પાંચ કરોડ ડૉલર ખર્ચી ચૂક્યું છે. આ સ્પર્ધાને કારણે બંને દેશો વચ્ચે બળાબળનું ત્રાજવું વિચિત્ર રીતે હાલકડોલક થઈ રહ્યું છે.
પહેલાં રશિયાના પ્રયાસો પર એક ષ્ટિપાત કરવા જેવો છે. ક્રેઝ પેટ્રિયોટ અને એમ. એક્સ. પ્રકારનાં અમેરિકી મિસાઈલોને ચીંધી બતાવે તેવા નિષ્ણાતોની ફોજ તેણે ઊભી કરી છે. આ મિસાઈલોના નામે અમેરિકા કેટલાં અબજ ડૉલર ફાળવી ચૂક્યું છે કારણ કે તે મામૂલી શસ્ત્રો નથી એમ. એક્સ.નું સ્થાન રશિયાને કદી ખબર ન પડે એ રીતે તેનો મોરચો ગોઠવવામાં આવ્યો છે પેન્ટાગોને પહાડોમાં કેટલાંક ઊંડાં દર (સીલો) બનાવ્યા છે. આ પૈકી અમુક દરમાં અદ્યતન ન્યુક્લિયર મિસાઈલને ગોઠવી દેવાશે, તો અમુક દર બિલકુલ ખાલી રહ્યા છે. પહાડના ઊંડાણમાં વિવિધ દરો વચ્ચે લગભગ ૨૦૦ મિસાઈલોની ફેરબદલી છાશવારે થતી રહે છે. પરિણામે અણુયુધ્ધ વખતે નિશાન લેવા માગતું રશિયા નક્કી નહી કરી શકે કે ક્યાં દર ભરેલાં હશે અને ક્યા ખાલી હશે! આવી જ ગોઠવણ ક્રુઝ મિસાઈલ બાબત છે.
સોનિક વેપન
અમેરિકાએ એક રહસ્યમય બીમારીને લઈને ચીન માટે 'હેલ્થ એલર્ટ' જારી કરતાં બે વર્ષ બાદ ફરી એક વખત સોનિક વેપનનો ભય સર્જાયો છે. ગયા વખતે ક્યુબામાં પહેલી જ વખત આ પ્રકારની ઘટના સામે આવી હતી અને તે સમયે અમેરિકી રાજદૂતો અને તેમના પરિવારજનો થથરી ઉઠયા હતા. થોડા સમય બાદ દક્ષિણ ચીનના ગુઆંગઝાઉ શહેર સ્થિત એક રાજદૂતવાસમાં તબીબોની એક ટુકડી ખતરનાક અવાજને કારણે બીમાર પડનારા સ્ટાફને ઇલાજ કરી રહી હતી.
કેટલાક સ્ટાફની તબિયત વધુ લથડવાથી તેમને અમેરિકા પરત બોલાવી લેવામાં આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે તેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનો બ્રેઇન ટ્રોમાનો ઇલાજ ચાલી રહ્યો હતો.
ક્યુબામાં પણ વિચિત્ર અવાજનો મામલો હજુ સુધી મેડિકલ જગત માટે એક કોયડો બનેલો છે. ૨૦૧૬થી અત્યાર સુધીમાં ક્યુબામાં ગંભીર રૂપથી પીડિત ૨૪ રાજનયિકોને પરત બોલાવવામાં આવ્યા છે.
ચીનમાં આવી ઘટના કૂટનીતિક કોયડો બનેલો છે, કેમ કે હજુ સુધી એ સમજમાં આવ્યું નથી કે આ બાબતની પ્રતિક્રિયા આપવી કઈ રીતે અને શું તે ચીનની ધરતી પર અમેરિકીઓ વિરુદ્ધ જાણી જોઈને કરવામાં આવેલો હુમલો હતો કે નહીં?
દુનિયાભરમાં હવાના સિન્ડ્રોમના એક હજાર કરતાં પણ વધારે કેસો નોંધાયા છે. આત્યંતિક કેસમાં રાજદ્વારીઓ તથા ઇન્ટેલિજન્સ અધિકારીઓએ આ બિમારીને કારણે તબિયત કથળવાને કારણે નોકરી છોડી દીધાંના દાખલા છે. આ સિન્ડ્રોમ થવાનું કારણ તો જાણી શકાયું નથી પણ હાઇ ફ્રિકવન્સી ધરાવતાં માઇક્રોવેવ પ્રસારણ સાથે તેને સાંકળવામાં આવે છે. ભારતમાં આવો કેસ ૨૦૨૧માં જણાયો હતો. યુએસની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી-સીઆઇએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ સાથે દિલ્હીમાં આવેલા ઇન્ટેલિજન્સ ઓફિસરે હવાના સિન્ડ્રોમ સાથે મેળ ખાતી તકલીફો થઇ હોવાની ફરિયાદ કરી હતી. હાલ આ બિમારીની કોઇ સારવાર ઉપલબ્ધ નથી.
હવાના સિન્ડ્રોમના કેસો ક્યુબા, ચીન, રશિયા, પોલેન્ડ, જ્યોર્જિયા, સર્બિયા, ભારત, કોલંબિયા , ફ્રાન્સ, સ્વિત્ઝર લેન્ડ અને તાઇવાનમાં નોંધાયા છે. નોંધપાત્ર બાબત એ છે કે સીઆઇએ દ્વારા ૨૦૨૨માં આ મામલે તપાસ કરી તેમાં કોઇ વિદેશી શક્તિનો હાથ હોવાની શક્યતા નકારી કાઢી હતી. એ જ રીતે નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટરે પણ માર્ચ ૨૦૨૩માં જારી કરેલા રિપોર્ટમાં આ હુમલા કોઇ વિદેશી દુશ્મનો દ્વારા કરાતાં હોવાની વાત કરી હતી. આમ છતાં, બાઇડન વહીવટી તંત્રએ ઓક્ટોબર ૨૦૨૧માં હેલ્પિંગ અમેરિકન વિક્ટિમ્સ અફલિકેટેડ બાય ન્યુરોલોજિકલ એટેક્સ- યાને હવાના- એક્ટને મંજૂર કરી આ સિન્ડ્રોમનો ભોગ બનેલાઓને વધારાની મેડિકલ અને નાણાંકીય સુવિધાઓ આપવાની જોગવાઇ કરી હતી.
NSO
અહીં આપણે ઇઝરાયલ દ્વારા વર્તમાન સમયમાં વિકસાવાઈ રહેલા વિવિધ વાયરસની વિગતો જાણીએ ઇઝરાયલે સાયબર વોરફોરના ભાગરૂપે એક વિશિષ્ટ ગુ્રપની રચના કરી છે, જે NSO તરીકે ઓળખાય છે. બે વર્ષ પૂર્વે એપલે કેલિફોર્નિયામાં ફેડરલ કોર્ટમાં દાખલ કરેલી તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે એનએસઓ જૂથના કર્મચારીઓ ૨૧મી સદીના ગુંડાઓ છે, જેમણે અત્યંત સંવેદનશીલ સાઇબર સર્વેલન્સ યંત્રણા વિકસાવી છે જેનો દૈનિક ધોરણે દૂરુપયોગ કરી શકાય. એપલે જણાવ્યું હતું કે એનએસઓ જૂથનું સ્પાયવેર પીગેસસનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં એપલના ગ્રાહકો પર નાના પાયા પર ત્રાટકવા કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ સરકાર પ્રાયોજિત જૂથો જેવા કે એનએસઓ જૂથ અત્યંત સંવેદનશીલ સર્વેલનન્સ ટેકનોલોજીઓ પાછળ કરોડો ડોલર ખર્ચે છે અને તેમા કોઈની જવાબદેહિતા હોતી નથી.